સમાજ, સિસ્ટમ અને સાનિયા લડવાનું દરેક મોરચે એ નક્કી છે

08 August, 2019 10:26 AM IST  |  મુંબઈ ડેસ્ક | અપરા મહેતા - ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

સમાજ, સિસ્ટમ અને સાનિયા લડવાનું દરેક મોરચે એ નક્કી છે

સાનિયા પુત્ર એઝાન સાથે

ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

ક્રિકેટ આપણા દેશમાં એવો ધર્મ છે જે દેશના તમામ ધર્મને એક કરી દે છે. પૉલિટિક્સ એ નથી કરી શકતું જે એક રમત કરી જાય છે અને એમાં પણ ઇન્ડિયા-પાકિસ્તાનની મૅચ હોય ત્યારે તો આખો દેશ એ જોવા બેસી જાય, જાણે જગતઆખાનું રિઝલ્ટ આ એક મૅચથી નક્કી થવાનું હોય. દેશભક્તિ ચરમસીમા પર હોય. મને તો ઘણી વાર થાય પણ ખરું કે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચ ન હોત તો શું આપણે આપણી દેશભક્તિ આ રીતે દેખાડી હોત ખરી? શું આપણે આટલા દેશભક્ત પણ હોત ખરા?
પાકિસ્તાન સામે આપણે જીતીએ એટલે જાણે આપણે દુનિયા જીતી લીધી હોય એવો આનંદ પથરાઈ જાય. આખો દેશ એનું સેલિબ્રેશન કરે. તમને થશે કે આજે અચાનક આમ, ક્રિકેટની વાત ક્યાંથી શરૂ થઈ. વાત સાચી છે અને એક હકીકત એ પણ છે કે ક્રિકેટ તો પૉઇન્ટ માત્ર છે, આપણે એની ચર્ચા કરવાના પણ નથી, આજે મારે વાત કરવી છે આપણા દેશની મહામૂલી દીકરી સાનિયા મિર્ઝાની. આ ટૉપિક મારા મનમાં લાંબા સમયથી હતો, ત્યારથી જ્યારથી પાકિસ્તાનની ટીમ ઇન્ડિયા સામે હારી ગઈ અને એક વિડિયો વાઇરલ થયો. એ વિડિયો સહેજ તાજો કરાવી દઉં તમને. સાનિયા, તેનો હસબન્ડ સોહેબ અને બન્નેનો દીકરો એમ ત્રણે જણ પાકિસ્તાન ટીમ સાથે ડિનર કરતાં હતાં. પહેલી વાત તો એ કે એ વિડિયો તેમની પરમિશન વિના લેવામાં આવ્યો હતો. પાકિસ્તાન હારી ગયું એટલે એ વિડિયો સોશ્યલ મીડિયા પર આવી ગયો અને બધા પાકિસ્તાનને એવી રીતે ટ્રોલ કરવા માંડ્યા કે પાકિસ્તાને ઇરાદાપૂર્વક આગલી રાતે ઉજાગરો કર્યો જેથી મૅચમાં એનર્જી ખૂટે અને ટીમ બરાબર પર્ફાર્મ ન કરી શકે, હારવા માટે આટલું પૂરતું છે. આ ટ્રોલિંગમાં બધો દોષનો ટોપલો સાનિયા મિર્ઝા પર નાખવામાં આવ્યો અને એવું પણ કહેવામાં આવ્યું કે સાનિયા રૉની એજન્ટ બનીને ત્યાં ગઈ છે. બહુ જૂની વાત નથી આ. ગયા મહિનાની જ વાત છે, આપણે છેલ્લે પાકિસ્તાન સામે રમ્યા એના એક્ઝૅક્ટ બીજા જ દિવસની વાત.

મને બહુ ગુસ્સો આવ્યો હતો. એ જ સમયે મારે આ આર્ટિકલ લખવો હતો, પણ કન્ટ્રોલ કર્યો. એ જ કારણે કે અહીં બધાને એવું લાગશે કે આપણે શું કામ પાકિસ્તાનનો પક્ષ લીધો. પક્ષ પાકિસ્તાનનો નથી, પક્ષ સાનિયાનો છે અને મારે પાકિસ્તાનને કહેવું છે કે આભાર માને અલ્લાહનો કે હિન્દુસ્તાનની આટલી મોટી ટેનિસ-સ્ટારે તેમના એક ક્રિકેટર સાથે લગ્ન કર્યાં છે. સાનિયાએ તેની કરીઅરમાં શું કર્યું છે અને તે કેવી મહાન પ્લેયર છે એની વાત કરીએ તો આવા બેથી ત્રણ આર્ટિકલ લખવા પડે, પણ એવો સમય નથી બગાડવો અને એ બધું આમ પણ ગૂગલ પર છે જ, જોઈ જ શકાય છે. હા, એક વખત સાનિયાનો ટ્રૅક-રેકૉર્ડ જોવો જોઈએ, જેથી ખબર પડે કે તે કેવી મહાન ખેલાડી છે.

