ડેઇલી સ્કિનકૅર રૂટીન માટે બેસ્ટ ઑપ્શન છે આઇસક્યુબ થેરપી

05 March, 2020 12:56 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ડેઇલી સ્કિનકૅર રૂટીન માટે બેસ્ટ ઑપ્શન છે આઇસક્યુબ થેરપી

આપણી ત્વચા સૌંદર્ય અને સ્વાસ્થ્યનું પ્રતીક છે. આ શરીરનું એવું અંગ છે જેના પર ઋતુ, તાપમાન, હવામાન પરિવર્તન, પ્રદૂષણ, લાઇફસ્ટાઇલ, ફૂડ-હૅબિટ, હાનિકારક રસાયણો ધરાવતાં સૌંદર્યપ્રસાધનો, રોગ અને ઉંમર એમ બધાની વિપરીત અસર થાય. ત્વચાની કાળજી માટે મૉડર્ન કૉસ્મેટિક વર્લ્ડ પાસે અનેક સોલ્યુશન છે, પરંતુ ઘેરબેઠાં ત્વચાનું લચીલાપણું બરકરાર રાખવા આઇસક્યુબ જાદુનું કામ કરી શકે છે. આજે આપણે આઇસક્યુબ વડે કઈ રીતે સુંદરતા મેળવી શકાય તેમ જ હેલ્ધી સ્કિનકૅરમાં એના રોલ વિશે વિલે પાર્લેનાં બ્યુટિશ્યન અને સ્કિનકૅર એક્સપર્ટ પલ્લવી સોની શું કહે છે એ જાણીએ.

તાજગીનો પર્યાય

છેલ્લા કેટલાક સમયથી આઇસક્યુબ થેરપી તરફ મહિલાઓનો ઝુકાવ વધ્યો છે. લીલી ચા, ફુદીનો, તાજાં ફળોનો જૂસ, ગુલાબની પાંખડીઓ, લીંબુનો રસ, રોઝ વૉટર, કાકડી વગેરે જેવી જુદી-જુદી વસ્તુને આઇસ ફૉર્મમાં વાપરવાનો ટ્રેન્ડ પૉપ્યુલર બન્યો છે. લગભગ તમામ મહિલાઓના ફ્રીઝરમાં આવી એકાદ બરફની ટ્રે જોવા મળશે. ઠંડી વસ્તુ આપણી ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવે છે. સુસ્ત થઈ ગયેલી ત્વચા પર હળવે હાથે બરફ ઘસવાથી સ્કિન સેલ્સ ઍક્ટિવેટ થાય છે. ડલ થઈ ગયેલી સ્કિનમાં જાણે કે જાન આવી જાય છે અને તાજગીનો અહેસાસ થાય છે.

સાદા પાણીવાળા આઇસક્યુબની જગ્યાએ વેજિટેબલ્સ કે ફ્રૂટ્સને ક્રશ કરી તૈયાર થયેલા આઇસક્યુબ વાપરવાનું કારણ છે ફ્રેગ્રન્સ અને ન્યુટ્રિશનલ વૅલ્યુ. તન અને મનની સુંદરતા વચ્ચે ઇન્ટર કનેક્શન છે. સુગંધની તમારા મગજ પર સકારાત્મક અસર થાય છે. માઇન્ડ ફ્રેશ હશે તો સ્કિન આપોઆપ ગ્લો કરશે. તમે થાકેલા હો ત્યારે ગુલાબની પાંખડીઓ કે ગ્રીન ટીના મિશ્રણવાળો આઇસક્યુબ ઘસો તો ફ્રેશનેસની ફીલિંગ આવે તેમ જ એમાં રહેલાં પોષકતત્ત્વોથી ત્વચાને પોષણ મળે. આઇસક્યુબ તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવાનું કામ કરે છે.

