મળો સરિતા ગાયકવાડ અને લજ્જા ગોસ્વામીના પિતાને

21 June, 2020 10:08 AM IST  |  Mumbai | Shailesh Nayak

મળો સરિતા ગાયકવાડ અને લજ્જા ગોસ્વામીના પિતાને

પપ્પાને તો સ્પોર્ટ્સનો ‘સ’ પણ ખબર નથી; બસ, તેમની દીકરી રમે છે એટલું જ તેઓ જાણે છે

સરિતા ગાયકવાડ પપ્પા-મમ્મી લક્ષ્મણભાઈ અને ગીતાબહેન સાથે.

ડાંગ જિલ્લામાં ખેતીકામ અને મજૂરીકામ કરીને વર્ષેદહાડે ૧૪,૦૦૦ રૂપિયા કમાનાર શ્રમજીવી લક્ષ્મણ ગાયકવાડને લોકો કહેતા કે છોકરીને રમાડીને શું કરીશ? કદાચ તેમના કહેવાનો ભાવાર્થ હશે કે દીકરીઓને જો મજૂરીએ લગાડી દઈશ તો ઘરમાં બે પૈસાની છૂટ થશે. જોકે લક્ષ્મણભાઈએ કોઈની વાત કાને ન ધરી. દીકરીને ઘરમાં બેસાડી રાખવા કે મજૂરીએ વળગાડી દેવાના બદલે તેમણે દીકરી સરિતાએ ખુલ્લું આકાશ આપ્યું અને કહ્યું કે જા, તને જે ઠીક લાગે એ કર.

પચાસ-પંચાવન ઘર અને ૩૦૦-૪૦૦ની વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામમાં રહેતી સરિતા કહે છે, ‘મારા પપ્પા, અમને ચાર ભાઈ–બહેનને કાયમ કહેતાં કે હું બેઠો છું, તમારે જે કરવું હોય એ કરો; તમારું જીવન બનાવો. સારું ભણશો તો તમારે કામ આવશે. તેમની તકલીફો અપાર હતી. એમ છતાં, એનો અમને અંદાજ પણ આવવા ન દેતા મારા પપ્પા.  એક સમયે મારા પપ્પાની વાર્ષિક આવક ૧૪,૦૦૦ રૂપિયા હતી. ઘરમાં બે મોટી બહેન અને એક ભાઈ. અમને પપ્પાએ ભણાવ્યા. મારા પપ્પા ખેતીકામ કરતા. અમારો જિલ્લો પહાડોવાળો છે એટલે બહુ ખેતી ન કરી શકતા હોવાથી પપ્પા અને મારી મમ્મી રમુબહેન મજૂરીકામ માટે જતાં હતાં. હું હૉસ્ટેલમાં રહીને ભણી છું. મારાં પપ્પા-મમ્મી ખેતીકામ કરતાં હોવાથી તેઓ અમારા માટે એવું વિચારતાં હતાં કે અમે તેમને કામ કરતાં જોઈશું તો અમે પણ તેમને કામમાં મદદ કરવા દોડી જઈશું. એટલે અમે વાચવામાં ડિસ્ટર્બ ન થઈએ અને સારી રીતે ભણી શકીએ એ માટે હૉસ્ટેલમાં રાખીને ભણાવ્યાં. બીજા લોકો મારા પપ્પાને કહેતા કે તમારી છોકરીને રમત રમાડીને શું કરવાના? પણ પપ્પા મને આવું કંઈ કહેતા નહીં. તેઓ તો એમ જ કહે કે તારે જે કરવું હોય એ કર. મારા પપ્પાએ મને સ્પોર્ટ્સમાં જતી રોકી નથી. મને હજી પણ યાદ છે કે એ સમયે દોડ માટેનાં સ્પેશ્યલ શૂઝ ૧૫થી ૨૦,૦૦૦નાં આવતાં હતાં. મારે એક જોડી જોઈતી હતી, પણ અમારી આર્થિક સ્થિતિના કારણે હું એક જોડી પણ ખરીદી શકી ન હતી,  કેમ કે હું મારા પપ્પાની સ્થિતિને સમજતી હતી અને હું ખુલ્લા પગે દોડતી હતી.’

