સ્કૂલનો પહેલો દિવસ

10 July, 2020 10:42 PM IST  |  Mumbai | Varsha Chitalia

સ્કૂલનો પહેલો દિવસ

સપનાં આઘાં ઠેલાઈ ગયાં છે, પરંતુ ઉત્સાહમાં કોઈ ફરક પડ્યો નથી.

દરેક પેરન્ટ્સ પોતાનું સંતાન સ્કૂલમાં જવાનું હોય એ દિવસની કાગડોળે રાહ જોતાં હોય છે. જોકે કોરોનાની બ્રેક લાગી જતાં પેરન્ટ્સના એક્સાઇટમેન્ટ પર પાણી ફરી વળ્યું છે. આજે આપણે એવા કેટલાક પેરન્ટ્સ સાથે વાત કરીએ જેમનાં હૈયાં મહિનાઓથી સંતાનનો ફર્સ્ટ ડે ઍૅટ સ્કૂલનો એક્સ્પીરિયન્સ લેવા થનગની રહ્યાાં હતાં, પણ તેમનો ઇન્તેજાર ટૂંકસમયમાં તો પૂરો થાય એમ નથી

વરસાદના આગમન સાથે મોટા ભાગનાં ઘરોમાં સ્કૂલ ખૂલતાં પહેલાંની ધમાધમ જોવા મળે. પપ્પા ઑફિસથી આવે એટલે નવો યુનિફૉર્મ, રેઇનકોટ અને વરસાદમાં પહેરવાનાં સૅન્ડલની ખરીદી કરવાની. ઘરમાં ચારે બાજુ બુક્સ અને સ્ટેશનરીનો ઢગલો પડ્યો હોય. વરસાદમાં બુક્સ ભીંજાઈ ન જાય એ માટે રાતે મોડે સુધી જાગીને ડબલ કવર ચડાવવાનાં. સ્ટડી-ટેબલ પર વેકેશનમાં જામેલો કચરો સાફ કરી બધી વસ્તુ વ્યવસ્થિત ગોઠવવાની. ઘરની અંદર જુદા જ પ્રકારનો માહોલ હોય છે. મધ્યમ વર્ગના પરિવારમાં આ મહિનો એક્સ્ટ્રા ખર્ચો લઈને આવતાં બચત પણ ખર્ચાઈ જાય છે છતાં સંતાનોને બેસ્ટ એજ્યુકેશન આપવાનો હરખ પેરન્ટ્સના ચહેરા પર ઝળકે છે.
એમાંય સંતાન પહેલી વાર સ્કૂલમાં જવાનું હોય ત્યારના એક્સાઇટમેન્ટની તો વાત જ ન પૂછો. કૉમ્પિટિટિવ વર્લ્ડમાં સારી સ્કૂલમાં ઍડ્મિશન મેળવવા પેરન્ટ્સ મહિનાઓ પહેલાંથી દોડધામ કરે છે. ઍડ્મિશન થઈ જાય પછી વહાલસોયા માટે કેવી સ્કૂલબૅગ લેવી છે અને કેવો રેઇનકોટ લેવાનો છે એની ચર્ચા મુખ્ય હોય. સંતાનને પહેલા દિવસે સ્કૂલમાં મૂકવા જવાનું પ્લાનિંગ પણ થઈ જાય. પેરન્ટ્સના હૈયામાં ઉત્સાહ સમાતો ન હોય, પણ આ વર્ષે કોરોના નામની બીમારીએ ઉત્સાહ પર પાણી ફેરવી નાખ્યું છે ત્યારે કેટલાક પેરન્ટ્સને પૂછીએ કે તેઓ કેવું ફીલ કરે છે.

