ખેડૂત અન્નદાતા છે, તો પછી આ લોકો કોણ છે?

07 February, 2021 06:55 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

ખેડૂત અન્નદાતા છે, તો પછી આ લોકો કોણ છે?

પ્રતીકાત્મક તસવીર

રાજા-મહારાજાનો સૂરજ જ્યારે સોળે કળાએ તપતો હતો ત્યારે એટલે કે ૧૯૪૭ પહેલાં આ રાજા-મહારાજાઓ પોતાની પ્રજાના અન્નદાતા કહેવાતા હતા. અન્નદાતા શબ્દ સમજી લેવા જેવો છે. કોઈ રાજા કોઈ રૈયતના ઘરે મુઠ્ઠી અનાજ આપવા જતા નહોતા. રૈયત એટલે કે પ્રજા બાપુના આદેશથી ખેતી કરતી અને જે અનાજ પાકતું એ અનાજમાંથી રાજાએ ઠરાવ્યું હોય એટલું, કોઠી-બે કોઠી અનાજ પોતાના પરિવાર માટે રાખીને બાકીનું અનાજ રાજ્યના કર પેટે આપી દેવામાં આવતું. રાજા પરસેવાનું એકેય ટીપું પાડ્યા વિના આ અનાજના માલિક ગણાતા અને પ્રજા માટે અન્નદાતા ગણાતા.

અન્નદાતાને ઓળખીએ

રાજ્યની જમીન જે ખેડૂત ખેડતો એ જમીન પર તેનો કોઈ અધિકાર નહોતો. એની માલિકી રાજ્યની હતી. ખેડૂત માત્ર રાજ્યના હુકમ અનુસાર કામ કરતો, એટલે કાળી મજૂરી કર્યા પછી રાજ્ય આપે એ બે મુઠ્ઠી અનાજ તેની પાસે બચતું. જમીનની માલિકી કાં તો રાજ્યની હતી અથવા રાજાએ જે પોતાના પરિવારજનોને ગરાસદારી તરીકે જમીન આપી હતી એવા ફટાયા કુંવરોની હતી. કોઈએ કશું કરવાનું નહીં અને કાળી મજૂરી કરનાર પાસેથી અનાજ આંચકી લેવામાં આવતું અને છતાં તેઓ અન્નદાતા કહેવાતા. આ ‘અન્નદાતા’ શબ્દ વાસ્તવમાં એક ‘વિવેક’ હતો.

વર્તમાન ખેડૂત-આંદોલન

હમણાં-હમણાં આ શબ્દ આપણે સાવ સમજદારી વિના વપરાતો જોઈએ છીએ. જે ખેડૂત-આંદોલન હમણાં ચાલી રહ્યું છે એમાં ખેડૂતો માટે આંદોલન કરનારાઓ ‘અન્નદાતા’ શબ્દ વાપરે છે. ખેડૂતો અન્ન ઉગાડે છે એટલે કે ખેતી કરીને અનાજની જે પેદાશ થાય છે એ બજારમાં જેકંઈ વેચાણની વ્યવસ્થા હોય એ પ્રમાણે પોતાનો માલ વેચે છે. આ વેચાણકિંમત એનું વળતર છે, એનો નફો છે. જે રીતે અન્ય કોઈ પણ વ્યવસ્થામાં કામ કરનાર ધન મેળવે છે એ જ રીતે આ ગોઠવણ છે. જેકોઈ માણસ શ્રમ કરે તેને વળતરનો અધિકાર છે જ, પણ આ વળતર એટલે મોંમાગ્યા ભાવ નહીં.

ખેડૂત માટે ‘અન્નદાતા’ ઉપરાંત ‘જગતનો તાત’ એવું શબ્દઝૂમખું વપરાયું છે. પોતાનાં સંતાનોને ભોજન કરાવવું એ પિતાનો ધર્મ છે. અહીં ખેડૂત પોતાની ખેતી દ્વારા શાકભાજી, ફળફળાદિ, અનાજ વગેરે પકવે છે અને પછી આ બધી પેદાશ લોકો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે એટલે ખેડૂત એ અર્થમાં ‘જગતનો તાત’ ગણાય.

અન્નદાતા, તો પછી અન્ય દાતાનું શું?

