કૅરમ, લુડો અને પપ્પાનો ખોળો: ફરી કોરોના આવે ત્યાં સુધી રાહ નથી જોવાની

03 January, 2021 06:04 PM IST  |  Mumbai | Bhavya Gandhi

કૅરમ, લુડો અને પપ્પાનો ખોળો: ફરી કોરોના આવે ત્યાં સુધી રાહ નથી જોવાની

પ્રતીકાત્મક તસવીર

હું હમણાં મારાં એક અંકલ-આન્ટીના ઘરે ગયો. ઘણા વખતે ગયો હતો એટલે વધારે રોકાવાનું બન્યું અને જ્યાં તમે ટાઇમ કરતાં વધારે રોકાતા હો છો એ જગ્યાએ ફાલતુ વાતો પણ પુષ્કળ થાય. અમારી વચ્ચે પણ એવું જ બન્યું. વાતોનો કોઈ ટૉપિક નહોતો એટલે અંકલ-આન્ટીએ સામેથી જ તેમના દીકરાની વાત શરૂ કરી. દીકરો એજમાં મારાથી ખાસ્સો નાનો, સિક્સ્થમાં ભણે. આન્ટી તે સાંભળે એવી જ રીતે મને કહેવા લાગ્યાં કે કોવિડમાંથી બહાર આવીએ એટલે અમે તો આને હૉસ્ટેલમાં જ ટ્રાન્સફર કરી દેવાનાં છીએ, હૉસ્ટેલમાં રહે ને ત્યાં જ ભણે. વેકેશનમાં તેણે ઘરે આવવાનું.

તેમના દીકરાની હાજરીમાં જ પેલો હૉસ્ટેલના નામથી ખૂબ ડરે. તે રીતસર રડવા માંડ્યો એટલે મારાં આન્ટીએ તેની પાસે કામ કરાવવાનું શરૂ કર્યું, ‘પેલો નૅપ્કિન હૅન્ગરમાં મૂકી દે. તારી ગેમ ભરી લે, ટીવીનું રિમોટ એની જગ્યાએ મૂકી દે. હોમવર્ક કરવા બેસી જા’ અને એવાં બીજાં કેટલાંય એવાં કામ જે કામ પેલા છોકરાને રિલેટેડ જ હતાં. મને નવાઈ લાગી કે આવી બીક દેખાડવાની થોડી હોય. મેં કહ્યું પણ ખરું તો મને કહે કે આ બીક નથી, પણ અમે સિરિયસલી વિચારીએ છીએ કે દીકરાને હૉસ્ટેલમાં મૂકી દઈએ.

આવો વિચાર શું કામ એ લોકોના મનમાં આવતો હતો એ પણ મેં તેમને પૂછ્યું તો મને કહે કે એ જરા પણ રિસ્પૉન્સિબલ નથી. કોઈ કામ પોતે કરતો નથી, આખો દિવસ મસ્તી-મસ્તી જ ચાલ્યા કરે છે. પોતે તો અટવાયેલો રહે છે, પણ અમને પણ રોકી રાખે છે. આ બધા વચ્ચે અમે પણ ખૂબ ડિસ્ટર્બ થઈએ છીએ. અંકલ કહે, ડિસિપ્લિન જેવું હોવું જોઈએ. અમારા વખતે તો આમ હતું અને અમારા વખતે તેમ હતું. અમારી વખતે તો અમે આટલા ડાહ્યા હતા અને અમારી વખતે તો અમે અમારા પેરેન્ટ્સનું આટલું માનતા. હું એ બધું સાંભળતો બેસી રહ્યો, પણ મારા મનમાં એક જ વિચાર આવ્યા કરતો હતો કે આ અંકલ-આન્ટી કરવા શું માગે છે અને શું કામ પોતાની પ્રતિકૃતિ હોય એ જ પ્રકારે પોતાના દીકરાને તૈયાર કરવા માગે છે. એક તો એકનો એક દીકરો છે અને એ પછી પણ તેની પાસેથી ડિસિપ્લિનમાં રહેવાની ડિમાન્ડ કરે છે. કોઈ મને કહેશે ખરું કે ડિસિપ્લિન એટલે શું અને ડિસિપ્લિન ક્યાં હોવી જોઈએે અને ક્યારે હોવી જોઈએ?

