ભાઈઓ ચગાવે બહેનો બનાવે

12 January, 2020 04:36 PM IST  |  Mumbai Desk | shailesh nayak

ભાઈઓ ચગાવે બહેનો બનાવે

પતંગ ઉદ્યોગ ૬૦૦ કરોડ રૂપિયાનો થઈ ગયો અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું, ‘પ્રવાસનને પતંગ ઉદ્યોગ સાથે જોડીને આપણે ૨૦ કરોડનો પતંગઉદ્યોગ આજે ૬૦૦ કરોડથી વધુનો ઉદ્યોગ બનાવ્યો છે.’

પતંગ માટેની પૅશનપંતી ગુજરાતમાં અકલ્પનીય છે, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે તો ભૂરું આકાશ રંગબેરંગી થઈ ઊઠે છે અને ચોમેર કાઇપો છે...ની બૂમો ગુંજતી જોવા મળશે. છોકરાઓનો આ ફેવરિટ તહેવાર છે જે કેટલીય બહેનો માટે આખું વર્ષ ગુજરાનનું બહુ મોટું સાધન છે. ઘેરબેઠાં પતંગ બનાવવાનું કામ કરીને ગુજરાતની લગભગ ૬૦,૦૦૦ મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ રહી છે. ગુજરાતમાં પતંગ બનાવવાનો ગૃહઉદ્યોગ કેટલો પાંગર્યો છે અને અહીંના પતંગ ક્યાં-ક્યાં પહોંચે છે એ આજે જાણીએ...

