૧ વ્યાસપીઠ પરથી ૧૦૦૦ ઘરમંદિરોમાં થશે સર્વપ્રથમ ઑનલાઇન ભાગવત સપ્તાહ

13 September, 2020 06:33 PM IST  |  Mumbai | Taru Kajaria

૧ વ્યાસપીઠ પરથી ૧૦૦૦ ઘરમંદિરોમાં થશે સર્વપ્રથમ ઑનલાઇન ભાગવત સપ્તાહ

૧ વ્યાસપીઠ પરથી ૧૦૦૦ ઘરમંદિરોમાં થશે સર્વપ્રથમ ઑનલાઇન ભાગવત સપ્તાહ

આજના સંજોગોમાં તમને સમૂહ ભાગવત સપ્તાહનું આમંત્રણ મળે જેમાં હજારેક યજમાનો ભાગવત લેવાના હોય તો એ તમારા ગમે એટલા નિકટના સ્વજને મોકલેલું આમંત્રણ  હોય તો પણ તમે કહી દેશો, સૉરી હોં, મને નહીં ફાવે. બરાબરને? પરંતુ મિત્રો, આ હજાર જેટલી ભાગવતપોથીઓ લેવાની છે એ માટે કોઈ વિશાળ હૉલ કે મેદાન બુક કરવા નથી પડ્યાં, કોઈ મંડપ કે શામિયાણો નથી બંધાયો, કોઈ ડેકોરેટર્સ પાસે ખુરસી-ટેબલ કે બાજઠ-પાટલા ભાડે નથી મગાવાયાં કે ના કોઈ કેટરર્સને પ્રસાદ કે ભોજન માટે કૉન્ટ્રૅક્ટ અપાયા છે. હા, આ ભાગવત હજારેક ભક્ત કે સત્સંગીના ઘરે લેવાઈ રહી છે. તેમના દરેકના પોતાના ઘરમાં ગોઠવેલા મંદિરમાં પોથી પધરાવાઈ રહી છે, પણ, પણ, વ્યાસપીઠ એક જ છે અને એના પર બિરાજનાર ભાગવતકાર પણ એક જ છે અને તેઓ ભાગવતપારાયણ પણ પોતાના ઘરની વ્યાસપીઠ પરથી જ કરાવશે!

તમને થશે કે આ તે વળી કેવી ભાગવત સપ્તાહ! હા, આ અનોખી ભાગવત સપ્તાહ છે ‘ઑનલાઇન ભાગવત સપ્તાહ!’ આ સપ્તાહના આયોજક છે નિમિશભાઈ અનિલકુમાર ઠક્કર અને મેધાબહેન ઠક્કર. નિમિશભાઈ ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનના પ્રમુખ છે. આ લૉકડાઉનના સમયમાં તેમણે ગુજરાતી ગૌરવના ૩૦૦૦ જેટલા સભ્યો માટે અનેક કાર્યક્રમો ઝૂમ પર ગોઠવ્યા. સભ્યોના શારીરિક અને માનસિક તેમ જ આધ્યાત્મિક કલ્યાણ માટે મદદરૂપ થાય એવા જુદા-જુદા ક્ષેત્રના નિષ્ણાતોનાં લેક્ચર્સ ગોઠવ્યાં હતાં એમાં જ ભાગવત તેમ જ ગીતા પરનાં વિદુષી અને પ્રતિષ્ઠિત વક્તા વિજુબહેન રાજાણીને પણ નિમંત્રણ આપ્યું હતું. દર અઠવાડિયે એક વાર યોજાતા તેમના વેબિનારમાં ચાર સપ્તાહ સુધી શ્રોતાઓ એવા તો તરબોળ થયા કે સૌ સભ્યોની એક જ માગણી હતી, ‘દિલ માંગે મોર.’ નિમિષભાઈએ વિજુબહેન સાથે આ સંદર્ભે ચર્ચા કરી અને સળંગ સાત દિવસની સપ્તાહનો આઇડિયા ઊગી નીકળ્યો. ૬૪ વર્ષથી કથા અને વ્યાખ્યાનો કરતાં વિજુબહેન ૮૧ વર્ષની ઉંમરે પણ ટેક્નૉલૉજી અને ડિજિટલ પ્લૅટફૉર્મ વગેરેથી ખાસ્સા પરિચિત છે. છેલ્લાં પાંચ વર્ષથી તેમણે વૉટ્સઍપ પર એક મજાની પ્રવૃત્તિ શરૂ કરી છે. પોતાના વિશાળ જ્ઞાનખજાનામાંથી તેમણે રામાયણ, મહાભારત, ગીતા કે ભાગવત જેવા જ્ઞાનગ્રંથોના કોઈક પ્રસંગ કે પાત્ર વિશે અત્યંત રોચક શૈલીમાં જાણકારી આપતી નાની-નાની ઑડિયો-ક્લિપ્સ બનાવી છે અને એ ક્લિપ્સ દુનિયાભરમાં વાઇરલ થઈ છે. એ સાંભળીને ન્યુ ઝીલૅન્ડ, ફિજી, નૈરોબી ઇત્યાદિ દેશોમાંથી ભાવકોએ તેમને કથા કરવા આમંત્રણ આપ્યું છે. તેમણે પોતાના મનમાં ઑનલાઇન કથાનો જે કન્સેપ્ટ હતો એ નિમિષભાઈને કહ્યો અને નિમિષભાઈએ એને સાકાર કરવાનું જાણે બીડું જ ઝડપી લીધું.

