આ રીતે બનાવો નૅચરલ બ્યુટિeફુલ લિપ્સ

07 January, 2021 02:20 PM IST  |  Mumbai | Bhakti D Desai

આ રીતે બનાવો નૅચરલ બ્યુટિeફુલ લિપ્સ

ચહેરાની સુંદરતાનો મોટો આધાર તમારી આંખો અને હોઠની સુંદરતા અને સ્વસ્થતા પર રહેલો છે. શિયાળામાં સહેજ ઠંડી પડે એટલે સૌથી પહેલી ડ્રાયનેસની અસર લિપ્સ પર જ જોવા મળે. આમ તો બજારમાં જાતજાતની લિપ-કૅર પ્રોડક્ટ્સ મળે છે, પણ  હોઠનો કુદરતી રંગ અને ભીનાશ જળવાઈ રહે એ માટે થોડીક મહેનત કરવા ઇચ્છતા હો તો ઘરમાં જ જાતે નૅચરલ બામ બનાવી શકાશે

ચહેરો સુંદર દેખાય એ માટે આપણે કેટલીય જહેમત ઉઠાવીએ છીએ. ચહેરાની ત્વચા સુકાય તો જાતજાતનાં ક્રીમ અને મૉઇશ્ચરાઇઝર લગાડી એની કાળજી લઈએ છીએ, સમય-સમય પર ફેશ્યલ કરાવીએ છીએ. પણ ચહેરાના સૌંદર્યમાં જેની મુખ્ય ભૂમિકા છે અને હસવું-બોલવું આ બધી ભાવાભિવ્યક્તિ માટે જેનો વિશેષ ઉપયોગ થાય છે એવા હોઠ આપણને ફક્ત શિયાળામાં જ કેમ યાદ આવે છે? જેમ-જેમ ઉંમર મોટી થાય છે એમ આપણી ઉંમરનો પ્રભાવ હોઠ પર પણ પડે છે અને એ પતલા થતા જાય છે, પણ લોકો હોઠના આ બદલાવ પર ખાસ ધ્યાન નથી આપતા. ફક્ત શિયાળામાં હોઠ ફાટવાની અને સુકાવાની સમસ્યા અનુભવાય ત્યારે એને કઈ રીતે મૉઇશ્ચરાઇઝ કરવા એના વિકલ્પ શોધવા લાગે છે. કોઈ વાર શુષ્ક વાતાવરણને કારણે હોઠ પર ચીરા પડી એમાંથી લોહી નીકળવું અને હોઠ કાળા પડી જવા આ બધી ફરિયાદો પણ આ ઋતુમાં સામાન્ય છે. આવું ન થાય અને આખા વર્ષની કોઈ પણ ઋતુમાં હોઠ કમળ જેવા ગુલાબી અને કુદરતી ભીનાશવાળા જ રહે એ માટે એનો ખ્યાલ કઈ રીતે રાખવો એ નિષ્ણાત પાસેથી જાણીએ.

મ્હાલક્ષ્મીમાં રહેતાં અને જાતે નૅચરલ પ્રોડક્ટ્સસ બનાવતાં બ્લૉસમ જાધવ અહીં હોઠ માટે વધુ સમજ આપતાં કહે છે, ‘હોઠને સુંદર રાખવા પાણી ભરપૂર પીવું જોઈએ. ચા, કૉફી, જૂસ આ બધું પીને તરત જ હોઠ પર ભીનો હાથ ફેરવવો જોઈએ, કારણ કે આ બધાના ડાઘ હોઠ પર રહીને હોઠના કુદરતી રંગને બગાડે છે. બને તો ચા-કૉફીનું સેવન ઓછું જ કરવું જોઈએ. હોઠ ખૂબ નાજુક હોય છે. આપણે એના પર કોઈ પણ પ્રોડક્ટ્સ વાપરતાં પહેલાં એક વાત સુનિશ્ચિત કરવી જોઈએ કે એ પ્રોડક્ટ્સ ઑર્ગેનિક અને નૅચરલ છે કે નહીં. હોઠ સુંવાળા રહે અને એનો પ્રાકૃતિક રંગ અને દેખાવ ટકી રહે એ માટે એના પર ઘરે બનાવેલા નૈસર્ગિક લિપ બામ, સ્ક્રબ, મૉઇશ્ચરાઇઝર, માસ્ક  વગેરે લગાડી શકાય છે. બહુ ઓછા લોકો હોઠ પર સ્ક્રબ, માસ્ક લગાડવાની તકેદારી લે છે. હું આ બધું ઘરની વસ્તુઓમાંથી બનાવું છું, જે ઘરમાં ન હોય તો પણ સરળતાથી બજારમાંથી મળી રહેશે.’

