યુરોપનું લૉકડાઉન: સૂચવે છે તમે બહેતર છો

07 January, 2021 10:38 AM IST  |  Mumbai | Manoj Joshi

યુરોપનું લૉકડાઉન: સૂચવે છે તમે બહેતર છો

ફાઈલ તસવીર

ઇંગ્લૅન્ડમાં લૉકડાઉન આવી ગયું. અત્યારે થયેલી જાહેરાત મુજબ, ૧૫ ફેબ્રુઆરી સુધી આ લૉકડાઉન અકબંધ રહેશે. સાતમી ફેબ્રુઆરીએ એક વખત રિવ્યુ થશે અને એ રિવ્યુ પછી નક્કી થશે કે લૉકડાઉન આગળ વધારવું કે નહીં. ફ્રાન્સમાં સાંજે સાત વાગ્યાથી બધું બંધ કરી દેવામાં આવે છે. અગિયારે બધું ખૂલે અને સાંજે સાત વાગ્યે બંધ. અર્થાત સવારે અગિયારથી સાંજના સાત દરમ્યાન લૉકડાઉન હટાવવામાં આવ્યો છે અને એ પછી બિલકુલ લૉકડાઉન. બની શકે છે કે આવતાં સમયમાં આ સમય મર્યાદાને હજુ પણ નાની કરવામાં આવે અને બપોરે ચાર વાગ્યાથી લૉકડાઉન આપવામાં આવે. સ્વીડનમાં પણ એવી જ અવસ્થા છે અને યુરોપના અન્ય દેશોમાં પણ એ જ અવસ્થા છે. કોરોનાએ કેડો મૂક્યો નથી.

ભારતમાં અત્યારે પરિસ્થિતિ સારી છે અને આ સારી પરિસ્થ‌િત‌િનો જશ આપણને સૌને જાય છે. લૉકડાઉન દરમ્યાન પાળેલા નિયમો જ નહીં, અનલૉક સિરીઝ વખતે પણ દેખાડેલો સંયમ અને એ પછી પણ દાખવેલી સૂઝબૂઝનું પરિણામ એ છે કે આજે આપણે કોરોનાથી સલામત અંતર રાખીને દૂર નીકળવા માંડ્યા છે. કોરોનાની સામેની લડતનો રિકવરી રેટ આજે ઘણો વધ્યો છે તો મરણાંક પણ સાવ તળિયે છે. વૅક્સિન પણ બહુ ઝડપથી બધાને અપાવાની શરૂ થવાની છે એટલે એ રાહત પણ આપણને મળવાની છે. એક સમય હતો કે આપણી પાસે મેડિકલ ઇમર્જન્સીની માળખાકીય સુવિધા નહોતી અને એને લીધે આપણે સૌ કોઈ ફફડતા હતાં કે કોવિડ ફેલાશે એવા સમયે આપણે બચીશું કેમ અને એ ઇમર્જન્સીને કેવી રીતે ફોડીશું... પણ એ તબક્કો પસાર કરી ગયા છીએ. જુઓ તમે સાહેબ, ઇમર્જન્સી હૉસ્પિટલો બંધ થવા માંડી છે. ટ્રેનોને પણ હવે કામચલાઉ હૉસ્પિટલમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો એક તબક્કે કોવિડ પેશન્ટ્સને હૉસ્પિટલમાં એડમિશન નહીં મળવાના જે પ્રશ્નો સામે આવતા હતા એ પણ દૂર થયા છે. આજે હૉસ્પિટલમાં કોવિડ પેશન્ટ્સ માટે રૂમ સરળતાથી મળી રહ્યા છે. તકલીફનો સમય પૂરો થયો છે અને એ તબક્કો ફરી પાછો આવે નહીં એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ, પણ એની માટે આપણે ધીરજ રાખવી પડે તો એ રાખવાની છે.

અત્યારે સૌથી સારી અવસ્થા વચ્ચે દુન‌િયાભરના જે દેશો છે એ દેશોમાં ઇન્ડિયાનું નામ ટોચના પાંચ દેશોમાં આવે છે. કબૂલ કે અમુક પ્રકારના રોજગાર હજી શરૂ થયા નથી, પણ જો એ શરૂ કરવાની ઉતાવળમાં રહ્યા તો આપણે કફોડી હાલતમાં મુકાયેલા દેશો કરતાં પણ વધારે બદતર હાલતમાં મુકાઈ જશું. સાવચેતી, સાવધાની એ જ આપણા દેશની સૌથી મજબૂત ચાવી છે અને એ જ ચાવીને આપણે પકડી રાખવાની છે. થોડો સમય, માત્ર થોડો સમય. આપણે ફરીથી ઊડવા માટે તૈયાર છીએ પણ બસ, આપણે થોડો સમય ખેંચી લેવાનો છે. જો વાત સાચી હોય તો કહી શકાય કે માર્ચ મહિનામાં લૉકડાઉન શરૂ થયું એની વરસી આવશે એ સમયે આપણે મોટાભાગે કોવિડને માત આપીને આગળ નીકળી ચૂક્યા હોઈશું અને કોવિડ વિનાના જીવન માટે ઑક્ટોબર... હા, ઑક્ટોબર મહિના સુધીમાં આપણે સંપૂર્ણ નોર્મલ વાતાવરણ જોતાં થઈ જશું પણ એની માટે, કહ્યું એમ, થોડી સાવધાની અને સાવચેતી. જો નવા લૉકડાઉનને ફરીથી ન જોવું હોય તો.

columnists manoj joshi