સ્પોર્ટ્સ શું છે, એની વૅલ્યુ શું છે એનાથી બેખબર હોવા છતાં આ એવો પિતા હતો જેણે માત્ર દીકરીના સપનામાં વિશ્વાસ મૂક્યો. દીકરીને દોડવું છે? તો ભલે દોડે. તેને કંઈક કરવું છે તો ભલે કરે. સરિતા કહે છે, ‘મારા પપ્પા બહુ જ સીધાસાદા છે. તેમને સ્પોર્ટ્સ શું છે, એની વૅલ્યુ શું છે અને મેડલ જીતવો એટલે શું એની કંઈ જ ખબર નહોતી. પપ્પાને તો એટલી જ ખબર કે મારી છોકરી રમતી છે, રમવા જાય છે. કોઈ જ વાતમાં ના નહીં. આમ નહીં કરવાનું કે તેમ નહીં કરવાનું એવું કદી જ નહીં. પૈસાની જબરજસ્ત તંગી છતાં બીજાં રાજ્યોમાં રમવા જવા પર પ્રતિબંધ મૂક્યો ન હતો. હું જ્યારે એશિયન ગેમ્સમાં મેડલ જીતીને ઘરે આવી ત્યારે પપ્પા એ જોઈને ખુશ થઈ ગયા હતા. તેમની સરળતા પણ કેવી? મને જોઈને કઈ બોલી શક્યા નહીં અને માત્ર આંખમાંથી હરખનાં આંસુ સરી પડ્યાં હતાં.’

(૨૦૧૯માં દોહા–કતારમાં રમાયેલી એશિયન ચૅમ્પિયનશિપમાં સરિતા ગાયકવાડે ૪ બાય ૪૦૦ મીટર રીલે દોડમાં સિલ્વર મેડલ અને ૪૦૦ મીટર હર્ડલ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ગૌરવ અપાવ્યું છે.)

‘થૅન્ક યુ પપ્પા, તમે જો સપનું ન બતાવ્યું હોત તો આજે હું આ સ્ટેજ પર ન હોત

દીકરી લજ્જા સાથે તિલકપુરી ગોસ્વામી

એક પૂજારીની દીકરી રાઇફલ-શૂટિંગમાં ઇન્ટરનૅશનલ લેવલે મેડલ્સ જીતી લાવે ત્યારે દેશનું મસ્તક ગર્વથી ઉન્નત થઈ જાય. જોકે કૉમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતી લાવનારી ગુજરાતના નાનકડા ગામની લજ્જા ગોસ્વામીની પહેલવહેલી રાઇફલ લાવવા માટે તેના પિતાએ ઘરનો દાગીનો વેચવો પડેલો

‘મને મારા બાપુજીએ સપનું બતાવ્યું ન હોત તો હું આ સ્ટેજ પર ન પહોંચી હોત...’

આ શબ્દો છે રાઇફલ-શૂટિંગની સ્પર્ધાઓમાં રાજ્યથી લઈને ઇન્ટરનૅશનલ લેવલે મેડલ્સ જીતી લાવનાર ગુજરાતમાં મિલ્ક સિટી ગણાતા આણંદને અડીને આવેલા જિતોડિયા ગામના વૈજનાથ મહાદેવ મંદિરના પૂજારી તિલકપુરી ગોસ્વામીની દીકરી લજ્જાના.

સ્વાભાવિક રીતે જ ગામનાં બાળકો ઘરમાં હાથી, ઘોડા, ડુગડુગી જેવાં રમકડાંથી રમતાં હોય છે ત્યારે જિતોડિયા ગામની દીકરી લજ્જા નાનપણથી હાથમાં પિસ્તોલ લઈને રમતી હતી. તેને પહેલેથી રમકડામાં પિસ્તોલ ગમતી. તેના પિતા એ જોતા હતા અને તેમને થતું હતું કે મારી દીકરી ભવિષ્યમાં પિસ્તોલથી જ રમતી હશે કે શું? બન્યું પણ એવુ કે આજે લજ્જા ગોસ્વામીએ હાથમાં રાઇફલ લઈને ઇન્ટરનૅશનલ લેવલે પોતાનું અને પિતાનું તેમ જ દેશનું નામ રોશન કર્યું છે.