સૌથી પહેલાં તો તેમણે જાહેર કરી દીધું કે તેઓ તેમનાં પૂજ્ય માતા-પિતા સંધ્યાબહેન અને અનિલભાઈની સ્મૃતિમાં આ કથાનું આયોજન કરશે અને એ માટે અધિક આસો માસથી વધુ સારો સમય બીજો કયો હોઈ શકે? પચીસ સપ્ટેમ્બરથી બીજી ઑક્ટોબર સુધી સાંજે ૪.૩૦થી ૭ વાગ્યાનો ટાઇમ પણ નક્કી થઈ ગયો. ગુજરાતી ગૌરવના ઉત્સાહી કમિટી મેમ્બર્સ અને બીજા સભ્યો પણ કામે લાગી ગયા. આજની આધુનિક ટેક્નૉલૉજીની મદદથી યોજાનારી આ કથામાં કેમ વધુ ને વધુ લોકો સામેલ થઈ શકે એ માટે નિમિષભાઈની આઇટી ગ્રૅજ્યુએટ પુત્રી નિરાલી પણ પૂરા ઇન્વૉલ્વમેન્ટ સાથે જોડાઈ ગઈ. ઝૂમ પર ૧૦૦૦ પાર્ટિસિપન્ટ્સની કૅપેસિટી ધરાવતી લાઇન લેવા માટેનું એક ડઝન પાનાંનું ફૉર્મ ભરવામાં તેને વિજુબહેનની મદદ લેવી પડી, કેમ કે ભાગવત સપ્તાહ, એનું મૂળ અને હેતુ ઇત્યાદિ વિશે પણ ઢગલાબંધ માહિતી ભરવાની હતી. કૅપેસિટી બુક થઈ ગઈ એ પછી ગુજરાતી ગૌરવનું ફેસબુક-પેજ અને યુટ્યુબ ચૅનલ પણ અપગ્રેડ કરી દીધાં.

વિજુબહેન જેવાં ભાગવતકાર વ્યાસપીઠ પર હોય ત્યારે પોતાને ત્યાં ભાગવત લેવાનો મોહ કોને ન થાય? અમેરિકા, કૅનેડા, યુરોપ, આફ્રિકાનાં અનેક શહેરોમાં તેઓ કથા કરી ચૂક્યાં છે. તેમનો ભાવક વર્ગ દેશ-વિદેશમાં પણ બહોળો છે એટલે સેંકડો સભ્યો અને બીજા લોકોએ આ અનોખી ભાગવત સપ્તાહમાં પોતાને ઘરે પોથી પધરાવવાની ઇચ્છા પ્રદર્શિત કરી અને નામ નોંધાવા લાગ્યાં. ૧૦૦૦ સભ્યોની મર્યાદા હોવાથી વહેલો તે પહેલોના ધોરણે નામ નોંધાશે. પોથી પધરાવનાર સૌકોઈને વિજુબહેન એક વિનંતી કરે છે કે ભાગવત ભલે તમારા ઘરમાં જ હોય, પણ પ્રભુના આ ઉત્સવમાં બધા તૈયાર થઈને આવજો. 

