સ્વરાજનું આગમન સ્વરાજની વિદાય

15 August, 2019 10:36 AM IST  |  મુંબઈ ડેસ્ક | અપરા મહેતા - ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

સ્વરાજનું આગમન સ્વરાજની વિદાય

સુષ્મા સ્વરાજ

ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

ઇન્ડિયન ગવર્નમેન્ટે ખૂબ જ અચાનક અને એકદમ સક્સેસફુલી જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ રીવોક કરી નાખ્યો. સાવ જ અચાનક અને કોઈએ કલ્પના પણ નહોતી કરી એવા સમયે આ કામ થઈ ગયું. હું તો કહીશ કે આ વર્ષે જો જો તમે, અયોધ્યામાં રામ મંદિર પણ બની જશે. બીજેપીની આ સેકન્ડ ઇનિંગ ધમાકેદાર શરૂ થઈ છે એનો મોટો પુરાવો જ આ આર્ટિકલ ૩૭૦ને હટાવવામાં આવ્યો એ પ્રક્રિયા છે. મીડિયા હાઉસથી માંડીને સૌકોઈ અંધારામાં હતા. સેના ઠલવાતી જતી હતી અને બધા પોતપોતાની રીતે અનુમાન બાંધતા હતા, પણ કોઈએ એવી ધારણા નહોતી રાખી કે આર્ટિકલ ૩૭૦ હટાવવાની દિશામાં આ પગલાં મંડાઈ રહ્યાં છે. આપણી વાત શરૂ કરતાં પહેલાં મારે કહેવું છે કે એક વીક ઍડ્વાન્સ આર્ટિકલ લખવાનું ચાલુ કરતી હોવાથી ગયા વીકના આ ટૉપિક પર વાત થઈ નથી શકી. મને હતું કે આર્ટિકલ ચેન્જ કરી નાખું, પણ મીડિયા હાઉસની ડેડલાઇન બહુ મહત્ત્વની હોય છે એટલે મારે એક વીક રાહ જોવી પડી.

આર્ટિકલ ૩૭૦. હવે તો બધાને ખબર પડી ગઈ છે કે એ હટાવવાથી કેવો અને શું ફાયદો થવાનો છે. માત્ર દેશને જ નહીં, જમ્મુ અને કાશ્મીરને પણ એનો શું લાભ થવાનો છે. હું કહીશ કે આ કલમ હકીકતમાં તો જમ્મુ-કાશ્મીરમાં હોવી જ નહોતી જોઈતી, પણ છેલ્લાં ૭૨ વર્ષથી એનું અિસ્તત્વ હતું અને એ કલમનો ગેરલાભ લેવામાં આવી રહ્યો હતો. આર્ટિકલ ૩૭૦નો ખોટો ઉપયોગ કરી આપણા માથા પર ગન રાખીને બ્લૅકમેલ કરવા સિવાયનું કશું થયું નથી. આપણા દેશની દરેક ગવર્નમેન્ટે જમ્મુ અને કાશ્મીરને આ કલમના નેજા હઠળ પંપાળવાનું કામ જ કર્યું છે. અબજો રૂપિયાની સહાય ભારત તરફથી મળતી હોવા છતાં પણ આ જમ્મુ-કાશ્મીરના લોકો પોતાને ઇન્ડિયન નહીં, પણ કાશ્મીરી તરીકે જ ઓળખાવતા. ઇન્ડિયન કહેવામાં તેમને જાણે કે શરમ આવતી. તમે મળો તો પણ એવી રીતે તમને પૂછે કે તમે જાણે પરગ્રહ પરથી આવ્યા હો. મને આજે પણ તેમનો ટોન યાદ છેઃ ઇન્ડિયન?

