આપણે રડતાં-રડતાં જન્મીએ છીએ, પરંતુ રડવા માટે જન્મ્યા નથી એ પણ યાદ રાખવું

24 July, 2026 01:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્સવો માત્ર ઉજવણી માટે નથી, પરંતુ મનદુઃખ ભૂલવા, સંબંધોને મજબૂત બનાવવા, જીવનમાં નવી આશા જગાડવા અને પરમાત્માની નજીક જવાનો અવસર છે. સાચો ઉત્સવ આંતરિક પરિવર્તન અને આનંદનો સંદેશ આપે છે.

પ્રતીકાત્મક તસવીર

ઉત્સવ દ્વારા માનવને અવસર મળે છે કે પરસ્પર જે મનદુ:ખ થયું છે એને દૂર કરીએ, ખતમ કરીએ. ઉત્સવ જ અવસર છે સંબંધોને સુધારવાનો, ઉત્સવ જ અવસર છે નિરાશાને ભગાવવાનો અને આશા તથા ઉત્સાહ જગાડવાનો, ઉત્સવ જ અવસર છે જીવનની રાહ પર આગળ વધવાનો અને ઉત્સવ જ અવસર છે ભગવાનને જ લક્ષ્ય માનીને ભગવાન તરફ નિરંતર આગળ વધવાનો. સામાન્ય રીતે લોકો રાગદ્વેષ અને પરસ્પરના મનદુઃખને મનમાં સાચવી રાખે છે અને નિરાશા અને ઉત્સાહનો અભાવ એટલો મંદ કરી દે છે કે જીવનના લક્ષ્યને ચૂકી જઈએ છીએ.
આપણે આનંદસ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માનો જ અંશ છીએ અને એ પરબ્રહ્મ પરમાત્માને આપણે આનંદસ્વરૂપ માન્યા છે. આપણે રડતાં-રડતાં જન્મીએ છીએ, પરંતુ રડવા માટે જન્મ્યા નથી એ પણ યાદ રાખવું જોઈએ. જો રડવું જ હોય તો એ વ્રજગોપિકાઓની જેમ રડો જે શ્રીકૃષ્ણના વિરહમાં રડે છે, કારણ કે શ્રીકૃષ્ણ માટે રડવામાં પણ આનંદ છે. શ્રીમદ્ ભાગવતમાં જ્યાં-જ્યાં ગોપીઓનું રુદન થયું છે એ શ્રીકૃષ્ણની યાદમાં જ થયું છે. સંસાર માટે રડવું અને સંસારને લીધે રડવું એ દુઃખદાયક છે અને આપણને આનંદસ્વરૂપ પરમાત્મા તરફ આગળ વધતાં રોકે છે. 
એટલા માટે ઉત્સવ આપણને એક અવસર આપે છે. નહીં તો કાળસ્વરૂપ ભગવાનમાં સંવત્સરનો આરંભ ક્યારે માનવો અને એનો અંત ક્યારે માનવો? કાળનો આરંભ અને અંત નથી હોતો. સંવત્સર પણ કાળસ્વરૂપ જ છે એટલા માટે વાસ્તવમાં એનો આરંભ અને અંત નથી હોતો, પરંતુ માનવસભ્યતાઓએ પોતાના માટે નવ સંવત્સરના આરંભ નક્કી કર્યા છે. ભારતીય સનાતન પરંપરામાં સૂર્યોદય થાય ત્યારે જે તિથિ હોય એ અનુસાર દિવસ નવ વર્ષનો પ્રારંભ માનીએ છીએ.
સૂર્યનો ઉદય થાય ત્યારે આપણા નૂતન દિવસનો પ્રારંભ થાય છે, રાતના ૧૨ વાગ્યે નહીં. વાસ્તવમાં તો જ્યારે જીવનમાં સૂર્યનો ઉદય થાય ત્યારે નહીં પરંતુ મનથી એક નવી સવાર થાય ત્યારે નવા દિવસનો પ્રારંભ થાય છે.
સૂરજ નામનો એક દીપક અબજો વર્ષોથી પ્રજ્વલિત છે. સવારે જ્યારે એ ઊગે છે ત્યારે રાત્રિના અંધકારને સમાપ્ત કરી દે છે. આપણે સવારને પવિત્ર માનીને સવારે ઈશ્વરની આરાધના કરીએ છીએ, પ્રાતઃ સંધ્યા કરીએ છીએ, પરમાત્માની પૂજા કરીએ છીએ અને સત્કર્મમાં પ્રવૃત્ત થઈએ છીએ. કાળસ્વરૂપ પરમાત્મામાં કંઈ નવું નથી, કંઈ જૂનું નથી. બધું જ સનાતન છે; પણ આ ઉત્સવ આપણને નિશ્ચિતરૂપે એક અવસર આપે છે કે આપણે સ્વયંને નવા બનાવીએ, જૂની વાતોને ભૂલી જઈએ. આ જ કારણ છે કે આપણે ત્યાં ઉત્સવો અઢળક છે અને વિદેશીઓએ ઉત્સવ વિના જીવવું પડે છે. હવે આવનારા ઉત્સવો સૌકોઈના જીવનને નવો અવસર આપે એવી શુભકામના રાખીએ.

columnists festivals hinduism exclusive gujarati mid day