કાન્તિ મડિયાનાં નાટકો પછી પહેલી વાર ‘જંતરમંતર’માં રિવૉલ્વિંગ સેટ વપરાયો

09 May, 2022 11:48 AM IST  |  Mumbai | Sanjay Goradia

દસ સેકન્ડમાં નવો સેટ ગોઠવાઈ જાય અને સીન ચાલુ પણ થઈ જાય. આ કમાલ ડબલ રિવૉલ્વિંગ સેટની હતી. જોકે આ પ્રકારના સેટ માટે ઍક્ટરોએ પણ ટ્રેઇનિંગ લેવી પડે

‘જંતરમંતર’ની સૌથી મોટી વાત જો કોઈ હોય તો એ કે નાટક જોતી વખતે રીતસર લોકો ડરતા હતા. એવું ઘણા શોમાં બન્યું છે કે બીકના માર્યા લોકો શોમાંથી નીકળી ગયા હોય. આ અમારી સિદ્ધિ હતી એવું કહું તો જરા પણ અતિશયોક્તિ નહીં કહેવાય.

આપણે વાત કરીએ છીએ અમારા નવા નાટક ‘જંતરમંતર’ના મેકિંગની. ગયા સોમવારે તમને કહ્યું એમ જે છોકરીમાં ભૂત આવે છે એ કૅરૅક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ હતું. આ રોલ માટે અમે શ્રેયા બુગડેને કાસ્ટ કરી. તમને એ પણ કહ્યું કે શ્રેયા અત્યારે મરાઠીમાં બહુ મોટું નામ થઈ ગઈ છે અને એ પણ કહ્યું કે તે કૉમેડી શો ‘ચલા હવા યેઉ દ્યા’ની લીડ ઍક્ટ્રેસ છે. સરતચૂકથી એવું લખાઈ ગયું કે આ શો કલર્સ મરાઠી પર આવે છે; પણ ના, આ શો ઝી મરાઠી પર આવે છે. શ્રેયા ઉપરાંત અમે પલ્લવી પ્રધાન અને અભય હરપળેને લાવ્યા. અભય અને પલ્લવી બન્ને એવાં હસબન્ડ-વાઇફનું કૅરૅક્ટર કરતાં જે બન્ને લૉયર છે અને મતભેદને કારણે છૂટાં પડી ગયાં છે. આ ઉપરાંત મૅજિસ્ટ્રેટ તરીકે અર્શ મહેતાને કાસ્ટ કર્યો. અર્શ અત્યારે હયાત નથી. નાની ઉંમરે તેનો દેહાંત થયો. હજી ત્રણ મહત્ત્વનાં કૅરૅક્ટરનું કાસ્ટિંગ બાકી રહેતું હતું. એક છોકરીના પેરન્ટ્સનું કાસ્ટિંગ અને બીજું હતું વારાણસીથી આવેલા તાંત્રિકનું કાસ્ટિંગ.
શ્રેયાનાં માબાપના રોલમાં અમે સૌનિલ દરુ અને સંજીવનીને કાસ્ટ કર્યાં તો તાંત્રિકની ભૂમિકામાં સનત વ્યાસને લીધા. સનતના અવાજનો આરોહ-અવરોહ અને ચહેરાના એક્સપ્રેશન એ રોલમાં એકદમ બંધબેસતા હતા એ મારે કહેવું જ રહ્યું. આ બન્ને કાસ્ટિંગ પછી એક ચાવીરૂપ ભૂમિકામાં કપિલ ભુતાને લીધો. કાસ્ટિંગ ખાસ્સું મોટું હતું. મેં ગયા સોમવારે કહ્યું એમ એ સમયમાં આ કાસ્ટિંગ ન ભૂતો, ન ભવિષ્યતિ સમાન હતું. ત્રણ નાટકનું કાસ્ટિંગ અમે એક નાટકમાં કર્યું અને એ જરૂરી પણ હતું, કારણ કે નાટક મોટું હતું. નાટકમાં ચારથી પાંચ સેટ હતા, અલગ-અલગ લોકેશન હતાં અને અમારે એ બાબતમાં પણ કોઈ બાંધછોડ નહોતી કરવી. અમે નક્કી કર્યું કે નાટક ડબલ રિવૉલ્વિંગ સેટ પર કરવું. મિત્રો, આગળ વધતાં પહેલાં તમને જરા સમજાવી દઉં કે આ ડબલ રિવૉલ્વિંગ સેટ શું છે અને એનો ઉપયોગ અગાઉ કોણે કર્યો હતો?
