અચાનક: જીવ બચાવવાનું અને જીવ લેવાનું ધર્મસંકટ

13 February, 2021 05:43 PM IST  |  Mumbai | Raj swami

અચાનક: જીવ બચાવવાનું અને જીવ લેવાનું ધર્મસંકટ

ભારતીય નૌસેનાનો વીર ચક્રથી સન્માનિત કમાન્ડર તેની પત્નીના પ્રેમીને ઠાર મારે છે અને પછી પોલીસમાં હાજર થઈને અપરાધની જાણ કરે છે. આ એક જ વાક્યના સમાચાર હતા, પરંતુ એમાં એક ગહેરી ફિલોસૉફિકલ દુવિધા પણ હતી; આ અપરાધી કેવો કે ગેરકાનૂની કૃત્ય કર્યા પછી પણ કાનૂનનું સન્માન કરે? શું તેને ઊંડે-ઊંડે એવો વિશ્વાસ હતો કે ખૂન કરવાનો તેનો આવેશ નૈતિક હતો અને કાનૂન તેને નહીં સમજી શકે એટલે કાનૂનને એનું કામ કરવા દેવું જોઈએ?

૧ નવેમ્બર, ૧૯૫૯ના મુંબઈમાં નૌસેનાના અધિકારી કાવસ માણેકશા નાણાવટીએ તેની પત્ની સિલ્વિયાના પ્રેમી (જે તેનો દોસ્ત પણ હતો) પ્રેમ આહુજાને તેની સર્વિસ રિવૉલ્વરમાંથી ત્રણ ગોળીઓ છોડીને મોતને ઘાટ ઉતાર્યો. એ ઘટનાએ ભારતમાં સનસનાટી મચાવી દીધી હતી. સ્વતંત્ર ભારતની આ પહેલી ઘટના હતી જેની મીડિયા ટ્રાયલ થઈ હતી, કારણ કે એમાં મુંબઈનો વગદાર પારસી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અને રૂસી કરંજિયાનું પ્રસિદ્ધ ટૅબ્લૉઇડ અખબાર ‘બ્લિટ્ઝ’ નાણાવટીના સમર્થનમાં ઊભું રહ્યું હતું. આ ઘટનાની એક-એક વાત અખબારો, સામયિકો અને લોકોનાં ઘરોમાં ચર્ચાતી હતી.

નાણાવટી પર હત્યાનો ખટલો ચાલ્યો. એમાં જ્યુરીએ તેને દોષિત ન માન્યો અને મુંબઈ હાઈ કોર્ટે જ્યુરીનો ચુકાદો ફગાવી દીધો અને કેસને બેન્ચ સમક્ષ ફરી ચલાવ્યો. એ વખતે ભારતમાં જ્યુરી મારફત કેસ ચાલતા હતા. ૧૯૭૩ના કોડ ઑફ ક્રિમિનલ પ્રોસીજરમાં જ્યુરીને નાબૂદ કરવામાં આવી હતી, પરંતુ પારસીઓને વૈવાહિક વિવાદોમાં જ્યુરી દ્વારા કેસ ચલાવવાની છૂટ આપવામાં આવી હતી. એમાં અંતે વડા પ્રધાન જવાહરલાલ નેહરુનાં બહેન અને મહારાષ્ટ્રનાં રાજ્યપાલ વિજયાલક્ષ્મી પંડિતે નાણાવટીને માફ કર્યો હતો અને તે પછી કૅનેડામાં સ્થાયી થઈ ગયો હતો.

તેના પર ફિલ્મ ન બને તો જ નવાઈ હતી. સૌથી પહેલાં સુનીલ દત્તની અજન્તા આર્ટ્સ કંપનીએ ૧૯૬૩માં ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ ફિલ્મથી પદાર્પણ કર્યું. એમાં સુનીલ દત્ત, લીલા નાયડુ અને અશોકકુમાર હતાં. ૧૯૭૩માં ગુલઝારે વિનોદ ખન્નાને લઈને ‘અચાનક’ બનાવી. ૨૦૧૬માં આ જ નાણાવટી કેસ પરથી અક્ષયકુમારને લઈને ‘રુસ્તમ’ ફિલ્મ બનાવવામાં આવી.

