આ ભજિયાં ખાશો તો ખાતા રહી જશો

17 August, 2020 10:03 PM IST  |  Mumbai | Pooja Sangani

આ ભજિયાં ખાશો તો ખાતા રહી જશો

સાણંદ પાસે તેલાવનાં ભઠ્ઠાનાં ભજિયાં

અમદાવાદ અને મુંબઈ જવાના રસ્તે નડિયાદની પહેલાં આવતા મહાકાળી ભજિયા સેન્ટર કે જેના ભજિયાં તો ટેસ્ટમાં બેસ્ટ છે જ, પરંતુ એની ચટણી તો રાણીની જેમ રાજ કરે છે. હા, એવું મેં કેમ કહ્યું એનું કારણ આપું અને એ કારણ એ છે કે ભજિયાંની કિંમત કરતાં ચટણીની કિંમત બમણી છે. ન હોય... તમે કહેશો કે આવું કેવું? હા, પણ વાત સાચી છે. ભજિયાં ૨૦૦ રૂપિયાના કિલો મળે છે જ્યારે કોઠું, લસણ, ટમેટાં, દ્રાક્ષ અને ખજૂરની ખાટી-મીઠી  લચકો ચટણી પીરસાય છે એની કિંમત છે ૪૦૦ રૂપિયો કિલો. તમે અમદાવાદથી નીકળીને નવા બનેલા ખેડાવાળા એક્સપ્રેસ હાઇવે પર જાવ ત્યારે ખેડા પસાર થઈ જાય પછી નડિયાદ આવે અને નડીયાદની હદમાં જ પીપળગ ચોકડી આવે છે. ત્યાં ભુવનેશ્વર મહાદેવની બાજુમાં એક ખેતરવાળી જગ્યાની બહારખૂણામાં  ‘મહાકાળી ભજિયા હાઉસ’ નામની જગ્યા આવેલી છે.


એનાં ભજિયાં એટલાં બધાં ટેસ્ટી હોય છે કે આસપાસનાં ગામોથી અહીં ખાવા માટે લાઇનો લાગે છે. મેથીના ગોટા, દાળવડાં, બટાટાવડાં અને બટાટાની પતરીનાં ભજિયાં મળે છે. જ્યારે પણ જાઓ ત્યારે ગરમ-ગરમ તળાતાં હોય અને બાજુમાં જ ચાની લારી આવેલી છે. આથી ચા સાથે ભજિયાંની ચુસકી મારવાની મજા આવે છે. પરંતુ ખરી બાબત તમને જણાવું તો એની ચટણીની છે. ભજિયાંની સાથે કઢી, મરચાં અને લાલ રંગની ચટણી આવે છે. કઢી અને મરચાં તમે માગો એટલી વાર અનલિમિટેડ મળે છે, પરંતુ જો તમારે લાલ ચટણી બીજી વખત જોઈતી હોય તો વજન ઉપર લેવી પડે અને એ પણ ભજિયાંથી બમણી કિંમતે મળે છે. આથી લોકો બમણા પૈસા ખર્ચીને પણ ભજિયાંની સાથે ચટણીની જયાફત ઉડાવે છે.
આ ભજિયા હાઉસના માલિક વિનોદભાઈ છે અને એક સાધુની અદાથી જ જીવન જીવે છે અને જટાધારી છે. તેમના કહેવા મુજબ બાજુમાં મહાદેવનું મંદિર હોવાથી ભગવાન મહાદેવની કૃપાથી ભજિયાંનો સ્વાદ છેલ્લાં 45 વર્ષથી એક સરખો સ્વાદ આવે છે અને ચટણીનો પણ અનોખો સ્વાદ એક કુદરતી બક્ષિશ છે. જોકે ચટણી કેવી રીતે બને છે એ એક સીક્રેટ છે, પરંતુ રોજની મર્યાદિત પ્રમાણમાં જ બનાવવાની અને એક તપેલું ખાલી થઈ જાય પછી બીજા દિવસે ચટણી બને. નડિયાદ અને એની આસપાસ એ ચૂલાનાં ભજિયાં તરીકે ઓળખાય છે.

સાણંદ પાસે તેલાવનાં ભઠ્ઠાનાં ભજિયાં

કહેવાય છે કે અમુક જગ્યા અને એનો સ્વાદ એક કુદરતની બક્ષિશ હોય છે. આ વાત સાર્થક કરે છે અમદાવાદથી સાણંદ જઈએ ત્યારે વચ્ચે તેલાવ ગામ આવે  છે અને મુખ્ય હાઇવે પર જ એક ખેતરની બહાર ‘કુદરત તારી કૃપા’ લખેલી જગ્યા ઉપર જોશો તો કાર અને બીજાં વાહનોની ભારે ભીડ જોવા મળશે. આ જગ્યા બીજી કોઈ નહીં પરંતુ ભઠ્ઠામાં બનતાં ભજિયાંની છે. સૂકા લાકડાના ભઠ્ઠામાં બનતાં ગરમાગરમ ભજિયાં ખાવા માટે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વિરમગામ અને માંડલથી લોકો આવે છે. અહીં ત્રણ પ્રકારનાં જ ભજિયાં અને કઢી મળે છે, પરંતુ એનો સ્વાદ એટલો અખંડ અને એકસરખો છે કે તમે ગમે ત્યારે જાઓ, અહીંનાં ભજિયાંનો સ્વાદ સેમ જ હોય છે.
અહીંના માલિક તો કોઈની સાથે વાત જ નથી કરતા અને બસ પોતાનો ધંધો કર્યે જાય છે. પરંતુ કહેવાય છે કે દસ-પંદર વર્ષ પહેલાં સાવ સામાન્ય જગ્યા હતી અને કોઈ ખાસ ઓળખ પણ નહોતી પરંતુ એકાએક આ ભજિયાવાળા એટલા પ્રખ્યાત થઈ ગયા છે કે ગામેગામ એની ખ્યાતિ થઈ ગઈ છે. ૧૦૦ ગ્રામમાં માત્ર બે કે ત્રણ જ ભજિયાં આવે એવડાં મોટાં ભજિયાં અને જગ ભરીને કઢી અને કમંડળ ભરીને મરચાં આપી દેવામાં આવે છે. આથી ભજિયાંની જોડે ગરમાગરમ કઢીના સબડકા અને બહુ તીખાં નહીં એવાં સરસ મરચાં ખાવાની ખૂબ જ મોજ આવે છે.