નાટકમાં જ્યારે લોકેશન વધારે હોય એવા સમયે ચાલુ લાઇટે સેટ બદલવો પડે અને એવું કરવા માટે તમને દરેક વખતે કર્ટન બંધ કરવો પડે. આ કર્ટન બંધ થવાનો પણ હિસાબ હોય. ત્રીસ સેકન્ડ એ બંધ થવામાં લે અને ત્રીસ સેકન્ડ કર્ટન ઓપન થવામાં જાય. લાઇવ એન્ટરટેઇનમેન્ટમાં એકેએક મિનિટ અગત્યની હોય છે. જો એમાં વારંવાર આવી રીતે વ્યત્યય આવે તો ઑડિયન્સનો વાર્તામાંથી રસ ઊડી જાય, જે નાટક માટે જોખમી કહેવાય. તમે મહેનત કરીને ઑડિયન્સને વાર્તા સાથે જોડો અને પછી તમે જ સેટ બદલવા વારંવાર કર્ટન આપ્યા કરો તો એનો કોઈ અર્થ નથી સરતો. 
અમને ચાલુ નાટકે દસ સેકન્ડમાં સેટ બદલાય એ મુજબની ટેક્નિક જોઈતી હતી. અમારી પાસે સેટના માસ્ટર એવા છેલ-પરેશ હતા અને એમાં પણ છેલભાઈ તો ડબલ રિવૉલ્વિંગમાં બધાના બાપ. અત્યારે આખા ઇન્ડિયામાં ડબલ રિવૉલ્વિંગ સેટના ટેક્નિશ્યન આંગળીના વેઢે ગણાય એટલા જ બચ્યા છે, પણ છેલ વાયડા પાસે જે જ્ઞાન હતું એવું જ્ઞાન કોઈ પાસે નથી. હા, આ આખી પ્રક્રિયા ઘણી ખર્ચાળ. ખર્ચાળ શું કામ એ જાણવા આપણે પહેલાં ડબલ રિવૉલ્વિંગ સેટની ટેક્નિક સમજવી પડશે. 
ડબલ રિવૉલ્વિંગ સેટમાં અઢાર-અઢાર ફુટના વ્યાસવાળાં બે મોટા ચકરડાં હોય અને આ ચકરડાં પર આખો સેટ માઉન્ટ થયો હોય. ચકરડું ફરે એટલે આખો સેટ ફરી જાય. આગળનો સીન ભજવાતો હોય એ જ દરમ્યાન પાછળની બાજુએ બીજો સેટ તૈયાર થઈ ગયો હોય એ મુજબની આ આખી કારીગરી છે. ઑડિયન્સ આગલો સીન જોતું હોય એ દરમ્યાનમાં પાછળ આ બધું થઈ જાય અને તેમને ખબર પણ ન પડે. બ્લૅકઆઉટ થાય અને નવા સીન માટે દસ સેકન્ડમાં ફરી લાઇટ થાય ત્યારે આખો સેટ નવો આવી ગયો હોય.
કાંતિ મડિયાનાં ઘણાં નાટકો ડબલ રિવૉલ્વિંગ સેટ પર થયાં હતાં. ‘આતમને ઓઝલમાં રાખ મા’, ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’, ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’ જેવાં અનેક નાટકો મડિયાએ ડબલ રિવૉલ્વિંગ સેટ પર કર્યાં હતાં. દસ સેકન્ડમાં બદલાઈ જતા સેટને જોઈને લોકો આભા થઈ જતા. અહીંથી વાતનો કોણ બદલાય છે.
શમશુ નામનો એક સેટ-એક્ઝિક્યુટર હતો, જે સેટ લગાડવાનું અને સેટને પોતાને ત્યાં સાચવી રાખવાનું કામ કરે. એક દિવસ તેના ગોડાઉનમાં આગ લાગી અને એ આગમાં મડિયાના બધા સેટ અને ડબલ રિવૉલ્વિંગ સેટમાંથી એક રિવૉલ્વિંગ ચકરડું આખું બળી ગયું. મિત્રો, આ ડબલ રિવૉલ્વિંગ સેટ બનાવવામાં ખૂબ જ મહેનત લાગે અને એ અતિશય ખર્ચાળ પણ છે. ‘જંતરમંતર’ સમયે અમે છેલભાઈને કહ્યું કે મડિયાના ડબલ રિવૉલ્વિંગ સેટમાંથી એક બળી ગયું છે, પણ બીજું છે. જો એ બીજું રિવૉલ્વિંગ તમે ક્યાંકથી શોધો તો આપણું કામ થઈ જાય. છેલભાઈની એક ખાસિયત કહું તમને. તેમને ચૅલેન્જ અતિશય ગમે.