આપણી ડિસિપ્લિનની વ્યાખ્યા હવે ઘીસીપીટી થઈ ગઈ છે. આપણે એમાં સુધારો કરવાની જરૂર છે. ઘરમાં શૂઝ પહેરીને ન આવવું જોઈએ. આ ડિસિપ્લિન નથી. આ સિવિક સેન્સ છે અને એવું હોવું જોઈએ, પણ ધારો કે એવું તમારો દીકરો ન કરે તો કંઈ આસમાન તૂટી નથી જવાનું. ડિસિપ્લિન એટલે જાતે નૅપ્કિન એના સ્ટૅન્ડમાં મૂકવું એવું નથી અને ડિસિપ્લિન એટલે ઘરે કોઈ ગેસ્ટ આવે ત્યારે તેની સામે શોકેસના પૂતળાની જેમ બિહેવ કરવું એવું પણ નથી. હું તો કહીશ કે ડિસિપ્લિન આપોઆપ આવે અને એ માટેનું વાતાવરણ પેરન્ટ્સે તૈયાર કરવું પડે. જો એ વાતાવરણ તૈયાર કર્યા વિના જે રીતે એબીસીડી કે પછી ગુજરાતીનો કક્કો શીખવવામાં આવે એ રીતે ડિસિપ્લિન શીખવવામાં આવે તો એ શીખી ન શકાય, એની ગોખણપટ્ટી થઈ જાય અને જો એવી ગોખણપટ્ટીથી તમારું બચ્ચું મોટું થશે તો એ બ્યુટિફુલ ફૂલ નહીં બને, પણ આર્ટિફિશ્યલ ફૂલ બનશે. એમાં કોઈ સુગંધ નહીં હોય, પણ સુગંધ માટે તમારે દરરોજ એના પર પરફ્યુમ છાંટવું પડશે, પણ જો એવું નહીં કરો તો તેનો સાચી રીતે અને નૅચરલ-વેથી ગ્રોથ થશે અને હું કહું છું પ્લીઝ એને એ જ રીતે થવા દો. સોસાયટીના નામે, સમાજની શરમે શું કામ તમારે બધું એવું જ કરાવવું છે, જે પાડોશીનાં કે પછી માસી કે મામાનાં દીકરા-દીકરીઓ કરતાં આવ્યાં છે. સ્વીકારો કે તમારો દીકરો ડિફરન્ટ હોઈ શકે છે. આજે તમે બહાર જઈને જુઓ, તમને દેખાશે કે ડિફરન્ટ હોય તેની જ બોલબાલા છે. બાકી બધાને બીબાઢાળ ગણીને અવગણી દેવામાં આવે છે. તમે જેને સબનૉર્મલ ગણો છો એ આજના સમયમાં ઍબનૉર્મલ છે અને અત્યારે જમાનો ઍબનૉર્મલ, અસામાન્યનો છે. હું કહેવા માગું છું કે બની શકે કે તમારો દીકરો કદાચ માર્ક સારા ન લાવતો હોય પણ દરેક વખતે મૂલ્યાંકન માર્કથી કરવાની જરૂર નથી. આપણે ત્યાં આ માર્કનું જે બેરોમીટર બન્યું છે એ પણ મને બહુ ખૂંચે છે.

‘તારે ઝમીં પર’માં આમિર ખાને પણ આ જ વાત કહી હતી, પણ મને લાગે છે કે આપણા બધાની મેમરી બહુ શૉર્ટ થઈ ગઈ છે. એ ફિલ્મ આવી ત્યારે બધા પેરન્ટ્સ થોડા સમય માટે સુધરી ગયા હતા અને પોતાનાં બાળકોને સારી રીતે અને સાચી રીતે સાચવતાં થયાં, પણ કેટલો સમય, તો કહે, બેચાર દિવસ કે પછી વધારેમાં વધારે બેચાર વીક. હવે તો એ ફિલ્મ રિલીઝ થયાને વર્ષો વીતી ગયાં. મને થાય છે કે આમિર ખાને આવી ફિલ્મ દર વર્ષે બનાવવી જોઈએ જેથી પેરન્ટ્સ પર હૅમરિંગ ચાલુ રહે અને એ લોકો પોતાનાં બાળકો પર આ પ્રકારનું ટૉર્ચરિંગ બંધ કરે.

