હજુ કેટલી એવી ઘટનાઓ જોવી છે જેમાં દેશનું માન અને સન્માન જોખમાતું હોય

23 January, 2021 10:20 AM IST  |  Mumbai | Manoj Joshi

હજુ કેટલી એવી ઘટનાઓ જોવી છે જેમાં દેશનું માન અને સન્માન જોખમાતું હોય

તાંડવનું તાંડવ (ફાઈલ તસવીર)

છેલ્લા ત્રણ દિવસથી ‘તાંડવ’ને કારણે જબરદસ્ત વિવાદ શરૂ થયો છે. આ એવો વિવાદ છે કે મેકર્સથી માંડીને વેબ સીરિઝ સાથે જોડાયેલા સૌ કોઈએ માફી માંગી લીધી એ પછી પણ એ શમતો નથી કે પછી અટકવાનું નામ નથી લેતો. પહેલી વાત તો એ કે આપણાં દેશની સરકારે, દેશના ન્યાયતંત્રએ હજુ કેટલી એવી ઘટનાઓ જોવી છે જેમાં દેશનું માન અને સન્માન જોખમાતું રહે અને દેશની શાંતિ જોખમાઈ? હા, હવે આ વિચારવાનો સમય આવી ગયો છે. ‘તાંડવ’ અગાઉ પણ બાલાજી ટેલિફિલ્મસની એક વેબ સીરિઝ માટે આટલો જ વિવાદ થયો હતો અને મેકર્સે માફી માંગીને એ સીન વેબ સીરિઝમાંથી હટાવી દીધો હતો પણ એમ છતાં અગાઉ જેણે પણ એ વેબ સીરિઝ જોઈ લીધી એના મન પર તો એની છાપ અકબંધ જ રહી હતી તો, અનઓફિશ્યિલી જેણે એ વેબ સીરિઝ ડાઉનલોડ કરી લીધી હતી એ લોકોએ એ વિવાદાસ્પદ સીન પણ કટ કરીને સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો. વિવાદ પછી એ સીન પુષ્કળ જોવાયો અને જેણે નહોતો જોયો કે પછી જે વેબ સીરિઝ સુધી પહોંચ્યું નહોતું એ સૌએ પણ એ સીન જોઈ લીધો.

વાત એક સીનની હોય કે પછી આખી વેબ સીરિઝની, માનસીક ગંદવાડ હવે વધારે ઠલવાઇ નહીં એ જોવાનો સમય આવી ગયો છે. ગંદી ગાળોની ભરમાર વચ્ચે ચાલી રહેતી આ વેબ સીરિઝોને કોઈ એક જગ્યાએ રોકવાનો પણ સમય આવી ગયો છે. બહુ સમજણ રાખી અને વધારે પડતી જ અપેક્ષા મેકર્સ પાસેથી રાખી લીધી. એ પોતાની સમજણ વાપરવા રાજી નથી, પોતાની બૌદ્ધિકતા એમણે વાપરવી નથી અને ઓડિયન્સ પ્રત્યે તેમની કોઈ જવાબદારી હોતી નથી એવું ધારીને એ એકધારું પોતાનું ધાર્યુ કરે છે તો હવે સરકારે પણ પોતાનું ધાર્યુ કરવું જોઈએ અને એના પર કડક પગલાં લેવાનું શરૂ કરવું જોઈએ. જો સરકાર દ્વારા એવા પગલાં નહીં લેવાય તો ખરેખર ભયાવહ પરિણામ આવી શકે છે.

ગુલાબને દરરોજ એસિડ પીવડાવીને મોટું કરવામાં આવે તો એ ગુલાબ તેજાબી બની જાય. એવું જ થશે આપણી યુવા અને ટીનએજ જનરેશન સાથે. આ પેઢીને કોઈ જાતની લક્ષ્મણરેખા કે પછી મર્યાદાની ખબર નહીં પડે. આજે પણ એવું જ થઈ ગયું છે. નવી પેઢી જ્યારે વેબ સીરિઝનું નામ બોલે ત્યારે મનમાં ખરેખર એક જ વિચાર આવે કે ફેમિલી સામે બોલાતી આ વાતોની ગંભીરતા એના ફેમિલીને હશે કે નહીં હોય? પૂછો તો ખબર પણ પડે કે એ લોકો અટકાવતાં નથી. જો આ જ દિશા તમામ બાજુએથી ખૂલતી રહેશે તો સાચે જ આપણું ધનોતપનોત જરા પણ ટાળી નહીં શકાય. ખોટી દિશા, ખોટા સંસ્કાર અને ખોટી રીતભાત આપણે જ થાળીમાં પીરસતાં થઈ ગયા છીએ. અધોગતિ હવે આંખ સામે છે અને એને આંખ સામેથી હટાવવા માટે સૌ કોઈએ કડક થવાની આવશ્કયતા આવી ગઈ છે. તમારે માનવું પડશે, કબૂલ કરવું પડશે અને સ્વીકારવું પડશે કે હવે ઓર્થોડોક્સ થવામાં સાર છે અને એમાં જ સમાજનું હિત છે. ગઈકાલે એક્તા કપૂર હતી, આજે ‘તાંડવ’ છે અને નહીં અટકીએ તો, આવતી કાલે આવી બીજી પાંચ વેબ સીરિઝ મનોરંજનના નામે તમારા મસ્તક પર એના વિચારોની વિકૃતીનો અભિષેક કરશે. નક્કી તમારે કરવાનું છે.

columnists manoj joshi