પૉલિટિકલ પ્રેશરમાં હડતાળ અને બંધ પાળવો એ સામાજિક પ્રદૂષણ છે

23 December, 2022 05:58 PM IST  |  Mumbai | Bhavini Lodaya

દુકાનો બંધ થવાથી લોકોનું રૂટિન અસ્તવ્યસ્ત થઈ જાય છે, જેનાથી આવા પૉલિટિકલ પાવર ધરાવનારની મનસા તો કદાચ પૂરી થઈ જાય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

દેશમાં જો કંઈક અણગમતું બને તો તરત જ રાજકીય પક્ષો અથવા સત્તાધારીઓ ગેરકાયદે હડતાળ અને બંધ જેવી પ્રક્રિયાઓ કરાવે છે, જે સદંતર ખોટું છે. દુકાનો બંધ થવાથી લોકોનું રૂટિન અસ્તવ્યસ્ત થઈ જાય છે, જેનાથી આવા પૉલિટિકલ પાવર ધરાવનારની મનસા તો કદાચ પૂરી થઈ જાય છે, પરંતુ જનજીવન ખોરવાઈ જાય છે. આવું હવે તો છાશવારે થવા લાગ્યું છે. હમણાં થોડા દિવસ પહેલાં જ ડોમ્બિવલીમાં સાંજ સુધી દુકાનો બંધ કરાવવામાં આવી હતી. આ બધું શું દર્શાવે છે?
 
પૉલિટિકલ પાવર ધરાવનારાઓને ખરેખર જનતાનું હિત કરવું છે કે અહિત? અમે સૌ યંગસ્ટર આ બધું જોઈને શું શીખવાના છીએ? દાદાગીરી-ગુંડાગીરી? જે લોકો તમારી વાત ન માને તેમને ડરાવી-ધમકાવીને કામ કઢાવવાનું? આ બધું જોઈને નવી પેઢી તો એવું જ શીખવાની કે આવું કરવાથી જ કામ નીકળે? દેશનું ભવિષ્ય આમાં કઈ રીતે ઉજ્જ્વળ થઈ શકશે?
 
આ પણ વાંચો : ‘સ્વચ્છ ભારત’ અભિયાન હજી પણ નિષ્ફળ જ છે
 
મારા વિચાર પ્રમાણે હડતાળ અને બંધ જેવી પ્રક્રિયાઓ એક શક્તિ-પ્રદર્શન છે, જેમાં લોકોનો ટેકો હોતો નથી. લોકોને પૉલિટિકલ પાવરથી દબાઈને આ બંધ જેવી પ્રક્રિયા કરવી પડતી હોય છે. એક બંધ કરોડોનું નુકસાન કરાવતો હોય છે. જરૂરી એવા અસંખ્ય કામ રખડી જતાં હોય છે. કુદરતી આફતને કારણે જો આવું થતું હોય તો એ સમજી શકાય, પરંતુ સામે ચાલીને માનવસર્જિત કારણો એ ખરેખર મોટી હાનિ છે. કોઈ પણ પગલું સમાજ અને દેશના હિત માટે હોવું જોઈએ. જો તમે તમારા હેતુમાં સાચા છો અને તમારે તમારી વાતને મનાવવી છે તો એવું કરો જેનાથી તમારો ઉદ્દેશ પણ સફળ થાય અને લોકોને વધુ ફાયદો થાય.
 
વિરુદ્ધ પ્રદર્શન માટે બંધની જગ્યાએ ખોલો એવું કંઈક કરો, ૨૪ કલાક દુકાનો અને તમામ ઍક્ટિવિટી ચાલુ રાખો, એવાં પ્રદર્શન કરો.
 
આ પણ વાંચો : બિનજરૂરી શૉપિંગ ક્યાંક તો અટકાવો!
 
લોકોએ પણ હવે નીડર બનવાની જરૂર છે અને બિનજરૂરી કારણો માટે સત્તાધારીઓના સરમુખત્યારશાહી પાવર બતાડીને બંધ પાળવાની ઘરેડમાં ન જોડાવું જોઈએ. હડતાળ અને બંધ જેવા પૉલિટિકલ પ્રેશરને સ્વીકારવું એ પણ આજના જમાનામાં સામાજિક પ્રદૂષણ છે અને ૨૧મી સદીમાં શિક્ષિત સમાજે હવે આવી અહિતકારી પ્રક્રિયાને સાથ ન આપવો જોઈએ અને સહિયારા પ્રયાસથી આ પ્રદૂષણને સમાજમાંથી દૂર કરવું જોઈએ. વિરોધ-પ્રદર્શન માટે બીજા ઘણા વિકલ્પો છે.

શબ્દાંકન : ભાવિની લોડાયા 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists