૨૧/૯૧

03 October, 2020 07:32 PM IST  |  Mumbai | Sanjay Raval

૨૧/૯૧

પ્રતીકાત્મક તસવીર

જે કરો, બેસ્ટ કરો.

કંઈ નવી વાત નથી આ, આ તો બધા કહેતા જ હોય છે અને કહ્યા જ કરવાના છે, જે કરો એ બેસ્ટ કરો. કોઈ પણ જાતની ભૂલ ન થાય એ રીતે કરો અને તમે જે કરો એ સાચું હોય. ભલા માણસ, આ શક્ય જ નથી. યાદ રાખજો કે જો તમે ભૂલ ન કરો તો ક્યારેય બેસ્ટ કામ થાય જ નહીં અને બીજી વાત, તમે જે કરો એ હમેશાં સાચું અને સારું જ હોય એ પણ શક્ય નથી અને એ પછી પણ જે કરો એ બેસ્ટ કરો. કઈ રીતે શક્ય છે આ?

સાચી રીતે જો આ વાતને સમજવામાં આવે તો ખરેખર આપણી જે વિચારસરણી છે એ સારી રીતે અને સાચા અર્થમાં બદલાઈ જાય, પણ એ પહેલાં આપણે સમજવું જોઈએ કે બેસ્ટ કરવું એટલે શું અને કામ બેસ્ટ કરવું કઈ રીતે? કોઈ કહેશે મને કે બેસ્ટ કરો એટલે શું, પ્રેમ બેસ્ટ કરવો કે પછી વાતો બેસ્ટ કરવી કે મહેનત બેસ્ટ કરવી?

શું છે આ બેસ્ટ અને કેવી રીતે થાય છે આ બેસ્ટ ફળીભૂત?

મિત્રો, તમે જ્યારે સવારે જાગો ત્યારે પહેલાં શું કરો છો? બ્રશ. બહુ સીધો અને સામાન્ય જવાબ છે આ. બ્રશ કર્યા પછી શું કરો તમે, બ્રશ કરીને એ બ્રશ ક્યાં મૂકો છો, શું કામ મૂકો છો અને રોજ એ જ જગ્યાએ શશ માટે મૂકો છો? જવાબ છે ના. એ બ્રશ ક્યાંય પણ મુકાય છે અને કોઈ પણ રીતે મુકાય છે. જે બ્રશને રોજ સવારે તમારે ઉપયોગમાં લેવાનું છે એ બ્રશ તમે એક જ જગ્યાએ સાચવીને નથી રાખતા. આદત બદલવાની જરૂર છે અને આ ખોટી રીતે પડી ગયેલી નાની આદતો જ તમને બેસ્ટ બનતાં અટકાવે છે. તમારા કામની અને તમારા ઉપયોગમાં આવતી દરેક વસ્તુને સારામાં સારી રીતે ગોઠવો અને એને આદત બનાવો. ૨૧/૯૧. અંગ્રેજીમાં આટલું લખાયેલું હોય તો અમેરિકન અને કૅનેડિયન એને તરત જ સમજી જાય. ૨૧ દિવસ એકધારું કામ કરવામાં આવે તો એ આદત બની જાય અને એ જ આદતને ૯૧ દિવસ કરવામાં આવે તો એ લાઇફ-સ્ટાઇલ બની જાય. નાની-નાની આ આદતો માટે ૨૧/૯૧નો નિયમ બનાવી લો અને એ જ નિયમનું પાલન કરો. જોજો, તમને ખરેખર ખબર પડશે કે બેસ્ટ કરવાની મજા જ કંઈક જુદી હોય છે. નક્કી રાખો કે તમારી બૅગમાં એક પણ ફાઇલ અવ્યવસ્થિત ન હોવી જોઈએ. તમારી બૅકપૅકમાં બધું જ વાજબી રીતે ગોઠવાયેલું હોવું જોઈએ અને યોગ્ય જગ્યાએ જ વસ્તુ હોવી જોઈએ. તમારા કમ્પ્યુટરમાં તમને જે ડૉક્યુમેન્ટની જરૂર છે એ શોધવા જવું પડે તો એ ખોટું અને ખરાબ છે. તમારી ઈ-મેઇલ મોકલવાની સ્ટાઇલ પણ ગંધારી અને ગોબરી હોય તો એ પણ ખરાબ છે. સબ્જેક્ટ વિનાની ઈ-મેઇલ મોકલનાર માણસ સરનામા વિના ગોથાં ખાતી પતંગ જેવો હોય છે. મને કોઈનો મેસેજ આવે તો હું એના પરથી જ નક્કી કરી લઉં કે એ માણસમાં પર્ફેક્શનનો આગ્રહ કેવો છે. ખોટા કે પછી ટૂંકાક્ષરી શબ્દો ટાઇપ કરવાની આદત તમને બેસ્ટ બનતાં અટકાવે છે. તમારા ટેબલ પર પડેલો એકેએક કાગળ તમારી પર્સનાલિટીનું પ્રતિનિધિત્વ કરે છે એ ભુલાવું ન જોઈએ.