ડેઇલી કૅર

આઇસમાં ત્વચાને ઠંડક આપનારું એજન્ટ છે. આઇસક્યુબ માટે કિચનમાં અવેલેબલ કોઈ પણ ફ્રૂટ્સ અથવા વેજિટેબલ્સ તેમ જ ઘરની બાલ્કનીમાં ઉગાડેલા છોડનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે વધુ મહેનત કરવાની જરૂર નથી. વૉટરમેલન, મસ્કમેલન, ઑરેન્જ જેવાં સીઝનલ ફ્રૂટ્સનો મિક્સરમાં પલ્પ કાઢી બરફની ટ્રેમાં રેડી દો. કાકડી કે ખીરા જેવી શાકભાજીને ખમણી લો. અલોવેરાને વચ્ચેથી કાપી પલ્પ કાઢી પાણીમાં ભેળવી દો. ચાહો તો બે-ત્રણ વસ્તુને મિક્સ પણ કરી શકો છો. એક જ ટ્રેમાં ઘરની બે-ત્રણ મહિલાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તમારા આઇડિયાઝ પ્રમાણે એમાં વેરિએશન લાવી આઇસક્યુબ તૈયાર રાખો. ત્વચા થાકેલી લાગે કે બહારથી આવ્યા હો ત્યારે એક-બે કયુબ લઈ ચહેરા પર પાંચ મિનિટ ઘસો. થોડી વાર એમ જ રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો સ્વચ્છ કરી લો. ખૂબ જ સારું રિઝલ્ટ આવે છે.

મેકઅપ કરતાં પહેલાં ચહેરા પર આઇસક્યુબ લગાવવાથી મેકઅપ લાંબો સમય સુધી ટકી રહે છે. બરફમાં ત્વચાને જકડી રાખવાનો ગુણધર્મ છે. નિયમિતપણે આઇસક્યુબ ઘસવાથી સ્કિન ટાઇટ થાય છે અને ગ્લો પણ કરે છે. જોકે સ્કિન ટાઇટનિંગમાં મસાજનો રોલ વધુ મહત્ત્વનો છે. ડેઇલી કૅર માટે આઇસક્યુબ વાપરી શકાય, પરંતુ ફેશ્યલ કરાવવું જ પડે. હાથ-પગની ત્વચા પર જોવા મળતી કરચલીઓમાં આઇસક્યુબથી ખાસ ફાયદો થતો નથી. એ માટે મૅનિક્યૉર અને પેડિક્યૉર બેસ્ટ પહેશે. ત્વચાની નમી જાળવી રાખવા મસાજ જરૂરી છે. હવે તો ઉનાળો શરૂ થઈ ગયો છે. તડકામાં બહાર જવાનું થાય ત્યારે આઇસક્યુબ લગાવીને નીકળવાથી સૂર્યના તાપની ત્વચા પર સીધી અસર નહીં થાય. ઉનાળામાં રાતે સૂતા પહેલાં આઇસક્યુબ ઘસવાથી ત્વચાને ઠંડક પહોંચે છે અને ઊંઘ સારી આવે છે. સ્કિન ટૅનિંગમાં આઇસક્યુબ ઘસવાથી આંશિક ફાયદો થાય છે. આ ઉપરાંત વૅક્સિંગ કરાવ્યા બાદ હાથ-પગની ત્વચા પર ચરચરાટી લાગતી હોય તો આઇસક્યુબ લગાવી શકાય.