આવી અચીવર અને દરેક ભારતીય નાગરિક જેના પર ગર્વ કરે એવી છોકરીને સમાયંતરે શું-શું અને કેવું-કેવું કહેવામાં આવ્યું છે એ જાણીએ તો એ વાતનો ખ્યાલ આવે કે આજે એકવીસમી સદીમાં પણ સ્ત્રીઓની બાબતમાં પુરુષો સામાજિક અને માનસિક રીતે કેટલા પછાત છે.

એક મિડલ ક્લાસ મુસ્લિમ ફૅમિલીમાંથી સાનિયા આવે છે. સાવ સામાન્ય અને મિડલ ક્લાસ ફૅમિલીમાંથી. આપણે ગર્વ લેવો જોઈએ કે ટેનિસ જેવી ફિઝિકલી અને ફાઇનૅન્શિયલી સામાન્ય લોકોને અઘરી પડે એવી રમત માટે સાનિયાને તેના પિતાએ ઍન્કરેજ કરી અને સ્પોર્ટ્સમાં આગળ વધવા દીધી. જે દેશમાં ક્રિકેટ ધર્મ છે એ દેશમાં ટેનિસ રમવાની વાત કરવી એ પણ કેટલી મોટી વાત છે એ પણ સમજવું જરૂરી છે. સાનિયાએ જયારે પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં ટેનિસ રમવાનું શરૂ કર્યું ત્યારે મૌલવીએ ફતવો બહાર પડ્યો હતો કે આવાં કપડાં પહેરીને કેવી રીતે મુસ્લિમ યુવતી રમી શકે? આ ન ચાલે. અરે, ભલા માણસ, તમે તો કંઈ માણસ છો. સ્પોર્ટ્સનો ડ્રેસકોડ હોય અને એ જ પહેરવાનો હોય, સલવાર-કમીઝ પહેરીને કોઈ ટેનિસ કેવી રીતે રમી શકે?

એક ટુર્નામેન્ટ જીતી ત્યારે બધી ન્યુઝ-ચૅનલ પર તેના ઇન્ટરવ્યુ આવતા હતા. એ સમયે આપણા દેશના ખ્યાતનામ જર્નલિસ્ટ રાજદીપ સરદેસાઈ સાનિયાને એવું પૂછે છે કે હવે તમે સેટલ ડાઉન થવાનું ક્યારે વિચારો છો? એ સમયે સાનિયાએ હસતાં-હસતાં જવાબ આપ્યો હતો કે હું સેટલ ડાઉન થઈ ગઈ છું અને હું મારા દેશ માટે ઇન્ટરનૅશનલ લેવલ પર રમું છું એનો મને ગર્વ છે, પણ હા, તમે લગ્ન અને બાળકો માટે પૂછતા હો તો એને તો હજી વાર છે. મને એ ઇન્ટરવ્યુ આજે પણ આખેઆખો યાદ છે. સાનિયાના જવાબ પછી રાજદીપ સરદેસાઈ પણ શરમાઈ ગયા હતા અને તેણે સાનિયાને સૉરી કહીને સ્વીકાર્યું હતું કે મારે આ સવાલ નહોતો પૂછવો જોઈતો.

