આ સમોસાપોળમાં આજે પણ ખપી જાય છે રોજનાં ચાર-પાંચ હજાર સમોસાં

16 October, 2020 02:45 PM IST  |  Mumbai | Shailesh Nayak

આ સમોસાપોળમાં આજે પણ ખપી જાય છે રોજનાં ચાર-પાંચ હજાર સમોસાં

નવતાડનાં ટેસ્ટી સમોસાંનું સીક્રેટ જાતે બનાવેલા મસાલા છે

સ્વાદના શોખીનો માટે નવતાડનાં સમોસાં નામ જ પૂરતું છે. એમાંય પણ આ વાંચતાં જ કેટલાય સ્વાદના શોખીનોના મોંમાં પાણી આવી ગયું હશે અને મનોમન બોલાઈ ગયું હશે કે યાર, વી મિસ ઇટ.
હા, એનું કારણ એ છે કે સ્વાદના શોખીન જે મુંબઈકર મૂળભૂત રીતે અમદાવાદ કે ગુજરાતના હશે તેમને માટે આ નવતાડનાં સમોસાં ભાવતું ફરસાણ કે ફાસ્ટ ફૂડ બની રહ્યું હશે. આજે પણ ગુજરાતી રંગભૂમિના ફેમસ
ઍક્ટર-પ્રોડ્યુસર સંજય ગોરડિયા સહિતના કલાકારો કે ગુજરાતી મુંબઈકર અમદાવાદ આવે તો નવતાડનાં સમોસાંની સોડમ તેમને અહીં ખેંચી ન લાવે એવું બને જ નહીં. અમદાવાદના કોટ વિસ્તારમાં ઘીકાંટા એરીયામાં નવતાડની પોળ આવેલી છે. અમદાવાદની સેંકડો પોળમાંથી આ પોળ એનાં સમોસાં માટે ફેમસ છે. અહીંનું સમોસાનું બજાર વર્ષોથી માત્ર ગુજરાત જ નહીં, ભારત અને દુનિયાભરમાં ફેમસ છે. આ પોળમાં જેમ-જેમ આગળ વધો તેમ-તેમ રોડની બન્ને સાઇડ તમને સમોસાની એક પછી એક લાઇનસર દુકાનો જોવા મળશે અને ત્યાં સ્વાદના રસિયાઓ ધરાઈને સમોસાં ખાતા જોવા મળશે. અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સમોસાંનો બિઝનેસ થોડો ઝાંખો પડી ગયો છે એ છતાં નવતાડના સમોસા બજારમાં નાસ્તાપ્રિય લોકો દિવસ દરમ્યાન
ઊભા-ઊભા અંદાજે ચારથી પાંચ હજાર નંગ જેટલાં સમોસાં ખાઈ જાય છે.
બટાટાના પૂરણવાળાં, દાળના ખટમીઠા પૂરણ સાથેનાં, વટાણાના પૂરણવાળાં ટેસ્ટી સમોસાંના સ્વાદની સોડમ માત્ર અમદાવાદ, ગુજરાત કે દેશનાં વિવિધ રાજ્યોમાં જ નહીં પરંતુ સાત સમંદર પાર છેક લંડન–અમેરિકા સુધી પ્રસરી છે અને ત્યાંના ગુજરાતીઓની દાઢે પણ સમોસાનો સ્વાદ વળગ્યો છે.
એક જમાનામાં ૬૦ પૈસામાં ડઝન સમોસાં મળતાં હતાં. હા, તમે બિલકુલ સાચું વાંચ્યુ, ૬૦ પૈસાનાં ડઝન સમોસાં. સમોસાનો ઇતિહાસ પણ એના સ્વાદની જેમ રસપ્રદ છે. નવતાડના સમોસા બજારમાં વર્ષોથી સમોસાનો બિઝનેસ કરતા દરબાર સમોસાવાળા સુનીલ દાણેચા ‘મિડ ડે’ સમક્ષ સમોસાનો ભૂતકાળ અને હાલના કોરોના સમયે સમોસા બજારની ખટમીઠી વાતો કરતાં કહે છે કે ‘મારા નાના મોજીલાલ ઉમેદરામ દરબાર નાટક કંપનીમાં કામ કરતા હતા અને સાઇડમાં સમોસાની દુકાન ચલાવતા હતા. લગભગ ૧૯૫૭માં સમોસાનો ધંધો ચાલુ કર્યો હતો. એ જમાનામાં ૬૦ પૈસે ડઝન સમોસાં મળતાં હતાં. આજે ૬૦થી ૭૦ રૂપિયે ડઝન સમોસાં મળી રહ્યાં છે. એ જમાનામાં દાળનાં સમોસાં, બટાટાનાં સમોસાં અને વટાણાનાં સમોસાં બનાવતા હતા, પણ હવે સમોસાંની વરાઇટી બદલાઈ છે. આ સમોસાંની સાથે-સાથે આજે પંજાબી સમોસાં, ચાઇનીઝ સમોસાં, ચીઝ સમોસાં, કાંદાકેરીનાં સમોસાં, જૈન કેળાનાં સમોસાં, જૈન મિક્સ સમોસાં, જૈન ચાઇનીઝ સમોસાં તેમ જ ચણાની દાળ મિક્સ કરીને સ્પેશ્યલ સમોસાં બનાવી રહ્યા છીએ. આ ઉપરાંત લીલા નારિયેળની કચોરી પણ બનાવીએ છીએ જે ફેમસ બની છે. અમારા આ વિસ્તારમાં સમોસાની ૧૦ જેટલી દુકાનો છે. હવે ફાસ્ટ ફૂડનો જમાનો છે એટલે સમોસાંનું ચલણ વધ્યું છે. આજની તારીખે નવતાડના સમોસા બજારમાં રોજનાં ચારથી પાંચ હજાર નંગ જેટલાં સમોસાં ખવાઈ જાય છે. જોકે કોરોનાના કારણે બજાર મંદ થયું છે નહીં તો કોરોનાની મહામારી નહોતી એ પહેલાં આ બજારમાં રોજનાં આઠથી દસ હજાર નંગ સમોસાંનો ઉપાડ હતો. કોરોનાના કારણે ધંધો ઓછો થઈ ગયો છે અને ઘરાકી ઘટી ગઈ છે. એમાંય લૉકડાઉનમાં સમોસા બજાર લગભગ ૮૦ દિવસ જેટલુ બંધ રહેલું, પણ હવે ધીરે-ધીરે બજાર ખૂલ્યું છે.’


