૧૮૫૯માં પહેલવહેલી મેટ્રિકની પરીક્ષા લેવાઈ હતી એમાં ફક્ત ૨૨ છોકરા પાસ!

25 July, 2020 09:58 AM IST  |  Mumbai | Deepak Mehta

૧૮૫૯માં પહેલવહેલી મેટ્રિકની પરીક્ષા લેવાઈ હતી એમાં ફક્ત ૨૨ છોકરા પાસ!

આયકા બંધુ ભગિનીંનો, આયકા. મારા નાવ ગિરગાંવરાવ. આડનાવ મુંબઈકર. દેશને આઝાદી મળી એ પહેલાં દસેક વરસે મારા જન્મ થયા, ગિરગામમાં. મારા વડીલ (પિતા) શીખેલા મેટ્રિક સુધી, પણ ઇંગ્લિશ એકદમ પાવરફુલ, આજના ગ્રૅજ્યુએટ કરતાં પણ ચડે. પુણેની સ્કૂલમાં લોબો સર પાસે અંગ્રેજી શીકેલા અને દેશપાંડે સર પાસે મૅથ્સ શીકેલા. કૉલેજમાં ભણવા જવાના પૈસા નહોતા એટલે બૉમ્બે હાઈ કોર્ટમાં નોકરીએ લાગી ગયા. અવ્વલ કારકુન સુધી પહોંચેલા. રિટાયર થયા ત્યારે હાઈ કોર્ટના રજિસ્ટ્રારે મળવા બોલાવેલા. સ્ટાફે જર્મન સિલ્વરની પ્લેટ અને રિસ્ટ વૉચ ભેટ આપેલા એ મેં હજી સાચવી રાખેલા છે. જોકે એ ઘડિયાળ હવે ચાલતા નથી. પણ એમ તો ગિરગાવના રસ્તા પર હવે ટ્રામ પણ ચાલતા નથી, અને મુન્સિપાલ્ટીએ નમૂનાના એકાદ ટ્રામ પણ સાચવ્યા નહીં એટલે ઠેઠ કલકત્તાથી એક ટ્રામ મગાવવા પડ્યા છે, પણ મેં મારા વડીલના રિસ્ટ વૉચ હજી બરાબર સાચવીને મારા સ્ટીલના કબાટમાં રાખ્યા છે.

મારી આઇ પાંચ ચોપડી ભણી હતી એ પછી આગળ ભણવા માટે તેના ગામમાં સ્કૂલ નહોતી. ભણતી ત્યારથી તેને ડ્રૉઇંગનો ઘણો શોખ હતો. દિવાળીમાં રાતે રંગોળી બનાવતી હોય ત્યારે પાડોશની બાઈઓ એ જોવા આવતી. મારી આઇ સોલ કઢી બનાવતી ત્યારે એની સોડમ આખા મકાનમાં ફેલાઈ જતી. તેને ભરતકામનો પણ શોખ. એક દિવાળીએ બાબા (પિતા) મારી આઇ માટે સિંગર કંપનીનો સીવવાનો સંચો લઈ આવ્યા હતા. પછી તો આખા દિવસ એ સંચા પર એમ્બ્રૉઇડરી કર્યા કરે. ૪૦-૫૦ તો એમ્બ્રૉઇડરીવાળાં ટેબલ-ક્લોથ બનાવેલાં, પણ આજે મારા ઘરમાં એક જ સચવાયું છે, કારણ, જેવું એક ટેબલ-ક્લોથ તૈયાર થાય કે કોઈ ને કોઈ સગાને કે પાડોશીને આપી દે. નાગપુર રહેતી મારી નાની બહેનના સાસરે તો એવાં ડઝનેક આપ્યાં હશે. તેની દીકરીના ફ્રોક પર લગાડવા ‘ઍપ્લિક’ પણ બનાવીને મોકલતી. આઇ-બાબા તો હવે નથી, પણ એ સંચો ઘરના એક ખૂણામાં હજી મેં રાખ્યો છે. જોકે હવે એ કોઈ વાપરતું નથી.

