મારા માટે તો યોગ અને મેડિટેશન જ છે વર્લ્ડ બેસ્ટ

10 May, 2021 02:19 PM IST  |  Mumbai | Rashmin Shah

પરેશ રાવલ સાથે ‘ડિયર ફાધર’ નાટક અને નૅશનલ અવૉર્ડ વિનર ફિલ્મ ‘રેવા’ના લીડ સ્ટાર સુધીની જર્ની કરનારા ઍક્ટર ચેતન ધાનાણી તાજેતરમાં સેન્સર બોર્ડની ઍડ્વાઇઝરી પૅનલમાં મેમ્બર તરીકે સિલેક્ટ થયા છે, જાણો તેમના હેલ્ધી રહેવાના ફન્ડા શું છે એ

ચેતન ધાનાણી

મને યાદ છે કે આજથી છ-સાત વર્ષ પહેલાં એવો સમય હતો કે તમે ગ્રીન ટી પીઓ તો લોકો તમારી સામે એવી રીતે જુએ કે જાણે તમે લક્ઝરી ભોગવો છો. ચૅનલમાં તમે મીટિંગ માટે જાઓ અને ગ્રીન ટી આપવામાં આવે તો એ ગ્રીન ટી કઈ છે એનું ડિસકશન કરીને લોકો એકબીજાને ઇમ્પ્રેસ કરતા, પણ આજે બધું બદલાઈ ગયું છે. આજે દરેક ત્રીજી વ્યક્તિએ ગ્રીન ટી કે આયુર્વેદિક ટી કે કાવો પીએ છે. હવે બધાને સમજાઈ ગયું છે કે જાન હૈ તો જહાન હૈ. પહેલાં હેલ્થ માટે ફોકસ કરનારાને આપણા ગુજરાતીઓ હસી કાઢતા કે પછી એની મજાક ઉડાડતા પણ આજે એ જ લોકો ટેરેસ પર કે સોસાયટીમાં નીચે જઈને વૉક કરે છે અને વર્કઆઉટ કરે છે. બધું ભગવાન ભરોસે ન રાખી શકાય એ હવે લોકોને સમજાઈ ગયું છે. તકલીફો આપણે જ નોતરી લેતા હોઈએ છીએ એટલે એને નહીં આવવા દેવા માટે પણ હેલ્થ પ્રત્યે સજાગ રહેવું જોઈએ.
હું કહીશ કે આપણે ગુજરાતીઓ બધી બાબતમાં એકદમ પ્રૉમ્પ્ટ છીએ પણ ફિટનેસની વાત આવે ત્યાં આપણે રિલૅક્સ થઈ જઈએ છીએ. ગુજરાતીઓનું પેટ બહાર હોય તો મજાકમાં લોકો એ પેટ જોઈને એવું કહે છે કે તમે તો શેઠ બની ગયા, પણ આ શેઠાઈ મોંઘી પડી શકે એવી છે એ ભૂલવું ન જોઈએ.
‘રેવા’થી આરંભ
હું મારી જાતને ઍક્ટર માનું છું, સ્ટાર નહીં એટલે ફિટનેસની બાબતમાં માનતો પણ વર્કઆઉટ જેવું મને કંઈ ગમે નહીં અને એ પણ એટલું જ સાચું કે હું ખાવાપીવાની બાબતમાં સજાગ રહેતો અને વૉક પર ધ્યાન આપતો પણ ફિલ્મ ‘રેવા’થી મારી લાઇફમાં ચેન્જ આવ્યો. એમાં અમુક સીન્સ એવા હતા કે જેમાં મારે ઉપરથી ઉઘાડા દેખાવાનું હતું અને એના માટે મારે ફિટ દેખાવાનું હતું. ‘રેવા’ના શૂટિંગ પહેલાં મેં વર્કઆઉટ શરૂ કર્યું અને એ પછી મને સિરિયસલી લાગવા માંડ્યું કે ફિઝિકલ ફિટનેસથી જ મેન્ટલ ફિટનેસ પણ આવતી હોય છે. જો આપણે ફિટ હોઈએ તો તમામ પ્રકારના સ્ટ્રેસને પણ પહોંચી વળીએ છીએ. આપણે કહેતા હોઈએ છીએ કે જીવન તો વહેતા પાણી જેવું છે પણ એ જીવન માટે લાગુ પડે, માણસ માટે નહીં. માણસે એ વહેતા પાણીમાં વહેવા માટે ખરેખર ફિટ રહેવું જ પડે. જરૂરી નથી કે વ્યાધિ-ઉપાધિ આવે ત્યારે એની દવા કરીને તમે ફરીથી સ્વસ્થ થઈ જાઓ. જો પહેલેથી તમારા શરીરને ફિટ રાખ્યું હશે તો વ્યાધિ-ઉપાધિ સમયે એ પણ તમારી સાથે લડવામાં લાગી જશે.