આપણે હા કહેવાની અને હા કહીએ એટલે તે આપણી સામે સ્માઇલ કરવાનું પણ ટાળે. આટલું ઓછું હોય એમ પાછા એ લોકો ગુણગાન પાડોશી દેશના ગાય. આજે કાશ્મીરીઓ એવી દલીલ કરે છે કે તેમની જુદી આઇડેન્ટિટી ખોવાઈ જશે તો શું ભારતનાં બાકીનાં રાજ્યોમાં આપણે બધાએ આપણી આઇડેન્ટિટી અકબંધ નથી રાખી? દરેક સ્ટેટે પોતાનાં કલ્ચર અને ભાષાને આજે પણ અકબંધ રાખ્યાં છે. ખાનપાનની રીતભાત પણ આજે બધાની અકબંધ છે અને વ્યવહારો પણ બધાના અલાયદા છે અને એ પછી પણ આપણે બધા ભારતીય જ છીએ. આટલાં વર્ષો જમ્મુ-કાશ્મીર જાણે આપણી સાથે જોડાઈને કોઈ જાતનો ઉપકાર કર્યો હોય એવી રીતે વર્તી રહ્યાં છે. જે દિવસે આર્ટિકલ ૩૭૦ કાઢવામાં આવ્યો એના બીજા દિવસે દિલ્હીમાં સ્ટુડન્ટ્સે રૅલી કાઢી અને વિરોધ પ્રદિર્શત કર્યો. એ સમયે મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. તમને ખબર છે કે ભણવા માટે તમારે દિલ્હી આવવું પડે છે, મુંબઈ ભણવા આવવું પડે છે અને એ પછી પણ તમે વાત જુદા રહેવાની કરો છો! હદ છે. જો એવું લાગતું હોય તો જાઓને લાહોર ભણવા, ખબર પડે કે અઢારમી સદીનો દેશ કેવો હોય. તમે અઢારમી સદીમાં છો રહો, પણ આ ૨૧મી સદીનું નવું ભારત છે. અહીં આજે કોઈ જમાઈને પણ માથે ચડાવવા રાજી નથી.

હું હિસ્ટરીની સ્ટુડન્ટ રહી છું અને ઇતિહાસ મારો ફેવરિટ વિષય છે. મેં આર્ટિકલ ૩૭૦ અને ૩પ-એ વિશે પુષ્કળ વાંચ્યું છે એટલે મને એ ખબર છે કે માગનારાની માગ ક્યારેય ઓછી નથી થવાની. એ તો ગમે તે માગે પણ આપે તેને મહામૂર્ખ જ ગણવો જોઈએ. િભખારી ઘર પાસે આવીને ઊભો રહે અને રોટલી માગે તો આપવાની હોય, પણ તે રોટલી બનાવનારી માગે તો તેને ધોલમાં એક ઠોકવી જ પડે. ધોલમાં એક ઠોકવાનો સમય આવી ગયો હતો અને એ તમને પણ સમજાશે જો તમે આ બન્ને કલમ વિશે મૅક્સિમમ વાંચશો તો. હું તો દરેક વાચકને વિનંતી કરુ છું કે આ બન્ને કલમ વિષે બધું વાંચજો, જાણજો. હવે તો બધું ગૂગલ પર છે અને જોઈએ એ ભાષામાં છે. તમારા વડીલોને પણ આ વંચાવજો. તેમને શોધતાં ન ફાવે તો તમે ગૂગલ પરથી શોધી આપજો, પણ એક વખત એ કામ કરજો અને પછી બીજી બધી દલીલો સાંભળજો. હું જોઉં છું છેલ્લા દસ દિવસથી એકબે મીડિયા હાઉસ કાશ્મીરીઓનો અવાજ બનવાની કોશિશ કરે છે, પણ એ મીડિયા હાઉસનાં મૂળિયાં આ પ્રશ્નને સળગાવનારા બ્રિટન સાથે જોડાયેલાં છે એટલે તેમની પાસેથી બીજી અપેક્ષા પણ શું રાખી શકાય?

આર્ટિકલ ૩૭૦ને રદ કરવામાં આવે એ બધાને જોઈતું હતું. મને પણ જોઈતું હતું, મહત્તમ દેશવાસીની પણ આ જ અપેક્ષા હતી અને આપણાં રાષ્ટ્રીય નેતા એવાં સુષમા સ્વરાજ પણ આ જ ઇચ્છતાં હતાં. લોકસભામાંથી પૂર્ણ બહુમતી સાથે આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવાનો ખરડો પસાર થયો ત્યારે સૌથી વધારે ખુશ સુષમાજી હતાં. તેમણે ટ‍્વીટ પણ કર્યુ કે આજનો આ દિવસ જોવા માટે જ હું જીવતી હતી. જરા વિચારો, આ ટ્વીટ તેમનું અંતિમ ટ્વીટ બની રહ્યું. આ ટ્વીટ કર્યાના થોડા કલાકોમાં મારાં અને દેશનાં ખૂબ જ પ્રિય નેતા સુષમા સ્વરાજનું ડેથ થયું. એ રાત મારી અને મારાં મમ્મી માટે જબરદસ્ત શૉકિંગ હતી. તમે માનશો નહીં, ત્રીસ કલાક પછી મારા નાટકનો શો હતો એમાં પણ હું ધ્યાન નહોતી આપી શકતી.

