પહેલી વાર બીમારી ઉપરથી નીચે જઈ રહી છે અને એ જ કોરોનાની ખાસિયત છે

07 April, 2020 09:56 AM IST  |  Mumbai | Manoj Joshi

પહેલી વાર બીમારી ઉપરથી નીચે જઈ રહી છે અને એ જ કોરોનાની ખાસિયત છે

પ્રતીકાત્મક તસવીર

આજ સુધીનો રેકૉર્ડ રહ્યો છે કે જ્યારે પણ કોઈ પણ વાઇરસ આવ્યા છે ત્યારે એ નીચેના સ્તરથી ઉપરના સ્તર તરફ આવ્યા છે, કોઈ પણ વાઇરસ. ડેન્ગીથી માંડીને મલેરિયા અને સ્વાઇન ફ્લુથી માંડીને સામાન્ય ફ્લુ સુધ્ધાંને પણ આ જ વાત લાગુ પડે, પણ કોરોના એકના કેસમાં ઊંધુ બન્યું છે. એ ઉપરથી આવ્યો છે અને એ જ સૌથી મોટા જોખમની વાત છે. કઈ રીતે એ સમજવાની જરૂર છે.

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ગંદકી, અસ્વચ્છતા કે પછી અનહાઇજીન વાતાવરણમાં બીમારીના વાઇરસ જન્મે અને હિસ્ટરી પણ એવું જ કહે છે. ગંદકીને કારણે વાઇરસ જ્યારે પણ જન્મ્યો છે ત્યારે એણે નાના વર્ગને એટલે કે ગરીબી રેખા પર જીવતા લોકોને હણવાનું શરૂ કર્યું છે. પ્લેગની હિસ્ટરી પણ તમે જોઈ લો અને ટીબીનો ઇતિહાસ પણ ચેક કરશો તો પણ તમને આ વાતનો અણસાર મળી જશે, પણ આ વખતે પહેલીવાર ઊલટું થયું છે. કોરોના ઉપરના સ્તરથી એટલે કે એલિટ ક્લાસથી આવ્યો છે. ફૉરેનમાં ટ્રાવેલ કરતા લોકો પાસેથી આવ્યો છે. ૨૫-૫૦ હજારની ટિકિટ ખરીદીને ફૉરેન જનારા, ત્યાં રહેનારા કે પછી ફરીને પાછા આવ્યા છે એવા લોકો પાસેથી કોરોના આવ્યો છે. કોરોનાનો ડર પણ એટલે જ સૌથી મોટો ઊભો થયો છે. નાના વર્ગમાંથી આવનારી બીમારી હંમેશાં ઉપરના સ્તર સુધી પહોંચવામાં વાર કરતી હોય છે અને એ જે સમય હોય છે એ સમય દરમ્યાન બીમારીની વૅક્સિન કે પછી એની મેડિસિન શોધી લેવામાં આવતી હોય છે અને આ કામ પણ ઉપરનો વર્ગ કરતો હોય છે, પણ આ વખતે એ સમય પણ નથી મળ્યો. ફૉરેનથી કોરોના આવ્યો, એલિટ ક્લાસ કે પછી ઉચ્ચ વર્ગમાંથી સીધો એ સોસાયટીમાં દાખલ થયો એટલે એનો ઊહાપોહ પણ મોટો થયો અને એ વર્ગ પર કોરોનાનું જોખમ વધ્યું જે વર્ગ સોસાયટી ચલાવવાનું કે સોસાયટી દોરવવાનું કામ કરતો હતો.

કોરોનાને કાબૂમાં લેવાનું કામ અઘરું છે. ખાસ કરીને એવા સમયે જ્યારે આ વાઇરસ માણસ જમાત માટે સાવ નવો છે. કહો કે, માણસે આ વાઇરસને જોયો જ નથી, કલ્પ્યો પણ નથી અને એટલે જ એની મેડિસિન માટે પણ રાહ જોવી પડશે. જ્યારે રાહ જોવાની હોય ત્યારે ઇંતેજાર અઘરો બની જતો હોય છે. કોરોનાને કાબૂમાં લેવાનું કામ અઘરું છે. કોઈ કંઈ પણ કહે, પણ એક હકીકત એ પણ છે કે કોરોના ગરમીમાં નાબૂદ થશે એનો પણ કોઈને અંદાજ નથી. કોરોના ઠંડીમાં કે ઠંડા વાતાવરણમાં જીવે છે એ તો યુરોપ અને અમેરિકાના દેશોમાં એ જે પ્રકારે વકર્યો એના પરથી પુરવાર થઈ ગયું છે, તો હવે એ પણ પુરવાર થવાનું છે કે કોરોના ગરમ પ્રદેશમાં ટકે છે કે નહીં? ધારો કે ટકી ગયો તો મુદ્દો ત્યાં ને ત્યાં જ ઊભો રહેશે અને ધારો કે એ ગયો તો પણ ખબર નહીં હોય કે કોરોના ગરમી પછી પાછો આવશે કે નહીં. કોરોનાના ભાવિ વિશે ત્યારે જ સાચું પિક્ચર મળશે જ્યારે એ ત્રણ સીઝન પૂરી કરશે અને આ સીઝન દરમ્યાન જ એની વૅક્સિન પર કામ થશે.

જાતને કેદ કરી રાખો. ઇચ્છાઓને, ખ્વાહિશોને રોકી રાખો. આજે રોકી શકશો તો જ આવતી કાલે એ પૂરી કરવાની તક મળશે.

manoj joshi columnists coronavirus covid19