પ્રથાઓ અને રિવાજોના તફાવત વચ્ચે મારુ પરિવારમાં પ્રેમ અને સંપ શાશ્વત છે

15 January, 2020 04:59 PM IST  |  Mumbai | Bhakti D Desai

પ્રથાઓ અને રિવાજોના તફાવત વચ્ચે મારુ પરિવારમાં પ્રેમ અને સંપ શાશ્વત છે

મારુ ફેમિલી

થાણેનાં રહેવાસી ૭૭ વર્ષની ઉંમરનાં શાંતાબહેન પદમશી મારુ તેમની ત્રણ પેઢીઓ સાથે રહે છે. તેમના પરિવારમાં પતિ પદમશીભાઈ, દીકરો દિલીપ, પુત્રવધૂ ઈલા, પૌત્રી સલોની, પૌત્ર અક્ષય, પૌત્રવધૂ કિંજલ આ બધા સભ્યો સંયુક્ત પરિવારમાં હળીમળીને રહે છે. શાંતાબહેનને ત્રણ દીકરીઓ પણ છે - કમલા ગુઢકા, નીતા જાખરિયા અને જ્યોતિકા હરિયા, જે તેમના સાસરે છે શાંતાબહેનનો જન્મ જામગર જિલ્લાના નાનામાંઢા ગામમાં થયો હતો. તેમની ગામની જિંદગીની વાત કરતાં તેઓ કહે છે, ‘જો એ જમાના અને આજના જમાનાની વાત કરીએ તો એક સદીમાં માત્ર બાવીસ વર્ષ ઓછાં કહી શકાય. આશરે આઠ દાયકા પહેલાંનું ગામડાનું જીવન આજના દૃષ્ટિકોણથી કહીએ તો જુનવાણી વિચારો અને રિવાજોથી ભરેલું જીવન હતું. એ સમયે અમારી પાસે ઘરનાં કામ એટલાં બધાં હતાં કે અમને સમય પસાર કરવા કોઈ મનોરંજનનાં સાધનોની પણ જરૂર લાગતી નહોતી. અમે ચાર બહેનો અને ત્રણ ભાઈઓ હતાં. મારા પપ્પાની મુંબઈમાં વરલી નાકા પાસે કરિયાણાની દુકાન હતી અને તેથી મારા જન્મના એક વર્ષ પછી હું મુંબઈમાં આવી ગઈ, પણ અમે ગામ જતાં જરૂર.’

મનોરંજનમાં લગ્નગીતો ગવાતાં

શાંતાબહેનના સ્વભાવમાં તેમના નામની સાર્થકતા રહેલી છે. તેઓ હસમુખાં અને અત્યંત શાંત સ્વભાવનાં છે. નાનપણમાં તેઓ કઈ રમત રમતાં એ વિષે ખડખડાટ હસતાં તેમણે જવાબ આપ્યો, ‘રમત? એ એવો જમાનો હતો કે અમારે માટે રમત જેવી કોઈ વસ્તુ નહોતી. અમે નાની ઉંમરે પણ થોડું ભણીને ઘરના કામમાં મદદ કરતાં. કોઈક વાર વળી સાંજે સમય મળી જાય તો અમારા ઉંમરની

જેટલી છોકરીઓ હતી એ બધી મળીને ગીતો ગાતી. આ ગીતો એટલે ફિલ્મનાં નહીં, પણ લગ્નગીત, ગરબા એવાં રહેતાં. આજે પણ હું લગ્નગીતો ગાવામાં માહેર છું.’

ત્રીજી પેઢી : પૌત્રવધૂ કિંજલ પણ સાદ પુરાવતાં કહે છે, ‘મેં ક્યારેય લગ્નગીતો સાંભળ્યાં નહોતાં, પણ મારાં લગ્ન સમયે મને ખબર પડી કે બાને લગ્નગીતોનો તો ખૂબ જ શોખ છે. હમણાં પણ બાને એકાદ-બે લગ્નગીતો ગાવા કહીએ તો તરત તૈયાર થઈ જાય છે, કારણ કે એ તેમના જમાનામાં તેમણે તેમની બહેનપણીઓ સાથે મળીને રમેલી રમતનો એક ભાગ છે અને એક એવી યાદ છે કે એ ગાતી વખતે બાના ચહેરા પર એક કિશોરી જેવી લાલી આવી જાય છે.’

લાજ કાઢવાની પ્રથા

લગ્નગીતોની વાત પરથી જૂના જમાનાનાં લગ્નો અને પરંપરાઓ વિશેની વાત નીકળી અને એમાં શાંતાબહેન કહે છે, ‘અમે લગ્ન કર્યાં ત્યારે અમારામાં છોકરાને જોવાનો રિવાજ નહોતો.