ટિફિન-બૉક્સમાં દરરોજ શું આપીશ એવું વિચારતી હતી : દેવાંશી શાહ, કાંદિવલી

કાંદિવલીના પેરન્ટ્સ ઉમંગ અને દેવાંશી શાહનું માનવું છે કે સંતાન માટે સારી સ્કૂલમાં ઍડ્મિશન મેળવવું એ પેરન્ટ્સ માટે લાઇફ અચીવમેન્ટ જેવું છે. ગયા ડિસેમ્બર મહિનામાં ચાર વર્ષના પુત્ર યુવાનના ઍડ્મિશન માટે તેઓ રીતસર દોડ્યાં હતાં. દેવાંશી કહે છે, ‘સ્કૂલવાળા પેરન્ટ્સને ગભરાવી દેતા હોય છે. જો સમયસર ફૉર્મ નહીં ભરો તો સીટ ખતમ થઈ જશે એમ કહે એટલે ટેન્શનમાં આવી જઈએ. ફૉર્મ ભર્યા પછી આટલા નાના બાળકનો ઇન્ટરવ્યુ લે. અમે યુવાનને ઇન્ટરવ્યુ માટે તૈયાર કર્યો હતો. શૉર્ટ નોટિસમાં ફી પણ ભરી દીધી હતી. તમામ પ્રોસીજરમાંથી પસાર થયા બાદ ઍડ્મિશન-લેટર હાથમાં આવ્યો ત્યારે શાંતિ થઈ. એ પછી એક્સાઇટમેન્ટનો દોર શરૂ થયો. રેઇનકોટ, રેઇની શૂઝ અને ગળામાં વૉટર-બૉટલ સાથે કેવો લાગશે એની કલ્પના કરતાં હતાં. આ ઇમેજિનેશન મિસ થઈ ગયું. જોકે મને અંદરખાને થોડો ડર હતો. યુવાન રાતે બે વાગ્યા સુધી સૂવાનું નામ લેતો નથી તો સવારે નવ વાગ્યે સ્કૂલમાં કઈ રીતે પહોંચશે. સ્કૂલ માટે વહેલો ઉઠાડવાની ટ્રાયલ લેતા હતા. રોજ-રોજ ટિફિનમાં શું આપીશ, પેમ્પર્ડ ચાઇલ્ડ છે તો આટલા બધા કલાક સ્કૂલમાં કઈ રીતે રહેશે, બહારની દુનિયા સાથે ઍડ્જસ્ટ થતાં કેટલો સમય લાગશે જેવા વિચારો ઘરમાં બધાને આવતા હતા. આટલા કલાક તેના વગર હું કેમ રહીશ એવું પણ મનમાં થતું હતું. આ બધી કશ્મકશ ચાલતી હતી એમાં લૉકડાઉન આવી જતાં તમામ કલ્પનાઓ બાજુ પર રહી ગઈ. અત્યારે તો એટલું જ વિચારીએ છીએ કે જલદીથી કોરોના-વૅક્સિન આવી જાય. કોરોનાનો ઇલાજ શક્ય થતાં પેરન્ટ્સ રિલૅક્સ થઈ જશે અને ૬ મહિના પછી કદાચ જુદા પ્રકારનું એક્સાઇટમેન્ટ જોવા મળશે.’


એક્સાઇટમેન્ટમાં સ્કૂલબૅગ અને મૉન્સૂન શૂઝ પસંદ કરી લીધાં : અભિષેક પંડ્યા, કાંદિવલી

