શબ્દોની લેવડદેવડ એટલે પ્રસાદનો પડિયો

07 June, 2020 09:31 PM IST  |  Mumbai | Dr Dinkar Joshi

શબ્દોની લેવડદેવડ એટલે પ્રસાદનો પડિયો

પ્રતીકાત્મક તસવીર

ચૂંદડિયાળાં માતાજી તરીકે ગુજરાતમાં સારી પેઠે જાણીતા અને ગુજરાત બહાર પણ સુખ્યાત એવા એક મહાપુરુષ તાજેતરમાં જ કાળધર્મ પામ્યા. એવું કહેવાય છે કે છેલ્લાં ૭૬ વર્ષથી તેમણે ખોરાક કે પાણીનો સ્વીકાર કર્યો નહોતો. વિજ્ઞાન માટે આ અચરજ કહેવાય. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ તેમને દિવસો સુધી પોતાના નિરીક્ષણ હેઠળ રાખીને તપાસ્યા. આ દિવસોમાં ખોરાક-પાણી તો ઠીક, પણ કુદરતી હાજત સુધ્ધાં બંધ અને આમ છતાં કોઈ રોજિંદી પ્રવૃત્તિમાં ક્યાંય તૂટફૂટ નહીં. વાતચીત નિયમિત, વૈચારિક ચર્ચાવિચારણામાં ક્યાંય એક અંશની પણ ખામી નહીં. માતાજી એક ચમત્કાર! વિજ્ઞાન તેમને સમજી શક્યું નહીં. માણસની સમજણ સાવ અધૂરી છે અને માણસ ક્યારેય બધું સમજી શકતો નથી એ મર્યાદાનો સ્વીકાર કર્યા વિના ચાલે એમ નથી.

શરીરની તમામ દેખીતી પ્રવૃત્તિઓ રોકી શકાય, ધારણા પ્રમાણે ચલાવી શકાય, કોઈક પ્રકારની યોગવિદ્યાથી બોલવું-ચાલવું, હરવું-ફરવું, ખાવું-પીવું એ બધાને રોકી શકાય. આ બધી ઇન્દ્રિયગમ્ય પ્રવૃત્તિઓ છે. ઇન્દ્રિયો સાથે સંકળાયેલી પણ દેહ સાથે મુદ્દલ નહીં વળગેલી એવી એક પ્રવૃત્તિ આ ચૂંદડિયાળાં માતાજી વિશે વિચારવા જેવી છે. માણસ શ્વાસ રોકી શકે, વિચારોની આવનજાવન એક ક્ષણાર્ધ પણ મુદ્દલ રોકી શકાય નહીં. માતાજી જ્યારે મૌન પાળતાં હોય ત્યારે પણ વિચારોનો આ સંવાદ શબ્દદેહી જ હોય. આ શબ્દદેહી સંવાદ ક્યારેક તેમણે બીજા સાથે કર્યો હોય. એ જરૂરી નથી કે કોઈ પણ સામાન્ય માણસ સુધ્ધાં પોતાની રોજિંદી સામાન્ય વૈચારિક વાતચીતને ક્યાંક ને ક્યાંક ઠાલવ્યા કરે. કેટલાક વિચારો આવે, ભીતર કોઈક ઊંડાણમાં શબ્દો સાથે સોગઠાબાજી રમી લે અને પછી બહાર જતા રહે. કેટલાક વિચારો બહાર નથી જતા, અંદર રહી જાય છે. અંદર રહી ગયેલા આ વિચારો ફરી કોઈક વાર બહાર આવે છે, પણ એ જરૂરી નથી કે આ વિચારો શાબ્દિક વાઘા સજાવીને કોઈક ને કોઈક પાસે પ્રસાદનો પડિયો બનીને રજૂ થવા જ જોઈએ.

 જો બધા જ વિચારો અંદરના શબ્દોને બદલે બહારના શબ્દો બનીને બહાર શંખનાદ કરવા માંડે, ઝાલર વગાડવા માંડે, ઢોલ પીટવા માંડે તો પછી અંદરના તબક્કે રૂડારૂપાળા સુગંધીદાર લાગતા શબ્દો હવે કેવા કદરૂપા થઈ જશે એનો ઘડીક વિચાર કરો. માતાજીએ તેમના ૯૦ વર્ષના આયુકાળમાં પુષ્કળ વિચારો કર્યા હશે. આ વિચારોની પ્રસાદી તેમણે ભક્તજનોને આપી પણ હશે. કેટલાક ભક્તજનો આ પ્રસાદીને પ્રાપ્ત કર્યા પછી પોતાને માતાજીના પરમ નિકટના ભક્તો પણ માનતા હશે. અહીં આ પ્રશ્ન માન્યતાનો છે. નિકટતા પણ સાપેક્ષ છે. કોઈ એવું કશુંક માનીને સુખની ચાદર ઓઢે તો એમાં કશું ખોટું નથી, પણ પછી સુખની એ ચાદરને રજાઈ માની લે ત્યારે ભારે ગેરસમજ પેદા થાય.