સાનિયાએ સામે સવાલ કર્યો હતો કે તમે કોઈ મેલ સ્પોર્ટ્સ પર્સનને અગાઉ આ પ્રશ્ન કર્યો છે? ત્યારે રાજદીપે ઑન-કૅમેરા જ ના પાડી હતી. એનો અર્થ એવો થયો કે કોઈ પણ સ્ત્રી ગમે એટલું મોટું અચીવમેન્ટ મેળવે, પણ અંતે તો તેણે લગ્ન કરીને ઘર જ સંભાળવાનું? સમાજને પણ એ સમજવું જરૂરી છે કે સ્ત્રીનો જન્મ પણ મોટાં અને મહાન કામ કરવા માટે થયો હોઈ શકે છે અને એવું હોય તો તમારે એ સ્ત્રી પાસેથી આવી બાબતની અપેક્ષા ન રાખવી જોઈએ. એમાં કશું ખોટું પણ નથી. આ પ્રકારનાં કામ માટે જન્મેલી સ્ત્રીઓને એક નાનકડા બૉક્સમાં બંધ ન રાખવી જોઈએ. એ વાત જુદી છે કે સાનિયા પ્રેમમાં પડી અને તેણે લગ્ન કર્યાં, આજે તેનો સંસાર છે, પણ લગ્ન કરવાં અને સંતાનોને જન્મ આપવું એ જ સ્ત્રીના જીવનનું અસ્તિત્વ નથી, એ સ્ત્રીના અસ્તિત્વનો એક ભાગ હોઈ શકે, પણ એ જ તેનું અસ્તિત્વ નથી.

સાનિયાના નસીબમાં તો વધારે તકલીફ લખાયેલી હશે, છો તેણે પાકિસ્તાનના ક્રિકેટર સાથે લગ્ન કર્યાં, બળતામાં ઘી હોમાયું. આપણી પ્રજા પણ કંઈ ઓછી નથી. હૈદરાબાદના એક પૉલિટિકલ લીડરે એક વખત એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે આપણે હવે સાનિયાનો વિશ્વાસ કેવી રીતે કરી શકીએ, તે તો આપણા દુશ્મ પાડોશી દેશની વહુ છે. એ સ્ટેટમેન્ટ પછી સાનિયા નૅશનલ ટીવી પર રડી હતી. શું ડગલે ને પગલે સાનિયાએ પોતાની દેશભક્તિના પુરાવા આપવાના? જે આપણા દેશનું નામ વિશ્વકક્ષાએ રોશન કરતી હોય તેને માટે આવી વાત કરીને આપણે તેની દેશભક્તિ માટે પ્રશ્નો કરીશું? અધૂરામાં પૂરું, ગયા મહિને પાકિસ્તાનની ટીમ આપણી સામે હારી ગઈ તો પાકિસ્તાનીઓએ સાનિયાને ટ્રોલ કરી. એક પાકિસ્તાની રિટાયર ક્રિકેટરે કહ્યું કે સાનિયા તેના વર માટે બદ્નસીબ લઈને આવી છે. તે આવ્યા પછી શોએબ રમતો નથી. કેવી વાત, કેવું નર્યું ગાંડપણ?

આ પણ વાંચો : Surveen Chawla: આ એક્ટ્રેસનો કૂલ મૉમ અંદાજ, જુઓ Sizzling તસવીરો

શોએબ ન રમે એટલે એમાં દોષ સાનિયાનો?
હું કહીશ કે જો સાનિયા મિર્ઝા જેવી વર્લ્ડ ફેમસ પ્લેયરે આ બધું સહન કરવું પડતું હોય તો આપણા ઘરની સામાન્ય મહિલાઓએ તો કેવું અને કેટલું સહન કરવાનું આવતું હશે. મને આજે એક વાત કહેવી છે કે મહિલાઓએ સમજવું પડશે અને તેમણે દુનિયાને પણ સમજાવવી પડશે કે લગ્ન, બાળકો, કરીઅર એ તેના અસ્તિત્વનો ભાગ છે અને જે જરૂરી પણ એટલો જ છે. આ મહિલા આ બધા માટે સક્ષમ છે. તેણે સૌકોઈ સામે સ્પષ્ટ થતાં અને તેણે શું કરવું છે અને શું નથી કરવું એ કહેતાં શીખવું પડશે. આજે હું સાનિયાને અભિનંદન આપવા માગીશ કે તેણે આવી પુરુષપ્રધાન સ્પોર્ટ્સની સાથોસાથ પુરુષપ્રધાન સિસ્ટમ સામે અડગ રીતે ઊભી રહીને આપણા દેશનું નામ રોશન કર્યું. સાનિયાને બ્યુટીની ડબ્બી તરીકે જોવાને બદલે તેની પાસેથી જે શીખવાનું છે, સમજવાનું છે અને જીવનમાં ઉતારવાનું છે એને જીવનમાં ઉતારવાનું કામ કરજો. બહુ લાભમાં રહેશો.

Apara Mehta columnists