રાજ કપૂર માટે સુખનું સરનામું એટલે મુકેશનો ખભો

19 November, 2022 07:08 PM IST  |  Mumbai | Rajani Mehta

લતા મંગેશકર સાથે અમેરિકામાં કાર્યક્રમ કરવા ગયેલા મુકેશનું અવસાન ૨૭ ઑગસ્ટ, ૧૯૭૬ના દિવસે ડેટ્રોઇટ, મિશિગનમાં થયું. શું મુકેશને એનું પૂર્વાનુમાન થઈ ચૂક્યું હતું? 

રાજ કપૂર માટે સુખનું સરનામું એટલે મુકેશનો ખભો

‘મૈં આજ ઝિંદા તો હૂં, પર મેરી આવાઝ ચલી ગઈ.’ કપૂર પરિવારના જ એક સભ્ય એવા મીઠામધુરા ગાયક મુકેશની ચિરવિદાયના સમાચાર સાંભળી ભાંગી પડેલા રાજ કપૂરે પોતાની વેદના વ્યક્ત કરતાં આવું કહ્યું હતું. જીવનભર રાજ કપૂર તેમનો ઉલ્લેખ ‘Soulmate’ (ગુજરાતીમાં ‘મનમીત’ કહી શકાય?) તરીકે કરતા. લતા મંગેશકર સાથે અમેરિકામાં કાર્યક્રમ કરવા ગયેલા મુકેશનું અવસાન ૨૭ ઑગસ્ટ, ૧૯૭૬ના દિવસે ડેટ્રોઇટ, મિશિગનમાં થયું. શું મુકેશને એનું પૂર્વાનુમાન થઈ ચૂક્યું હતું? 
કારણકે ટૂર પર જતાં પહેલાં તેમનો આગ્રહ હતો કે ‘સત્યમ શિવમ સુંદરમ’નું ગીત રેકૉર્ડ કરીને જ હું જઈશ. આ ગીતના શૂટિંગ માટે હજુ ઘણો સમય બાકી હતો. ગીત રેકૉર્ડ કરવાની કોઈ ઉતાવળ નહોતી. તો પણ અમેરિકા જવાની તૈયારીની દોડધામની ચિંતા કર્યા વિના, જવાના એક દિવસ પહેલાં જ, મુકેશના સ્વરમાં ‘ચંચલ શીતલ નિર્મલ કોમલ, સંગીત કી દેવી સ્વર સજની’ લગભગ 18 કલાકની મહેનત બાદ રેકૉર્ડ થયું. 
રાજ કપૂરની ફિલ્મનું ગીત રેકૉર્ડ થાય ત્યારે એક શિરસ્તો હતો કે કામ પૂરું થાય એટલે સૌ ડ્રિન્ક લેતાં ગીતનું ફાઇનલ રેકૉર્ડિંગ સાંભળે, એની ચર્ચા કરે અને પછી છૂટા પડે. તે દિવસે તાડદેવના ફેમસ સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ પૂરું થયું ત્યારે વહેલી સવારના ૪ વાગ્યા હતા. લક્ષ્મીકાન્ત–પ્યારેલાલ, ઝીનત અમાન ઘરે જવાની ઉતાવળમાં હતાં. રાજ કપૂરે વધુ આગ્રહ ન કર્યો. આમ એ દિવસે આ રસમ પૂરી ન થઈ. 