 ગુલઝારે ‘અચાનક’માં માનવીય મનની ગહેરાઈઓ અને કાનૂન વ્યવસ્થા તેમ જ મેડિકલ સાયન્સ વચ્ચેના નૈતિક ટકરાવને સ્પર્શ કર્યો, જે બાકીની બે ફિલ્મોમાં ગેરહાજર છે. તેમણે નાણાવટી ખૂનકેસને સીધો ઉઠાવવાને બદલે પત્રકાર-લેખક ખ્વાજા અહમદ અબ્બાસની વાર્તાનો આધાર લીધો હતો. અબ્બાસ સાહેબે રાજ કપૂરની ઘણી ફિલ્મોની પટકથા લખી હતી. તે ‘બ્લિટ્ઝ’ અખબારના છેલ્લા પાના પર ‘ધ લાસ્ટ પેજ’ નામથી એક લોકપ્રિય કૉલમ લખતા હતા. ૧૯૩૫થી ૧૯૮૭ સુધી ભારતની આ સૌથી લાંબી ચાલેલી કૉલમ હતી.

‘બ્લિટ્ઝ’ નાણાવટી કેસને જોરશોરથી ચગાવતું હતું એટલે અબ્બાસ પાસે જાતભાતની વાતો આવતી રહેતી. એમાંથી તેમણે એક વાર્તા લખી જેમાં નાયક પ્રેમીનું જ નહીં, તેની ઐયાશ પત્નીનું પણ ખૂન કરી નાખે છે. આ વાર્તા ‘ધ ઇમ્પ્રિન્ટ’ નામના અંગ્રેજી સામયિકમાં ‘ધ થર્ટીન્થ વિક્ટિમ’ શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ હતી. ગુલઝારે આ વાર્તા વાંચીને નિર્માતા રાજ એન. સિપ્પીને કહ્યું હતું કે આના પરથી ફિલ્મ બનાવવી જોઈએ. ગુલઝાર અને સિપ્પી મુંબઈ ઍરપોર્ટ પર અબ્બાસને મળ્યા અને વાર્તાના હક ખરીદ્યા.

ફિલ્મ ફ્લૅશબૅકમાં હતી. ત્યારે વિનોદ ખન્નાની ઇમેજ ‘માચો મૅન’ની હતી. બે જ વર્ષ પહેલાં રાજ ખોસલાની ‘મેરા ગાંવ મેરા દેશ’ આવેલી અને એમાં ડાકુ જબ્બર સિંહ તરીકે વિનોદનો સિક્કો જામી ગયો હતો. એટલે ‘અચાનક’માં વિનોદનું સાહસ જ કહેવાય કે તેણે મેજર રણજિત ખન્નાની એવી ભૂમિકા કરી, જેના પહેલા જ દૃશ્યમાં છાતીમાં ગોળી વાગેલી અવસ્થામાં તેને સ્ટ્રેચર પર હૉસ્પિટલમાં લાવવામાં આવે છે. તે થોડા જ કલાકનો મહેમાન છે, કારણ કે ગોળી છાતીને ચીરી ગઈ હતી.

રણજિત ખન્ના ફાંસીની સજામાંથી ભાગી છૂટેલો અપરાધી છે. રણજિત તેની પત્ની પુષ્પા (લીલી ચક્રવર્તી)ની અંતિમ ઇચ્છા પ્રમાણે તેના મંગળસૂત્રને ગંગા નદીમાં વિસર્જિત કરવા ગયો હતો જ્યાં નાસવા જતાં પોલીસ તેને ગોળી મારે છે. હૉસ્પિટલમાં એક તરફ ડૉ. ચૌધરી (ઓમ શિવપુરી) અને નર્સ રાધા (ફરીદા જલાલ) રણજિતનો જીવ બચાવવાના પ્રયાસ કરે છે તો બીજી તરફ ફ્લૅશબૅકમાં રણજિતના હાથે તેની પત્ની અને તેના પ્રેમીના ખૂનની અને કોર્ટમાં તેને ફાંસીની સજાની કહાની ખૂલતી જાય છે.