આઇ-બાબા બહુ ભણેલાં નહીં, પણ ઘરમાં કરકસર કરીને પણ મારી બહેનને અને મને ભણાવેલાં. બહેન કર્વે કૉલેજમાં ભણીને બીએ થઈ. શું? આવી કોઈ કૉલેજનું નામ તમે નથી સાંભળ્યું? હા, હા, હવે એને એસએનડીટી કહે છે. મહર્ષિ ધોન્ડો કેશવ કર્વેએ વાવેલું બીજ આજે તો મોટું વૃક્ષ બની ગયું છે. લગ્ન પછી નાગપુર જઈને બહેને બીએડ કર્યું અને ત્યાંની એક સ્કૂલમાં ઘણાં વર્ષ કામ કર્યું. છેવટે વાઇસ પ્રિન્સિપાલ બનીને રિટાયર થઈ. મને ધોબી તળાવ પરની એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ભણવા મૂકેલો. એક જમાનામાં આ સ્કૂલની મુંબઈ શહેરમાં જ નહીં, મુંબઈભરમાં મોટી નામના હતી. આઝાદી પહેલાં એના પ્રિન્સિપાલ ગોરા જ હોય. એમાં એક ગુજરાતીના માસ્ટર હતા. નામ રામપ્રસાદ બક્ષી. ૧૯૨૭માં એક દિવસે ગોરા પ્રિન્સિપાલ પાસે તેમણે રાજીનામું ધરી દીધું. કેમ? સાંતાક્રુઝના પરામાં નવી શરૂ થતી પોદ્દાર હાઈ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે તેમની નિમણૂક થઈ હતી. પેલા ગોરાને તો આ વાત માનવામાં જ ન આવે. તેણે કહ્યું, આગળ સરકારી કેળવણી ખાતામાં સારો હોદ્દો અને મોટો પગાર મળી શકે એમ છે. બહુ સમજાવ્યા, પણ માન્યા નહીં રામભાઈ. ગોરો કહે, ‘થોડા વખત પછી અહીં પાછા આવી શકાય એ પ્રમાણે કાગળિયાં કરું?’ રામભાઈએ નમ્રતાથી, પણ દૃઢતાપૂર્વક જવાબ આપ્યો: ‘હવે તો સાંતાક્રુઝમાં બીજી એલ્ફિન્સ્ટન સ્કૂલ ઊભી કર્યા પછી જ અહીં પાછો આવીશ.’ આવા હતા અમારા જમાનાના માસ્તરો. જોકે હું બક્ષીસર પાસે શીખ્યો નથી, પણ અમારા મરાઠીના દાતેસર આ વાત ઘણી વાર કહેતા. પછી તો આ રામભાઈસર સંસ્કૃત અને ગુજરાતીના મોટા વિદ્વાન બન્યા. અમારા મરાઠી પંડિતો સાથે

તેઓ સંસ્કૃતમાં વાતચીત પણ કરતા. તેમણે ગુજરાતીમાં ઘણી ચોપડીઓ પણ લખેલી. મને યાદ છે કે તેઓ કૈલાસવાસી થયા ત્યારે એક ગુજરાતી છાપાએ લખેલું, ‘દેવી સરસ્વતી જેના પર આરૂઢ થયેલાં છે એ શ્વેતપદ્‍મની એક પાંખડી જેવા હતા રામભાઈ.’