ત્રણ વર્ષના દૈવિકને કાંદિવલીની સારામાં સારી સ્કૂલમાં ઍડ્મિશન મળે એ માટે તેના પેરન્ટ્સ અભિષેક અને ભૂમિ પંડ્યાએ ખૂબ દોડધામ કરી હતી. જાન્યુઆરી મહિનામાં જ્યારે ઍડ્મિશન થઈ ગયું ત્યારે હાશકારો થયો એમ જણાવતાં અભિષેકભાઈ કહે છે, ‘આજકાલ મનગમતી સ્કૂલમાં ઍડ્મિશન મેળવવું એ પેરન્ટ્સ માટે ટાસ્ક છે. ડિપોઝિટ (ડોનેશનનો નિયમ નીકળી ગયો છે), ઍડ્મિશન-ફી, ટર્મ ફી, પહેલા ત્રણ મહિનાની ટ્યુશન-ફી વગેરે ભરવા માટે સેવિંગ અને બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ તોડી નાખી હતી. માર્ચ મહિનાના અંતમાં તો બુક્સ મળવાની હતી. દીકરો નવો યુનિફૉર્મ પહેરીને સ્કૂલમાં જશે. પહેલા દિવસે અમે બન્ને સાથે મૂકવા જઈશું જેવાં સપનાં જોયાં હતાં. મારી વાઇફે તો એક્સાઇટમેન્ટમાં સ્કૂલબૅગ અને મૉન્સૂન શૂઝ પસંદ કરી લીધાં હતાં. સામાન્ય રીતે શરૂઆતમાં બાળકો સ્કૂલમાં રડતાં હોય છે. દૈવિક રડે નહીં એ રીતે અમે તેને પ્રિપેર કર્યો હતો. તને મજા પડશે, નવા-નવા ફ્રેન્ડ મળશે એવું સતત શીખવાડતાં હતાં. હવે તો એ પણ પૂછે છે કે મમ્મી સ્કૂલમાં ક્યારે જવાનું છે. બધું જ વ્યર્થ ગયું હોય એવું ફીલ થાય છે. કોરોનાએ ફર્સ્ટ ડે ઍટ સ્કૂલનો ચાઇલ્ડ-પેરન્ટ્સનો એક્સ્પીરિયન્સ છીનવી લીધો. હાલમાં મૅનેજમેન્ટે ઑનલાઇન સ્કૂલ શરૂ કરી છે. રોજ ૩૦ મિનિટ લૅપટૉપ સામે બેસીને ભણવાનું અને પોએમ રેકૉર્ડ કરીને મોકલવાની, એમાં તે કંઈ મજા આવતી હશે? ઘરના વાતાવરણમાં બાળક સ્ટડી કરે એ પૉસિબલ જ નથી. મમ્મી વન-ટૂ-થ્રી કે એ-બી-સી-ડી બોલાવે એમાં સ્કૂલમાં ભણવા જેવી ફીલિંગ ન આવે. જોકે વહેલી-મોડી સ્કૂલો શરૂ તો થવાની જ છે, પણ હવે એ એક્સાઇટમેન્ટ નહીં રહે.’

અમેરિકાથી સ્પાઇડરમૅનવાળી સ્કૂલબૅગ લાવીને રાખી છે : હિતેશ દોશી, ભાઈંદર

એક નહીં, ત્રણ સંતાનોનું ઍડ્મિશન લઈ રાખ્યું હોય ત્યારે એક્સાઇટમેન્ટની પરાકાષ્ઠાનો અંદાજ લગાવી જુઓ. ભાઈંદરના હિતેશ અને વૈશાલી દોશીએ પ્રથમ સંતાન ભવ્યનું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં અને ટ્વિન ચાઇલ્ડનું પ્લે-ગ્રુપમાં ઍડ્મિશન કરાવ્યું છે. હિતેશભાઈ કહે છે, ‘સ્કૂલની પૉલિસી પ્રમાણે ગયા વર્ષે દિવાળી સમયે જ ભવ્યનું ઍડ્મિશન કરાવી લીધું હતું. અમે જે સ્કૂલમાં તેને ભણાવવા માગીએ છીએ ત્યાં વર્ષમાં એક દિવસ ડિપોઝિટ વગર અને ઓછી ફીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. તક ચૂકી ન જવાય એ માટે સવારે ૬ વાગ્યાથી લાઇનમાં ઊભા રહીને ફૉર્મ મેળવ્યું હતું. પહેલા ધોરણથી નામાંકિત સ્કૂલમાં અભ્યાસ કરશે એ વિચારમાત્ર પેરન્ટ્સને ઉત્સાહી કરી દે છે. મારા કરતાં તો વૈશાલી વધુ એક્સાઇટ હતી. ઍડ્મિશન થયું એ અરસામાં પ્રોફેશનલ કામ માટે અમેરિકા જવાનું થતાં મારી વાઇફે ભવ્યની ફેવરિટ સ્પાઇડરમૅનવાળી બૅગ લઈ આવવાની ભલામણ કરી હતી. સ્ટેશનરીની ખરીદી માટે શૉપ નક્કી કરી લીધી હતી. રોડ પરથી પસાર થતી વખતે અમે ભવ્યને તેની સ્કૂલ બતાવીને કહેતાં કે હવે તારે અહીં ભણવાનું છે. ટ્વિન ચાઇલ્ડને પણ ટ્રાયલ માટે બે-ત્રણ દિવસ પ્લે-ગ્રુપમાં મૂકી આવ્યાં હતાં. નાનાં સંતાનો પહેલાં સ્કૂલમાં ગયાં નથી એટલે બહુ ફરક નથી પડ્યો, પરંતુ ભવ્ય પ્રી-પ્રાઇમરી ભણી ચૂક્યો છે એટલે નવી સ્કૂલ વિશે પૂછપરછ કરે છે. જોકે દેવાંશ અને દેવાંશીને બુકમાં લીંટોડા કરતાં જોઈને લાગે છે કે તેમને સ્કૂલમાં જવાનું ગમશે. ૬ મહિના પછી સ્કૂલ શરૂ થશે ત્યારે આ બધી ઇમેજિનેશન નહીં હોય, પણ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં કેવાં પરિવર્તન આવશે એ જોવાનું એક્સાઇટમેન્ટ ચોક્કસ હશે. ઑનલાઇન એજ્યુકેશન અને કોરોના બાદ શિક્ષણપદ્ધતિમાં બદલાવ આવશે એવી અપેક્ષા છે.’

