તમે ક્યારેય સોશ્યલ મીડિયામાંથી એક્ઝિટ લઈ લેવાનું વિચાર્યું છે?

04 March, 2020 05:01 PM IST  |  Mumbai | Darshini Vashi

તમે ક્યારેય સોશ્યલ મીડિયામાંથી એક્ઝિટ લઈ લેવાનું વિચાર્યું છે?

પ્રતિકાત્મક તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સોશ્યલ મીડિયામાંથી એક દિવસનો બ્રેક લેવાનો ઇરાદો જાહેર કર્યો અને અચાનક વર્ચ્યુઅલ વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે વડા પ્રધાનના આ વિચારને મુંબઈના ઘણા લોકોએ તો ક્યારનોય અપનાવી લીધો છે અને સફળતાપૂર્વક સોશ્યલ મીડિયાને જીવનમાંથી તિલાંજલિ આપી દીધી છે.

તારીખ - બીજી માર્ચ.
સમય - રાતના ૮.૫૬.
ઘટના - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘રવિવારે હું સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ છોડવાનું વિચારી રહ્યો છું’ એવી જાહેરાત કરી અને જાણે સોશ્યલ પ્લૅટફૉર્મ પર તહલકો મચી ગયો.
ત્રણ માર્ચની સાંજે સાડાચાર વાગ્યા સુધી તેમના આ એક ટ્વીટને પોણાબે લાખ કરતાં વધુ લોકોએ લાઇક કરેલું. ૫૦ હજારની આસપાસ લોકોએ રીટ્વીટ કરેલું અને લગભગ એકાદ લાખ લોકોએ એના પર કમેન્ટ કરેલી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પાછળનું ધ્યેય જોકે ગઈ કાલે મહિલાદિવસના ખાસ કૅમ્પેનમાં ખબર પડી ગઈ. આપણી રિયલ લાઇફમાં આજે ઑક્સિજન સમાન બની ગયેલા, આપણા કીમતી સમયની કચ્ચરઘાણ વાળતા અને ફિઝિકલ વર્લ્ડથી દૂર રાખતા સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મને ગુડબાય કહેવું ખરેખર શક્ય છે ખરું? હા, શક્ય છે. મુંબઈના કેટલાક લોકો આ કરી ચૂક્યા છે. અમે આજે એવા લોકો આપના માટે શોધી લાવ્યા છીએ જેઓ સોશ્યલ મીડિયાને ગુડબાય કહેવામાં સફળ રહ્યા છે.

સંબંધો જાળવવા સોશ્યલ મીડિયામાંથી એક્ઝિટ લીધી - હરેશ પંચાલ

ઘણાં વર્ષોથી ગુજરાતી થિયેટરની સાથે સંકળાયેલા હરેશ પંચાલ સોશ્યલ મીડિયાથી દૂર થઈને ખૂબ શાંતિ અને નિરાંત અનુભવી રહ્યા છે. તેઓ કહે છે, ‘અમારી થિયેટરની લાઇનમાં કામ કરતા માણસ માટે સોશ્યલ મીડિયાની સાથે છેડો ફાડી નાખવો ઘણું મુશ્કેલ છે તેમ છતાં મારે આ નિર્ણય લેવો પડ્યો હતો. જ્યારે મારાં સોશ્યલ મીડિયા પર અકાઉન્ટ હતાં ત્યારે મને લોકો દરેક ફોટોમાં ટૅગ કરીને મૂકતા અથવા તો તેમના ફોટો અને સ્ટેટસને હું લાઇક કરું એવી આશા રાખતા. અહીં સુધી કે બહાર જાહેરમાં મળે તો પણ સોશ્યલ મીડિયાની વાતો ચાલુ કરી દેતા અને તમે કેમ કોઈ ફોટો મૂકતા નથી કે કોઈ દિવસ લાઇક કે કમેન્ટ કરતા નથી એવું જ પૂછ્યા કરતા હતા. હું એ બધાથી કંટાળી ગયો હતો. હું શું કામ મારી પર્સનલ લાઇફને દુનિયાની સામે ઉઘાડીને મૂકું. જ્યારે અકાઉન્ટ ઓપન કરો તો ઢગલાબંધ મેસેજ સામે આવી જતા, જેમાં દસમાંથી એક જ કામનો હોય બાકી બધા ટાઇમપાસ હોય. આ બધાથી હું ખૂબ કંટાળી ગયો હતો એટલે મેં વધુ વિચાર્યા વિના વૉટ્સઍપ સિવાયના તમામ સોશ્યલ મીડિયા અકાઉન્ટ જ બંધ કરી દીધાં હતાં. અહીં સુધી કે હું વૉટ્સઍપ પણ ખૂબ રૅર વાપરું છું.’