મારે કૉમર્સની લાઇન લેવાની છે એવું મારા પિતાએ પહેલેથી જ નક્કી કરેલું. એ વખતે હજી એસએસસીની પરીક્ષા શરૂ નહોતી થઈ. મેટ્રિકની પરીક્ષા આખા મુંબઈમાં બૉમ્બે યુનિવર્સિટી લેતી. આજની જેમ ૯૯ ટકા રિઝલ્ટ આવતાં નહીં. ૩૦-૩૫ ટકા આવતા. ૭૦ ટકા માર્ક મળે તો તો વિદ્યાર્થી અને તેનાં આઇ-બાબા હવામાં ઊડવા માંડે. મારા પિતા કહેતા કે ૧૮૫૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે શરૂ થઈ એ પછી ૧૮૫૯માં પહેલી વાર મેટ્રિકની પરીક્ષા લેવાઈ એમાં કુલ ૧૩૨ છોકરાઓ બેઠા હતા, પણ એમાંથી પાસ તો ફક્ત ૨૨ જ થયેલા! છેક ૧૮૮૩ સુધી છોકરીઓ મેટ્રિકની પરીક્ષામાં બેસી શકતી નહોતી, કારણ કે યુનિવર્સિટીના કાયદામાં વિદ્યાર્થી માટે ફક્ત ‘હી’ શબ્દ વપરાયો હતો. શરૂઆતથી કેટલાંક વર્ષ આ પરીક્ષા ટાઉન હૉલમાં લેવાતી હતી. લેખિત પરીક્ષા પછી ટાઉન હૉલમાં જ જાહેરમાં ઓરલ પરીક્ષા પણ દરેક છોકરાની લેવાતી. મુંબઈનો કોઈ પણ રહેવાસી એ પરીક્ષા વખતે હાજર રહીને કોઈ પણ છોકરાને સવાલ પૂછી શકતો! છેક ૧૯૪૮ સુધી યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા જ ચાલી. પછી આવી એસએસસીની પરીક્ષા. એ જમાનામાં કોચિંગ ક્લાસ હતા નહીં. પૈસાદાર મા-બાપ ઘરે ટ્યુશન રાખતાં, પણ મારા પિતાને એમ કરવું પોસાય એમ નહોતું. અંગ્રેજી સુધારવા માટે રોજ રાતે ૯ વાગ્યે ઑલ ઇન્ડિયા રેડિયોના અંગ્રેજી ન્યુઝ ફરજિયાત મને ને બહેનને સંભળાવતા. એ ઉપરાંત અમે મરાઠી નાટક, ભાવગીત, વાર્તાલાપ સાંભળતાં. આડોશપાડોશની મહિલાઓને લીધે આઇને ગુજરાતી પણ આવડતું. એટલે કેટલીક મહિલાઓ બપોરે અમારા ઘરે ભેગી થઈને ‘મહિલા મંડળ’ પ્રોગ્રામ સાંભળતી. એ વખતે ઘરમાં મનોરંજન માટેનું એકમાત્ર સાધન હતું રેડિયો, મોટો, ભારેખમ. પછી આવ્યાં એ ટ્રાન્ઝિસ્ટર નહીં, વાલ્વવાળા રેડિયો. એને માટે ઘરની બહાર ઍરિયલ લગાડવું પડતું.

હું મેટ્રિકમાં આવ્યો ત્યારે અમારાં એક પાડોશી ગુજરાતી બહેન એક જોડકણું મને ચીડવવા વારંવાર ગાતાં હતાં:

મેટ્રિકમાં માંદા પડ્યા, બીએમાં બેહાલ,

એમએ મરણપથારીએ, એ વિદ્યાના હાલ.

મેટ્રિકની પરીક્ષાના ત્રણ મહિના પહેલેથી જ ઘરમાં પિતાએ લૉકડાઉન જાહેર કરી દીધેલું. એ પહેલાં અમને એક ફિલ્મ જોવા લઈ ગયેલા, ‘પૃથ્વી વલ્લભ.’ ગુજરાતીના મોટા લેખક કનૈયાલાલ મુનશીની કાદંબરી (નવલકથા) પરથી એ પિક્ચર બનેલું. મારી મેટ્રિકની પરીક્ષા પહેલાં ઘણી વાર એના એક ગીતની પંક્તિ પિતા ગણગણતા:

તૈલપ કી નગરી મેં ગાના નહીં હૈ, બજાના નહીં હૈ,

જીવન કી ખુશિયાં મનાના નહીં હૈ.