‘થોડો સમય આપ સંજય, શોધું એ બીજું ચકરડું ક્યાં છે...’ 
છેલભાઈ તો લાગી ગયા કામે અને અમારા સદ્ભાગ્યે જે રિવૉલ્વિંગ ચકરડું બચી ગયું હતું એ અમને મળી ગયું. હવે વાત બાકીનું રિવૉલ્વિંગ ચકરડું બનાવવાની. અમારા સેટ-એક્ઝિક્યુટર કલ્પકલા સેટિંગ્સવાળા પ્રવીણ ભોસલેને મેં બોલાવ્યો અને તેને કહ્યું કે તું બીજું રિવૉલ્વિંગ બનાવ. 
‘ખર્ચાની ચિંતા નહીં કરતો. આપણે કોઈ પણ હિસાબે ડબલ રિવૉલ્વિંગ સેટ પર જ આ નાટક કરવું છે.’
- અને આમ મડિયાનાં નાટકો પછી પહેલી વાર ગુજરાતી રંગભૂમિ પર ‘જંતરમંતર’ નાટક ડબલ રિવૉલ્વિંગ સેટ પર ભજવાયું. અલબત્ત, વાત અહીં પૂરી નથી થતી.
આ સેટ પર રિહર્સલ્સ કરવાનાં, સેટ ફરતો રહેવાનો હોય એટલે ઍક્ટરોને પણ એના માટે તૈયાર કરવાના. જેવો બ્લૅકઆઉટ આવે કે સેટ ગોળ ફરવાનો શરૂ થાય અને નવું લોકેશન આવે, જે લોકેશન પર ઑલરેડી કલાકારો હાજર હોય. આ કલાકારોને ફરતા સેટ પર ચક્કર ન આવે કે પડી ન જવાય એનું ધ્યાન રાખવું બહુ મહત્ત્વનું છે. આવા સમયે તમારે ઍક્ટરની પોઝિશન એવી રાખવી પડે કે તેની આજુબાજુમાં ખુરશી કે ટેબલ પડ્યું હોય. એટલે સેટ ફરે ત્યારે તે ઍક્ટિંગની મુદ્રામાં જ ઊભો રહીને જરૂર પડે તો પેલો સપોર્ટ લઈ શકે. આ અને આ સિવાયના પણ ઘણા મુદ્દા હતા. જોકે કહેવાનો ભાવાર્થ એ કે ડબલ રિવૉલ્વિંગ સેટ સાથે અમારે એ તમામ મુદ્દાઓને પણ કવર-અપ કરવાના હતા અને એ રિહર્સલ્સ દરમ્યાન જ થઈ શકવાના હતા. અમે આઠ દિવસ બોરીવલીના કોરા કેન્દ્રમાં રિહસર્લ્સ કર્યાં તો શિવડીમાં એક ઑડિટોરિયમ છે ત્યાં પણ રિહર્સલ્સ કર્યાં. એ પછી વાત આવી ગ્રૅન્ડ રિહર્સલ્સની. એના માટે અમારું માનીતું અને જાણીતું ભૂરીબેન ઑડિટોરિયમ કામ લાગવાનું નહોતું, કારણ કે એનું સ્ટેજ નાનું છે. અઢાર ફુટના બે રિવૉલ્વિંગ સેટ નાના સ્ટેજ પર લાગી શકે નહીં એટલે અમે ગ્રૅન્ડ રિહર્સલ્સ માટે પ્રૉપર ઑડિટોરિયમ એવા સાહિત્ય સંઘ મંદિરમાં ગયા. અફકોર્સ, એ અમને મોંઘું પડતું હતું, પણ અમારી પાસે એ વધારાનો ખર્ચ કરવા સિવાય બીજો કોઈ છૂટકો નહોતો. 
ગ્રૅન્ડ રિહર્સલ્સ, ઓપનિંગ અને એ સિવાયની બીજી વાતો કરીશું હવે આવતા સોમવારે.

columnists Sanjay Goradia