ખેડૂતને અન્નદાતા કહેવા સામે આપણને કોઈને વાંધો ન હોઈ શકે, પણ આ વાત બીજા કોઈ વ્યવસાયમાં પ્રયોજી શકાય? જે રીતે ખેડૂત કાળી મજૂરી કરીને આ અન્ન પકવે છે અને એ પછી આ અન્ન આપણા મોઢા સુધી પહોંચે છે એ જ રીતે નાલાસોપારાથી લોઅર પરેલ પહોંચીને મિલમાં કામ કરનાર કામદારોને પણ આપણે યાદ કરવા જોઈએ (આ વાતને સમજવા માટે આપણે ઘડીક પચાસેક વર્ષ પાછળ જવું પડશે). લોઅર પરેલ વિસ્તારમાં કાળી મજૂરી કરનાર આ કામદારોનું શું થતું હતું? આ કામદારોને રોજ અઢી કલાક જતાં અને અઢી કલાક પાછા વળતાં થતા હોય છે. ૮ કલાક સંચા પર પોતાના સ્વાસ્થ્યને હણી નાખતી પરિસ્થિતિ વચ્ચે કામ કરીને કપડાનું ઉત્પાદન કરે છે. આ કાપડ વિના આપણને ચાલશે? જે રીતે ખેડૂતે ઉત્પાદિત કરેલા અન્ન વિના આપણને નહીં ચાલે એ જ રીતે આ મિલ-કામદારોએ પેદા કરેલાં વસ્ત્ર વિના પણ આપણને ન ચાલે. એ જ રીતે અન્ન ઉત્પાદકને અન્નદાતા કે પછી જગતનો તાત કહીને વધાવીએ છીએ એ રીતે આ વસ્ત્રદાતાને ક્યારેય સંભાર્યો છે? કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જે રીતે ખેડૂત જગતનો તાત છે એ જ રીતે આ મિલ-કામદાર પણ વસ્ત્રદાતા તરીકે આપણા જીવનમાં સ્થાન ધરાવે છે.

અન્નદાતા અને વસ્ત્રદાતા ઉપરાંત રહેઠાણના છાપરા વિના આપણને ચાલે છે? આ રહેઠાણ રાજા-મહારાજાનો મહેલ હોય કે પછી છૂટુંછવાયું કામ કરીને પેટ ભરનાર શ્રમિકની ઝૂંપડી હોય. કોઈક કડિયાએ એનું બાંધકામ જરૂર કર્યું હશે. આ કડિયાએ બનાવેલા આવા છાપરા વિના આપણને ચાલવાનું નથી. રોટી, કપડા ઔર મકાન એ માણસના જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. જે રીતે અન્નદાતા કે વસ્ત્રદાતાનું  જીવનમાં સ્થાન છે એ જ રીતે આ છાપરું ચણનાર કડિયો પણ આપણા જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

આજે વ્યવહારમાં બન્યું છે એવું કે વસ્ત્રદાતા કે ગૃહદાતા એ બધાને વિસારે પાડીને આ ખેડૂતોના નામે દેશમાં ભારે ઊહાપોહ મચી રહ્યો છે. ખેડૂતો માટે કોઈ વાજબી વાત હોય તો પણ એને હડસેલી દેવી જોઈએ એવું કોઈ નહીં કહે, પણ આ ખેડૂતોના નામે જેઓ પોતાને ખોટી રીતે ગોઠવી રહ્યા છે તેમને આવો કોઈ લાભ લેવા દેવાય નહીં.

ખેડૂત એટલે શું એ પણ સમજી લઈએ

આજે બન્યું છે એવું કે ખેડૂતોના નામે જમીનધારકો જે અપરંપાર લાભ મેળવે છે એનો લોટોઝોટો કરવા માટે બાહુબળિયાઓ અને શબ્દચતુરો ઊતરી પડ્યા છે. ૧૦ વીઘા જમીનના એક ટુકડામાં બીજી, ત્રીજી કે ચોથી પેઢીએ વારસાગત ભાગીદારો ખેડૂત બની જાય છે. આ ખેડૂતના ખાતામાં હજારો રૂપિયા કાયદેસર જમા થાય છે. આમાં નિયમના અપવાદ છે ખરા, પણ આમ છતાં આ નિયમને હડસેલવાના પણ પૂરતા નિયમો હોય છે! પરિણામે ખેડૂત થવાની એક સ્પર્ધા શરૂ થઈ ગઈ છે.

ત્યારે કરીશું શું?

કાયદો નબળાના રક્ષણ માટે હોય છે. સબળાને વધુ બળવાન બનાવીને નબળાને વધુ નબળા બનાવે એવો કોઈ કાયદો હોઈ શકે નહીં. રક્ષણ અને લાભ ખેડૂતોને મળવા જોઈએ. એમાં કશું ખોટું નથી, પણ આ રક્ષણ અને લાભનો ફાયદો માત્ર ખેડૂતોને જ મળે અને રસ્તા પર પોતાનો માલ વેચીને પેટિયું રળતા બીજા કોઈને યાદ પણ કરવામાં ન આવે ત્યારે કંઈક કશુંક ખોટું થઈ રહ્યું છે એમ લાગ્યા વિના રહેતું નથી. અન્યાય કોઈને ન થવો જોઈએ, પણ ન્યાયના નામે બળપ્રદર્શન પણ ન થવું જોઈએ.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)   

columnists dinkar joshi