કૉલમ : પ્રેમ નહીં, પ્રેમીઓ જ છે અંધ

25 April, 2019 09:39 AM IST  |  | અપરા મહેતા

કૉલમ : પ્રેમ નહીં, પ્રેમીઓ જ છે અંધ

મા-દીકરો : રોહિત શેખર અને તેની મમ્મી ઉજ્જવલા. પોતાના અસ્તિત્વ માટેનો જંગ ચાલતો હતો એ દરમ્યાન કોર્ટનાં ચક્કરો કાપવા પડ્યાં અને એમાં જ રોહિત અડધો ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો.

રાજનીતિમાં ઘણી વાર એવું પણ બને કે જેની તમે કલ્પના પણ ન કરી હોય, તમને સમાચાર મળે ત્યારે તમને એ માન્યામાં પણ ન આવે. ત્રણેક દિવસ પહેલાં રોહિત શેખર તિવારીનું શંકાસ્પદ મોત થયું. માત્ર ૪૦ વર્ષની ઉંમર અને એ ઉંમરે ડેથ. હું કહીશ કે આજના સમયમાં તો આ ઉંમરે હજી લોકો શાંતિથી જીવવાનું શરૂ કરતા હોય છે, પણ શાંતિથી જીવવાની ઉંમરે રોહિત શેખર તિવારીને હાર્ટ-અટૅક આવ્યો. ચાલીસની ઉંમરે હાર્ટ-અટૅક અને સ્પૉટ ડેથ. શૉકિંગ જ કહેવાય આ વાત. જ્યારે પહેલી વાર સમાચાર આવ્યા ત્યારે મને પણ ઝાટકો લાગ્યો હતો અને બન્યું પણ એવું જ. થોડા સમય પછી સમાચાર આવ્યા પણ ખરા કે આ ડેથ નૅચરલ નથી. પણ તો પછી બન્યું શું હતું, શું કામ ડેથ થયું, હજી બહાર નથી આવી.

હિસ્ટરી મારો ફેવરિટ સબ્જેક્ટ રહ્યો છે અને મેં હંમેશાં હિસ્ટરીને એક સ્ટુડન્ટ તરીકે જ લીધી છે. હું નાની હતી ત્યારે મારા પેરન્ટ્સે મને આપણા દેશના ઇતિહાસની ખૂબ વાતો કરી જેને લીધે મને હિસ્ટરીમાં રસ પડ્યો અને પછી એ મારા માટે કાયમી ફેવરિટ સબ્જેક્ટ બની ગયો. આ જ કારણ હતું કે જેને લીધે મને રોહિત શેખર તિવારીના મોતમાં ઇન્ટરેસ્ટ પડ્યો હતો. આ રોહિત શેખર તિવારી વિશે જાણવા જેવું છે.

એન. ડી. તિવારી એટલે કે નારાયણ દત્ત તિવારી લગભગ પચાસ વર્ષથી ઍક્ટિવ પૉલિટિક્સમાં હતા. પોતાના આ કાર્યકાળ દરમ્યાન તે બે વાર ઉત્તર પ્રદેશના અને એક વાર ઉત્તરાખંડના ચીફ મિનિસ્ટર બન્યા. ઇન્દિરા ગાંધી સમયથી તે કૉન્ગ્રેસ સાથે જોડાયેલા હતા. મજાની વાત એ કે એ જમાનામાં સોશ્યલ મીડિયા કે ટીવી જેવું બહુ નહોતું એટલે સેલિબ્રિટી કે પૉલિટિશ્યનની પર્સનલ લાઇફ વિશે બધાને બહુ ખબર પડતી નહીં. આ બધા માટે ત્યારે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ કામ કરતા અને જાતજાતનું શોધી લાવતા.