જેમની પાસે સમયનો અભાવ છે તેઓ અમુક સાદા અને સરળ ઉપાય કરી શકે છે એવા સુઝાવ સાથે બ્લૉસમ કહે છે, ‘રાત્રે સૂતાં પહેલાં થોડું બદામનું તેલ આંગળી પર લઈ હોઠ પર ઘસવું અને આખી રાત લગાડી રાખવું. આનાથી હોઠની શુષ્કતા ઓછી થઈ જશે. કુદરતી રીતે ગુલાબી રંગ બનાવી રાખવા બીટનો એક નાનો ટુકડો હોઠ પર થોડો ઘસી લેવો, આનાથી લિપસ્ટિકની જરૂર નહીં પડે અને હોઠને  કુદરતી પોષણ મળશે. જેમના હોઠ ફાટતા હોય તેમણે ૧/૨ ચમચી અથવા જરૂર મુજબ કાકડીનો રસ લગાડી પંદર મિનિટ રાખી મૂકવું પછી સાદા પાણીથી હોઠને ધોઈ લેવા.  હોઠના ચીરામાં રાહત જણાશે.’

હોઠને સુંદર રાખવા પાણી ભરપૂર પીવું જોઈએ. ચા, કૉફી, જૂસ આ બધું પીને તરત જ હોઠ પર ભીનો હાથ ફેરવવો જોઈએ, કારણ કે આ બધાના ડાઘ હોઠ પર રહીને હોઠના કુદરતી રંગને બગાડે છે. બને તો ચા-કૉફીનું સેવન ઓછું જ કરવું જોઈએ. હોઠ પર કોઈ પણ પ્રોડક્ટ્સ વાપરતાં પહેલાં એક વાત સુનિશ્ચિત કરવી જોઈએ કે એ પ્રોડક્ટ્સ ઑર્ગેનિક અને નૅચરલ છે કે નહીં. - બ્લૉસમ જાધવ, નૅચરલ બ્યુટી પ્રોડક્ટ મૅન્યુફૅક્ચરર

હની લિપ બામ

સામગ્રી

૧ ટીસ્પૂન હેમ્પ ઑઇલ (ભાંગના બીજનું તેલ)

૪ ટીસ્પૂન બદામ તેલ

બે ટીસ્પૂન મધ

૧૦ ગ્રામ કોકો બટર

૧૦ ગ્રામ મધમાખી દ્વારા બનાવાતું મીણ (બીઝ વૅક્સ)

૧૫ ગ્રામ શિઆ બટર

બનાવવાની રીત

મીણ, કોકો અને શિઆ બટરને ડબલ બૉઇલરમાં ગરમ કરવું અને ઓગાળવું. આમાં હેમ્પ ઑઇલ અને બદામ તેલ ભેળવવું. જ્યાં સુધી એ એકદમ પ્રવાહી થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવું. ગૅસ બંધ કરી આમાં મધ ભેળવી રવઈથી સરખું મિક્સ કરવું. મધ્યમ ઘટ્ટ થાય એટલે એક કાચની બૉટલ કે બરણીમાં કાઢી એને સેટ થવા દેવું. આનો લિપ બામ તરીકે ઉપયોગ કરવો. આના દરેક ઘટક હોઠ માટે ખૂબ જ લાભદાયી છે.

વૅનિલા-ઑરેન્જ લિપ બામ

સામગ્રી

૧ ટેબલસ્પૂન નારિયેળ તેલ

૧ ટેબલસ્પૂન ઑલિવ ઑઇલ

બે ટીસ્પૂન  બીઝ વૅક્સ (ખમણેલું)

બે ટી‍‍સ્પૂન  શિઆ બટર

બેથી આઠ ટીપાં સ્વીટ ઑરેન્જ એસેન્શિયલ ઑઇલ (સંતરાનું)

૧/૮ ટેબલસ્પૂન વૅનિલા એક્સ્ટ્રૅક્ટ

બનાવવાની રીત

તેલ, બીઝ વૅક્સનું છીણ, શિઆ બટર આ બધાને ડબલ બૉઇલરમાં મૂકવા. મધ્યમ આંચ પર  ઓગળવા દેવું. આખું મિશ્રણ સરખું ભળે એ માટે હલાવતા રહેવું. ગૅસ પરથી ઉતારી એમાં એસેન્શિયલ ઑઇલ અને વૅનિલા એક્સ્ટ્રૅક્ટ નાખી હલાવવું. થોડી વારમાં એક જારમાં એને ભરી લેવું.