પણ ગુરુ દત્તાત્રેયની કૃપાથી મારો ફર્સ્ટ ક્લાસ આવી ગયો. એ વખતે કૉલેજમાં ઍડ્મિશન લેવાનું આજ જેટલું અઘરું નહોતું. ચર્ચગેટ પાસેની સિડનહૅમ કૉલેજમાં ઍડ્મિશન મળી ગયું. પછી જ મારા પિતાએ પાડોશીઓ અને સગાંવહાલાંને પેંડા વહેંચેલા – મૅજિસ્ટિક સિનેમા નજીક આવેલી પણશીકરની દુકાનના કેસરી પેંડા. કૉલેજમાં ગયો એ પછી પિતા દર મહિને હાથખર્ચી માટે ૧૦ રૂપિયા આપતા. એટલે ક્યારેક ત્યાં જઈને ગરમાગરમ સાબુદાણા વડાં કે મિસળ ખાતો અને ઉપરથી ગરમ-ગરમ કેસરી દૂધ. ૮ આનામાં તો પેટ ભરાઈ જાય. હા, એ વખતે હજી દેશમાં રૂપિયા-આના-પાઇનું ચલણ હતું. ૧૨ પાઇનો એક આનો, ૧૬ આનાનો એક રૂપિયો. રૂપિયો, આઠ અને ચાર આનાના સિક્કા ઉપરાંત બે આની, એક આનો, ઢબુ (બે પૈસા), કાણાવાળો પૈસો અને પાઇના સિક્કા વપરાતા. વર્ષને વચલે દહાડે ઘરમાં ૧૦૦ રૂપિયાની નોટ આવે તો-તો ઘરના બધા વારાફરતી હાથમાં લઈને જોતા અને પછી પિતા સાચવીને મૂકી દેતા.

કૉલેજના પહેલા દિવસે બધા નવા વિદ્યાર્થીઓને કૉલેજના હૉલમાં પ્રિન્સિપાલે ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ૧૯૧૩માં શરૂ થયેલી આપણી આ કૉલેજ ફક્ત મુંબઈની નહીં, ફક્ત હિન્દુસ્તાનની નહીં, આખા એશિયા ખંડની જૂનામાં જૂની કૉમર્સ કૉલેજ છે. એ વખતના મુંબઈના ગવર્નર લૉર્ડ સિડનહૅમ ઑફ કૉમ્બેના નામ પરથી કૉલેજનું નામ પડ્યું છે. કૉલેજની શરૂઆત એલ્ફિન્સ્ટન કૉલેજના મકાનમાં થઈ હતી. પછી ૧૯૧૪થી ૧૯૨૨ સુધી ફ્લોરા ફાઉન્ટન નજીકના વાઇટવે લેડલો બિલ્ડિંગમાં ખસેડાઈ હતી. ત્યાં નીચે વાઇટવે લેડલોનો મોંઘોદાટ સ્ટોર હતો, જેમાં ગોરાઓ અને ખૂબ પૈસાદાર ‘દેશી’ઓ ખરીદી કરવા જતા. આજે એ જગ્યાએ ખાદી ગ્રામોદ્યોગનો સ્ટોર છે. પછી ૧૯૨૨થી ૧૯૫૫ સુધી વિક્ટોરિયા ટર્મિનસની સામે આવેલા જેજે કૉલેજ ઑફ આર્કિટેક્ચરના મકાનમાં ગઈ. છેક ૧૯૫૫માં ચર્ચગેટ સ્ટેશન પાસેના આજના લાલ રંગના મકાનમાં કૉલેજ ગઈ હતી.

