ટેસ્ટી પરાંઠાંનું જંક્શન છે પાર્લાની ખાસિયત

05 March, 2020 03:39 PM IST  |  Mumbai | Bhakti D Desai

ટેસ્ટી પરાંઠાંનું જંક્શન છે પાર્લાની ખાસિયત

ખાસિયત ધ પરાઠા હાઉસ વિલે પાર્લે (વેસ્ટ)

પાર્લા (વેસ્ટ) એટલે કલાકાર, નાટ્યગૃહ અને કૉલેજિસથી સભર સતત કોલાહલવાળું સ્ટેશન. વિલે પાર્લે સ્ટેશનથી પશ્ચિમ તરફ બહાર આવતાં સવારના પહોરથી સાંજ સુધી વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં સ્ટેશનથી શ્રી વિલે પાર્લે કેળવણી મંડળની કૉલેજો તરફ અને ત્યાંથી સ્ટેશન તરફ જતાં-આવતાં નજરે પડતાં હોય. આ વિદ્યાર્થીઓનો ગમતો વિસામો એટલે સ્ટેશનથી એસ. વી. રોડ તરફ જતી ગલીને ડાબે છેડે આવેલું ખાસિયત ધ પરાઠા હાઉસ.

ખાસિયત ધ પરાઠા હાઉસ વિલે પાર્લે (વેસ્ટ)ની ખાસિયત બની ગયું છે. વિદ્યાર્થીઓને મળવા માટે આ એક ‘ફેમસ અડ્ડો’ છે. ખાસિયત ધ પરાઠા હાઉસનું નામ જ એની વિશેષતા દર્શાવે છે, પણ પરાંઠાં સિવાય એ ચાટ અને કચોરી માટે પણ ખૂબ વખણાય છે. બહારથી જોઈએ તો એવું લાગે કે આ એક નાનીઅમથી જગ્યા હશે, પણ ગોમુખ જેવી આ જગ્યાનો કાચનો એક દરવાજો ખોલીને અંદર પ્રવેશતાંની સાથે જ આ ગેરસમજ દૂર થઈ જાય છે. સામે નાનાં-મોટાં ટેબલ-સોફા રાખેલાં નજરે ચડે છે. પરાંઠાંનું સ્થાન વર્ષોથી હેલ્થ ફૂડમાં છે અને એમાં પણ વિવિધ શાકભાજી નાખીને એને સ્વાદિષ્ટ રીતે પીરસવામાં આવે તો એની પૌષ્ટિકતા બમણી થઈ જાય છે. પરાંઠાં માટે પ્રખ્યાત આ જગ્યાની શરૂઆત ૧૯૯૬થી થઈ હતી. અહીંનાં મૅનેજર અલોક ચૌધરી કહે છે, ‘આ સ્થળ શરૂ કર્યું ત્યારથી જ વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં આવતા અને પહેલાં પરાંઠાંની માગ આજના કૅલરી કૉન્શિયસ યંગસ્ટર્સમાં છે એના કરતાં ક્યાંય વધારે હતી.’

ત્યારથી આજ સુધી અહીં સવારે ૯ વાગ્યાથી વિદ્યાર્થીઓની એટલી ચહલપહલ હોય છે કે સતત રેસ્ટોરાં હાઉસફુલ જ રહે છે. સાંજ પછી મોટા પરિવારવાળા અને યુગલો દૂર-દૂરથી અહીં પરાંઠાં અને ચાટની મજા લેવા આવે છે.

અહીં દરેક ટેબલ પર જોવા મળતી પ્રખ્યાત ડિશ એટલે પરાઠા બાસ્કેટ છે અને ત્યાર બાદ બીજો નંબર ખીચા ચાટ અને ટોકરી ચાટનો આવી શકે.

