ઘઈએ ખલનાયકના રોલ માટે નાના પાટેકરનું નામ હીરો તરીકે નક્કી કર્યું હતું

16 April, 2020 05:46 PM IST  |  Mumbai | Ashu Patel

ઘઈએ ખલનાયકના રોલ માટે નાના પાટેકરનું નામ હીરો તરીકે નક્કી કર્યું હતું

સુભાષ ઘઈ

યસ, સુભાષ ઘઈની ૧૯૯૩ની સુપરહિટ ફિલ્મ ‘ખલનાયક’માં અનિલ કપૂર ખલનાયકનો રોલ કરવા ઇચ્છતો હતો. જોકે સુભાષ ઘઈએ તેને એ રોલ માટે રિજેક્ટ કર્યો હતો. તેમણે તેને કહ્યું હતું કે હું પાત્રના હિસાબે જ ઍક્ટર્સ પસંદ કરું છું અને જે ઍક્ટર પાત્રમાં ફિટ બેસતા હોય તેમને જ હું સાઇન કરું છું. 

લેખકો જ ઍક્ટર બનાવતા હોય છે એવું દૃઢપણે માનતા સુભાષ ઘઈએ અનિલ કપૂરને કહ્યું હતું કે તને આ રોલ સૂટ નહીં કરે.

‘ખલનાયક’ ફિલ્મ માટે સુભાષ ઘઈએ સૌપ્રથમ નાના પાટેકરનું નામ વિચાર્યું હતું અને નાના પાટેકરને તેમણે સ્ટોરી સંભળાવી પણ હતી. એ ફિલ્મ પઈ, રામ કેલકર અને કમલેશ પાન્ડેએ લખી હતી. એ ફિલ્મની સ્ક્રિપ્ટ ડેવલપ થઈ રહી હતી ત્યારે સુભાષ ઘઈને લાગ્યું હતું કે આ ફિલ્મમાં ખલનાયકનું પાત્ર એક ભટકી ગયેલા યુવાનનું હોય એ રીતે ફિલ્મ બનાવવી જોઈએ. 

એ રીતે વિચારવાનું શરૂ કર્યા પછી તેમને લાગ્યું કે નાના પાટેકરની ઉંમર આ પાત્ર માટે મોટી લાગશે એટલે તેમણે યુવાન અભિનેતાનું નામ વિચારવાનું શરૂ કર્યું. એ વખતે તેમને લાગ્યું કે સંજય દત્તને આ રોલ પર્ફેક્ટ સૂટ થશે. એટલે તેમણે સંજય દત્તને સાઇન કર્યો હતો. 

સુભાષ ઘઈએ સંજય દત્તને સાઈન કર્યો એથી નાના પાટેકર નારાજ થઈ ગયા હતા અને એને કારણે સુભાષ ઘઈ અને નાના પાટેકર વચ્ચે અણબનાવ થઈ ગયો હતો. તે બન્નેના સંબંધ ખરાબ થઈ ગયા હતા અને બન્ને મીડિયામાં એકબીજાની વિરુદ્ધ ખૂબ બોલ્યા હતા. નાના પાટેકરે પાછળથી મીડિયાને કહ્યું હતું કે સુભાષ ઘઈ ઇચ્છતા હતા કે હું એ ફિલ્મ મફતમાં કરું અને હું એ ફિલ્મ ફી વિના કરવા માગતો નહોતો. 

મજાની વાત એ હતી કે સાવનકુમાર ટાંકે ‘ખલનાયક’ સામે ‘ખલનાયિકા’ ટાઇટલ લઈને ફિલ્મ બનાવી હતી અને ‘ખલનાયક’ જે દિવસે રિલીઝ થઈ એ જ દિવસે એટલે કે ૬ ઑગસ્ટ, ૧૯૯૩ના દિવસે જ સાવનકુમાર ટાંકે ‘ખલનાયિકા’ ફિલ્મ રિલીઝ કરી હતી. એ ફિલ્મમાં જિતેન્દ્ર, જયા પ્રદા અને અનુ અગ્રવાલ હતાં. જોકે એ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખાસ કશું ઉકાળી શકી નહોતી અને ‘ખલનાયક’ બૉક્સ-ઑફિસ પર છવાઈ ગઈ હતી.

entertainment news bollywood bollywood news columnists ashu patel subhash ghai