કાચાં સમોસાંનું બજાર
સ્વાદના રસિયાઓ માત્ર દુકાન પર આવીને સમોસાં ખાય છે એવું નથી પણ નાગરિકો કાચાં સમોસાં ઘરે લઈ જાય છે અને ગરમ કરીને ખાય છે. સમોસાં વાળવાનો પણ ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે એની વાત કરતાં સુનીલ દાણેચાએ કહ્યું હતું કે ‘કાચાં સમોસાંનું પણ બજાર છે. મહિલાઓ ઘરે બેસીને સમોસાં વાળે છે અને તેમને રોજગારી મળી રહી છે. જેમને સમોસાં ખાવાં હોય તેઓ અહીં ખાઈ લે છે. એ ઉપરાંત કાચાં સમોસાં ઘરે લઈ જાય છે. આ ઉપરાંત લંડન–અમેરિકાના ગુજરાતી લોકો અહીં આવે ત્યારે અહીંથી કાચાં સમોસાં લઈ જાય છે એટલું જ નહીં, સમોસાંની રેસિપી જાણવા માટે અમેરિકાથી ફોન પણ આવે છે.’
રંગભૂમિના અનેક સ્વાદ શોખીન કલાકારો પણ‍ અહીંનાં સમોસાં ખાવા આવે છે એની વાત કરતાં સુનીલભાઈ કહે છે, ‘અમારે ત્યાં સંજયભાઈની બેત્રણ મહિને એક વાર વિઝિટ તો હોય જ હોય. અરવિંદ રાઠોડ તેમ જ અરુણા ઈરાની સહીતના કલાકારો અહીં સમોસાં ખાવા આવતા હતા.’
સમોસાં વાળવાનો ગૃહઉદ્યોગ
લોકો કાચાં સમોસાં ઘરે લઈ જતા હોવાથી તૈયાર સમોસાંની સાથે કાચાં સમોસાંનો પણ અલગ ધંધો થાય છે. એને કારણે ઘરે બેસીને સમોસાં વાળવાનો ગૃહઉદ્યોગ પણ ખૂબ ફૂલ્યોફાલ્યો છે. અનેક બહેનોને એનાથી રોજગારી મળી છે. અમદાવાદના એક કૉર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષ પણ તેમનો સમોસાં વાળવાના ગૃહઉદ્યોગ સાથે કેવી રીતે નાતો છે એની વાત જણાવતાં કહે છે, ‘હું નાનપણથી સમોસાં વાળીને મોટો થયો છું. જ્યારે કૉલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે પણ સમોસાં વાળ્યાં છે. લગભગ ૧૦ વર્ષ સુધી મારાં મધર નીલમબહેન અને ભાઈઓ સાથે સમોસાં વાળતો હતો. એ સમયે અમારું ગુજરાન સમોસાં વાળવાથી ચાલતું હતું. એ જમાનામાં દરબાર સમોસાની દુકાન કેરોસીનની દુકાનના ઓટલા પર ચાલુ થઈ હતી. એક આનામાં બે સમોસાં મળતાં હતાં. ૧૯૫૮-૬૦ના અરસાની વાત છે. મને યાદ છે કે એ જમાનામાં અસલ સમોસાં ચાલુ કરનાર નાથાકાકા હતા અને દરબાર સમોસાવાળા મોજીલાલ દરબાર હતા. નાથાકાકા સુરતથી આવ્યા હતા. તેમણે ઓટલા પર સમોસાંનો ખૂમચો ચાલુ કર્યો હતો. સવારે મસાલા બાફતા અને બપોર પછી ઓટલા પર બેસતા હતા.’'