આમાં દુવિધા એ છે કે રણજિતને શા માટે બચાવવો જોઈએ? એટલા માટે કે તેને ફાંસીના માંચડે ચડાવી દેવામાં આસાની રહે? (કાનૂન પ્રમાણે અપરાધી ફાંસી માટે તંદુરસ્ત હોવો જોઈએ). ડૉ. ચૌધરી કહે છે પણ ખરા કે આવી રીતે ગોળી વાગ્યા પછી દરદી કેવી રીતે જીવતો રહી શકે? ‘ઇમ્પૉસિબલ, ઇમ્પૉસિબલ’ એમ કહે છે. કદાચ ઊંડે-ઊંડે તે ઇચ્છે છે કે રણજિત ન બચે જેથી તે ફાંસીમાંથી બચી જાય. આ બચવાનુંય કેવું અજીબ છે! હૉસ્પિટલ અને કોર્ટનો આ વિરોધાભાસ મહત્ત્વનો છે. એક તરફ જીવન છે અને બીજી તરફ મોત છે. ટ્રૅજેડી એ છે કે જે જીવન છે એ જ મોત તરફ પણ લઈ જવાનું છે.

જ્યારે સાજા થઈ ગયેલા રણજિતને હૉસ્પિટલનો સ્ટાફ ભાવભરી અલવિદા ફરમાવે છે (તેમને ખબર છે કે તેમણે મરવા માટે રણજિતને જીવતો કર્યો છે) ત્યારે અપરાધબોધથી ભરેલા ડૉ. ચૌધરી કહે છે, ‘મૈં અપને ધર્મ સે મજબૂર હૂં ઔર કાનૂન અપને ધર્મ સે.’

ગુલઝારે એટલા માટે રણજિત અને જુનિયર ડૉક્ટર કૈલાશ (અસરાની) તેમ જ નર્સ રાધા (ફરીદા જલાલ) વચ્ચે સ્નેહના તાણાવાણા બાંધ્યા હતા જેથી દર્શકો પણ રણજિત માટે હમદર્દી અનુભવવા લાગે છે.

ફ્લૅશબૅકમાં જયારે ખૂનની વાત આવે છે, ત્યારે ગુલઝાર અસલમાં ખૂન નથી બતાવતા (આપણને એટલી ખબર પડે છે કે તે પ્રેમીને ચાકુથી મારે છે અને પત્નીનું ગળું દબાવી દે છે). એમાં રણજિત તેની પત્ની લિલીને તેના મેડલ બતાવીને યાદ આપાવે છે કે યુદ્ધમાં તેણે કેવી રીતે લોકોને માર્યા હતા. ગુલઝાર ત્યાં સીન કાપીને સેનાની ટ્રેનિંગ બતાવે છે, જેમાં દુશ્મનને કેવી રીતે ‘નાકામ’ કરી નાખવો તે શીખવાડવામાં આવે છે. આમાં

ગુલઝાર દર્શકો સમક્ષ એ દુવિધા ઉભી કરે છે કે કોનું ગૌરવ લેવું, એક જાંબાજ સેના અધિકારીનું કે પછી એક હત્યારાનું?

મુખ્યત્વે બંગાળી ફિલ્મો જ કરનારી લિલી ચક્રવર્તીએ વિનોદ ખન્નાનું અવસાન થયું ત્યારે ‘અચાનક’ને યાદ કરીને કહ્યું હતું કે, “એ પાત્ર ભજવવું આસાન ન હતું, પણ વિનોદજીએ સરસ ન્યાય આપ્યો હતો. તે  પત્નીને અત્યંત ચાહે છે અને પછી ઠંડા કલેજે તેને મારી પણ નાખે છે. હત્યા પછી તેનું પ્રાયશ્ચિત્ત પણ કરે છે. એક દૃશ્યમાં હું કપડાં સીવતી હોઉં છું, ત્યારે તે મારા ખોળામાં સુઈ જાય છે. હું તેમની આંગળીમાં સોઈ ખોસતી હોઉં છું અને તે સિગારેટના ઠુંઠાથી મારા હાથને દઝાડે છે. પછી હું તેમને કહું છું કે મને આગનો ડર લાગે છે અને મરી જાઉં પછી દફન કરજો, અગ્નિદાહ નહીં આપતા. એ હસે છે, અને કહે છે કે માર્યા પછી કોઈને પીડા ન થાય.”