મુકેશ તેમની સાથે ઉત્તમ વ્હિસ્કીની બૉટલ લઈને આવ્યા હતા. તેમણે રાજ કપૂરના અંગત સહાયક જૉહનને બૉટલ આપીને કહ્યું, ‘રાજસાબ જ્યારે ગીત ફાઇનલ કરે ત્યારે આ બૉટલ ખોલજે.’ એ દિવસ બે મહિના પછી આવ્યો. ઝીનત અમાન એક મહિનાની વિદેશની ટૂર પૂરી કરી ૧૯ સપ્ટેમ્બર, ૧૯૭૬ની સાંજે રાજ કપૂરને મળવા ચેમ્બુર કૉટેજ આવી. એ પહેલાં રાજ કપૂરે જૉહનને પૂછ્યું કે ડ્રિન્ક માટે કંઈ છે? તેણે કહ્યું, ‘મુકેશસા’બે આ બૉટલ તમારા માટે આપી હતી. કહ્યું હતું કે ગીત ફાઇનલ થાય ત્યારે આપજે.’ એ અંતિમ ડ્રિન્ક હતું જે રાજ કપૂર પોતાના ‘સોલમેટ’ સાથે ન લઈ શક્યા. 
એક ઇન્ટરવ્યુમાં રાજ કપૂર મુકેશનાં સંસ્મરણોને વાગોળતાં કહે છે, ‘વિદેશના કાર્યક્રમોમાં મુકેશ મારી સાથે આવતા. હું તેમનો પરિચય મારા ‘સોલમેટ’ તરીકે આપતો. એ પહેલાં ત્યાંના લોકોને એમ જ હતું કે મુકેશે ગાયેલાં યાદગાર ગીતો મેં જ ગાયાં છે. ૧૯૫૪માં હું રશિયા ગયો ત્યારે સ્ટેજ પરથી મેં ‘આવારા હૂં’ ગાયું હતું. થોડાં વર્ષો બાદ એક ટૂરમાં મુકેશ મારી સાથે હતા. કાર્યક્રમમાં તેમણે ગીત ગાયું અને મેં હોઠ ફફડાવી અભિનય કર્યો. મેં ચાહકોને કહ્યું કે શરીર મારું છે પરંતુ આત્મા મુકેશનો છે. એ કાર્યક્રમોની એક નાની ફિલ્મ પણ મેં બનાવી, જેમાં હાર્મોનિયમ લઈને મુકેશ ગીત ગાય છે અને હું અભિનય કરું છું. જ્યારે રશિયામાં મારી ફિલ્મો રિલીઝ થતી એ સમયે આ ફિલ્મ પણ દેખાડવામાં આવતી. આમ રશિયામાં મારો ‘આત્મા’, મારા ‘દેહ’ જેટલો જ લોકપ્રિય થયો.’ 
આ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી. રાજ કપૂરની કારકિર્દીની શરૂઆતની ફિલ્મોમાં તેમના જ અવાજમાં ગીતો રેકૉર્ડ થયાં છે. ‘ઓ દુનિયાકે રહેનેવાલે બોલો કહાં ગયા ચિતચોર’ (૧૯૪૭ - દિલ કી રાની - એસ. ડી. બર્મન - યશોનંદન જોશી), અને ‘પિયા મિલને નવેલી નદી જાયે રે’ (૧૯૪૭ - જેલ યાત્રા - નીનુ મઝુમદાર – રામમૂર્તિ ચતુર્વેદી) સાંભળીએ ત્યારે એમ જ લાગે કે આ ગીતો મુકેશે ગાયાં હશે. બન્નેના અવાજનો ફરક શોધવામાં જાણકાર લોકો પણ થાપ ખાઈ જાય. 
મુકેશ અમેરિકા ગયા એ સમયની વાત કરતાં ભાવુક થઈને રાજ કપૂર કહે છે, ‘ત્યાંથી તેમણે મિત્રો અને સ્વજનોને પત્રો લખ્યા હતા. કૃષ્ણાને તેમણે બહેન માની છે. તેના પર લખેલા પત્રમાં લખ્યું; ‘ટૂરમાં ખૂબ મજા આવે છે, કાર્યક્રમો અત્યંત લોકપ્રિય થયા છે.’ મારી ચિંતા કરતાં લખ્યું, ‘જતાં પહેલાં રેકૉર્ડિંગ કરતી વખતે રાજની હાલત મને સારી નહોતી લાગતી. તે થાકેલો હતો અને પૂરો સ્વસ્થ નહોતો. તે વધારે પડતું કામ કરે છે અને ટેન્શનમાં રહે છે. તેનું ધ્યાન રાખજે. મુંબઈ આવ્યા બાદ હું પણ તેની સાથે નિરાંતે બેસીને આ વિશે વાત કરીશ.’ 
