હરામખોરમાં પણ એકાદ સદ્ગુણનો વાસ હોય જ હોય

19 October, 2021 04:52 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

સાગરીત પાસે આવીને પેલાએ તફડાવેલા પાકીટની ચેઇન ખેંચી. પાકીટ વજનદાર હતું. રૂપિયાની થપ્પી જોતાં તે સ્તબ્ધ પણ થઈ ગયો અને ખુશ પણ થઈ ગયો. તેણે રૂપિયા ગણી જોયા. ૧૦૦-૧૦૦ની પૂરી ૩૬ નોટ નીકળી

પ્રતીકાત્મક તસવીર

 ‘કાકા, આજનું પેપર વાંચ્યું?’ સ્થળ છે મલાડ રેલવે સ્ટેશન પરની ટિકિટબારીનું. લાઇન લાંબી છે. ૭૦ વર્ષના કાકા પાસ માટે લાઇનમાં ઊભા છે. એવામાં એક યુવકે કાકાને ન્યુઝપેપર દેખાડ્યું. કાકા હેડલાઇન વાંચે ત્યાં પેલો યુવક કાકાના ખમીસમાંથી પાકીટ તફડાવીને ચાલવા લાગે છે.

લાઇનમાં ઊભેલા ઘણાની નજરમાં આ હતું, પણ પાકીટમાર નામચીન હોવાથી તેને પડકારવાની કોઈ હિંમત નથી કરતું. પેલો પાકીટમાર પાકીટ લઈને ચાલતો તો થયો, પણ બીજે ક્યાંય ન જતાં સ્ટેશન પર જવા માટે જે પુલ છે એની નીચે પહોંચી ગયો જ્યાં તેનો બીજો સાગરીત ઊભો હતો. સાગરીત પાસે આવીને પેલાએ તફડાવેલા પાકીટની ચેઇન ખેંચી. પાકીટ વજનદાર હતું. રૂપિયાની થપ્પી જોતાં તે સ્તબ્ધ પણ થઈ ગયો અને ખુશ પણ થઈ ગયો. તેણે રૂપિયા ગણી જોયા. ૧૦૦-૧૦૦ની પૂરી ૩૬ નોટ નીકળી. પાકીટમારના ચહેરા પર લાઇટ આવી ગઈ.

‘એક બુઢ્ઢો કમાણી કરાવી ગયો.’

સાથીએ પૂછ્યું, ‘ગયો અહીંથી?’

‘ના રે, કદાચ પુલ ચડતો હશે.’ પુલના દાદરા પાસે આવીને પેલાએ હાથના ઇશારાથી દેખાડ્યું, ‘જો, પેલો બુઢ્ઢો જાય છેને. તેને નવડાવ્યો છે.’

‘એક વાત કહું...’ સાથીએ પાકીટમારની સામે જોયું, ‘આવડા મોટા શહેરમાં તને કોઈ નહીંને આ કાકા મળ્યા? બુઢ્ઢો ઘરે પહોંચશે ત્યારે ખબર પડશે કે મારું પાકીટ ગયું. એ સમયે તેનું શું થશે એની તેં કલ્પના કરી છે?’

‘અલ્યા એય, આપણે પાકીટમાર છીએ. આપણને પૈસાથી નિસબત. પછી એ બુઢ્ઢાના હોય કે જુવાનના, વિધવાના હોય કે પરણેલીના.’

‘ના, તારી વાતમાં હું સંમત નથી. કમસે કમ બુઢ્ઢાઓને તો આપણે છોડી દેવા જોઈએ. નહીંતર તેમના નિસાસા આપણને ભરખી જાય.’ સાથીએ તરત જ રસ્તો દેખાડીને કહ્યું, ‘એક કામ કરીએ. તું પાછળથી કાકાના ખિસ્સામાં સિફતથી પાકીટ મૂકી આવ. આપણે આવા પૈસા તો ન જ જોઈએ.’

અને સાચે જ પાકીટમારે ૩૬૦૦ રૂપિયા પાછા પાકીટમાં મૂકી પુલનાં બબ્બે પગથિયાં ચડી ભાગતો કાકા આગળ પહોંચી જઈને તેમના ખિસ્સામાં પાકીટ મૂકી દીધું. જતાં-જતાં પછી કાકાને ઊભા રાખીને ચેતવણી પણ આપી...

‘કાકા, ખિસ્સું સંભાળજો. કો’ક પાકીટમાર હાથફેરો કરી જશે...’

કાંટાઓમાં પુષ્પ શોધવામાં, કાદવમાં હીરો શોધવામાં કે ઝૂંપડામાં સંપત્તિ શોધવામાં તમને નિષ્ફળતા મળે એ શક્ય છે, પણ ગમે એવા હલકટ માણસમાં એકાદ સદ્ગુણ જોવા ન મળે એ તો શક્ય જ નથી. જરૂર છે તમારી ગુણગ્રાહક દૃષ્ટિની.

columnists