એ દિવસ પછી નીરજે થેપલાં લૉકરમાં મૂકી દીધાં!

05 March, 2020 11:56 AM IST  |  Mumbai | Rashmin Shah

એ દિવસ પછી નીરજે થેપલાં લૉકરમાં મૂકી દીધાં!

છાયા વોરા

અનેક ફિલ્મો, ટીવી-સિરિયલ અને નાટકો કરી ચૂકેલાં છાયા વોરા અત્યારે કલર્સ ચૅનલ પર આવતી ‘શુભારંભ’માં કીર્તિદા રેશમિયાનું કૅરૅક્ટર નિભાવે છે. છાયાના હાથની રસોઈના કિસ્સાઓ તેમના હસબન્ડ અને મ્યુઝિક-ડિરેક્ટર ઉત્તંક વોરા અને ખ્યાતનામ રાઇટર-ઍક્ટર એવા જેઠ નીરજ વોરાએ બૉલીવુડમાં પૉપ્યુલર કર્યા છે. છાયા વોરાના ઘરે આખા અઠવાડિયાનું મેનુ ફિક્સ હોય. એ મેનુમાં ભાગ્યે જ કોઈ ચેન્જ જોવા મળે. 

ખાવાના શોખીન હો અને ખવડાવવાના શોખીન હો એ બન્ને વચ્ચે તફાવત છે. હું આ બીજી કૅટેગરીમાં આવું અને મારું આખું ઘર પહેલી કૅટેગરીમાં આવે. તમને એનો અણસાર ત્યારે જ આવશે જ્યારે તમને અમારા ઘરના મેનુની ખબર પડશે.

અમારા ઘરે બપોરનું મેનુ ફિક્સ છે, વર્ષોથી. સોમવારે ભીંડાનું શાક અને એની સાથે જે રૂટીનમાં હોય એ એટલે કે રોટલી, દાળ-ભાત અને બીજાં અથાણાં, સૅલડ. મંગળવારે તુરિયા-કારેલાનું ભરેલું શાક. બુધવારે આખા મગ અને મગની સાથે કઢી. ગુરુવારે દૂધી-ચણાની દાળ અને સાથે કઢી કે દાળ. શુક્રવારે કોબીજ કે ફ્લાવર કે પછી વટાણા-બટાટા કે ટમેટાં-રીંગણાં અને બટાટાનું શાક. શનિવારે અડદની દાળ-રોટલા અને સાથે લસણની ચટણી અને રવિવારે દાળઢોકળી. આ વર્ષોનો નિયમ છે અને બધાને એની જ આદત છે. તમે મારા દીકરા ઉર્વાકને પૂછો તો ઉર્વાક પણ વારના આધારે કહી દે કે આજે ઘરે શું બન્યું હશે અને મારા હસબન્ડ ઉત્તંક પણ કહી દે. હા, સીઝનના કારણે કોઈ વાર શાક ન મળે તો એ મુજબ ચેન્જ થાય, પણ એવું પણ અપવાદ સ્વરૂપે જ બનતું હોય અને આ અપવાદમાં પણ બુધ-શનિ અને રવિના દિવસો તો એવા કે એમાં અપવાદ પણ લાગુ ન પડે. મગ અને અડદની દાળ ઘરમાં હોય જ એટલે એમાં ચેન્જ ન આવે અને દાળઢોકળીમાં પણ કોઈ ચેન્જ ન આવે.

બુધવારે મગ બનાવવાના હોય એટલે મંગળવારે રાત્રે મગ પલાળાઈ જ જાય. નાની હતી અને પાંચમું ધોરણ ભણતી ત્યારથી જ મમ્મી મધુબહેન વાડિયા મને રસોડામાં સાથે રાખે. કરવાનું કશું નહીં, બસ મમ્મી કામ કરતી હોય એ જોવાનું. એવું કહેવાય છે કે તમે સંગીત સાંભળો તો એક સમયે તમારા કાનને સારા અને ખરાબ સંગીત વચ્ચેનો ભેદ ખબર પડી જાય એવું જ રસોઈમાં હોય છે. જો તમે રસોઈ બનતા જુઓ તો એક સમયે તમને ખબર પડી જાય કે સારી રસોઈ કેવી રીતે બને અને ખરાબ રસોઈ કેવી રીતે. ચાખ્યા વિના આ ભેદ પારખવો હોય તો એ માટે રસોઈ બનતી જોવાની આદત તમારે નિયમિત રીતે પાળવી પડે. એ દિવસોમાં મમ્મી મને એવી વરાઇટી શીખવતી જેમાં લાંબી કડાકૂટ ન હોય. વઘારેલા ભાત બનાવવા કે પછી મમરા વઘારવા એવાં કામો હું પાંચમું ભણતી ત્યારથી જ કરતી થઈ ગઈ હતી. એ જ સમયે મમ્મીએ મને એક ડ્યુટી આપી હતી. મંગળવારે મગ પલાળવાનું કામ મારું. તે મને કહે પણ નહીં, યાદ પણ ન કરાવે. મારે આ કામ મારી ડ્યુટી સમજીને કરવાનું. ઘણી વાર તો એવું થાય કે મગ પલાળવાના ભૂલી ગઈ હોઉં અને બીજા દિવસે મમ્મી મારી સામે આંખો કાઢીને જોતી હોય. એકાદ વાર આવું બન્યા પછી તો એવી હાલત થાય કે રાતે ઊંઘમાં પણ યાદ આવી જાય કે મગ પલાળવાના રહી ગયા છે. આળસ આવતી હોય, આંખમાં બહુ ઊંઘ હોય તો પણ ઊભા થવાનું, રસોડામાં જવાનું અને મગ પલાળવાના.