 મુકેશ સાથેની અંતિમ મુલાકાતને યાદ કરતાં રાજ કપૂર કહે છે, ‘૨૨ જુલાઈ મુકેશનો જન્મદિવસ હતો. એ દિવસે તેમની લગ્નતિથિ પણ હતી એટલે મિત્રોએ એક પાર્ટી રાખી હતી. ગીતનું રિહર્સલ પૂરું કરીને હું અને મુકેશ પાર્ટીમાં ગયા. (એ ગીતનું રેકૉર્ડિંગ 26 જુલાઈએ થયું અને મુકેશ અમેરિકા ગયા) પાર્ટીમાં એ દરેકને કહેતા, ‘આ ગીત મારા જીવનનું ઉત્તમ ગીત છે.’ કોને ખબર હતી એ ગીત તેમના જીવનનું અંતિમ ગીત હશે?
મુકેશ એક દિલદાર વ્યક્તિ હતા. તેમનો સ્વભાવ એવો હતો કે હર કોઈ તેમને પ્રેમ કરતા. તેમના ચાહકોનો પ્રેમ મને પણ મળ્યો છે. તેમના મૃત્યુના સમાચાર સાંભળી મોન્ટ્રિયલ, કૅનેડામાં રહેતા તેમના મિત્ર ભાટિયા દરરોજ મને ફોન કરે છે. ત્યાંના પૂરા કાર્યક્રમનું રેકૉર્ડિંગ મને મોકલાવ્યું છે.’
‘એક વ્યક્તિ તરીકે મુકેશની ઓળખ આપવી હોય તો તમે શું કહી શકો?’ પત્રકાર બની રૂબેને રાજ કપૂરને પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કહ્યું, ‘એક ખુશમિજાજ, ઝિંદાદિલ અને હસમુખ વ્યક્તિ, જે હંમેશ પૉઝિટિવ થિન્કિંગ કરતી અને બીજાને મદદ કરવા તત્પર રહેતી. ગમે એટલું ગમગીન વાતાવરણ હોય, તેમની સેન્સ ઑફ હ્યુમરને કારણે એ હળવું થઈ જતું. જ્યારે-જ્યારે મારા જીવનમાં મુશ્કેલીઓ આવી છે ત્યારે, હું ગમે ત્યાં હોંઉ, મુંબઈમાં કે બહાર, હું તેમને ફૉન કરીને મારી વ્યથા ઠાલવું. તે શાંતિથી સાંભળે અને મને ચિયર-અપ કરતાં એટલું જ કહે, ‘બસ આટલી જ વાત છેને? ચિંતા ન કર. હું તરત આવું છું.’ અને બીજે દિવસે તે હાજર થઈ જાય. હસતાં-હસતાં, પોતાની આગવી શૈલીમાં દુનિયાના મુશ્કેલમાં મુશ્કેલ પ્રૉબ્લેમ વિશે એવી મજાક કરે કે તમે એકદમ હળવા થઈ જાવ. 
મુકેશ મારા જીવનનું એક અવિભાજ્ય અંગ હતા. તેમના વિનાનું જીવન મારા માટે અત્યંત મુશ્કેલ છે. કૃષ્ણા તેમને ભાઈ માનતી. તે હંમેશાં તેને કૃષ્ણાબહેનજી કહીને બોલાવતા. તેમનાં અને અમારાં બાળકો પણ એકમેકની ખૂબ નજીક હતાં. મારા જીવનમાં તેમનું સ્થાન એક મોટા ભાઈનું હતું, જેણે હર સુખ-દુખમાં, મારો સાથ આપ્યો છે. જીવનમાં કંઈ પણ તકલીફ આવે તો અમારી નજર સામે પહેલાં મુકેશચંદ માથુર આવે. તે હસતાં રમતાં ઉકેલ લાવે. કોઈ સાથે ગેરસમજ થઈ હોય, તો પોતે પહેલ કરે અને સમાધાન કરાવીને સુમેળ કરાવે. 