ગરમા‍ગરમ સમોસાં બનાવી રહેલા સુનીલ દાણેચા.

કેવી રીતે બને છે ટેસ્ટી સમોસાં?

કોઈ પણ ખાવાની ચીજવસ્તુ ટેસ્ટી ન હોય તો ખાવાની મજા ન આવે એ સ્વભાવિક છે ત્યારે જગવિખ્યાત થયેલાં નવતાડનાં ટેસ્ટી સમોસાંનું સીક્રેટ જાતે બનાવેલા મસાલા છે એમ જણાવતાં સુનીલ દાણેચા કહે છે, ‘ટેસ્ટી સમોસાં બનાવવા માટે ખાસ ગરમ મસાલાનો ઉપયોગ કરીએ છીએ. આ મસાલો જાતે જ બનાવીએ છીએ. તજ, લવિંગ, તમાલપત્ર, કાળા એલચી સહિતના મસાલાનો ઉપયોગ કરીએ છીએ.સમોસાની ચટણી પણ અલગ હોય છે. ચણાની દાળની ચટણી બનાવીએ છીએ જેમાં ચણાની દાળને બાફીને એમાં કોથમીર, મરચાં, ફુદીનો, ધાણાજીરું નાખીને ક્રશ કરવાની. બીજી મીઠી ચટણી ગોળ અને ખજૂરની બનાવીએ છીએ જેમાં આમચૂર પાઉડરની ખટાશ અને લાલ મરચાંનો ચટકારો સ્વાદને વધારે છે.’ ગુજરાતી રંગમંચના અભિનેતાઓ અને સ્વાદના શોખીન ગુજરાતી મુંબઈકરો અમદાવાદ આવે તો અચૂક નવતાડના સમોસા બજારમાં આંટો માર્યા વગર રહે નહીં

અમદાવાદમાં નવતાડની પોળના રસ્તાની બન્ને બાજુએ લગભગ ડઝનેક સમોસાની દુકાનો આવેલી છે. અહીં પ્રવેશતાં જ વાતાવરણમાં સમોસાની સુગંધ તમને ખેંચી લે છે.

Gujarati food shailesh nayak columnists