હું જિમનો માણસ નથી. મને લાગે છે કે બૉડીને સારો શેપ આપવા અને બૉડીને વેલ મેઇન્ટેઇન રાખવા પ્રૉપર વર્કઆઉટ જરૂરી છે, પણ એના માટે જિમ કમ્પલ્સરી હોય એવું મને નથી લાગતું. હું ઘરે જ બધી એક્સરસાઇઝ કરું. તમે માનશો નહીં પણ એની માટે મેં આપણે થર્ડ અને ફોર્થ સ્ટાન્ડર્ડ ભણતા એ સમયની બુક્સ મેં રિફર કરી છે. એ સમયે આપણને સૂર્યનમસ્કાર શીખવતા પણ આપણે ધ્યાન આપ્યું નહીં. જો તમે સૂર્યનમસ્કાર કરો તો તમને સમજાશે કે ઓવરઑલ બૉડીને જે સ્ટ્રેંગ્થ અને સ્ટ્રેચિંગની જરૂર છે એ સૂર્યનમસ્કારથી પૂરી થઈ જાય છે. સૂર્યનમસ્કારથી લઈને યોગ, મેડિટેશન, પુલઅપ્સ, પુશઅપ્સ, સ્ટ્રેચિંગ, જૉગિંગ કે પછી વૉક માટે જિમમાં જવાની જરૂર જ નથી. 
હું રૂટીનમાં એકથી દોઢ કલાક એક્સરસાઇઝ કરું. વહેલા જાગીને વૉક લેવાની અને એ પછી વૉર્મઅપ અને પછી યોગ અને સૂર્યનમસ્કાર આવે. એ પછી મેડિટેશન. મેં મારા આ રૂટીનમાં કોઈ ચેન્જ કર્યો નથી. જો સવારના આ શક્ય ન હોય તો સાંજે પણ હું મારું આ રૂટીન જાળવી લઉં. જો હું એમાં કંઈ કચાશ કરું તો બૉડી પોતે મને કહી દે કે એક્સરસાઇઝ કરવાની બાકી છે. હા, તમે જો રૂટીનમાં ફિટનેસનું ધ્યાન રાખો તો તમને ખરેખર બૉડી પણ યાદ કરાવે.
ફૂડ, એક સમજણ
ભાવે એ બધું જ ખાવાનું પણ તીખું, તળેલું, ઠંડું અને ખાટું ખાવાનું હું અવૉઇડ કરું છું. આયુર્વેદની દૃષ્ટિવએ જે વિરુદ્ધ આહાર કહેવાય એ પણ હું નથી ખાતો. રાત્રે સાત પછી પણ ખાવાનું હું અવૉઇડ કરું છું. એક સાદી સમજણ છે કે તમારા ફૂડને પચાવવા માટે બૉડીએ કામ કરવું પડે છે. જો રાતે તમને આરામ જોઈતો હોય તો નૅચરલી બૉડીને પણ આરામ આપવો પડે એટલે સાત પછી હું બૉડીને રેસ્ટ આપું છું. જો બહુ ભૂખ લાગે તો હું રાતે દુધ-પૌંઆ ખાઉં. આ મારી વર્ષોની આદત છે. આજે પણ હું વીકમાં એકાદ વાર તો દૂધ-પૌંઆ ખાતો જ હોઈશ. દૂધ અને ખજૂરની પણ મને આદત છે પણ આ બે વરાઇટી સિવાય એમાં ત્રીજી કોઈ ચીજ નહીં નાખવાની. સીઝનલ ફ્રૂટ્સ હું પુષ્કળ ખાઉં છું. 
મારી ખાવાની ઝડપ બહુ ઓછી છે. હું ખૂબ ધીમે-ધીમે ખાઉં અને મારા કોળિયા પણ બહુ નાના હોય. નાના હતા ત્યારે શીખવ્યું હતું એમ હું આજે પણ મારો કોળિયો બત્રીસ વાર ચાવીને ખાતો હોઈશ. તમે એક વાર એવી ટ્રાય કરજો, સાચે જ વહેલું પેટ ભરાશે અને બૉડીને જરૂરી છે એ એનર્જી પણ મળી જશે.

columnists Rashmin Shah