અહીં સિંગલ પરાઠાના વિકલ્પ સિવાય મેનુમાં પરાઠા બાસ્કેટના ત્રણ પ્રકાર ઉપલબ્ધ છે. એક પ્રકારમાં બાસ્કેટમાં નાનાં મેથી, મકાઈ, પુદીના અને લછ્છા પરાંઠાં સર્વ કરવામાં આવે છે ત્યારે બીજા પ્રકારમાં તમે પોતાની પસંદનાં કોઈ પણ વેજ સ્ટફ્ડ પરાંઠાં મગાવી શકો છો અને ત્રીજા પ્રકારમાં પનીર અને ચીઝનાં પરાંઠાંનું કૉમ્બિનેશન લઈ શકાય છે. સરસ મજાની સિલ્વર ફૉઇલવાળી બાસ્કેટમાં આ વિવિધ પરાંઠાં સામે મૂકવામાં આવે છે અને દરેક પરાંઠા અને પરાઠા બાસ્કેટ સાથે પંજાબને યાદ કરાવનાર કાલી દાલ, છોલે, રાઈતા, સૅલડ અને અથાણાની થાળી સામે મુકાય છે. ઑર્ડર લઈને આવતા વેઇટરની પહેલાં જ આની અરોમાથી મન તરબતર થઈ જાય છે અને એ જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. જીભનો ચટાકો એવી ઉતાવળ કરાવે છે કે ગરમાગરમ પરાંઠાંથી જીભને ચટકો ન લાગે એનું ધ્યાન રાખવું પડે છે. કાલી દાલનાં અનેક નામ છે જેમ કે બ્લૅક દાલ, દાલમખની અને પંજાબીઓ એને માં કી દાલ પણ કહે છે. આના પર નાખેલી સફેદ મલાઈ એના સ્વાદમાં એક સમૃદ્ધિ ઉમેરે છે. છોલેમાં ઊઠીને આવતો લસણનો અને ટમેટાની ગ્રેવીનો આછો ખટાશવાળો સ્વાદ એમાં ચાર ચાંદ લગાડી દે છે. અહીંની એક વિશેષતા એ છે કે રાઈતાનું દહીં જરાય ખાટું નથી હોતું તેથી ડિનરમાં આ રાઈતું ખાઈ શકાય છે. એક ટુકડો પરાંઠાનો જો રાઈતા સાથે ખાવામાં આવે તો ચટપટા સ્વાદવાળું રાઈતું ઓછા મસાલા અને શુદ્ધ બટરવાળા પરાંઠાને એવો સ્વાદ અર્પે છે કે જીભ એ ખાધા પછી પણ બે દિવસ એના સ્વાદને વાગોળ્યા કરતી હોય એવું લાગે છે.

ગવતી પરાઠા

જેમને આદું અને લસણનો દેશી સ્વાદ પસંદ છે તેમણે અહીં અચૂક ગવતી પરાંઠાં ચાખવાં જોઈએ. આમાં બટાટાના સ્ટફિંગમાં આદુંનો રસ કાઢી થોડું લસણ ઉમેરી એ માવાને પરાંઠામાં ભરીને શુદ્ધ અમૂલ બટરમાં બનાવી સર્વ કરવામાં આવે છે. આટલાં સૉફ્ટ પરાંઠાં કદાચ તમે ક્યારેય બહાર રેસ્ટોરાંમાં ખાધાં નહીં હોય. યુવાઓ અને ચીઝના ચાહકોને સૌથી વધારે પસંદ આવશે ચીઝ-ચિલી-ગાર્લિક પરાઠા. આમાં મરચાંની તીખાશ હોય છે, પણ એને બૅલૅન્સ કરવા ચીઝ પણ નાખવામાં આવે છે. ચીઝ સાથે લસણનો તીવ્ર સ્વાદ અને લીલાં મરચાંની તીખાશ ભળતાં એ તમારા ખરાબ મૂડને પણ સારો કરી દે એટલો તાજો સ્વાદ આપે છે.