માતા-પિતા બધું નક્કી કરતાં. અમારાં લગ્ન પણ એમ જ થયાં. લગ્ન પછી અમારું રહેવાનું આમ તો મુંબઈમાં દાદર નજીક નાયગાંવ વિસ્તારમાં હતું, પણ સાસુ-સસરા જામનગરના ગોઈંજ ગામમાં રહેતાં. અહીં પણ મને ગામડાનું જીવન માણવાનો અવસર મળ્યો. એ સમયના રિવાજ એટલા આકરા હતા કે વહુને માથે ઓઢવાનો રિવાજ તો ત્યારે બધામાં હતો જ, પણ અમારે ત્યાં વહુએ લાજ કાઢીને જ ફરવું પડતું. આ બધું હું ગામમાં જરૂર કરતી, પણ મુંબઈમાં ધીરે-ધીરે આવા રિવાજો ઓછા થતા ગયા અને એક સમય આવ્યો કે માથે ઓઢવાની પ્રથા પણ બંધ થઈ ગઈ.’

આધુનિક વિચારોથી સમૃદ્ધ શાંતાબહેન

લગ્નની વાત અને પ્રથાઓને લઈને શાંતાબહેનના વિચાર ઘણાં આગળ પડતાં હતાં. પોતે ક્યારેય દીકરાએ પોતાની પસંદગીથી લગ્ન કરવાં એવો આગ્રહ રાખ્યો નહોતો એમ જણાવતાં તેઓ કહે છે, ‘બદલાતા જમાના સાથે છોકરાઓને પણ છૂટ આપવી જોઈએ. મારા દીકરાએ પ્રેમલગ્ન કર્યાં અને અમે તરત જ તેની પસંદગીને મંજૂરી આપી હતી. બન્યું એવું કે સમાજની પિકનિકમાં અમે બધાં કાશ્મીર ગયાં હતાં અને ત્યારે દિલીપ અને ઈલા પહેલી વાર મળ્યાં અને પહેલી જ નજરમાં તેઓ એકબીજાને પસંદ કરવા લાગ્યાં અને બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. પહેરવા-ઓઢવામાં પણ તેઓ તેમની પસંદગી પ્રમાણે કરે એ અમને મંજૂર હતું. જ્યારે પણ પેઢીઓએ સાથે રહેવું હોય ત્યારે માવતરે બાળકોને તેમની મરજી પ્રમાણે જીવન જીવવાની છૂટ આપવી જોઈએ.’

ગામડાની દિનચર્યા

જૂના જમાનાની વાત કરતાં તેમના પતિ પદમશીભાઈ કહે છે, ‘આજની પેઢીને નવાઈ લાગશે કે એ સમય એવો હતો કે દૂધ પણ બહારથી લાવવાની જરૂર પડતી નહોતી. ગામમાં દરેક પાસે પાળેલી ભેંસ રહેતી. ગામડાના જીવનની અને મુંબઈના જીવનની દિનચર્યામાં ઘણો ફરક પડી જતો.’

જૂના સમયમાં ગામની જીવનશૈલીને જાણે વાગોળતા હોય એમ શાંતાબહેન એમાં સૂર પુરાવતાં કહે છે, ‘ગામડામાં અમે સવારે મોડામાં મોડા છ વાગ્યે ઊઠી જઈએ. પછી સૌથી પહેલાં ઘરમાં વાસીદું (ઝાડું) વાળીએ અને આંગણાની પણ સફાઈ કરીએ. નિત્યક્રિયાઓ પતાવીને ભેંસનું દૂધ દોહવાનું કામ કરીએ અને ચા-પાણી, પૂજાપાઠ કરી સૌથી પહેલાં ઘરમાં વલોણામાં માખણ કાઢીએ. ઘરમાં ભેંસ હોવાથી દૂધ ભરપૂર મળતું, માખણ રોજ વલોવાય અને ઘી પણ રોજ બનાવવું પડે. આથી રસોઈ સિવાય કેટલાંય કામ વધી જાય. અમારે ત્યાં બધાને વાડી હતી અને શાક પણ ઘરે જ ઉગાડતાં એથી બપોરના જમવાનામાં અમે હાથે ઘડેલા બાજરાના રોટલા અને ઘરનું શાક વાડીએથી ચૂંટીને લાવીને બનાવતાં. આ બધું સુખ ગામમાં હતું અને બપોરે થોડો આરામ કરી સાંજે ચા-પાણી પીધા પછી રાતના ભોજનની તૈયારી કરીને જલદી સૂઈ જવાની પ્રથા રહેતી. આવાં તો હજી કેટલાંય કામ એવાં હશે જે મને હવે યાદ પણ નથી, પણ એક વાત હતી કે અમને ક્યારેય કોઈ મનોરંજનના સાધનની કે ટેક્નૉલૉજીની જરૂરિયાત લાગી જ નહોતી.’