ગુજરાતીઓ આમેય ઉત્તરાયણના જબરા શોખીન રહ્યા છે. મુંબઈમાં પણ જે થોડીઘણી ચહલપહલ હોય છે એમાં પણ ગુજરાતીઓનો મોટો ફાળો રહ્યો છે. પાંચ વર્ષનાં બાળકોથી માંડીને ૯૫ વર્ષના દાદાઓ પતંગ ચગાવવાના શોખીન હોય છે. ગુજરાતમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે અને વહેલી પરોઢે તો ગાત્રો થિજાવી દે એવી ઠંડી પડી રહી છે છતાં મકરસક્રાન્તિનો દિવસ આવશે ત્યારે ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા પછી પણ લોકો પતંગ ચગાવવા ધાબે ચડી જશે.
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે પણ પતંગ બનાવવાના ઉદ્યોગમાં અત્યારે જબરદસ્ત ગરમી છે. ભલે ભાઈઓ ઉત્તરાયણના દીવાના અને પતંગ ચગાવવાના શોખીન હશે, પણ તેઓ માર્કેટમાંથી જે પતંગ લઈ આવે છે એ મોટા ભાગે બહેનોએ બનાવેલા હોય છે. મોટા ભાગે પતંગ બનાવવાનો ઉદ્યોગ છૂટોછવાયો અને ઘરઘરાઉ થતો હોવાથી ચોક્કસ આંકડા તો નથી મળતા, પરંતુ લગભગ પતંગ બનાવવાની ઇન્ડસ્ટ્રીમાં ૭૦થી ૮૦ ટકા બહેનો જ સંકળાયેલી છે. અમદાવાદ, ખંભાત, વડોદરા, નડિયાદ, ભરૂચ, મહુધા સહિત ગુજરાતનાં નાનાં–‍મોટાં શહેરોમાં રહેતી હજારો મહિલાઓ પતંગ બનાવવા માટે રાત-દિવસ કામ કરી રહી છે અને દિવસના ૯૦ રૂપિયાથી લઈને ૭૦૦ રૂપિયા કમાઈ રહી છે.
અમદાવાદ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું છે ત્યારે એની પરવા કર્યા વગર અમદાવાદનાં પિન્કીબહેન, કૈલાશબહેન, લીલાબા, કૌશરબાનુ, અફસાનાબાનુ સહિતની હજારો મહિલાઓ વહેલી સવારે ઊઠીને પતંગ બનાવવા બેસી જાય છે. આજકાલ મોડી રાત સુધી તેઓ દિવસના હજારો પતંગ બનાવવાનું કામ ઘેરબેઠાં કરી રહ્યા છે એની પાછળનું એકમાત્ર કારણ તેઓ ઘરમાં બે પૈસાની આર્થિક મદદ કરી શકે. પતંગ બનાવીને બે પૈસા કમાઈને ઘરમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુ લાવવામાં મદદરૂપ થઈ શકે. બાળકોનાં સપનાં પૂરાં કરી શકે. આ મહિલાઓએ બનાવેલા પતંગ અમદાવાદ સહિત ગુજરાત ઉપરાંત મુંબઈ, ઇન્દોર, ઉજ્જૈન, હૈદરાબાદ, આબુ, જયપુર, અજમેર સહિત દેશનાં નાનાં-મોટાં શહેરો તેમ જ લંડન–શિકાગો સહિતના વિદેશના પતંગબાજો પણ આકાશમાં પતંગ ચગાવે છે અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મોજ માણે છે.
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી રસૂલ કડિયાની જૂની ચાલીમાં રહેતાં પિન્કીબહેન મદ્રાસી અને કૈલાશબહેન કહે છે કે ‘અત્યારે સીઝન ચાલી રહી છે એથી સવારે સાડાત્રણ
વાગ્યે ઊઠીએ છીએ અને સાંજે સાડાપાંચ વાગ્યા સુધી પતંગને ઢઢ્ઢો લગાવવાનું કામ કરીએ છીએ. વળી પાછા રાતે
બેસી જઈને એ રાતે સાડાઅગિયાર
વાગ્યા સુધી પતંગને ઢઢ્ઢા લગાવવાનું કામ કરીએ. છેલ્લા ૧૦ દિવસથી સારું કામ ચાલે છે અને રોજના ૭૦૦ રૂપિયા મળી રહે છે.’
માતા–પુત્રી હોય, સાસુ–વહુ હોય, ચાલી–મહોલ્લામાં રહેતી પાડોશી મહિલાઓ–યુવતીઓ પતંગને ઢઢ્ઢા–કમાન લગાવવાનું, પૂંછડી લગાવવાનું, પતંગના કાગળને દોરી લગાવવા સહિતનાં કામ કરી રહી છે. આ મહિલાઓ રોજ ૧૦૦૦થી માંડીને ૩૦૦૦ જેટલા પતંગ બનાવે છે અને પૈસા કમાઈને આર્થિક રીતે પગભર બની રહી છે. ઘરમાં બેસીને પતંગ બનાવવાનું કામ કરતી આ મહિલાઓ આવક મેળવીને બાળકોની સ્કૂલ-ફી ભરે છે, તો ઘરમાં અનાજ-કરિયાણું લાવવામાં, કપડાં ખરીદવામાં, ઘરમાં નાની-મોટી વસ્તુઓ લાવવામાં આર્થિક રીતે મદદરૂપ બનીને ઘરની લક્ષ્મી તરીકે યથાર્થ ઠરી રહી છે. તો આકસ્મિક સંજોગોમાં પણ તેમણે કમાયેલા રૂપિયા ઘરના કામમાં આવ્યા છે.
પતંગને ઢઢ્ઢા લગાવવાનું કામ કરીને જે પૈસા કમાય છે એ વિકટ સંજોગોમાં કેવી રીતે કામ લાગ્યા એની વાત કરતાં પિન્કીબહેન કહે છે, ‘હું દસેક વર્ષથી પતંગ બનાવવાનું કામ કરું છું. મારે એક દીકરો અને એક દીકરી છે. મારા પતિ તિજોરીને કલર કરવાનું કામ કરે છે. ચાર વર્ષ પહેલાં મારી ડિલિવરી સમયે ઘરમાં પૈસાની ખેંચ હતી. એ વખતે પતંગ બનાવવાનું કામ કર્યું હતું એમાંથી મળેલા ૧૫૦૦ રૂપિયા કામ આવ્યા હતા. મારે એ વખતે દીકરીનો જન્મ થયો હતો. સીઝનમાં અત્યારે કામ વધુ છે, પણ સીઝન વગર પણ પતંગનું કામ કરીએ છીએ ત્યારે રોજના ૧૫૦થી ૨૦૦ રૂપિયા મળી જાય છે. પતંગ બનાવીને અમે જે પૈસા કમાઈએ છીએ એમાંથી છોકરાઓની સ્કૂલની ફી ભરીએ છીએ. વારતહેવારે કપડાં લાવીએ છીએ અને એના સહિત ઘરના બીજા કામમાં પૈસા વાપરીએ છીએ.’