એન. ડી. તિવારી જ્યારે પચાસ વર્ષની ઉંમર ક્રૉસ કરી ગયા ત્યારે તેમને ઉજ્જવલા નામની એક મહિલા સાથે પ્રેમ થયો. આ ઉજ્જવલા ઑલરેડી મૅરિડ હતાં, પણ તેમણે ડિવૉર્સ ફાઇલ કર્યા હતા એટલે હસબન્ડ અને વાઇફ બન્ને સાથે નહોતાં રહેતાં અને ઉજ્જવલા શર્મા પોતાના પેરન્ટ્સ સાથે તેમના ઘરે રહેતાં હતાં. એન. ડી. અને ઉજ્જવલા એમ બન્ને મૅરિડ અને બન્ને પ્રેમમાં. આ લવ સ્ટોરી સાંભળવામાં જરા વિચિત્ર અને ગોથે ચડાવી દે એવી હતી. કહો કે મસ્ત ફિલ્મ પણ બની શકે. બન્યું એવું કે બન્ને મૅરિડ હતાં એટલે સાથે રહી ન શકે અને એમ છતાં પણ એન. ડી. તિવારીને સતત એવું થયા કરે કે ઉજ્જવલાથી એક બાળક હોવું જોઈએ. એન. ડી.ની આ ઇચ્છા પૂરી કરવા ઉજ્જવલા તૈયાર નહીં અને નારાયણ દત્ત સતત તેમને પ્રેશર કર્યા કરે. છેવટે ઉજ્જવલા મૅરેજ વિના જ ૧૯૭૯માં એન. ડી. તિવારીના બાળકની મા બન્યાં અને આ વર્ષના અંત સુધીમાં તેમણે એક દીકરાને જન્મ આપ્યો. આ દીકરો મસ્ત નસીબ લઈને આવ્યો હતો. જેવો તેનો જન્મ થયો કે થોડા જ મહિનાઓમાં એન. ડી.ને મુખ્ય પ્રધાન બનવાનો મોકો મળ્યો એટલે તેમણે દીકરા અને ઉજ્જવલાને સ્વીકારવાની ના પાડી દીધી અને બન્નેમાંથી કોઈને પોતાનું નામ આપ્યું નહીં. આ દીકરો એટલે રોહિત શેખર તિવારી, જેનું હમણાં મોત થયું.

રોહિત નાનો હતો ત્યારે એન. ડી. તિવારીએ તેને સ્વીકાર્યો નહીં. બધી જાહોજલાલી આપે, બર્થ-ડે પાર્ટીઓ પોતાના ખર્ચે કરે અને એ પાર્ટીમાં પોતે જાય પણ ખરા. વેકેશનમાં પણ આ ઉજ્જવલા અને રોહિત સાથે કરવા જાય પણ ઓફિશ્યિલ સ્વીકારવાની ચોખ્ખી ના. તમે માનશો નહીં, રોહિતે જ આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે અગિયાર વર્ષ સુધી તેને ખબર નહોતી કે તે જેને ‘સર’ કહીને બોલાવે છે એ એન. ડી. તિવારી જ તેના બાયોલૉજિકલ ફાધર છે. વાત તો ખૂબ લાંબી ચાલી હતી અને પોતાનો વારસાઈ હક લેવા માટે રોહિતે ડીએનએ ટેસ્ટ કરાવીને પૅટરનિટી કેસ પણ ફાઇલ કર્યો હતો, આ કેસમાં જ પ્રૂવ થયું હતું કે તે એન. ડી. તિવારીનો જ દીકરો છે.

આ આખો કિસ્સો લખવા પાછળનું કારણ એ છે કે રોહિત થોડો સમજણો થયો હશે ત્યારે તેના માનસ પર કેવી અસર ઊભી થઈ હશે? એક પિતા પોતાના પુત્રને લોકો સામે અપનાવે નહીં એનું દુ:ખ કેવું આકરું અને અઘરું હોતું હશે? માબાપ તો પ્રેમમાં પડ્યાં, એ તેમની મરજીની વાત છે; પણ તે બન્ને જ્યારે એક બાળકને જન્મ આપે છે ત્યારે પણ તેમણે પોતાના સંબંધોના અસ્તિત્વ વિશે વિચાર કર્યો નહીં હોય? આટલી પણ સામાન્ય બુદ્ધિ તમારામાં ન હોઈ શકે? હું એવી પરિસ્થિતિ માટે ઉજ્જવલા અને એન. ડી. તિવારીને જ જવાબદાર ગણું છું. આટલાં સેલ્ફિશ, આટલાં સ્વકેન્દ્રી કેવી રીતે થઈ શકાય? એક બાળકના કુમળા માનસ પર શું અસર પડશે કે તેના બાપનું નામ જ કોઈને ખબર નથી ત્યારે તે આ આખી વાતને કેવી રીતે જોશે એનો વિચાર પણ તેમને લોકોને આવ્યો નહીં. મેં રોહિતના ઘણા વિડિયો હમણાં જોયા, તમે પણ જોજો. ખાસ કરીને એ કોર્ટ કેસવાળા ઇન્ટરવ્યુ જ્યારે તે પોતાના પિતા સામે લડ્યો અને એ કેસ તે જીતી ગયો. એ ઇન્ટરવ્યુમાં પણ તે ખૂબ દુ:ખી અને ત્રસ્ત દેખાતો હતો. તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું કે રિજેક્શનની ફીલિંગ્સનો અનુભવ તેણે કેવો વિકરાળ રીતે જોયો હશે. તેની બીજી કોઈ ઇચ્છા નહોતી. તે માત્ર એટલું જ ઇચ્છતો હતો કે તેના પિતા તેની માતા સાથે લગ્ન કરે અને સમાજમાં તેને સન્માનભર્યું સ્થાન આપે. ફાઇનલી, એવું બન્યું પણ ખરું અને ૨૦૧૪માં ૮૮ વર્ષના એન. ડી. તિવારી અને ૬૨ વર્ષનાં ઉજ્જવલાએ ફૉર્મલી પણ કાયદાકીય લગ્ન કર્યાં.

