વિશ્વાસઘાત માટે વિશ્વાસ ઊભો કરવો જરૂરી છે

12 April, 2021 02:31 PM IST  |  Mumbai | Swami Sachidanand

કાકુએ જુનેદને વલ્લભીપુર ઉપર ચડાઈ કરવા ઉશ્કેર્યો અને આ ઉશ્કેરાટ આપતાં પહેલાં બરાબરનો તેને લલચાવ્યો

પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરીએ છીએ ડંખીલા શત્રુની, પણ એ વાત કરતાં પહેલાં એક સ્પષ્ટતા કરવાની. હમણાં એક ભાઈએ પૂછ્યું કે શત્રુ-સંબંધ વિશે શું કામ વાત કરવાની. પ્રશ્ન વાજબી છે, પણ જવાબ સમજવા જેવો છે. ક્યારેય કોઈ અજાણ્યો શત્રુ નથી બનતો. શત્રુ એ જ બનતો હોય છે જેની સાથે ઓળખાણ હોય કે પછી વારસામાં શત્રુતા મળી હોય. વારસો પણ ત્યારે જ મળે જ્યારે બાપદાદાના સમયમાં સંબંધ રહ્યા હોય. શત્રુતાના સંબંધમાં પણ જાણકારી હોવી આજના સમયમાં આવશ્યક છે. સારા માણસને ઓળખવામાં થાપ ખાઈએ તો હજી પણ માફી મળી શકે, પણ શત્રુને ઓળખવામાં થાપ ખાનારો તબાહ થતો હોય છે.

ડંખીલા શત્રુમાં જે પહેલા નંબરે આવે છે એ શત્રુ વિશ્વાસઘાત કરે છે. વિશ્વાસઘાત કરવા માટે વિશ્વાસ ઊભો કરવો જરૂરી હોય છે. વિશ્વાસ ઊભો કરવા માટે અત્યંત આત્મીય વ્યવહાર કરવો જરૂરી હોય છે અને આત્મીય વ્યવહાર કરવા માટે માણસ વધુ ને વધુ નજીક આવે છે, બે પૈસાથી ઘસાય છે, નાનાં-મોટાં કાર્યો કરે છે. મીઠું-મીઠું બોલે છે અને ગમતો વ્યવહાર કરે છે, પણ સમય આવતાં જ તે બદલાઈ જાય છે અને જેણે વિશ્વાસ મૂક્યો હોય તેને હાનિ પહોંચાડે છે. અરે, હત્યા પણ કરી કે કરાવી નાખે છે. દાખલા સાથે જુઓ

વલ્લભીપુરનો કાકુ વાણિયો આવો જ છે. રત્નજડિત સોનાની કાંસકી માટે તેની દીકરી અને રાજાની કુંવરી વચ્ચે રકઝક થઈ. રાજાએ પેલી કાંસકી પડાવી લીધી. કાકુ ખિજાયો પણ તેણે મનમાં ને મનમાં એ ખીજને દબાવી રાખી. કાકુએ રાજા સાથે અંદર-અંદર બહુ જ સારો વ્યવહાર રાખીને, થોડા સમય પછી વેપારનું બહાનું કાઢીને સિંધ ગયો.

સિંધ જઈને કાકુ આરબ જમાદાર જુનેદને મળ્યો અને તેણે જુનેદ સાથે ષડ્‍યંત્ર રચ્યું. કાકુએ જુનેદને વલ્લભીપુર ઉપર ચડાઈ કરવા ઉશ્કેર્યો અને આ ઉશ્કેરાટ આપતાં પહેલાં બરાબરનો તેને લલચાવ્યો. એ સમયે વલ્લભીપુરમાં ૧૦૦ માણસો કરોડાધિપતિ હતા. ગામમાં ૧૦૦ શિવાલયો અને ૧૦૦ જિનાલયો હતાં, જેમાં હીરા-ઝવેરાતના દાગીનાનો શૃંગાર કરવામાં આવતો. વલ્લભીપુર આર્થિક રીતે અત્યંત સમૃદ્ધ નગરી હતી. શીલાદિત્યનું રાજ્ય હતું. વાતો સાંભળીને જુનેદના મનમાં પણ લાલચ જાગી અને તે કાકુના કહેવાથી વલ્લભીપુર આવવા તૈયાર થયો. સમુદ્રમાર્ગે જુનેદ લશ્કર લઈને આવી ગયો. જુનેદને બધું માર્ગદર્શન કાકુએ પૂરું પાડ્યું, કાકુના માર્ગદર્શન મુજબ જુનેદે વલ્લભીપુરને ધમરોળી નાખ્યું.

આ રીતે કાકુના વિશ્વાસઘાતથી વલ્લભીપુરની સમૃદ્ધિ અને સંસ્કૃતિ બન્ને લૂંટાઈ. આ ઘટના પરથી જે બોધપાઠ લેવાનો છે એની ચર્ચા આપણે આવતા રવિવારે કરીશું.

columnists