સ્ટેજ પર ચાલુ નાટકે મારી આંખો સામે સુષમાજીનો સોહામણો અને પાવરફુલ ચહેરો હતો અને કાનમાં તેમનાં તીખાં તમતમતાં ભાષણો સંભળાઈ રહ્યાં હતાં. ખૂબ જ દુઃખી અને ડિસ્ટર્બ થઈ ગઈ. સ્વરાજ મળ્યું, સાચા અર્થમાં આખો દેશ એક થયો અને એ જ સમયે સ્વરાજ આપણે ગુમાવી બેઠાં. સુષમાજીને હું મળી છું. પર્સનલી અનેક વાતો થઈ છે એટલે તેમની નિષ્ઠા, તેમનો સ્વભાવ અને તેમની દેશભક્તિથી વાકેફ છું. સુષમાજીનું હિન્દી અદ્ભુત હતું. તેમણે ક્યારેય શબ્દ શોધવા જવું ન પડે. અટલ બિહારી વાજપેયી જે અસ્ખલિત રીતે બોલી શકતા એ જ રીતે સુષમાજી પણ અસ્ખલિત, શબ્દ શોધ્યા વિના કે શબ્દ ચોર્યા વિના બોલી શકતાં. અનેક વખત એવું બન્યું છે કે તેમની પાસે તેમની સ્પીચ તૈયાર ન હોય અને તે ગાડીમાં બેસીને સ્થાનિક લોકો સાથે વાત કરીને ત્રીસ-ચાલીસ મિનિટની સ્પીચ આપી દે, જે ધુંઆધાર હોય.

સુષમા સ્વરાજના જવાથી આપણે એક સક્ષમ નેતા ગુમાવ્યાં છે તો સાથોસાથ સાચા અર્થમાં સ્ત્રી સશક્તીકરણનું ઉદાહરણ પણ ગુમાવ્યું છે. તે આ સ્તર પર હતાં અને એ પછી પણ તેમણે વાઇફ તરીકેની કે માતા તરીકેની કોઈ ફરજ ચૂકી નથી. તેમના માટે પાર્ટી પહેલાં હતી, પણ એનો અર્થ એવો પણ ન થઈ શકે તેમના માટે ઘર પછીના ક્રમે હતું. જરૂરિયાતને આંખ સામે રાખીને તે નક્કી કરતાં કે તેમણે પહેલાં પ્રાધાન્ય કોને આપવાનું છે. હું તો કહીશ કે આજની યુવાપેઢી અને ખાસ તો કરીઅર ઓરિએન્ટેડ છોકરીઓએ સુષમા સ્વરાજ પાસેથી આ બધું શીખવાની જરૂર છે. તેમના જૂના ઇન્ટરવ્યુ વાંચશો તો તમને એમાંથી પુષ્કળ જાણવા મળશે અને જીવનને સાચી દિશા આપનારી વાતો પણ જાણવા મળશે.

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

સ્વરાજ આવ્યા પછી સ્વરાજ ગયાનું દુઃખ વધારે પીડાદાયી છે. સુષમાજીની તબિયત નાદુરસ્ત હતી, પણ એટલી નાદુરસ્ત પણ નહોતી કે તેમના આ પ્રકારના માઠા સમાચારની અપેક્ષા રાખી શકાય. ના, જરા પણ નહીં. હવે જ્યારે પણ જમ્મુ-કાશ્મીર અને એના આર્ટિકલ ૩૭૦ની વાત નીકળશે ત્યારે-ત્યારે સરદાર પટેલ, અિમત શાહ, નરેન્દ્ર મોદીની સાથોસાથ સુષમાજી પણ યાદ આવશે.

વી આર મિસિંગ યુ બૅડલી સુષમાજી.

Apara Mehta columnists