મારું કોઈ પર્સનલ સોશ્યલ અકાઉન્ટ નથી - પૂર્વી શાહ

સાઇકોલૉજિસ્ટ હોવાને લીધે મારાં માત્ર બિઝનેસ અકાઉન્ટ જ સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ છે બાકી મારાં કોઈ પર્સનલ અકાઉન્ટ નથી એમ જણાવતાં સાઇકોલૉજિસ્ટ પૂર્વી શાહ કહે છે, ‘મેં માત્ર બિઝનેસના હેતુને ધ્યાનમાં રાખીને બિઝનેસ અકાઉન્ટ ઓપન કર્યાં છે જેમાં સ્ટ્રિક્ટ્લી મેં મૅન્શન કરેલું છે કે અહીં કોઈ પણ પ્રકારના પર્સનલ મેસેજ કરવા નહીં, માત્ર બિઝનેસ સબંધિત વાતો કરવી જે મારા ફૅમિલી મેમ્બર અને મિત્રો માટે પણ લાગુ પડે છે. એવું નથી કે મેં ભૂતકાળમાં પર્સનલ અકાઉન્ટ નહોતાં ઓપન કર્યાં. મારું અગાઉ સોશ્યલ મીડિયામાં અકાઉન્ટ હતું, પરંતુ એના લીધે મારા કામને ખૂબ અસર થતી હતી. થોડી થોડી વારે મેસેજીસ અને અપડેટ ચેક કરવાની તલપ લાગતી હતી. ઘણી વખત કલાકો નીકળી જતા એ પણ બસ એમ જ. મારે આ બધાંમાંથી બહાર આવવું હતું. મેં ઘણી ટ્રાય કરી સોશ્યલ મીડિયાથી દૂર રહેવાની, પરંતુ સફળ ન રહી અને આખરે એક દિવસ જઈ બધાં અકાઉન્ટ ડિલીટ કરી દીધાં. બસ, ત્યારથી મને ખૂબ જ માનસિક શાંતિ લાગે છે તેમ જ હું મારા બિઝનેસ પર વધારે ધ્યાન પણ આપી શકી.’

મને તો એ ખરેખર ટોટલ વેસ્ટ ઑફ ટાઇમ લાગે છે - કમલેશ નાયક

પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરતા કમલેશભાઈને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવો સહેજે પસંદ નથી. આ બાબતે તેઓ કહે છે, ‘મેં સૌથી પહેલાં ફેસબુક પર અકાઉન્ટ ખોલ્યું હતું. ઘણા સમય સુધી ચલાવ્યું હતું, પરતું ધીરે-ધીરે મને લાગવા લાગ્યું કે અરે યાર, આ શું ચાલે છે બધું. જેને મન ફાવે એમ ઢગલાબંધ ફોટો અપલોડ કર્યે રાખે તો કોઈ જાતિવાદ કે ધર્મવાદને લઈને વિવાદિત નિવેદન પબ્લિશ કરે. આ બધું મને ગૉસિપિંગ લાગવા લાગ્યું અને મેં ફેસબુક વાપરવાનું બંધ કરી નાખ્યું. આ વાતને ઘણાં વર્ષ થઈ ચૂક્યાં છે તેમ છતાં મને ક્યારેય સોશ્યલ મીડિયા છોડવાનો રંજ રહ્યો નથી. હું વૉટ્સઍપ પણ નથી વાપરતો. ઘરના સભ્યોએ જીદ કરીને મોબાઇલમાં વૉટ્સઍપ ડાઉનલોડ કરી આપ્યું છે પણ હું એને ખોલતો જ નથી. બહુ રૅર કેસમાં જ એ ઓપન થાય છે. મેં બધાને ઇન્સ્ટ્રક્શન આપીને રાખેલી છે કે જેને પણ મારો કૉન્ટૅક્ટ કરવો હોય તે ફોન કરે અથવા પર્સનલી મળે અથવા લેટર લખે. વૉટ્સઍપ પર કે સોશ્યલ મીડિયા પરથી હું રિપ્લાય આપું એની આશા રાખતા નહીં.’