કૉલેજનાં બધાં વર્ષ ચોટલી બાંધીને ભણ્યો, પણ બીકૉમમાં ક્લાસ ન જ આવ્યો. જોકે ત્યારે ફર્સ્ટ ક્લાસ તો બે-પાંચ વર્ષે કોઈ એકાદ-બેનો આવતો અને દર વર્ષે સેકન્ડ ક્લાસ મેળવનારની સંખ્યા બે આંકડાની ભાગ્યે જ થતી. બપોરે બરાબર ૧૨ વાગ્યે યુનિવર્સિટી રિઝલ્ટ જાહેર કરતી. કાળો સૂટ પહેરેલા રજિસ્ટ્રાર પોતે બે પટાવાળા સાથે યુનિવર્સિટીના ગાર્ડનમાં આવતા. પટાવાળા લાલ યુનિફૉર્મ પહેરતા અને છાતી પર પિત્તળનો ચકચકતો બિલ્લો પહેરતા. પટાવાળા જરૂર પ્રમાણે લાકડાનાં પાટિયાં મકાનની ભીંતને અઢેલીને મૂકતા. રજિસ્ટ્રારસાહેબના હાથમાં સીલ કરેલા મોટા કવરમાં રિઝલ્ટનાં છાપેલાં કાગળ રહેતાં. હાજર રહેલા સૌની હાજરીમાં એ સીલ તોડીને કાગળ કાઢતા અને પટાવાળાને આપતા. પટાવાળા એની પાછળ લાહી લગાડીને પાટિયા પર ચોંટાડતા. બધાં કાગળ ચોંટાડાઈ જાય એટલે રજિસ્ટ્રાર ‘ફલાણું રિઝલ્ટ ડિક્લેર’ એટલું બોલીને ઑફિસમાં પાછા ચાલ્યા જતા. પછી વિદ્યાર્થીઓ પોતાનો નંબર શોધવા પડાપડી કરતા.

બીકૉમનું રિઝલ્ટ આવે એ પહેલાં જ મારા પિતા અવસાન પામ્યા એટલે તરત નોકરીએ લાગવું પડે એમ હતું. સારા નસીબે પી. ઍન્ડ ઓ. નામની એ વખતની જાણીતી બ્રિટિશ શિપિંગ કંપનીમાં નોકરી મળી ગઈ. ૧૯મી સદીમાં એની શરૂઆત થઈ હતી તથા ગ્રેટ બ્રિટન અને દુનિયાના ઘણા દેશો વચ્ચે એની સ્ટીમરો પ્રવાસીઓ અને માલસામાન લઈને આવ-જા કરતી હતી. થોડાં વર્ષ પછી મુંબઈની ઑફિસના હેડ સ્ટોરકીપરની જગ્યા પર બઢતી મળી. કંપનીની સ્ટીમરો મુંબઈના બારામાં નાંગરે ત્યારે ટાંકણીથી માંડીને તિજોરી સુધીની નાનીમોટી અનેક વસ્તુઓ પૂરી પાડવી પડે એ બધી ગોડાઉનોમાં ભરી રાખવાની. ખાવા-પીવાનો સામાન તો જરૂર પ્રમાણે તાજો ખરીદીને સ્ટીમર પર પહોંચાડવો પડે. આ બધું ખરીદવાનું કામ કંપની આડતિયાઓ મારફત કરે. ઘણુંખરું આડતિયા પારસી જ હોય, કારણ, બીજા બધા સામાન સાથે દરેક સ્ટીમરને માંસ-મચ્છી પણ પૂરાં પાડવાં પડે એટલે આડતિયાનું કામ વાણિયા, બ્રાહ્મણ કે જૈન ન કરે. ઘણાં વર્ષ સુધી પારસીઓ સાથે કામ કર્યું એટલે ધીમે-ધીમે ગુજરાતી બોલતાં આવડી ગયું, પણ હજી માયબોલી મરાઠીના શબ્દો વચમાં-વચમાં ઘૂસી જાય છે. આખ્ખી જિંદગી ગિરગાંવમાં ગઈ છે એટલે વાતો તો ખૂટે એમ નથી, પણ ગિરગાંવ અને મુંબઈના રહેવાસીઓ એક ઘટના તો ક્યારેય નહીં ભૂલે. આવતા શનિવારે એને બરાબર ૧૦૦ વર્ષ પૂરાં થશે એટલે આવતા અઠવાડિયે એ ઘટનાની વાત.

(અહીં મરાઠીમાણુસની વાત હોવાથી લેખના કેટલાક ભાગમાં જાણીજોઈને મરાઠી ભાષાની છાંટ રાખવામાં આવી છે.)

columnists deepak mehta