 વીસમી સદીના મધ્યકાળમાં ગાય દ મોપાંસાનું નામ સાહિત્યક્ષેત્રે ખૂબ જાણીતું હતું. ફ્રાન્સના આ સાહિત્યકારે સાહિત્યિક ક્ષેત્રે અનેક નવા ચીલા ચાતર્યા હતા. તેમને સમજનારા કરતાં તેમને નહીં સમજનારાની સંખ્યા ઘણી મોટી હતી, પણ આ નહીં સમજનારાઓ, મોપાંસા સમજાતા નથી એમ કહીને પડતું મૂકવામાં પોતાની હિણપત માનતા. તેઓ વધુ મથામણ કરીને મોપાંસાને સમજવાનો પ્રયત્ન કરતા.

 ઇટલીની એક ઑપેરા ઍક્ટ્રેસે મોપાંસા સાથે લગ્ન કર્યાં. લગભગ ૨૦ વર્ષ આ લગ્નજીવન ખાસ્સું સુખપૂર્વક ચાલ્યું. ૪૫ વર્ષની ઉંમરે મોપાંસા અકાળ અવસાન પામ્યા. મોપાંસાના પ્રકાશકોએ તેમની પત્નીને મોપાંસા વિશે એક પુસ્તક લખવાનું કહ્યું. લગ્નજીવન ખાસ વિવાદાસ્પદ નહોતું, સુખરૂપ હતું. ફ્રાન્સના સમાજજીવનમાં એક સાહિત્યકાર અને એક ઍક્ટ્રેસ વચ્ચેનું લગ્નજીવન ૨૦ વર્ષ સુધી અખંડ રહે એની જ લોકોને નવાઈ હતી. મોપાંસા ગૂઢ અને રહસ્યવાદી મનાતા. તેઓ બહિર્મુખી નહોતા, આંતરમુખી હતા. તેમના વિશેની વાતો બહુ ઓછા લોકો જાણતા. હવે મોપાંસાના અસલ વ્યક્તિત્વને પ્રગટ કરવાનો અવસર હતો અને આ કામ પ્રકાશકોની દૃષ્ટિએ તેની પત્ની જ કરી શકે એમ હતી.

 જોકે મોપાંસાની પત્નીએ આવું પુસ્તક લખવાનો ઇનકાર કરી દીધો. તેણે કહ્યું કે ‘હું મોપાંસા વિશે એટલું જ જાણું છું જેટલું પ્રકાશકો અને બીજા બહારના માણસો જાણે છે. મોપાંસા તેમના મનના ઊંડાણમાં સાવ એકલા હતા. તેઓ સુખી હતા કે દુખી એ પણ હું જાણતી નથી. મને એટલી જ ખબર છે કે તેમની જરૂરિયાતો પૂરી કરવામાં મને સંતોષ થતો અને મારા સંતોષથી તેમને હળવાશ લાગતી. અંદરની કોઈ વાત ક્યારેય તેમણે મન ખોલીને કરી હોય એવું મને લાગતું નથી અને છતાં તેમનું આ ૨૦ વર્ષનું મૌન મને વહાલું લાગે છે.’

 દરેક માણસ પાસે વિચારોનું એક સેફ ડિપોઝિટ વૉલ્ટ હોય છે. મારું વૉલ્ટ જે બૅન્કમાં છે એ બૅન્કના કર્મચારીઓને મારા આ વૉલ્ટનો નંબર, કોડવર્ડ વગેરે માહિતી તો હોય જ, પણ જો આ માહિતીનો તેઓ દુરુપયોગ કરવા ધારે તો કરી શકે નહીં, કેમ કે એ લૉકરની ચાવી મારી પાસે હોય છે. એ જ રીતે માણસના મનનું સેફ ડિપોઝિટ વૉલ્ટ ભલે વાતવાતમાં ખુલ્લું થતું હોય, પણ તેની માસ્ટર-કી તો તેની પાસે જ હોય. કેટલાક માણસો સ્વભાવે વાતોડિયા હોય છે. તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટથી માંડીને અષ્ટાવક્ર ઋષિ સુધીની જાણકારી ધરાવતા હોય એમ વાતો કરે છે. જ્યાં એક શબ્દની જરૂર હોય ત્યાં આખું વાક્ય બોલે છે, જ્યાં એક વાક્યની જરૂર હોય ત્યાં એક પૂરો પૅરાગ્રાફ વાપરે છે અને જ્યાં એક પૅરાગ્રાફ વાપરવા જેવો હોય ત્યાં આખું પૃષ્ઠ વાપરી નાખે છે. આવા માણસો પાસે સેફ ડિપોઝિટ લૉકર જેવાં ખાનાં તો ઘણાં હોય છે, પણ એમાં કશુંય ભરેલું નથી હોતું.