લાડકી દીકરી સાથે જોડાયેલી દરેક વાત એક્સાઇટ કરનારી હોય : નીરવ ગાંધી, અંધેરી

દાંપત્યજીવનનાં ૧૪ વર્ષ બાદ અવતરેલી દીકરી કિયારા સાથે જોડાયેલી નાનામાં નાની વાત અમારે માટે એક્સાઇટિંગ જ હોય એમ ઉત્સાહભેર જણાવતાં અંધેરીનાં નીરવ અને કેતકી ગાંધી કહે છે, ‘અમારી દીકરી મજાની બોલકણી છે. સ્કૂલમાં જતાં પહેલાં જ વન-ટૂ-ટ્વેન્ટી સુધી નંબર, અંગ્રેજી મહિનાનાં નામ અને જુદા-જુદા કલરનાં નામ બોલતાં શીખી ગઈ છે. અંધેરી-વિલે પાર્લે વિસ્તારની સૌથી પૉપ્યુલર સ્કૂલમાં નર્સરીમાં ઍડ્મિશન લીધું ત્યારથી તેને માટે જાતજાતની શૉપિંગ વિચારી રાખી હતી. સ્ટાઇલિસ્ટ હૅરકટની સાથે ડિઝાઇનર હેરબૅન્ડ, રેઇનકોટ અને અન્ય મૉન્સૂન ઍક્સેસરીઝ, ફૅન્સી વૉટર-બૉટલ તેમ જ જુદાં-જુદાં ટિફિન-બૉક્સ ખરીદવાનું ડિસ્કશન ચાલતું હતું. સ્કૂલમાં જતાં બાળકોની જરૂરિયાત પ્રમાણે લિસ્ટ બનાવીને રાખ્યું હતું. કોરોનાની ભારતમાં એન્ટ્રી થતાં જ અમને ખ્યાલ આવી ગયો કે હવે જૂનમાં સ્કૂલ શરૂ થવાની નથી. આમેય અમે પૂરેપૂરી ખાતરી ન થાય ત્યાં સુધી સ્કૂલમાં મોકલવાના નથી. નર્સરીના સ્ટુડન્ટ્સ માટે ઑનલાઇન સ્ટડીનો અર્થ હોતો નથી અને અમારી સ્કૂલે આ વિશે હજી વિચાર્યું નથી. મૅનેજમેન્ટે ફી માટે પેરન્ટ્સને ફોર્સ નથી કર્યો અને કદાચ માગશે તો આપી દઈશું, પણ ૨૦૨૧ પહેલાં અમારી દીકરી સ્કૂલમાં પગ નહીં મૂકે એ બાબતે અમે સ્પષ્ટ છીએ. સ્કૂલ હતી એટલે નહીં, ડે ટુ ડે લાઇફમાં પણ કિયારા માટે શૉપિંગ કરવાની હોય એનું એક્સાઇટમેન્ટ જુદું જ હોય છે. નવા-નવા ડ્રેસિસ લાવતા જ રહીએ. હકીકત તો એ છે કે ખોટની દીકરી હોવાથી તેને માટે જેટલું લાવીએ ઓછું લાગે છે. સ્કૂલ શરૂ ન થવાથી અમારાં કેટલાંક સપનાં આઘાં ઠેલાઈ ગયાં છે, પરંતુ ઉત્સાહમાં કોઈ ફરક પડ્યો નથી.

Varsha Chitaliya columnists