પિન્કીબહેનનાં સાસુ લીલાબા પણ પતંગ બનાવવામાં તેમને મદદ કરી રહ્યાં છે. લીલાબાના પતિ રંગાટીમાં છૂટક મજૂરીકામ કરતા હતા. લીલાબ કહે છે, ‘મારી દીકરી નાની હતી ત્યારથી ઘરના ખર્ચાને પહોંચી વળવા હું પતંગ બનાવવાનું કામ કરતી હતી. જે પૈસા મળે છે એમાંથી હાથખર્ચી નીકળે છે. બહારગામ જવાનું થાય કે કોઈના ઉછીના પૈસા લીધા હોય તો પતંગના પૈસા કામમાં આવે છે. હું રોજના ૧૦૦ રૂપિયા જેટલું કમાઈ લઉં છું.’
પતંગ બનાવવાના કામમાં વર્ષોથી સંકળાયેલાં કૌશરબાનુ અબ્બાસઅલી સૈયદ કહે છે કે ‘હાલમાં હું રોજના ૩૦૦૦ પતંગને ઢઢ્ઢા લગાવવાનું કામ કરુ છું અને પૈસા કમાઉં છું. જે પૈસા મળે છે એ હું ઘરખર્ચમાં વાપરું છું.’
તહેવાર ભલે હિન્દુઓનો હોય, પણ મુસ્લિમ મહિલાઓ પતંગ બનાવવાના કામમાંથી રોજગારી મેળવી રહી છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં સાઇટ ઍન્ડ સર્વિસના છાપરા વિસ્તારના ચાલીમાં રહેતાં અફસાનાબાનુ, લાલમાબાનુ, હસીના, તસ્લિમબાનુ, હલીમાબીબી સહિતની મહિલાઓ પણ વર્ષના આઠ મહિના પતંગ બનાવવાનું કામ કરી રહી છે. લાલમાબાનુ અને તેમની પુત્રી હસીના ઘરમાં બેસીને પતંગને ઢઢ્ઢા લગાવવાનું કામ કરી રહ્યાં હતાં. લાલમાબાનુ કહે છે, ‘અમે રોજ ૧૦૦૦ જેટલા પતંગ બનાવીએ છીએ. અમને ૯૦થી ૧૦૦ રૂપિયા મળે છે. હું એમાંથી ઘર માટે અનાજ લાવું છું, કપડાં ખરીદું છું અને ઘરખર્ચમાં પૈસા વાપરું છું.’
પતંગથી થતી સાઇડ-ઇન્કમથી હાથ છૂટો રહે છે અમે જણાવતાં અફસાનાબાનુ કહે છે, ‘મને પતંગ બનાવવાનું કામ કરવાનું બહુ ગમે છે, કેમ કે એનાથી બે પૈસા મળે છે અને એ પૈસાથી ઘરના કામમાં મદદ થઈ જાય છે. રોજ ૧૦૦૦ જેટલા પતંગ બનાવીએ છીએ અને ૯૦થી ૧૦૦ રૂપિયા મળે છે. જે પૈસા કમાઈએ છીએ એમાંથી દૂધ, શાકભાજી તેમ જ કરિયાણું લાવીએ છીએ. બીજાના ઘરે ગપ્પાં મારવા જવા કરતાં ઘરે બેસીને પતંગ બનાવીને પૈસા કમાઈએ છીએ.’
ગુજરાતના પતંગ ઉદ્યોગમાં આ મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે. ગુજરાતના આર્થિક વિકાસ ક્ષેત્રે આ સામાન્ય વર્ગની મહિલાઓ તેમનું યોગદાન આપી રહી છે.
બે પેઢીથી અમદાવાદમાં હોલસેલ પંતગ બનાવવાનું કામ કરતા અબ્દુલ વાહીદ મુન્નાભાઈ શેખ કહે છે, ‘હું છેલ્લાં ૪૦ વર્ષથી હોલસેલમાં પતંગ બનાવવાનું કામ કરું છું. રોજ ૧૫,૦૦૦ જેટલા પતંગ બનાવીએ છીએ. પતંગ બનાવવાનું કામ કરતી ૭૦ જેટલી બહેનોને પતંગ બનાવવાનું કામ અમે આપીએ છીએ. પતંગનું પ્રોડક્શન આમ તો વર્ષ દરમ્યાન થાય છે, પરંતુ ઉત્તરાયણ પછી માર્ચ મહિના સુધી પતંગ બનાવવાનું કામ થતું નથી. અમદાવાદમાં અંદાજે ૫૦૦થી વધુ વેપારીઓ પતંગ બનાવવાનું કામ કરે છે.’
અમદાવાદમાં અંદાજે સાડાત્રણ હજારથી વધુ બહેનો પતંગ બનાવવાનું કામ કરીને રોજગારી મેળવે છે એમ જણાવીને અબ્દુલ શેખ કહે છે, ‘પતંગના કાગળને સાઇડમાં દોરી બાંધવાનું કામ, કમાન બાંધવાનું, પતંગની વચ્ચે ઢઢ્ઢા લગાવવાનું કામ, પતંગની નીચે પત્તો લગાવવાનું, પતંગની કમાન પર સાઇડમાં ચિપા લગાવવાનું કામ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ રીતે બહેનો કરે છે તેમ જ આ બધાં કામ પૂરાં થયા બાદ પતંગને વ્યવસ્થિત ગોઠવવાનું કામ બહેનો કરે છે. આ બહેનોને પતંગ બનાવવા
માટે ૧૦૦૦ નંગે મજૂરી ચૂકવાય છે.
૯૦ રૂપિયાથી ૩૦૦ રૂપિયા પતંગ બનાવવાની કામગીરી પ્રમાણે મજૂરી ચૂકવવામાં આવે છે.’
ઉત્તરાયણનું પર્વ નજીક આવી પહોંચ્યું છે ત્યારે પતંગબાજો જે પતંગ આકાશમાં ચગાવે છે એ એક પતંગ ૬થી ૭ મહિલાઓના હાથમાંથી તૈયાર થઈને બજારમાં આવે છે. પતંગ બનાવવા માટે શ્રમજીવી મહિલાઓ વર્ષના આઠેક મહિના કામ કરીને
લાખ્ખો–કરોડો નંગ પતંગ બનાવવાનું કામ કરીને આજીવવિકા રળીને ઘરખર્ચમાં મદદરૂપ બનવા ઉપરાંત તેમના અને તેમના પરિવારનાં સપનાં સાકાર કરી રહી છે.