 વ્યવહારમાં ભલે ઘણાંબધાં ખાનાં ખુલ્લાં હોય, અનેક નાનીમોટી કે કામની અને નકામી વાતોથી ભરેલાં પણ હોય, પરંતુ દરેક માણસે એક ખાનું બંધ રાખવું જોઈએ. આ બંધ ખાનું તેનું વ્યક્તિત્વ છે. તેના જીવનનાં કેટલાંક અગત્યનાં પાસાં છે. આ બંધ ખાનું ખોલવા માટે એક ચોક્કસ ગણતરી અને પ્રતિભા હોવાં જોઈએ. વાસ્તવમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી આ બંધ ખાનું એવું ને એવું જ અકબંધ રહે એમાં વ્યક્તિની ચોક્કસ ઓળખ પ્રતિપાદિત થાય છે.

 પતિ-પત્ની વચ્ચે જીવનનાં રહસ્યો એટલે કે ભૂતકાળની વાતો પ્રામાણિકતાપૂર્વક અભિવ્યક્ત થવી જોઈએ એવું આજના મૅરેજ બ્યુરોના મહારથીઓ તથા લગ્નજીવનના સલાહકારો વારંવાર કહેતા હોય છે. એક આદર્શ તરીકે આ વાત સારી છે. પતિ-પત્ની બન્ને વચ્ચે દિલ ફાડીને વાત થાય એ ઇચ્છનીય છે, પણ આમાં બન્ને પક્ષે દિલનું ઊંડાણ કેટલું હોય છે એ બેમાંથી કોઈ જાણતું નથી. આમાં એકેય પક્ષે અપ્રામાણિકતા હોય છે એવું કહેવાનો આશય નથી. તાત્પૂરતી પ્રામાણિકતા હોય છે, પણ આવતી કાલ વિશે આજે કશું કહેવું ભારે અઘરું હોય છે. પતિ-પત્ની પરસ્પરથી કેટલીક વાતો છુપાવીને અપ્રામાણિકતા આચરે એ તો અનિચ્છનીય છે જ, પણ બન્ને વચ્ચે પોતપોતાનું એક ખાનું અકબંધ હોય, આ ખાનામાંથી કશીય લેવડદેવડ થતી ન હોય અને કેટલુંક એવું ને એવું નવુંનક્કોર સચવાયેલું રહે એ તંદુરસ્ત દાંપત્યજીવન, મિત્રભાવ કે પારિવારિક જીવન એ બધા માટે આવશ્યક છે. આ વાત પહેલી નજરે સમજવી અઘરી પડે એવી છે. એને સમજવા માટે ઉપર જેનો ઉલ્લેખ કર્યો છે એ મોપાંસા અને તેમની પત્નીની કક્ષા સુધી પહોંચવું પડે એમ છે. ત્યાં સહેલાઈથી નથી પહોંચાતું. ત્યાં પહોંચવું મુશ્કેલ છે, પણ ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરવા જેવો છે. દરેક વ્યક્તિ આ કામ કદાચ ન કરી શકે, પણ જે કરે છે અથવા જે કરી નથી શકતા તેમણે આ વાત સમજવાની કોશિશ તો કરવા જેવી છે.

 માણસે ક્યાં અને કેટલું બોલવું, ક્યાં અને કેટલું ન બોલવું એ પદાર્થપાઠ શીખવા કે સમજવા માટે મૌનને ગુરુપદે સ્થાપવા જેવું છે. મૌનનું ગુરુપદ જેને સમજાતું નથી તેને આ આખી વાત નહીં સમજાય. શબ્દોની લેવડદેવડ  પ્રસાદના પડિયા તરીકે થવી જોઈએ, ખોબો ભરીને એની લહાણી ન કરાય.

columnists dinkar joshi