કરમસદ ગામનાં બટાટાવડાં


નડિયાદથી લગભગ 25 કિલોમીટર આગળ જાઓ ત્યાં કરમસદ ગામ આવે છે. ભારતને રજવાડાંઓથી મુક્ત કરીને અખંડ ભારત બનાવનાર સરદાર પટેલનું જન્મસ્થળ નડિયાદ છે અને તેમનો ઉછેર આણંદ જિલ્લાના કરમસદ ગામે થયો હતો. કરમસદ પટેલોના ગામ તરીકે પણ ઓળખાય છે અને અહીંના મોટા ભાગના પટેલો વિદેશ સ્થાયી થયા છે. કહોને કે એક ઘરમાંથી એક જણ તો યુએસએ, લંડન કે બીજા કોઈ દેશમાં વસવાટ કરતું જ હોય. આથી આ ગામ સમૃદ્ધ પણ ખૂબ છે. અહીં ઠેર-ઠેર સરદાર પટેલની હાજરીનો અહેસાસ થાય છે અને તેમની યાદો અહીં વણાયેલી છે ત્યારે અહીંના શ્રી ભગવતી ભજિયા હાઉસનાં બટાટાવડાં ખૂબ જ ફેમસ છે. જે લોકો આ ગામ આવે છે તેઓ ભગવતીનાં ભજિયાં ખાધા વગર જતા નથી. બટાટાવડાં ઉપરાંત દાળવડાં, મેથીના ગોટા અને બીજાં જાતજાતનાં ભજિયાં અહીં ગરમાગરમ મળે.
દુકાનના સહમાલિક ભાવિન સુખડિયા કહે છે, ‘અમારી પેઢી ૬૫ વર્ષ જૂની છે અને અમે અત્યારે ચોથી પેઢીએ આ દુકાન ચલાવી રહ્યા છીએ. અહીં આ દુકાનનાં ભજિયાં જાણીતા રાજકીય નેતાઓએ પણ આરોગ્યાં છે. દુકાનની શરૂઆત તો બટાટાવડાંથી જ કરી હતી, પરંતુ ધીરે-ધીરે બાર-તેર નાસ્તાઓ ઉમેરીને હવે ધંધાનો વિકાસ કર્યો છે.’

ગોંડલનાં દરબારનાં ભજિયાં


રાજકોટ જિલ્લાનું ગોંડલ નગર રાજવી પરિવાર માટે પ્રખ્યાત છે અને ગોંડલના રાજા પ્રજાવત્સલ રાજવી હતા એવું કહેવાય છે. સલમાન ખાન અને સોનમ કપૂર અભિનીત મૂવી ‘પ્રેમ રતન ધન પાયો’નું શૂટિંગ અહીંના મહેલમાં થયું હતું અને રાજવી શહેર તરીકે જાણીતું છે. ત્યાં રેલવે-સ્ટેશન પણ રજવાડાઓના જમાનાના સાંસ્કૃતિક વારસા સમાન છે અને એની સામે ‘દરબાર’નાં ભજિયાં ખૂબ જ ટેસ્ટી અને પ્રખ્યાત છે. બટાટાવડાં, મેથીના ગોટા, કાંદા ટીકડી, મગનાં ભજિયાં અને બટાટાની પતરીનાં ભજિયાં સાથે ત્રણ જાતની ચટણી આવે છે. એક ખાસ વાત કહું કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત-ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં આ દરબાર ભજિયાવાળાને ખાસ આમંત્રણ આપીને તેમનો સ્ટાલ રાખવામાં આવતો હતો. આથી દેશ-વિદેશના મહેમાનો એનો સ્વાદ માણતા હતા. એના માલિક ક્ષત્રિય હોવાથી સૌરાષ્ટ્રમાં તેમને દરબાર કહેતા હોવાથી દુકાનનું નામ દરબાર ભજિયા આપવામાં આવ્યું છે. ચાર ભાઈઓનો પરિવાર આ દુકાન વર્ષોથી ચલાવે છે અને તેમનો દાવો છે કે તમે એક કિલો ભજિયાં પણ ખાઈ જાઓ તો તમને નડતાં નથી અને સીઝન પ્રમાણે એમાં મસાલાનો ફેરફાર કરાય છે કે જેથી તમામ ચાહકોના સ્વાદ અને શરીરને અનુકૂળ આવે છે. ભજિયાંની સાથે રસાવાળાં પાતરાં પણ આવે છે.

Gujarati food indian food columnists