મમ્મીના હાથની રસોઈ બહુ સરસ બને. આજે મને જે કંઈ રસોઈ આવડે છે એનું શ્રેય મમ્મીને જ જાય. હું નવમા ધોરણમાં હોઈશ ત્યારનો એક કિસ્સો મને યાદ છે. શીરો મને બહુ ભાવે. ઘઉંના લોટનો શીરો. એક વાર મને ઇચ્છા થઈ એટલે મેં મમ્મીને કહ્યું પણ મમ્મીએ મને જવાબદારી આપતાં કહ્યું કે તેં શીરો બનાવતાં જોયું છે એટલે હવે તું બનાવ. આવી ગયો મારામાં કૉન્ફિડન્સ. મેં તો નક્કી કર્યું કે બહુ બધો શીરો બનાવીશ ને કોઈને આપીશ પણ નહીં, બધો હું એકલી ખાઈશ. મેં તૈયારી કરી. કડાઈ લીધી, એમાં ઘી નાખ્યું અને આખી કડાઈ ઘઉંના લોટથી ભરી દીધી. હવે એમાં ન તો પાણી નાખવાની જગ્યા કે ન સાકર નાખવાની જગ્યા. એટલોબધો લોટ લીધો હતો કે શીરો હલાવવાની જગ્યા પણ નહીં. તો પણ મેં ટ્રાય કરી અને છેલ્લે એવી હાલત કે આખું પ્લૅટફૉર્મ લોટ-લોટ અને શીરો બન્યો નહીં. આ આખી પ્રોસેસ દરમ્યાન મમ્મી રસોડામાં જ હતી પણ મને કોઈ સજેશન આપે નહીં, બસ મારી સામે ડોળા કાઢીને જોયા કરે. મને તેમનો ચહેરો આજે પણ યાદ છે. આજે પણ હું રસોઈ બનાવતી હોઉં કે મારાથી કંઈ વધારે લેવાઈ જાય ત્યારે મારાથી અનાયાસે જ ઉપર જોઈ લેવાય છે. મને એવું થયા કરે કે મમ્મી હવે ઉપરથી ડોળા કાઢીને મને ડારો આપતી હશે. એ બ્લન્ડર પછી ખબર પડી કે પ્રમાણ બહુ મહત્ત્વનું છે. પ્રમાણસર હોય તો બધું જળવાયેલું રહે. અતિશયનો કોઈ અર્થ નથી. આ વાત જીવનના દરેક તબક્કે મને ઉપયોગી બની છે.