રોહિતના ડેથ વિશે ખબર પડી ત્યારથી મને જાતજાતની લાગણીનો અનુભવ થયો છે. સારું છે કે ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાને કારણે હવે આવા કિસ્સાઓ વધારે છુપાવી કે સંતાડી નથી શકાતા, બધું લોકોની સામે આવી જાય છે. પણ પહેલાં જ્યારે આવી સુવિધા નહોતી ત્યારે કેટલા પૉલિટિશ્યન અને ફિલ્મસ્ટાર્સે પોતાનાં આવાં કુકર્મો છુપાવી દીધાં હશે અને કેટલાં એવાં બાળકો હશે જે આ રીતે અત્યારે પણ વિકટ મનોદશા વચ્ચે જીવતાં હશે. આ વાત અત્યારે, અહીં કહેવાના કારણ પર હવે આવી જઈએ.

આ ઘટના પાછળ માત્ર પુરુષ જ જવાબાદાર નથી, આની પાછળ સ્ત્રી પણ એટલી જ જવાબદાર છે. તમે તમારી જિંદગી કોઈ પણ રીતે જીવો, એ તમારો હક હોઈ શકે છે; પણ જ્યારે એમાં ત્રીજી વ્યક્તિ તમે ઉમેરી રહ્યાં હો, બાળકને જન્મ આપવાનું કામ તમે કરતાં હો ત્યારે તમારે તેના અસ્તિત્વને આવી કફોડી પરિસ્થિતિમાં ન જ મૂકવું જોઈએ. અસ્તિત્વ મહત્વનું છે અને ખાસ કરીને એવા સમયે જે સમયે તમારી ગણના મિડલ કે પછી અપરમિડલ ક્લાસ ફૅમિલીમાં થતી હોય. બાળક નહીં કરો, જરૂરી નથી કે પ્રેમની નિશાની મેળવવી જ જોઈએ અને જો મેળવવી જ હોય તો કાં તો રાહ જુઓ અને કાં તો હિંમત કરીને દુનિયાનો સામનો કરીને વ્યક્તિને અપનાવો. મારે બધી મહિલાઓને પણ કહેવું છે કે માતૃત્વ મેળવવાની લાયમાં ખોટી ઉતાવળ નહીં કરતાં, કારણ કે માતૃત્વ તમારી ખુશી હોઈ શકે; પણ આ ખુશી માટે તમે બીજા કોઈની જિંદગીને તહસનહસ કરી નાખો એ ગેરવાજબી વાત છે. તમારા જીવનમાં તમે જે કોઈ નિર્ણય લો એ તમારા પૂરતા જ હોવા જોઈએ, એનાથી આગળ એની કોઈ આવશ્યકતા નથી. ખાસ કરીને ત્રીજી વ્યક્તિ માટે. તમારે જે સંબંધો જેવા રાખવા હોય એવા રાખો, પણ એમાં કોઈ નવાનું આગમન ન જ થવું જોઈએ. ખાસ કરીને ત્યાં સુધી જ્યાં સુધી તમે એ નવી વ્યક્તિના આગમનને સત્તાવાર નથી કરી રહ્યાં. પ્રેમને લાગણી તરીકે અકબંધ રાખો, એને ઉન્માદ નહીં બનાવો.

આ પણ વાંચો : કૉલમ : અમારી દીકરીને તો કંઈ બનાવતાં આવડે જ નહીં

વોટ જરૂર આપજો

જત જણાવવાનું કે સોમવારે તમારે વોટ આપવા જવાનું છે. ભૂલતા નહીં. એ દિવસે હેરાનગતિ સહન ન કરવી હોય તો અત્યારથી જ તમારું નામ વોટર્સ લિસ્ટમાં છે કે નહીં એ ઑનલાઇન ચેક કરી લો. જો ન હોય તો એના માટે શું કરવું એ પણ ચકાસી લો. બીજી ખાસ વાત, એવું ધારીને બેસી નહીં રહેતા કે બપોરે આરામથી વોટ આપી આવીશ. ગરમી અને ઉકળાટ વચ્ચે આળસ વધશે, એટલે શક્ય હોય તો સવારના જ આ કામ કરજો. પહેલાં વોટ આપવાનો અને પછી ઘરે પાછા આવતી વખતે ગરમાગરમ ફાફડા લાવીને બધાની સાથે બ્રેકફાસ્ટ કરવાનો.

જય હિન્દ.

columnists Apara Mehta