વાત કહેવાનો હતો

05 December, 2021 07:30 AM IST  |  Mumbai | Hiten Anandpara

ક્યારેક કહેવા માટે સ્પેસ નથી મળતી તો ક્યારેક તક નથી મળતી તો ક્યારેક અવગણના હારતોરા કરતી રહે

પ્રતીકાત્મક તસવીર

દરેક જણને ઘણુંબધું કહેવું હોય છે. કેટલુંક કહેવાય છે અને બાકીનું હૈયાના કોઈ ખૂણે મીંદડીની જેમ ધરબાઈ રહે. ક્યારેક કહેવા માટે સ્પેસ નથી મળતી તો ક્યારેક તક નથી મળતી તો ક્યારેક અવગણના હારતોરા કરતી રહે. આવા સમયે હોઠ પર આવેલા શબ્દો સમસમીને કે કમકમીને બેસી રહેવા મજબૂર થાય. આદિલ મન્સૂરીના શેરથી મહેફિલમાં આપણે પણ કંઈક કહીએ...

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં
રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

છાપામાં પહેલું પાનું વાંચીને રોજ હૈયાવરાળ જમા થતી જાય. નીંદામણ થઈ ગયેલું કિસાન આંદોલન હોય કે નેતાઓનો બફાટ હોય, સવારની ચામાં ન ઇચ્છો તોય કારેલું ભળી જ જાય. વિરોધ અને અવરોધ વચ્ચેની પાતળી ભેદરેખા ભૂંસાતી ચાલી છે. નિસબતભરી આવી વાત કહેવાનું મન થાય તો શક્ય છે અદિ મિરઝાં આપણા ગાલ પર આ શેર રસીદ કરે...

સમયની આંધીઓ એને ઝુકાવે તો મને કહેજે
કદી પણ સાચને જો આંચ આવે તો મને કહેજે
શિખામણ આપનારા ચાલ મારી સાથે મયખાને
તને પણ જિંદગી માફક ન આવે તો મને કહેજે

આપણે મયખાને ન જતા હોઈએ તોય સ્પ્રાઇટમાં બરફનાં ચોસલાં ઉમેરીને મન શાંત કરવાનું મન થાય. આપણે શું ધારેલું અને શું થઈ રહ્યું છે એવું વિચારીએ તો દિવસના સત્તર વખત આપઘાત કરવો પડે. સંવેદના આંસુ બને તે ચાલે, સંવેદના પાગલ ન બનવી જોઈએ. જલન માતરી આંસુની તાકાત સમજાવે છે...    

ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે
ઊંડે ગયા વિના કહીં મોતી પમાય છે?
અજ્ઞાનતાને કારણે અશ્રુ ન સાચવ્યાં
કહે છે કે ટીપે ટીપે સરોવર ભરાય છે

ટીપે ટીપે બચત કરનારાઓને ખ્યાલ જ છે કે શિક્ષણ કે લગ્નનો મોટો ખર્ચ એમાંથી જ ભરપાઈ થાય છે. દર મહિને કમાતા હોય અને બધી જ રકમ દર મહિને ખર્ચાઈ જાય તો 
અરવિંદ કેજરીવાલની ભાષામાં બાબાજી કાઠુલ્લુ જ પાસબુકમાં બચે. આ વિભાવનામાં રાજકારણીનો અંચળો ઉતારી કબીરની ચાદર ઓઢાડીએ તો ગુણવંત ઉપાધ્યાયની વાત સમજાય...

નામની આગળ અને પાછળ કશું ના જોઈએ
એ બધું છે કેટલું પોકળ, કશું ના જોઈએ
એકલો બસ, એકલો ચાલ્યા કરું છું ક્યારનો
આજ કહે છે તું કે પાછો વળ, કશું ના જોઈએ

લક્ષ્યની નજીક પહોંચ્યા પછી પાછળ વળવાનું બહુ અઘરું છે. એના માટે કોઈ તોસ્તાન તર્ક જોઈએ કે જોરદાર જર્ક જોઈએ. દાયકાઓની મહેનત પછી જે રસ્તે આગળ વધ્યા હો ત્યાંથી બાયપાસ લેવાનું કામ અનિર્ણાયક શક્તિ ધરાવનાર માટે અપરિપક્વ ગણાય, જ્યારે નિર્ણાયક શક્તિ ધરાવતા માટે પરિપક્વ ગણાય. ચિનુ મોદીની ખુમારી સમજણમાંથી પ્રગટે છે...

આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું?
તું કહે તો થાઉં ખુશ્બોદાર લે
હાથ જોડી શિર નમાવ્યું, ના ગમ્યું?
તું કહે તો આ ઊભા ટટ્ટાર લે

નમન કોને અને શેના માટે છે એ સમજવું જરૂરી છે. કવન કોના માટે સર્જાય છે એની સમજ જરૂરી છે. ગમન કઈ તરફ થાય છે એની પ્રવાસીને ખબર હોવી જોઈએ. પ્લાનમાં ભલે ન હોય, પણ ધ્યાનમાં તો રાખવું જ પડે. અસ્પષ્ટ રહેવાથી તમને તો કષ્ટ પડે જ, પણ સામેવાળો પણ કારણ વગર કષ્ટાય. રમેશ પારેખ આખું અમરેલી ઝાટકીને લખે છે...

કંઈક કષ્ટ છે એ વાત ગોળ ગોળ ન કર
જે કહેવું હોય તે કહી નાખ, ચોળ ચોળ ન કર
છે સ્તબ્ધ સાંજ, તું બારી સમીપ ઊભો છે
સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર

ક્યા બાત હૈ
હું નિરાંતે એ જ પાછી વાત કહેવાનો હતો
એક, બે ને ત્રણ નહીં, હું સાત કહેવાનો હતો

એ મળ્યા, એને તમે ઘટના કહી સારું થયું
હું નહીં તો આમ એને ઘાત કહેવાનો હતો

એ વળી બોલી ગયા કે ચાલશે અમને દિવસ
હું ઉછાળી ટોસ નહીં તો રાત કહેવાનો હતો

સાંજનો મહિમા તમે ગાયો સલૂણી કહી અને
હું સૂરજને જોઈને પ્રભાત કહેવાનો હતો

જે તમે તસ્વીર ખેંચીને ગુમાવી કીમતી
હું ક્ષણો એ સાચવી, મિરાત કહેવાનો હતો

શબ્દ કહીને અર્થ એનો કાઢવા બેઠા તમે
હું વિચારોનો જ ઝંઝાવાત કહેવાનો હતો

ડૉ. મુકેશ જોષી
ગઝલસંગ્રહ : કેડી તૃપ્તિની

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

columnists hiten anandpara