મૅરેજ પછી મેં પહેલી વાર સરગવાની શિંગનું શાક બનાવ્યું ત્યારે મને ખબર નહોતી કે મારા સસરા પંડિત વિનાયક વોરાનું એ ફેવરિટ શાક હશે. તેમનું બધું નિયમ મુજબ જ ચાલે. બધું એક વાર જ જમવા માટે લે. ભાવે તો પણ તે બીજી વાર એ ચીજને અડકે નહીં. સ્વાસ્થ્ય માટે તેમણે આ નિયમ બનાવ્યો હતો. આ નિયમને લીધે ઓવરઈટિંગ ટળતું હોય છે. પણ જે દિવસે મેં સરગવાની શિંગનું શાક બનાવ્યું એ દિવસે તેમણે એ ત્રણ વખત લીધું. હું બહુ રાજી થઈ કે મારા સસરાને મારા હાથની રસોઈ ભાવી. એ દિવસ પછી પપ્પા મારી દરેક આઇટમ ખાતા. શરૂઆતમાં જ્યારે હું પીત્ઝા બનાવતી ત્યારે પપ્પા પીત્ઝા ન ખાય. નૅચરલી તેમને એવી બધી આઇટમો ભાવતી નહીં. પણ એ દિવસ પછી તો મારા હાથની દરેક આઇટમ તે ટેસ્ટ કરવા આતુર રહે. મને યાદ છે, એ પછી મેં પીત્ઝા બનાવ્યા ત્યારે તેમણે પહેલી વાર પીત્ઝા ચાખ્યા અને તેમને ભાવ્યા પણ ખરા. પપ્પા પીત્ઝાને પીઝો કહે. મને કહે કે ‘પીઝો આપો, એ તો ભાવે એવો છે.’
જેમ પપ્પાને મારા હાથનું સરગવાની શિંગનું શાક બહુ ભાવ્યું હતું એમ મારાં સાસુ પ્રેમિલા વોરાને મારા હાથનું રીંગણાં-બટાટાનું ભરેલું શાક બહુ ભાવે. તો મારા જેઠ નીરજ વોરાને મારા હાથની અડદની દાળ અને દાળઢોકળી બહુ ભાવે. રવિવાર હોય ત્યારે અમારે વાત અચૂક થઈ જાય અને નીરજ ઘરે જમવા આવી જ જાય અને દાળઢોકળી બનતી હોય ત્યારે માથે ઊભો રહીને જુએ કે એ કેમ બને છે. બધાને ખબર છે કે નીરજ બહુ સારો રાઇટર, બહુ બધી હિટ ફિલ્મો તેણે લખી પણ જૂજ લોકોને ખબર છે કે નીરજ એટલો જ સારો કુક પણ હતો. દાળઢોકળીની આખી રેસિપી જોઈ, સમજીને તે પોતે પણ એ જાતે બનાવે અને પછી મને ફોટો પાડીને મોકલે પણ ખરો. લખે કે દેખાવ ભલે તારાથી સારો થયો હોય, પણ ટેસ્ટ તારા જેવો નથી. મારે એ દાળઢોકળીના ફોટોને એન્લાર્જ કરીને ચેક કરવાનું અને પછી એમાંથી ભૂલ કાઢવાની. એક વખત રવિવારે નીરજ આવ્યો. ટિફિન તે પોતાની સાથે લાવ્યો હતો. મને કહે કે આ ભરી દે, હું ઑફિસે ખાઈ લઈશ. ટિફિન હતું આદમકદ. બધી દાળઢોકળી ભરાવીને લઈ ગયો. જતી વખતે મને કહે, તમારું તમે બનાવી લેજો હવે. એ દિવસ પછી મને કેટલાય ઍક્ટર એવા મળ્યા જેણે મારી દાળઢોકળીનાં વખાણ કર્યાં. મને બહુ નવાઈ લાગી, પણ પછી ખબર પડી કે એ દિવસે નીરજનું એક ફિલ્મનું નરેશન હતું એટલે તેણે બધાની વચ્ચે પહેલાં દાળઢોકળી ખોલી નાખી, બધાને ખવડાવી અને પછી નરેશન આપ્યું. એ દિવસ પછી તે મજાકમાં કહેતો પણ ખરો કે છાયા, તારી દાળઢોકળીના કારણે ઍક્ટરો પણ ફિલ્મમાં લૉક થઈ જાય છે.

શનિવારે અડદની દાળ ફિક્સ હોય. અડદની દાળ સાથે રોટલો અને મૂળાનું વઘારિયું. એ પણ નીરજને ભાવે. એક વખત આવી જ રીતે ભરીને લઈ ગયો અને પછી સીધો સાંજે ફોન કર્યો. મને કહે કે ફલાણા ભાઈ ફોન કરે તો કહી દેજે મને વાઇરલ છે. મને ચિંતા થઈ એટલે મને કહે કે ચિંતા નહીં કર, કંઈ નથી થયું. આ તો તારી અડદની દાળ અને રોટલા બહુ સરસ હતા તો ચાર હાથે બે પેટ ભરીને ખાધું એમાં ઘેન ચડ્યું એટલે મેં ખોટું કીધું છે. અત્યારે પાછો એ જ ખાઈને સૂઈ જવાનો છું.

મને યાદ છે નીરજ અમેરિકા ગયો ત્યારે તે મારી પાસે મેથીનાં થેપલાં બનાવીને લઈ ગયો હતો. છેક પંદરમા દિવસે તેને થેપલાં ખાતો જોઈને બધાનું ધ્યાન ગયું કે તે નવા પ્રકારનાં થેપલાં ખાય છે. બધાએ બહુ પ્રેશર કર્યું એટલે નીરજે બધાને લાઇનમાં બેસાડીને એકેક ટુકડો થેપલાનો આપ્યો અને પછી બીજા દિવસે તેણે થેપલાં લૉકરમાં મૂકી દીધાં હતાં.

અમારા ઘરે સૌથી મોટી સ્પેસ જો કોઈ હોય તો એ રસોડાની છે. એટલું મોટું રસોડું છે કે તમે એમાં એક રૂમની જેમ છૂટથી ફરી શકો. રસોડું મોટું છે એનું કારણ પણ એ જ છે કે ઘરની એ સૌથી મહત્વની જગ્યા છે. આજે રસોડાં નાનાં થતાં જાય છે એ વાત મને ખરેખર ખટકે છે. રસોડું ઘરના પરિવારને બધાને એક કરવાની જગ્યા છે, જ્યારે આજના સમયમાં રસોડામાં એક માણસ પણ ઊભો રહીને કામ નથી કરી શકતો. નાનાં થતાં આ રસોડાં માણસોનાં મન નાનાં કરવાનું કામ કરે છે એવું મારું માનવું છે.

columnists Rashmin Shah Gujarati food indian food mumbai food