જાત માટે સારું ફીલ કરવું એ તમારી સૌથી પહેલી ફરજ છે

09 August, 2022 05:18 PM IST  |  Mumbai | Rashmin Shah

‘કહીં તો હોગા’, ‘ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ’, ‘ઇશ્કબાઝ’, ‘નાગિન’, ‘અદાલત’, ‘વિવાહ’ જેવી સિરિયલોની ઍક્ટ્રેસ મૃણાલ દેશરાજ એક સમયે રેસલિંગ અને પાવરલિફ્ટિંગ પણ કરતી. મૃણાલ કહે છે, ‘જો તમે જાતને સારું ફીલ ન કરાવી શક્યા તો તમે ચોક્કસ દુખી થશો એ નક્કી

જાત માટે સારું ફીલ કરવું એ તમારી સૌથી પહેલી ફરજ છે

હેલ્ધી સ્કિન. યસ કદાચ ઘણાને નવાઈ લાગશે, પણ તમારી ફિટનેસમાં તમારી હેલ્ધી સ્કિન એ બહુ જ મહત્ત્વનું પૅરામીટર છે. તમારું હેલ્ધી બૉડી તમારી સ્કિન પરથી રિફ્લેક્ટ થતું હોય છે. જ્યારે તમે સારા દેખાતા હો ત્યારે એ તમારી ચાલ-ઢાલમાં પણ બહાર આવતું હોય છે. તમે સારું ફીલ કરતા હો જ્યારે તમારી સ્કિન હેલ્ધી હોય છે. દરેક વ્યક્તિનાં ફિટનેસનાં પોતાનાં પૅરામીટર્સ હોય છે, પરંતુ દરેક હાલમાં એ એન્જૉયેબલ હોય એ જરૂરી છે. 

એ બાબતમાં હું લકી રહી. મારા પિતાજી મહારાષ્ટ્રમાં જ નહીં પણ ઇન્ડિયા લેવલ પર ખૂબ ઍક્ટિવ હતા રેસલિંગ અને પાવરલિફ્ટિંગમાં. મારું બાળપણ પણ ઑલમોસ્ટ એમાં જ વીત્યું છે. જોકે એ પછી પણ કહીશ કે ઘરમાં મારા સિવાય અને મારા ફાધર સિવાય કોઈ હેલ્થ-કૉન્શિયસ નથી.

મારું રેજીમ, મારું વર્કઆઉટ

મને વેઇટલિફ્ટિંગ ખરેખર ખૂબ ગમે છે. લગભગ દસેક વર્ષથી હું જિમમાં જતી હોઈશ અને આજ સુધી એનાથી થાકી કે કંટાળી નથી. હું માનું છું કે દરેક એક્સરસાઇઝની પોતાની બ્યુટી છે. જિમમાં કાર્ડિયો, વેઇટલિફ્ટિંગ, ક્રૉસ ફિટ વગેરે કરું છું તો સાથે રનિંગ અને ટેનિસ જેવી સ્પોર્ટ્સમાં પણ મને ખૂબ ઇન્ટરેસ્ટ પડતો હોય છે. ઓકેઝનલી, સ્વિમિંગ પણ કરતી હોઉં છું. તમે જે પણ કરો એમાં સંતુલન હોય એ જરૂરી છે, જેમ કે હું વેઇટ-ટ્રેઇનિંગ કરું છું તો સાથે યોગ, ટેનિસ, સ્ક્વૉશ, સ્વિમિંગ, સ્પિનિંગ જેવી બાબતો પણ નિયમિત કરી લેતી હોઉં છું. 
તમે જ્યારે જાતને હૅપી રાખવા માટે કંઈ કરતા હો ત્યારે કન્સ્ટિસ્ટન્સી માટેનું મોટિવેશન તમને અંદરથી આવતું હોય છે. જાત માટે સારું ફીલ કરવું એ સૌથી પહેલી ફરજ છે તમારી. તમે માનશો નહીં પણ મોડી રાતે શૂટ પરથી પાછાં આવ્યા બાદ પણ વર્કઆઉટનો થાક મને નથી લાગતો. ઇન ફૅક્ટ, હું ઓવર-એક્સાઇટેડ હોઉં છું. 

ફૂડ નહીં, ડાયટ છે જરૂરી

ડાયટ અને પોષક આહાર સિક્કાની બીજી બાજુ છે. ફિટનેસમાં એક્સરસાઇઝ એક બાજુ તો ડાયટ બીજી બાજુ. તમારી એક્સરસાઇઝ લેખે નહીં લાગે જો તમે એલફેલ ખાવાની આદત ધરાવતા હશો. ક્યારેક મનગમતો આહાર લઈ લીધો એ જુદી બાબત છે, પણ તો તમે એની આદત પાડી દીધી છે તો મર્યા સમજજો. ઇટ રાઇટ, ટ્રેઇન રાઇટ અને રિકવર રાઇટ. આ ત્રણેય સાથે-સાથે ચાલે. ઇટ્સ સિમ્પલ. સાચું કહું તો આ જ્ઞાન મને પણ ખૂબ મોડું-મોડું મળ્યું. 

વર્ષો સુધી ખાવાની બાબતમાં હું ખૂબ જ બેદરકાર હતી. પ્રોટીન અને ફૅટ નહોતી ખાતી જેને કારણે પેટની લાઇનિંગ ડિસ્ટર્બ થઈ હતી. હવે ધીમે-ધીમે સપ્રમાણ આહાર લેવાનું શીખી ગઈ છું એટલે ઍક્શન અને રિકવરી બન્નેમાં એની અસર દેખાઈ રહી છે. આમ તો ખાવાના શોખીનોથી ઘેરાયેલી છું અને એમ છતાં હું હોમ મેડ ફૂડ વધારે પ્રીફર કરું છું. બને ત્યાં સુધી ઘરનું ખાવાનું ખાશો તો બીમાર નહીં પડો એવું જાતઅનુભવ પરથી કહું છું. દાલ-ખીચડી મારું ફેવરિટ ફૂડ છે. બહુ નાની હતી ત્યારથી અને આજે પણ આ જ મારું ફેવરિટ ફૂડ છે. હું હંમેશાં કહેતી આવી છું કે જેટલી સાદગી તમારા ફૂડમાં હશે એટલી જ હેલ્ધી તમારી લાઇફ હશે. આ સહેલી વાત પાળવી અઘરી છે, પણ જો તમે આ વાત પાળશો તો ચોક્કસપણે તમે વર્કઆઉટ વિના પણ દુઃખી તો નહીં જ થતા હો. ખરેખર.

ગોલ્ડન વર્ડ્‍સ
હેલ્ધી જીવનશૈલી એવી જર્ની છે, જેમાં તમારે લર્ન, અનલર્ન અને રીલર્ન માટે તૈયાર રહેવું પડે; કારણ કે અનુભવો અને નવી જાણકારી સાથે તમારી ફિટનેસની માન્યતાઓ બદલાતી હોય છે.

columnists Rashmin Shah