પછી એક દ્રશ્યમાં રણજિતને ફાંસીએ ચડાવતા પહેલાં ઘેર જવાની મંજુરી આપવામાં આવે છે. લિલી કહે છે, “એક તરફ તેણે તેની પત્નીનું ખૂન કર્યું છે અને બીજી તરફ તેને તેનો ગમ પણ છે. એ ગમમાં જ એ પથારીમાંથી મંગલ સૂત્રને ઉઠાવી લે છે. ત્યાં સુધીમાં તો પત્નીની દાહવિધિ થઇ ગઈ હોય છે. ફ્લૅશબૅકમાં તેને યાદ આવે છે કે કેવી રીતે મેં તેને કહ્યું હતું કે મૃત્યુ પછી મને અગ્નિદાહ આપવામાં ન આવે. તે સ્મૃતિના ભાવાવેશમાં જ એ નક્કી કરે છે કે પોલીસની નજર ચૂકવીને નાસી છૂટવું જેથી મંગળસૂત્રને નદીમાં વહાવી શકાય. મને આજે પણ એ યાદ કરીને રૂવાંડાં ઊભાં થઈ જાય છે કે વિનોદે કેટલી ખૂબસૂરતીથી એ અભિવ્યક્તિ કરી હતી.’

 ‘અચાનક’ ગુલઝારની ગીતો વગરની એકમાત્ર ફિલ્મ નિર્દેશક તરીકે તેમની ડેબ્યુ ફિલ્મ ‘મેરે અપને’નું કિશોરકુમારે વિનોદ ખન્ના માટે ગયેલું બેહદ ખૂબસૂરત ગીત ‘કોઈ હોતા જિસકો અપના, હમ અપના કહ લેતે યારોં’ની ધૂન ફિલ્મના અંત ભાગે વાગે છે, જ્યારે ૧૯૫૯માં ‘સુજાતા’ માટે સચિન દેવ બર્મને ગાયેલું ગીત ‘સુન મેરે બંધુ રે’ ફિલ્મમાં બે દૃશ્યોમાં બૅકગ્રાઉન્ડમાં વાગે છે.

ઉપર કહ્યું એમ ગુલઝારે આ ફિલ્મમાં જીવન અને મરણને લગતી ફિલોસૉફિકલ દ્વિધાને સ્પર્શ કર્યો હતો. વિશેષ તો મૃત્યુદંડની સજા સામે ગુલઝાર સવાલ કરે છે. ડૉ. ચૌધરી મારફત ગુલઝાર એમાં પૂછે છે કે યુદ્ધના મેદાન પર કોઈને મારી નાખો તો મેડલ અને ઘરે કોઈને મારી નાખો તો મૃત્યુદંડ શા માટે? એક માણસ જો ફાંસી પર લટકી જ જવાનો હોય તો તેને શા માટે સાજો કરવો જોઈએ? 

ફિલ્મના અંતે એક તરફ મેજર રણજિતને ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવે છે તો બીજી તરફ હૉસ્પિટલમાં બીજા એક જખમી દરદીને લાવવામાં આવે છે જે ફાંસીની સજા પામેલો કેદી છે. ડૉ. ચૌધરીનો આત્મા વિદ્રોહ કરે છે અને તે કહે છે કે મારે ડૉક્ટરી જ છોડી દેવી છે. ‘ક્યૂં બચાના ચાહતે હો ઉસે? ફાંસી પે ચઢાને કે લિએ?’

થોડી ક્ષણો માટે મૌન રહીને ડૉ. ચૌધરી દરદી પર ઓપરેશન ચાલુ રાખે છે. દરદીનો જીવ બચાવવો એ ડૉક્ટરનો ધર્મ છે અને તેને ફાંસી આપવી એ કાનૂનનો ધર્મ છે.

columnists raj swami