ફિલ્મસિટી અને મહારાષ્ટ્ર:દરેક રાજ્ય પાસે ફિલ્મસિટી હોય એમાં ખોટું શું

04 December, 2020 09:14 AM IST  |  Mumbai | Manoj Joshi

ફિલ્મસિટી અને મહારાષ્ટ્ર:દરેક રાજ્ય પાસે ફિલ્મસિટી હોય એમાં ખોટું શું

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથ હમણાં બે દિવસ મુંબઈમાં હતા. મુંબઈની તેમની આ યાત્રા માટેનાં બે પ્રયોજન હતાં. એક તો મ્યુનિસિપલ કૉર્પોરેશન બૉન્ડનું લિસ્ટિંગ હતું અને બીજું કારણ, ફિલ્મસિટી માટે તેઓ અમુક લોકો સાથે મીટિંગ કરવા માગતા હતા. યુપીમાં બની રહેલી ફિલ્મસિટીની જે સમયે અનાઉન્સમેન્ટ થઈ એ જ સમયથી એની સાથે અમુક પ્રકારની વાતો પણ જોડાઈ ગઈ છે. છાના ખૂણે વિવાદ પણ થયો અને બે દિવસમાં તો એ વિવાદે નવું રૂપ પણ ધારણ કર્યું. મહારાષ્ટ્રના અમુક મિત્રોએ એવું કહ્યું કે અમે કોઈને જબરદસ્તીથી મુંબઈમાંથી ફિલ્મસિટી લઈ જવા નહીં દઈએ. મને જરા કોઈ સમજાવે કે ફિલ્મસિટી શું ચીજ છે, વસ્તુ છે કે એને ઉપાડીને લઈ જઈ શકાય? શક્ય છે એવું કરવું? અને બીજી વાત, ફિલ્મસિટી એવી રીતે આવે પણ ખરી, લઈ જઈ શકાય એવી રીતે ફિલ્મસિટી?
હું કહીશ કે ફિલ્મસિટી દરેક સ્ટેટમાં હોય તો જરાય ખોટું નથી. મહારાષ્ટ્ર અને યુપી જ શું કામ, ફિલ્મસિટી પંજાબમાં પણ હોવી જોઈએ અને ગુજરાતે પણ એનું પ્લાનિંગ કરવું જોઈએ. ગોવાએ પણ ફિલ્મસિટી ડેવલપ કરવી જોઈએ અને કર્ણાટકમાં પણ ફિલ્મસિટી હોવી જોઈએ. તમારા દેશનું ભૌગોલિક વૈવિધ્ય જ એવું છે કે દરેક રાજ્યમાં ફિલ્મસિટી હોય તો એનો ફાયદો સૌકોઈને થાય અને એ જ દિશામાં યુપીએ પણ વિચાર્યું છે. ગુજરાત પણ વિચારે અને મહારાષ્ટ્ર બીજી એક ફિલ્મસિટીનું પ્લાનિંગ કરે. બધી જ ફિલ્મસિટી સર્વાઇવ થવાની છે અને સર્વાઇવ થવા માટે મથનારી આ ફિલ્મસિટી માટે રાજ્ય સરકાર પણ વિશેષ છૂટછાટ આપશે તો એનો લાભ સીધો પ્રોડ્યુસરોને થશે. થવા દો કૉમ્પિટિશન, વધવા દો કૉમ્પિટિશન. હરીફાઈના સમયમાં જેટલી વધારે કૉમ્પિટિશન થશે એટલો જ લાભ વપરાશકર્તાઓને થવાનો છે અને એનો સીધો લાભ મારા-તમારા સુધી પહોંચવાનો છે.
બીજી એક વાત, કહો જોઈએ આજે કેટલી ફિલ્મો એવી છે જેનાં શૂટિંગ મુંબઈમાં થતાં હશે? વિચારો, યાદ કરો અને પછી જાતને જ જવાબ આપો. ‘એ’ ગ્રેડની કહેવાય એવી તો માંડ દસેક ફિલ્મ હશે જેનું શૂટિંગ મુંબઈમાં થતું હશે. ‘એ’ ગ્રેડ તો ઠીક, ‘બી’ ગ્રેડમાં પણ આ રેશિયો ૧૦ માંડ ૩નો હશે. ફિલ્મો બહાર શૂટ કરવા માટે જનારાઓની સંખ્યા બહુ મોટી થઈ ગઈ છે અને એમાં પણ ફૉરેન જઈને શૂટિંગ કરવા માગતા લોકોની સંખ્યા વધી ગઈ છે ત્યારે દેશમાં જ ફિલ્મસિટી વધે એ અનિવાર્ય બની ગયું છે. જો લોકેશન-ઑપ્શન્સ વધશે તો બહાર જનારાઓ પણ દેશ તરફ ધ્યાન આપશે અને એ જ હેતુ હોવો જોઈએ અન્ય રાજ્યોની ફિલ્મસિટીનો. યુપીની ફિલ્મસિટીને આજુબાજુના સ્ટેટનો પણ લાભ થવાનો છે તો એની સામે મુંબઈની ફિલ્મસિટી પાસે ટીવી-સિરિયલનો બહુ મોટો લાભ ઊભો જ છે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે ફિલ્મસિટી ક્યારેય લઈ જઈ શકાય નહીં અને એવો કોઈનો ઇરાદો પણ ન હોવો જોઈએ. કામ કરવાનું છે, શ્રેષ્ઠ આપે એની સાથે કામ કરવાનું છે. બસ, આ એક જ હેતુ અને આ એક જ ઇરાદો જ શ્રેષ્ઠ કામને આગળ લઈ આવશે.

manoj joshi columnists