પોતાની આ સફળતામાં પપ્પાએ દરેક ડગલે આપેલા પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન વિશે વાત કરતાં લજ્જા કહે છે ‘મારા બાપુજીએ મારી બધી ઇચ્છા પૂરી કરી છે. બાપુજીએ મને પહેલાંથી જ રફ ઍન્ડ ટફ રાખી છે. હું એનસીસીમાં જતી હતી, માઉન્ટેનિયરિંગમાં ગઈ, પણ ક્યારેય મારા બાપુજીએ મને ના પાડી નથી, બલકે તેઓ મને એમ કરવા પ્રોત્સાહન આપતા. ૨૦૦૭માં એનસીસીમાં રાઇફલ શૂટિંગમાં હું ભાગ લેતી થઈ અને પછી એમાં આગળ વધતી ગઈ. ઇન ફૅક્ટ, મારા બાપુજીએ મને આગળ વધવાનું સપનું બતાવ્યું ન હોત તો આ સ્ટેજ પર પણ હું ક્યારેય ન પહોંચી શકી હોત. બાપુજીએ મને ગાઇડન્સ આપ્યું, રસ્તો બતાવ્યો અને આગળ વધવામાં મદદ કરી.’

અતિવિકટ પરિસ્થિતિ વચ્ચે પણ દીકરીના રાઇફલ શૂટિંગના પૅશનને પરિવારે સપોર્ટ કર્યો છે એ પણ પ્રેરણાદાયી છે. પ્રૅક્ટિસ કરતી હતી એની યાદોને વાગોળતાં લજ્જા કહે છે, ‘એનસીસીમાં જતી ત્યારે બાપુજીને મેં રાઇફલ-શૂટિંગની વાત કરી હતી. પણ એ માટે રાઇફલ લાવવાના પૈસાનું શું? તંગ હાથ હોવા છતાં તેમણે કોઈક રીતે પૈસાની વ્યવસ્થા થઈ જશે એવી ધરપત આપી. મને યાદ છે કે એ પૈસા તેમણે ઘરનો એક દાગીનો વેચીને મેળવ્યા હતા. ભલે દુઃખ પડ્યું હોય, પણ બાપુજી અને મમ્મી (ગીતાબહેન)એ મારી તમામ ઇચ્છાઓ પૂરી કરી છે. મને ખુશી છે કે હું મારા પપ્પાનું સપનું પૂરું કરી શકું છું.’

દીકરીની લબ્ધિઓથી ગૌરવાન્વિત થતાં પિતા તિલકપુરી ગોસ્વામી કહે છે, ‘મને ગર્વ છે કે હું મારી દીકરીના નામથી ઓળખાઉં છું. મારું નામ મારી દીકરીએ મોટું કર્યું છે. હું રહ્યો પૂજારી, પણ આજે ક્યાંક જાઉં છું તો ઘણા ઓળખી જાય છે કે ‘તમે જ લજ્જાના ફાધરને?’ એ શબ્દો સાંભળીને છાતી ગજગજ ફૂલે. મારી લજ્જાને કારણે મને મિનિસ્ટર સાથે બેસવાનું મળ્યું છે, સ્ટેજ પર બેસવા મળ્યું છે. નાનપણથી તેને પિસ્તોલ ગમતી હતી. તે રાઇફલ શોધીને રમતી હતી. આજે તે રાઇફલ-શૂટિંગમાં ચૅમ્પિયન બની છે તેનો એક પિતા તરીકે મને આનંદ છે.’

(હાલમાં નડિયાદમાં પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત લજ્જા ગોસ્વામીએ ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટ વુમનમાં રાજ્ય અને નૅશનલ લેવલની સ્પર્ધાઓ ઉપરાંત ૨૦૧૦માં દિલ્હીમાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ, ૨૦૧૩માં શૂટિંગ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ, ૨૦૧૪માં યુકેમાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે.)

columnists shailesh nayak fathers day