ગમે એ થઈ જાય તો પણ કચરો ડસ્ટબીનમાં જ નાખવો એ નિયમ હોવો જોઈએ અને કંઈ પણ થઈ જાય, કપડાં વ્યવસ્થિત જ હોવાં જોઈએ. શરીરમાંથી આછીસરખી મહેક આવવી જ જોઈએ અને લઘરવઘર ઘરની બહાર નથી જવું એ નિયમ પણ હોવો જોઈએ. આજે મોટા ભાગના લોકોને એ ખબર નથી હોતી કે તેના શ્વાસમાંથી બદબૂ આવે છે કે નહીં. આની પણ તકેદારી રાખવી એ આપણી ફરજ છે. કોઈ શરમના માર્યા આપણને આ વાતની જાણ ન કરે, પણ એનો અર્થ એવો નથી કે આપણે આ બાબતમાં સંભાળ ન રાખીએ. બેસ્ટ બનવા માટે બધું બેસ્ટ રીતે કરતા જવું પડે. જો નાનામાં નાના નિયમો બનાવીને એને બેસ્ટ રીતે પૂરા કરશો તો જ બેસ્ટની આદત પડશે અને જો બેસ્ટની આદત પડશે તો જ બેસ્ટ બની શકો. યાદ રાખજો કે આ બધાં કામો વ્યવસ્થિત થવા માંડશે એટલે તમારી બેસ્ટ બનવાની શરૂઆત થઈ ગઈ સમજો. તમને સવાલ થાય પણ ખરો કે આવાં નાનાં અને ફાલતુ કામમાં શું કામ બેસ્ટ બનવાનું અને એ કામ શું કામ બેસ્ટ રીતે કરવાનાં? મોટાં અને મહત્ત્વનાં કામ હોય એ જ બેસ્ટ રીતે કરવાનાં હોય.

નાના-નાના કામમાં બેસ્ટ કરવું છે? જે મોટાં કામ છે એ તો બેસ્ટ કરી જ લઈશું. ઑફિસના કામમાં બેસ્ટ કરી લઈશું અને કરી જ લેવાનાં છે તો પછી શું કામ ઑફિસના ટેબલની ચિંતા કરવાની? પ્રોફેશનલ કમિટમેન્ટ બેસ્ટ રીતે પૂરી કરી લઈશું તો પછી શું કામ ઑફિસે લઈ જતા બૅકપૅકને વગરકારણે દરરોજ ગોઠવવાની અને દરરોજ એની પાછળ હેરાન થવાનું, સમય બગાડવાનો. શું કામ?

જો આ પ્રકારના વિચાર આવી જતા હોય તો યાદ રાખજો કે બેસ્ટને લાઇફ-સ્ટાઇલ નહીં બનાવો તો બેસ્ટ કામ આપવાની માનસિકતા નહીં બને અને જો બેસ્ટ ડિલિવરી કરવાની માનસિકતા નહીં બને તો તમે ક્યારેય બેસ્ટ નહીં બનો. તમને એમ હોય કે આવી વાહિયાત રીતે જીવ્યા પછી પણ તમે બેસ્ટ કામ કરી જ રહ્યા છો અને તમને ઑફિસમાં ‘સ્ટાર ઑફ ધ મન્થ’નો ખિતાબ મળી જ જાય છે તો યાદ રહે કે તમે ‘ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન’ની કહેવત સાથે જોડાયેલા છો. તમારી આજુબાજુમાં નબળા લોકો છે એટલે નાછૂટકે સ્ટારિઝમની પ્રથામાં તમારું નામ આગળ થઈ જાય છે, પણ તમે બેસ્ટ નથી જ નથી.