પનીર ભુર્જી પરાઠા

પનીર ભુર્જી પરાઠા પણ અહીં ચાખવા જેવી આઇટમ ખરી. પનીરની ભુર્જી તમે ઘણી વાર ખાધી હશે, પણ અહીંની પનીર ભુર્જી દેખાવમાં લાલ છે. આના સ્ટફિંગવાળાં પરાંઠાનો સ્વાદ એમ જ માનશો તો એની સાથે દાલમખની કે પછી છોલે કે રાઈતાની જરૂર નહીં જણાય. પનીરપ્રેમીઓ, પનીર સ્પ્રિંગ પરાંઠા પણ જરૂર ચાખજો. આલૂ-મેથી, સ્પ્રિંગ અન્યન પરાઠા, મકાઈ મસાલા પરાઠા આવી બધી વિવિધતાઓ અહીં છે કે જેને ખાવામાં રસ ન હોય તેની ભૂખ પણ અહીંની સુગંધ અને પ્રેઝન્ટેશન જોઈને ખીલી જશે.

ટોકરી ચાટ

વિદ્યાર્થીઓની મનપસંદ અન્ય વિવિધતાઓ

સવારના સમયમાં અહીં ઇડલી, ઢોસા અને ઉત્તપાના વિવિધ પ્રકારની માગ વધારે હોય છે જે વિદ્યાર્થીઓ નાસ્તા માટે મંગાવે છે. અહીંના તવાપુલાવ અને પનીર-સ્પ્રિંગ પુલાવ વિદ્યાર્થીઓની મનપસંદ રાઇસ આઇટમ્સ છે. છોલે-ભટુરા પણ ખૂબ સરસ આવે છે.

ખીચા ચાટ

ખીચા ચાટમાં ખીચીના પાપડમાં ચીઝ, ટમેટા, કાંદા, તીખી-મીઠી લ


સણવાળી ચટણી અને એના પર સેવ નાખી સર્વ કરવામાં આવે છે.

રાજાપુરી ચાટ

બે જણને કોઈ તીખી, મીઠી અને ખાટી વસ્તુ પેટ ભરીને ખાવી હોય તો અહીં રાજાપુરી ચાટ મંગાવવાનું ભૂલતા નહીં. આ ખસ્તા કચોરીનો પ્રકાર છે. રાજાપુરી એટલે કે મોટી ખસ્તા કચોરીમાં ચણા, મગ, બટાટા, ફુદીનાની-ખજૂર-ગોળની અને આમલીની ચટણી અને દહીં નાખી એ સર્વ કરાય છે. ચાખશો તો એમાં ઊઠીને આવતો ટૅન્ગી ટેસ્ટ તમારા મોઢામાં રહી જશે અને દહીંની મીઠાશ સાથે તીખાશ પણ અનુભવાશે.

ખાસિયત સ્પેશ્યલ ફાલૂદા

છેલ્લે મીઠાશ અનુભવવા વિવિધ ફાલૂદા પણ છે. ખાસિયત સ્પેશ્યલ ફાલૂદામાં ટુટીફ્રૂટી, ઘણાંબધાં કાજુ-બદામ અને ફળોના ટુકડાની મજા લઈ શકશો. આમાં ટુટીફ્રૂટીનો આઇસક્રીમ પણ ઉમેરાય છે જેનાથી તીખાશ અનુભવ્યા બાદ સરસ મજાની ઠંડક પેટમાં અનુભવાય છે. સરસ મજાનાં ગીતોના મંદ અવાજમાં દરેક ટેબલ પર એક કૅન્ડલ લાઇટનો અનુભવ કરાવનાર લૅમ્પના રોમૅન્ટિક ઍમ્બિયન્સ સાથે અહીં મનપસંદ પરાંઠાં અને અન્ય વસ્તુઓ ખાવાનો અનુભવ અદ્ભુત છે.

columnists bhakti desai Gujarati food indian food mumbai food