તે કોઈ સાથે વાદવિવાદમાં ન ઊતરે. ફિલ્મી દુનિયાના ગંદા પૉલિટિક્સમાં તે કદી પડ્યા નથી. કોઈનું બૂરું કરે નહીં અને બોલે પણ નહીં. તે સાફ નેકદિલ વ્યક્તિ હતા. કેવળ મને નહીં, કોઈને પણ મદદરૂપ થવા માટે તે હંમેશાં તૈયાર રહેતા. મને ચોક્કસ ખાતરી છે કે દુનિયામાં કોઈને તેમના માટે નાનીઅમથી પણ ફરિયાદ નહીં હોય. એક વસ્તુ કહું, તેમના સ્વભાવમાં જ નહોતું કે તે કદી ફરિયાદ કરે. એટલું જ નહીં, પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓ વિશે તેમણે કોઈને કહ્યું નથી. જ્યારે પૂછીએ ત્યારે એમ જ કહે, ‘Top of the world’ અથવા 
‘first class’. 
એવું નહોતું કે તેમને કદી કોઈ તકલીફ નહીં પડી હોય. દરેકના જીવનમાં વધતા-ઓછા પ્રમાણમાં, ક્યારેક ને ક્યારેક, તકલીફ આવે છે; તેમને પણ આવી હશે. એમ છતાં કદી તેમના ચહેરા પર, કે વાણીવર્તનમાં એનો અણસાર નથી આવવા દીધો. કોઈ દિવસ તેમણે સહાનુભૂતિ માટે ઉઘરાણી નથી કરી. હંમેશાં ધીરજથી લોકોનાં દુખ-દર્દ સાંભળીને તેમને પ્રોત્સાહન આપ્યું છે. મુકેશ એક એવી વ્યક્તિ હતા જેના ખભા પર માથું મૂકીને તમારી વ્યથા ઠાલવી શકો અને હળવાશ અનુભવી શકો.’
મુકેશના વ્યક્તિત્વનાં અનેક પાસાંઓનું પ્રતિબિંબ પાડતાં અઢળક કિસ્સાઓ ફિલ્મસંગીતના મહારથીઓએ મારી સાથે શૅર કર્યા છે. આ તો રાજ કપૂરની આંખે જોયેલો મુકેશના સપ્તરંગી સ્વભાવનો કલાઇડોસ્કોપ હતો. રાજ કપૂર માટે મુકેશે ગાયેલાં ગીતો અમરત્વ પામી ચૂક્યાં છે. હોઠ રાજ કપૂરના ફફડે અને સ્વર મુકેશનો સંભળાય; એ કેવળ સંયોગ નથી; અલૌકિક અનુભૂતિ છે. આવી ઘટના સંગીતપ્રેમીઓ માટે ઈશ્વરનું વરદાન છે. 
અંગત અને વ્યાવસાયિક જીવનમાં રાજ કપૂરના દુખના દરેક પ્રશ્નોનો જવાબ મુકેશ પાસે હતો. એક વાક્યમાં કહેવું હોય તો રાજ કપૂર માટે સુખનું સરનામું એટલે મુકેશનો ખભો. એટલે જ પડદા પર એનો ઋણસ્વીકાર કરતાં રાજ કપૂર ગાય છે
તુમ જો હમારે મીત ન હોતે 
ગીત યે મેરે ગીત ન હોતે 
હંસ કે જો તુમ યે રંગ ન ભરતે 
ખ્વાબ યે મેરે ખ્વાબ ન હોતે
(‘આશિક’ : શંકર-જયકિશન – મુકેશ – શૈલેન્દ્ર)

columnists rajani mehta raj kapoor