ફૅમિલીમાં મારા સિવાય બધા સોશ્યલ મીડિયા પ્રેઝન્સ ધરાવે છે- તલીષા તન્ના

થોડા સમય પૂર્વે જ કમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી મેળવનાર તલીષા તન્ના કહે છે, ‘મારી એજના બધા જ લોકોના મોબાઇલમાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ ઓપન છે. અહીં સુધી કે ફૅમિલીમાં પણ બધાની પાસે છે તેમ છતાં મને ક્યારેય એમાં જવાની ઇચ્છા થઈ નથી. મને ઘણા કહે છે કે આજની લાઇફમાં સોશ્યલ મીડિયા પર પ્રેઝન્ટ રહેવું ખૂબ જરૂરી છે વગેરે-વગેરે. પણ મેં ક્યારેય કોઈની વાતમાં આવીને અકાઉન્ટ ઓપન કરવાનું વિચાર્યું નથી. આજ સુધી મારાં કોઈ કામ અટક્યાં નથી, નથી કોઈ મુશ્કેલી આવી કે નથી કોઈ કામ આવ્યું. તો પછી મારે શું કામ એને મારા મોબાઇલ અને લૅપટૉપમાં જગ્યા આપવી જોઈએ? તેમ જ આ મીડિયા પ્લૅટફૉર્મ તમારી બધી અંગત વાત જાહેર કરી મૂકે છે. તમારા પ્રોફાઇલ અને ફોટો એવા લોકો પાસે જાય છે જેને તમને ઓળખતા પણ નથી. એટલે મને અકાઉન્ટ ખોલવાની કોઈ ઇચ્છા નથી.’

કામમાં ડિસ્ટર્બ બહુ થતું હતું એ આપણને ન ચાલે- વરુણ ફુરિયા ફેમિલી સાથે.

પોતાનો બિઝનેસ ધરાવતા વરુણ ફુરિયાએ કામમાં ખૂબ જ ડિસ્ટર્બન્સ થવાને લીધે ત્રણ-ચાર વર્ષ પહેલાં સોશ્યલ મીડિયા પરથી એક્ઝિટ લઈ લીધી છે. તેઓ કહે છે, ‘સોશ્યલ મીડિયા પર દુનિયાભરનું આવતું હોય છે. તમને કંઈ લાગતુંવળગતું ન હોય તો પણ તમારે એ જોવું જ પડે છે. બીજું એ પણ કે તમારા હાથમાં મોબાઇલ હોય એટલે સ્વાભાવિકપણે તમે એને ઘડી-ઘડી ઓપન કરીને ઍપ ચેક કરી જ લો છો. મારી સાથે પણ આવું જ થતું હતું. હું બિઝનેસ પર્સન છું, સખત બિઝી રહું છું અને જો એમાં મોબાઇલ લઈને બેસી જાઉં તો શું થાય? પછી મન મોટું કરીને સોશ્યલ મીડિયાની ઍપ્લિકેશન જ બંધ કરી દીધી. આજે ત્રણ-ચાર વર્ષ વીતી ગયાં હોવા છતાં મને એનો કોઈ છોછ નથી.

columnists darshini vashi social networking site