એકલા રહેવાની ગંભીરતા નહીં આવે ત્યાં સુધી કોરોનાના ડરથી બહાર નહીં આવશો

27 March, 2020 05:28 PM IST  |  Mumbai | Manoj Joshi

એકલા રહેવાની ગંભીરતા નહીં આવે ત્યાં સુધી કોરોનાના ડરથી બહાર નહીં આવશો

પ્રતીકાત્મક તસવીર

કોરોનાને કારણે જે લૉકડાઉન છે એનો સરળ અર્થ સમજવો પડશે. જો એ સમજવાને તમે સમર્થતા જ્યાં સુધી નહીં કેળવો ત્યાં સુધી કોરોના આ દેશમાંથી જશે નહીં. એકલા રહેવાનું છે, લૉકડાઉન. તમે તમારા પૂરતા સીમિત રહો, તમારા સુધી સીમિત રહો. માન્યું, કબૂલ કે તમને કોઈ તકલીફ નથી, પણ એનો અર્થ એવો પણ નથી કે તમારી સામેની વ્યક્તિમાં પણ કોઈ તકલીફ નથી. જો એ તકલીફ તમારામાં અને તમારા થકી તમારા પરિવારમાં દાખલ થઈ તો તમે ક્યારેય તમારી જાતને માફ નહીં કરી શકો, ક્યારેય નહીં. આ એકલા રહેવાનો તબક્કો છે અને એકલા જ રહેવાનું છે તમારે. પાડોશી પણ ન જોઈએ આમાં અને યાર-દોસ્ત પણ ન જોઈએ તમને કોઈ. બિલકુલ એકલા રહેવાનું છે. બે હો તો ત્રણ નથી થવાનું અને ત્રણ હો તો તમારે ચારના આંક પર નથી પહોંચવાનું.

સોશ્યલ ડિસ્ટન્સને સાચા અર્થમાં પાળવાનું છે અને જો મળવાનું બને તો પણ એક મીટર જેટલું અંતર જાળવી રાખવાનું છે. ગઈ કાલે વડા પ્રધાનના ઘરે એક મીટિંગ થઈ એમાં પણ બધાની ચૅર એકબીજાથી ઑલમોસ્ટ ત્રણ ફુટ દૂર રાખવામાં આવી હતી. વાજબી વર્તન અને સહજ વર્તન જ તમને બચાવવાનું કામ કરી શકશે. બાકી માત્ર સારવાર મળશે, હેરાનગતિ સહન કરવાની રહેશે અને ઘરનાઓએ આ પીડા જોવાની રહેશે. જો તમને ખબર ન હોય તો જણાવી દઉં કે કોરોનાગ્રસ્ત પેશન્ટ પાસે તેના પરિવારના કોઈ સભ્યોને રાખવામાં આવતા નથી. સાથે રાખવાની વાત તો દૂર રહી, તેના પરિવારને પણ બાનમાં લેવામાં આવે છે અને એ લોકોને પણ આઇસોલેટ કરીને દૂર લઈ જવામાં આવે છે.

જીવનની અંતિમ ક્ષણોમાં મળવા પણ દેવાતું નથી અને મોઢું જોવા માટે બહુ કરગરો તો તમને વિડિયો-કૉલથી વાત કરાવવાનો પ્રયાસ થાય છે. પેશન્ટ તો એમાં વાત પણ નથી કરી શકતો. તે ફક્ત જોઈ શકે છે. બસ, વાત પૂરી. એટલે જ કહું છું કે કોરોનાને ગંભીરતાથી લેવાનું રાખો.

અત્યારે લૉકડાઉન છે, પણ જો આ જ અવસ્થા ચાલુ રહી, ગંભીરતાથી લૉકડાઉનને લેવામાં ન આવ્યો તો યાદ રાખજો કે કરફ્યુ દૂર નથી જ નથી અને કરફ્યુ આવશે ત્યારે જોવા જેવી અવદશા ઊભી થશે અને એ બધું સહન કરવાની તૈયારી રાખવી પડશે. આજે મળેલી છૂટનો લાભ લો, ગેરલાભ નહીં. આજે મળેલી છૂટનો આભાર માનો અને એની મર્યાદા સમજો. જે સમયે કરફ્યુ હશે એ સમયે તમને ખબર પણ નહીં પડે કે હવે બારીમાંથી પણ બહાર નજર કેમ કરવી? દિવસો સરળ નથી, એને સરળ તમારે બનાવવાના છે અને એ સરળ બનાવવાની રીત તમારે સમજવાની અને શીખવાની છે. સરળતા શીખવા માટે છૂટછાટ ન લેવાની હોય. આઝાદીને સ્વચ્છંદતામાં ન ફેરવવાની હોય. બહેતર છે. સમજી-વિચારીને લૉકડાઉનનો લાભ લો અને ઘરમાં પડ્યા રહો. એ જ તમારા હિતમાં છે.

columnists manoj joshi