* * *

આજે સન્ડે છે અને આ સન્ડેની ખાસ વાત એ છે કે એ ૨૦૨૧નો પહેલો સન્ડે છે. આપણે ૨૦૨૦ કેવી રીતે પસાર કર્યું એ બધા જાણે છે. ઑલમોસ્ટ વર્ષનો મોટો પાર્ટ આપણે ઘરમાં રહ્યા અને એ સમયમાં આપણે કશું જ કર્યું નથી. દેખીતી રીતે આપણે કશું કર્યું નથી, પણ એમ છતાં આપણે ઘણું કર્યું હતું અને એ બધાની અસર પણ આવતા સમયમાં આપણને દેખાવાની જ છે. જુઓ તમે, આપણે ફિલ્મો વિના રહેતાં શીખી ગયા અને આપણે બહારનું ફૂડ ખાવાનું પણ ભૂલી ગયા. આપણે હલદી સાથે દૂધ પીતા થઈ ગયા અને આપણને ડેથની ઇન્ટેન્સિટી ખબર પડી ગઈ. આપણે ઘરેથી કામ કરતા પણ થયા અને આપણે શોવર લીધા વિના પણ સીધા કામ પર લાગી જતા થયા. સન્ડે ન હોય તો પણ આરામથી દિવસ પસાર થઈ જાય એ વાત પણ આપણને ૨૦૨૦ના વર્ષે સમજાવી દીધી તો એ વાત પણ ૨૦૨૦એ જ સમજાવી કે ફૅમિલી ઇમ્પોર્ટન્ટ છે. મારા જેવા ઘણા યંગસ્ટર્સ હશે જે ૧૦-૧૨ વર્ષે ફૅમિલી સાથે આવી રીતે મહિનાઓ સુધી રહ્યા હશે. આખો દિવસ ફ્રેન્ડ્સ અને ગર્લફ્રેન્ડ વચ્ચે ફર્યા કરનારા અમારા જેવા યંગસ્ટર્સ માટે ૨૦૨૦ ખરેખર બહુ મોટું લેશન લઈને આવ્યું હતું અને આ વર્ષ પણ એવું જ લેશન લઈને આવશે. આ વર્ષે વૅક્સિન સાથે સૌકોઈએ હવે નવી દુનિયા જોવાની છે.

નવા વર્ષને હજી માંડ ૭૨ કલાક થયા છે ત્યારે એક વાત તમને સૌને કહેવી છે. કોઈ રેઝોલ્યુશન નહીં લો તો ચાલશે, બસ, એક વાત મનમાં નક્કી રાખજો કે સેલ્ફ-લૉકડાઉન લઈ આવવું છે. ફૅમિલી સાથે રહેવું છે અને ફૅમિલી સાથે રહીને જે પ્રૅક્ટિકલ ડિસ્ટન્સ આવ્યું છે એ દૂર કરવું છે. ૨૦૨૧ જરા પણ ૨૦૨૦ જેવું નહીં હોય. હવે ટ્રેન દોડશે, સ્કૂલો શરૂ થશે. મલ્ટિપ્લેક્સમાં નવી ફિલ્મો આવશે અને ઑડિટોરિયમમાં નવાં નાટકો પણ આવશે. ધીમે-ધીમે બધું શરૂ થઈ રહ્યું છે, પણ એ શરૂઆત વચ્ચે આપણે ફરીથી ગુમ થવાનું નથી. ફૅમિલી સાથે જે ઇન્ટિમસી ડેવલપ થઈ છે એને કન્ટિન્યુ કરવાની છે અને જે નકામા લોકો છે, જેની પાછળ આપણે ભાગતા હતા તેમને હવે કાયમ માટે દૂર કરવાના છે. બધું નૉર્મલ થશે એટલે વર્ષ ફરીથી અગાઉ હતું એવું જ બની જાય એ નહીં ચાલે.

એ જ દિવસ, એ જ સન, એ જ દોડધામ, એ જ લોકલ ટ્રેન, એ જ ટ્રાફિક અને એ જ લાઇફ અને એ જ દોડધામ. ના, ૨૦૨૧નો ચાર્મ જુદો હશે. આ ચાર્મ એ મૅજિક છે અને મૅજિક દરેકની લાઇફમાં બહુ જરૂરી છે. નવું વર્ષ તમારા સૌ માટે ખૂબ જ લાભદાયી હોય એવી શુભેચ્છાની સાથોસાથ હું કહીશ કે એકવીસમી સદી હવે જ્યારે એકવીસ વર્ષની થઈ રહી છે ત્યારે તમારી લાઇફમાં પણ એવું મૅજિક આવે જે મૅજિક તમને અને તમારી ફૅમિલીને સુખરૂપ જીવવાનો ચાર્મ આપે અને એ ચાર્મની સાથે તમે આ વર્ષ પાસેથી ઉત્તમ કામ લો એવી શુભેચ્છા. આ વર્ષે કોઈ રેઝોલ્યુશન લેવાની જરૂર નથી, પણ એટલું નક્કી કરજો કે ખુશી સાથે રહેવું છે અને સૌની વચ્ચે એ હૅપિનેસ સ્પ્રેડ કરવી છે જે લૉકડાઉન દરમ્યાન કરતા હતા. લુડો પણ રમાશે અને માળિયે ચડી ગયેલું કૅરમબોર્ડ કાઢીને રમાશે. કિચનમાં જઈને મમ્મીને હેલ્પ પણ થશે અને પપ્પાના ખોળામાં માથું રાખીને ટીવી પણ જોવાશે. એ બધા માટે નવેસરથી કોરોના જેવી મહામારી આવે એની રાહ જોવાની હવે જરૂર નથી.

વિશ યુ વેરી હૅપી ૨૦૨૧.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Bhavya Gandhi