ખંભાતનો પતંગ મશહૂર કેમ?
દેશ–વિદેશના પતંગબાજોમાં ખંભાતી પતંગ બહુ મશહૂર છે અને ખંભાતની બહેનોએ બનાવેલા ૫૦૦૦ જેટલા પતંગ આ વખતે લંડન અને શિકાગો પહોંચ્યા છે.
ખંભાતમાં ચોથી પેઢીએ પતંગ બનાવવાનું કામ ૬૬ વર્ષના રમેશચંદ્ર છોટાલાલ ચૂનારા અને તેમના પુત્ર દીપક ચૂનારા કરી રહ્યા છે. રમેશચંદ્ર ચૂનારા કહે છે, ‘ખંભાતના પતંગની ક્વૉલિટી ઊંચી હોય છે. અમારે ત્યાં બનતા પતંગનું કટિંગ ચોરસ અને રાઉન્ડ હોય છે. આ પતંગ ઊડવામાં સારા રહે છે. કાગળના કટિંગ પર, કમાન-ઢઢ્ઢા પર પતંગનો આધાર છે અને એ સારી રીતે હોય તો પતંગ આસમાને જાય છે. પતંગ આડો–અવળો કે વાંકોચૂંકો ઊડતો નથી. કમાન-ઢઢ્ઢા અને કટિંગ પણ એક કારીગરી છે. ખંભાતની આ કારીગરી વખણાય છે.’
ખંભાત અને એની આસપાસ અંદાજે ૫૦૦૦ જેટલી બહેનો પતંગ બનાવવાનું કામ કરે છે એમ કહીને રમેશચંદ્ર ચૂનારાએ ઉમેર્યું હતું, ‘પતંગ બનાવવા માટે મહિલાઓ–યુવતીઓ અને વૃદ્ધાઓ પણ કામ કરે છે. પતંગમાં કમાન–ઢઢ્ઢા લગાવવાના અને પૂંછડી લગાવવાનું કામ તેઓ કરે છે અને એ દ્વારા આર્થિક ઉપાર્જન કરે છે. ખંભાત તેમ જ વડોદરા, નડિયાદ, સુરત, અમદાવાદ, ભરૂચ, મહુધા સહિતનાં સ્થળોએ મહિલાઓ પતંગ બનાવવાનું કામ કરે છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં ૬૦,૦૦૦ જેટલી બહેનો પતંગ બનાવવાનું કામ કરતી હશે.’
ખંભાતની બહેનોએ બનાવેલા પતંગ મુંબઈથી માંડીને વિદેશ સુધી પહોંચે છે એ અંગેની વિગતો આપતાં રમેશચંદ્ર ચૂનારા કહે છે, ‘આ વખતે અમે લંડન-શિકાગો સહિત અમેરિકામાં ૫૦૦૦ જેટલા પતંગ બનાવીને મોકલ્યા છે. ત્યાં ગુજરાતીઓ ઘણા રહે છે, ઓતે પતંગ ચગાવે છે. અમે ચીલ, એકિયા, ચોરસ, ગેંસિયા સહિત મિક્સ પતંગ વિદેશ મોકલ્યા છે.’

columnists kites weekend guide shailesh nayak