જે કામ તમે કરો એ જો બેસ્ટ રીતે ન કરો અને પછી મનમાં રાખો કે મહત્ત્વના અને અગત્યના કામને બેસ્ટ રીતે પૂરું કરીશ તો એ ક્યારેય થશે જ નહીં. નાની વાતમાં તકેદારી ન રાખવાની આદત મોટાં કામ બેસ્ટ રીતે નહીં થવા દે અને ‘ચાલે છે’ કે પછી ‘ચાલી જશે’ એવી આદત બીજાં કામોમાં પણ ઘર કરી જશે. મહાન માણસોનાં જીવન જુઓ તમે. હું હંમેશાં કહેતો હોઉં છું કે બેસ્ટ મોટિવેશન મોટિવેશનલ સેમિનારમાંથી નહીં, પણ સંઘર્ષ કરનારાઓની બાયોગ્રાફીમાંથી મળે. તમારે કોઈ ફિલોસૉફી ફૉલો કરવાની જરૂર નહીં રહે, કારણ કે બાયોગ્રાફી દ્વારા તમે સાચી રીતે જીવી ગયેલી અને જીતી ગયેલી વ્યક્તિને સારી રીતે ઓળખી શકો છો અને તેના જીવનનાં સારામાં સારાં પાસાંને જીવનમાં ઉતારી શકો છો. ગાંધીજી, નેપોલિયન, આલ્ફ્રેડ હિચકૉક, મિલ્ખા સિંહ કે પછી હિટલર એ બધા જે કામ કરતા હતા એ બેસ્ટ રીતે કરતા હતા અને જો તેમનું જીવન જોવામાં આવે તો એ વાત ચોક્કસપણે સમજાઈ જાય એવી છે. ગાંધીજી જીવ્યા ત્યાં સુધી ખોટું બોલ્યા નહીં એનું કારણ હતું કે તેમણે એ નિયમને પોતાની લાઇફ-સ્ટાઇલ બનાવી લીધો હતો. તમે જો બેસ્ટ બનવા માગતા હો તો તમારો નિયમ હોવો જોઈએ, તમારી આદત હોવી જોઈએ. જે કરીશ એ બેસ્ટ જ કરીશ. કોઈને પ્રેમ કરીશ તો પણ બેસ્ટ કરીશ અને કોઈની સાથે નફરત થશે તો એ પણ બેસ્ટ જ રહેશે. ક્યારેય કોઈ સાથે જો મારામારી કરવાનો વારો આવે તો એ પણ બેસ્ટ જ કરજો, જાત રેડી દેજો એ કામમાં પણ. તમારી જાત રેડી દીધી હશે એટલે આપોઆપ એ કામ તમારી આદત મુજબ બેસ્ટ જ થવાનું.

મોટા ભાગના લોકો વિચારતા હોય છે, પણ કરતા ક્યારેય નથી. કાલ, મોટા ભાગના એવું કહેશે છે કે કાલથી કરીશ, બહુ બધી કાલ નીકળી જાય પછી તે એક તારીખ નક્કી કરશે અને કહેશે કે હવે આ દિવસથી બધું પર્ફેક્ટ કરીશ. રોજ વહેલો જાગીશ, જિમ કરીશ, એકદમ ફ્રેશ થઈને, એકદમ વ્યવસ્થિત થઈને ઑફિસ જઈશ. બસ પત્યું. આ પ્રોગ્રામ સપનામાં જ રહી જવાનો છે. યાદ રાખજો કે સપનામાં જીવનારો ક્યારેય કોઈ બેસ્ટ આપી નથી શકતો અને સપનામાંથી જાગી જનારો પોતાનું બધું કામ બેસ્ટ રીતે જ કરતો હોય છે. સવારે ૬ વાગ્યે ક્લાસમાં જવા માટે તે પાંચ વાગ્યે જાગે છે અને નાહીધોઈને એકદમ ફ્રેશ થઈને જ રવાના થાય છે. ૬ વાગ્યાના ક્લાસ માટે તે પોણાછ વાગ્યે જાગવાનું કામ નથી કરતો અને એટલે જ તે ક્લાસમાં કંઈ બેસ્ટ આપી નથી શકતો કે પછી બેસ્ટ મેળવી નથી શકતો.

બી ધ બેસ્ટ, પણ એને માટે બધું બેસ્ટ કરવાનું પહેલાં શીખો.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Sanjay Raval