આ ભાગવત સપ્તાહ માટે કોઈએ કશું આપવાનું નથી, એવું સાંભળીને સૌના મોઢે એક જ સવાલ આવ્યો કે અમારે ગુરુદક્ષિણા તો આપવી જ હોયને અને એ માટે એવું નક્કી થયું કે દરેકે ગુરુદક્ષિણાનો ચેક સીધો વિજુબહેનના જ ખાતામાં જમા કરાવી દેવાનો. કથા ઇત્યાદિમાંથી એકઠી થતી તમામ રકમ વિજુબહેનના ‘વલ્લભ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા કન્યા કેળવણી, તબીબી સહાય તેમ જ અનાજ-વિતરણનાં કાર્યોમાં વપરાય છે. અલબત્ત આ તો માત્ર પોતાના ઘરે ભાગવત પધરાવનાર માટે જ છે, બાકી તો સૌ માટે આ કથાશ્રવણ ફ્રી છે.

કલ્પના કરો કે દેશ અને દુનિયાનાં ૧૦૦૦ ઘરોનાં મંદિરોમાં ભાગવત પધરાવવામાં આવી હશે અને આરતી ટાણે એકસાથે એ સૌના દીપ ઝળહળી ઊઠશે અને વ્યાસપીઠ પરથી વિજુબહેનના બુલંદ કંઠે આરતી શરૂ થશે ત્યારે કોઈ અમેરિકાથી, કોઈ ઑસ્ટ્રેલિયાથી, ફિજી યા નૈરોબી કે લંડનથી, રાજકોટ, ભાવનગર, ગાંધીધામ, મુંબઈ, ચેન્નઈથી કે કોઈ પણ શહેરથી આરતી કરી રહ્યું હશે એ કેવો અદ્ભુત નજારો હશે! હકીકતમાં આ એક અનોખી ઘટના હશે, કેમ કે ઑનલાઇન ભાગવત સપ્તાહ પ્રથમ વાર યોજાઈ રહી છે. બીજું, કદાચ ૧૦૦૦ વ્યક્તિઓ ઝૂમ પર એકસાથે કોઈ કાર્યક્રમમાં લાઇવ પાર્ટિસિપેટ કરતા હોય એવું પણ કદાચ અગાઉ નથી થયું. ખરેખર, આ લૉકડાઉને વર્ચ્યુઅલ વર્લ્ડની જે નવી દિશાઓ દેશના લાખો-કરોડો લોકો માટે ખોલી આપી છે એને સલામ કરવી પડે. એમાંય સાહિત્યિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્ષેત્રોએ ડિજિટલ માધ્યમને અનુરૂપ થઈને તેનો જે દિલ ખોલીને ઉપયોગ કર્યો છે એ કાબિલે-દાદ છે.

અરે હા, યાદ આવ્યું, આ નિમિશભાઈ પણ લૉકડાઉનના  સમયમાં જ ઝૂમ, યુટ્યુબ કે ફેસબુકનો ઉપયોગ કરતાં શીખ્યા અને એના પરથી લાઇવ સ્ટ્રીમિંગ કરતા થઈ ગયા.  ૨૫ સપ્ટેમ્બરથી શરૂ થતી કથાનો લોકો મહત્તમ લાભ લઈ શકે અને પાર્ટિસિપન્ટ્સને કોઈ પણ ક્વેરી હોય તો એનું સમાધાન વિજુબહેન દ્વારા જ કરાવી અપાય એ માટે અત્યારથી જ ઝૂમ પર સાંજે કાર્યક્ર્મ શરૂ થઈ ગયા છે. વળી સૌને ઝૂમ પર લૉગઇન કરવાનું ફાવી જાય એ માટે તેમણે સીધા લિન્ક પર ક્લિક કરીને ઝૂઉઉઉઉઉમ કરતા ઝૂમમાં પહોંચી જવાય એવી સગવડ રાખી છે.

columnists taru kajaria