હની ઍન્ડ અવાકાડો માસ્ક

હની-કોકોનટ ઑઇલ લિપ માસ્ક

૧ ટેબલસ્પૂન નારિયેળ તેલ

બે ટીસ્પૂન મધ

આ બન્નેનું મિશ્રણ કરી હોઠ પર લગાડવું. આનાથી કુદરતી રીતે હોઠ ભીના રહેશે અને સુકાઈને ફાટશે નહીં.

સ્ટ્રૉબેરી લિપ માસ્ક

૧ સ્ટ્રૉબેરી

પા નાની ચમચી ઑલિવ ઑઇલ અથવા મધ

આ જાડા મિશ્રણને હોઠ પર રાત્રે લગાડીને આખી રાત રહેવા દેવું. સવારે એને પાણીથી ધોઈ નાખવું. હોઠ કુદરતી રીતે આકર્ષક દેખાશે.

મિલ્ક-ટર્મરિક ડીટૅન માસ્ક

૧ ટીસ્પૂન હળદર

પેસ્ટ બને એટલું દૂધ

એમાં થોડું-થોડું દૂધ

ભેળવતા જવું. જાડી પેસ્ટ બનાવવી અને હોઠ પર

લગાડી પંદર મિનિટ આ માસ્કને રહેવા દેવો. પછી ઠંડા પાણીથી ધોઈ લેવું. આનાથી કાળાશ દૂર થશે.

શુગર સ્ક્રબ

૧ ચમચી બદામનું તેલ અથવા મલાઈ

 પા નાની ચમચી બ્રાઉન શુગર

આ મિશ્રણ જાડું રાખવું અને એને હોઠ પર હલકા હાથે ઘસવું. આનાથી ડેડ અને ડ્રાય સ્ક‌િન નીકળી જશે, હોઠની ત્વચાને પોષણ મળશે તથા હોઠ ખૂબ સુંવાળા રહેશે.

બેકિંગ સોડા સ્ક્રબ

આંગળીમાં થોડા બેકિંગ સોડાને મસાજ કરતા હોય એમ હોઠ પર હલકા હાથે ઘસો. આનાથી ડેડ સ્ક‌િન નીકળી જશે. પાણીથી સાફ કરી એના પર પેટ્રોલિયમ જેલી અથવા બદામના તેલથી મસાજ કરો જેનાથી હોઠની ભીનાશ અને પાછી મેળવી શકાશે.

યોગર્ટ ઍન્ડ લેમન જૂસ માસ્ક

બે ટીસ્પૂન તાજું દહીં

૧ ટીસ્પૂન લીંબુ નો રસ

આ બન્નેને ભેળવીને હોઠ પર લગાડી સુકાય પછી ધોઈ લેવું. આમાં દહીંમાં રહેલો લેક્ટિક ઍસિડ છે અને લીંબુમાં રહેલો સાઇટ્રિક ઍસિડ છે તેથી આ માસ્કની અસર વધારે સ્ટ્રૉન્ગ હશે.

લિપ-લાઇટનિંગ માસ્ક

૧ ટીસ્પૂન મધ

બે ટીસ્પૂન લીંબુનો રસ

આને ભેળવીને હોઠ પર લગાડવું અને પંદર મિનિટ પછી ધોઈ નાખવું. આવું અઠવાડિયામાં બે-ત્રણ વાર કરવાથી અમુક સમયાંતરે હોઠની કાળાશ દૂર થશે અને રંગ ખૂલશે.

હની ઍન્ડ અવાકાડો માસ્ક

બે ટીસ્પૂન અવાકાડો

૧ ટીસ્પૂન મધ

૧ અવાકાડોને એક વાટકીમાં લઈ મસળીને પેસ્ટ જેવું કરી લેવું. એમાંથી બે સ્પૂન જ લેવું અને મધ સાથે ભેળવી હોઠ પર લગાડવું. અવાકાડોમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સથી હોઠને લાભ થશે.

ઍલોવીરા-હની લિપ માસ્ક

બે ચમચી ઍલોવીરા જેલ

૧ નાની ચમચી મધ

આને વ્યવસ્થિત મિક્સ કરી લેવું અને હોઠ પર લગાડીને પંદર મિનિટ રાખવું પછી સાદા પાણીથી ધોઈ લેવું. આનાથી હોઠ પર મૉઇશ્ચર બની રહે છે.

columnists bhakti desai