સ્કિન ઍલર્જી

ડ્રાય, ઑઇલી, નૉર્મલ એમ દરેક મહિલાની ત્વચાનો પ્રકાર જુદો હોય છે. કેટલીક મહિલાઓની ત્વચાનો પ્રકાર ઋતુ પ્રમાણે બદલાતો રહે છે તો કેટલાક કેસમાં મહિલાઓના ચહેરા પર બે પ્રકારની ત્વચા જોવા મળે છે. હોઠની કિનારી, નાક અને હડપચીની ત્વચા શુષ્ક હોય; જ્યારે બાકીના ભાગની ત્વચા સામાન્ય હોય. ટીનેજ ગર્લ્સમાં વળી પિમ્પલ્સનો પ્રૉબ્લેમ જોવા મળે છે. આઇસક્યુબ પાસે આ તમામ સમસ્યાનો તોડ છે.
ઑઇલી સ્કિનના લીધે તમને વારંવાર પરસેવો વળતો હોય અને ગરમીના લીધે કોઈ બ્યુટી પ્રોડક્ટ્સ ચહેરા પર ટકતી ન હોય ત્યારે આઇસક્યુબ તમારી ત્વચાને સનબર્નથી સુરક્ષિત રાખવામાં સહાય કરે છે. સનબર્નની ઍલર્જી થાય ત્યારે અલોવેરા જેલ, ગુલાબની પાંખડી કે રોઝ વૉટરના મિશ્રણવાળા આઇસક્યુબને કૉટનના કપડામાં બાંધી ચહેરા પર શેક લેતા હો એ રીતે થપથપાવીને વાપરવાથી રાહત થાય છે. એ જ રીતે પફીનેસ અને સ્વેલિંગમાં પણ આઇસક્યુબ ઉપયોગી છે. આંખોની આસપાસ સોજા રહેતા હોય કે ચહેરો ભારે લાગતો હોય તો આઇસક્યુબ લગાવી શકાય. પાણીમાં બે-ત્રણ ટીપાં લીંબુનો રસ, રોઝ વૉટર અને સહેજ ખાંડ નાખી બરફની ટ્રેમાં રેડી દો. ખીલ થતા હોય એવી ગર્લ્સ આ આઇસક્યુબ લગાવે તો બળતરા થતી નથી. લીંબુમાં અનેક ગુણધર્મો રહેલા છે જે તમારી ત્વચાને સુંદરતા બક્ષે છે તો સાથે એમાં ઍસિડ પણ હોય છે જે ત્વચાને હાનિ પહોંચાડે છે. આઇસક્યુબથી ઍસિડની માત્રા ઘટી જાય છે અને ઠંડકના કારણે ચહેરા પર ઍલર્જી થતી નથી.

બ્યુટિશ્યન અને સ્કિન એક્સપર્ટ પલ્લવી સોની કહે છે, 'તાજાં ફ્રૂટ્સનો પલ્પ, ખમણેલાં વેજિટેબલ્સ, પ્લાન્ટ્સ, લેમન જૂસ અને રોઝ વૉટર જેવી જુદી-જુદી વસ્તુના મિશ્રણવાળા આઇસક્યુબ લગાવવાથી ત્વચાને પોષણ મળે છે અને તાજગીનો અહેસાસ થાય છે. આઇસક્યુબમાં સ્કિનને જકડી રાખવાનો ગુણ છે તેથી એને નિયમિત રીતે ચહેરા પર ઘસવાથી સ્કિન ટાઇટ થાય છે. જોકે આઇસક્યુબનો ઉપયોગ દવાની જેમ કરવો જોઈએ. ત્વચાની કુદરતી નમી જાળવી રાખવા મસાજ અને મૉઇશ્ચરાઇઝ ક્રીમનો ઉપયોગ પણ એટલો જ જરૂરી છે.'

આટલું ધ્યાન રાખો

આ સાવ સરળ અને હાથવગી બ્યુટી ટ્રીટમેન્ટ છે તેથી ડેઇલી સ્કિનકૅર રૂટીનમાં આઇસક્યુબનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાન કરે છે. આઇસક્યુબને દવાની જેમ વાપરવા જોઈએ એવી સલાહ આપતાં પલ્લવી કહે છે, ‘ચહેરા પર આઇસક્યુબને પાંચ-સાત મિનિટથી વધુ ન ઘસવો. શરદી-ખાંસી રહેતાં હોય એવી વ્યક્તિએ વારંવાર આઇસક્યુબનો ઉપયોગ ટાળવો. હાથ-પગની ત્વચાને મૉઇશ્ચરાઇઝ્ડ રાખવી અત્યંત જરૂરી છે. એના પર આઇસક્યુબ કરતાં ક્રીમની વધુ સારી અસર થશે.’

columnists Varsha Chitaliya