બીજી પેઢી : મનોરંજનના મામલે આવેલા બદલાવ વિશે પુત્ર દિલીપ હસતાં-હસતાં કહે છે, ‘બા અને બાપુજીને ભલે ગામડામાં મનોરંજનની કોઈ જરૂર ન લાગી હોય, પણ ટેક્નૉલૉજીનો સૌથી વધારે લાભ તેમણે લીધો છે મનોરંજનના માધ્યમથી. જેટલાં પિક્ચર મારાં મમ્મી અને પપ્પાએ થિયેટરમાં જઈને એ સમયમાં જોયાં છે એટલાં તેમના જમાનામાં ભાગ્યે જ કોઈએ જોયાં હશે. મારાં મમ્મીને ફિલ્મ જોવાનો ખૂબ શોખ છે અને એ મને વારસામાં મળ્યો છે. વર્ષોથી દર શુક્રવારે હું ફિલ્મ જોવા તો જાઉં જ.’

પદમશીભાઈએ અહીં તેઓ તેમની લાડકી પત્નીનો ફિલ્મનો શોખ કેમ પૂરો કરી શકતા એ સમજાવતાં કહ્યું કે તેઓ દાદર ટીટીની આસપાસના વિસ્તારમાં રહેતા ત્યાં ઘણાંબધાં સિનેમાગૃહો હતા. તેમની પણ કરિયાણાની દુકાન હતી જે ક્યારેક સાંજે જલદી વધાવીને તેઓ ફિલ્મ જોવા પહોંચી જતા.

પ્રથાઓમાં એક મોટો તફાવત એ છે જે શાંતાબહેન કહે છે, ‘અમે પહેલાં આખા વર્ષનું અનાજ ભરતાં જે આજે ખૂબ ઓછા લોકો ભરે છે અને એક વાત મેં જોઈ કે અમે ઘણા પ્રકારનાં અથાણાં બનાવતાં જેમ કે કેરીમાંથી ગોળકેરી, છૂંદો, ખાટું અથાણું, ગુંદાનું, ડાળાનું, ગરમરનું, મરચાંનું એવાં જાતજાતનાં અથાણાં. હવે નથી તો લોકોને આ ખાવામાં રસ અને જો થોડી ઇચ્છા થાય તો બહારથી તૈયાર લઈ આવે. પાપડ અને ખાખરા પણ પહેલાં અમે ઘરે બનાવતાં. ફરફર, કાચરી આવી ઘણી વસ્તુઓ બનાવીને ભોજનમાં એને લેતાં. પણ હવે તો તળેલું કોઈ ખાતું નથી અને બાકી બધી વસ્તુ બહાર તૈયાર મળે છે.’

આમ પ્રથાઓ અને રિવાજોના તફાવત વચ્ચે પણ એક વાત આ પરિવારમાં શાશ્વત છે, એ છે ત્રણ પેઢી વચ્ચે રહેલા પ્રેમ અને સંપ.

મનભેદને જરાય સ્થાન નથી આ પરિવારમાં

અહીં દીકરી નીતા વખાણ કરતાં કહે છે, ‘જ્યારે પરિવાર સંયુક્ત રહેતો હોય ત્યારે મતભેદ હોય, પણ એને મનમાં ન લેવા જોઈએ. મારાં ભાભીનો સ્વભાવ પણ ખૂબ સૌમ્ય છે અને ભાઈ-ભાભીની સમજદારીથી ત્રણે પેઢી ખૂબ પ્રેમથી રહે છે. ક્યારેક કામને કારણે મારા ભાઈને કે તેના દીકરા અક્ષયને ઘરે આવતાં મોડું થાય તો મારા પપ્પા નીચે ઊતરીને રાહ જુએ, આંટા મારે પણ બધા ઘરમાં આવી જાય પછી જ સૂવે. આ જ તફાવત છે આ પેઢીમાં અને પહેલાંની પેઢીમાં કે તેઓ એટલા લાગણીશીલ સ્વભાવના છે કે ઘરના લોકોની ચિંતા કર્યા જ કરે છે. આવા સમયે તેમને સમજાવવાનું કામ મારો ભાઈ કરે છે. અહીં ત્રણે પેઢી સાથે રહે છે, પણ મેં ક્યારેય કોઈને ઊંચા અવાજે વાત કરતા નથી સાંભળ્યા અને આ જ ખૂબી છે આ પરિવારની. આનું સૂત્ર એ જ છે કે મતભેદ હોઈ શકે, પણ મનભેદ નથી.’

columnists bhakti desai