મરીઝનાં દીકરાએ પિતાની રચનાઓ નવી પેઢીને પહોંચાડવાનું કામ આદર્યું

14 May, 2020 02:50 PM IST  |  Mumbai | Shailesh Nayak

મરીઝનાં દીકરાએ પિતાની રચનાઓ નવી પેઢીને પહોંચાડવાનું કામ આદર્યું

મરીઝની ગઝલ–કવિતાઓનો અનુવાદ કરી રહેલા મોહસિન વાસી.

હવે જ સાચી કસોટીનો છે સમય ઓ ‘મરીઝ’
દુઆ કરું છું અને બેઅસર નથી બનતી
મરીઝે ગુજરાતી ભાષામાં લખેલી ઉપરોક્ત પંક્તિઓ જાણે આજના સમયને ધ્યાનમાં રાખીને જ લખાઈ હોય એવું લાગે છે.
મરીઝ. સિર્ફ નામ હી કાફી હૈ. જોકે ગુજરાતી ગાલિબ ગણાતા આ કવિ અને ગઝલકારની રચનાઓ કદાચ યંગ જનરેશનના દિલ સુધી પહોંચી નથી શકી. આમ તો સાહિત્યનું રસપાન એની મૂળ ભાષામાં થાય એ જ સૌથી સુંદર લાગે, પણ હવે જો મરીઝની રચનાઓને અંગ્રેજીમાં વાંચવી હોય તો એ પણ ઉપલબ્ધ છે.
વાત જાણે એમ છે કે આપણા ગુજરાતના ગૌરવ સમા શિરમોર શાયર અબ્બાસ અબ્દુલઅલી વાસી ઉર્ફે મરીઝ સાહેબના પુત્ર મોહસિન વાસીએ લૉકડાઉનના આ સમયમાં મરીઝના ચાહકો માટે અને તેમની બહોળી ફૅમિલીના સભ્યોની ડિમાન્ડથી મરીઝની કવિતા, ગઝલ, નઝ્મનો ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરીને ફેસબુક વૉલ પર મૂકવાનું શરૂ કર્યું છે જેનો લુત્ફ મરીઝના ચાહકો અને તેમના ફૅમિલી મેમ્બર્સ ઉઠાવી રહ્યા છે.
મીરા રોડમાં રહેતા ૭૨ વર્ષની વયે નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિશીલ રહેતા મોહસિન વાસીએ તેમના પિતાની ગઝલોનો ઇંગ્લિશમાં અનુવાદ કરવાનું શરૂ કર્યું છે. તેઓ કહે છે, ‘લૉકડાઉનને કારણે મળેલી નવરાશનો સમય મેં આ કામ માટે ફાળવ્યો છે. આમ કરવા પાછળનું કારણ એવું છે કે હવે ફૅમિલીનાં બચ્ચાંઓ બધાં અંગ્રેજી મીડિયમમાં ભણતાં થઈ ગયાં છે. મારી ફૅમિલીની દીકરીઓ, ભાણિયાઓ, ભત્રીજાઓ બધાને મરીઝની વાત કરીએ તો કહે કે તેઓ ગ્રેટ પોએટ હતા તો તમે તેમની પોએમ ને એ બધું અંગ્રેજીમાં લખીને કેમ નથી મૂકતા, એમ કરો તો અમે પણ વાંચી શકીએ અને સમજવામાં પણ ઈઝી પડેને. અને મને થયું કે લાવ, હું પિતાજીની કવિતાઓ–ગઝલને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરું. મારી ફૅમિલીના ઘણા લોકો અમેરિકામાં રહે છે. તેમની મધરટન્ગ ગુજરાતી છે એટલે થોડુંઘણું ગુજરાતી સમજે છે. મને થયું કે અત્યારે લૉકડાઉનનો સમય ચાલે છે તો હું ફ્રી છું તો પિતાજીની ગઝલનો ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરી શકું. જો આમ થશે તો મરીઝના ચાહકો સુધી અંગ્રેજીમાં પણ ગઝલ પહોંચશે. લંડન, અમેરિકા સહિતના દેશોમાં ઘણા ગુજરાતીઓ રહે છે એટલે મરીઝની ગઝલો અંગ્રેજીમાં હોય તો તેમને પણ વાંચવાની વધારે મજા આવે.
અત્યાર સુધીમાં ફેસબુક પેજ પર મરીઝની ઘણી કવિતા, નઝ્મ, ગઝલને ટ્રાન્સલેટ કરીને મૂકી છે. હું રોજ એકાદ ગઝલનો અનુવાદ કરું છું. મરીઝના ચાહકોને ખબર છે કે તેઓ ગ્રેટ શાયર હતા એટલે આ દિશામાં કામ કરવાનું મને ગમ્યું છે. મને પણ આ કામમાં મજા આવી રહી છે.’
મરીઝ સાહેબની કલમથી ગુજરાતીઓ તો વાકેફ છે જ પણ હવે આપણા મરીઝ સાહેબની કવિતા, ગઝલ, નઝ્મથી ગુજરાતી ભાષા નહીં જાણતી કે ઓછું જાણતી આજની નવી જનરેશન અને વિદેશના સાહિત્ય રસિકોને પણ મોજ પડશે એ નક્કી છે.

લ્યો, મરીઝની પંક્તિઓનો આસ્વાદ માણો
મળવા જો એને ચાહું તો હમણાં મળી શકું,
એ વાત છે જુદી કે મને ઇન્તેજાર છે
If I want to meet her can meet immediately,
That’s the different thing that I want to wait
એક તારું સાંત્વન કે હજારો ‘મરીઝ’ને,
એક મારી વેદના જે દવા શોધતી રહી
That’s your condolence which give peace to thousands of ‘Mareez’ (Ill people)
Served as medicine for my pain
શું એમાં દર્દ છે તે અમુક જાણતા હશે?
છે હાથ મારા તંગ અને દિલ ઉદાર છે
What’s the pain that few may knew?
My hand is tight (due to circumstances)
But have large heart
શોધો પ્રસંગને એ તમારા ઉપર રહ્યું,
આખું જીવન અમારું હવે આવકાર છે
To search the incident is up to you
My whole life is now a welcome gesture
એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે
If it’s one or two I can hide it ‘Mareez’
This is love and it’s proofs are many

shailesh nayak columnists