કૉલમ: સ્મૃતિ ધ જાયન્ટ ઈરાની

06 June, 2019 03:01 PM IST  |  મુંબઈ | ઈમોશન્સનું ઈકૉનૉમિકસ - અપરા મહેતા

કૉલમ: સ્મૃતિ ધ જાયન્ટ ઈરાની

સ્મૃતિ ઈરાની

અગાઉ આપણે વાત થઈ હતી કે છેલ્લા દોઢ મહિનાથી હું બરાબરની ઇલેક્શનના રંગમાં રંગાયેલી હતી. નાની હતી ત્યારે મારી ફૅમિલીના સૌકોઈ કૉન્ગ્રેસની નીતિમાં માનતા પણ સમય જતાં મારી ફૅમિલી બીજેપી અને અટલ બિહારી વાજપેયીજીની વિચારધારા સાથે સહમત થવા માંડી અને ધીમે-ધીમે બીજેપીની વેલવિશર બની ગઈ. છેલ્લા બે મહિના દરમ્યાન તો એવી પરિસ્થિતિ હતી કે હું ઇલેક્શન રિલેટેડ રજેરજ વાતો વાંચી જતી હતી. ક્યાંથી કોને ટિકિટ આપી અને ક્યાંથી કોણ કપાયું. આ કપાવાનાં કારણો પણ હું જાણતી અને જેને ટિકિટ આપવામાં આવી હોય તેને ટિકિટ મળવાનાં કારણો પણ જોઈ લેતી. રાજકારણમાં રસ છે એટલે પણ હું આ કરતી હોઉં છું અને રાષ્‍ટ્રવાદી માનસિકતા છે એટલે મારા રાષ્‍ટ્રને કેવા લોકોના હાથમાં મૂકવામાં આવે છે એ જાણતા રહેવું જોઈએ એવા હેતુથી પણ હું આ બધું જોતી હોઉં છું. આજના મૂળ વિષય પર આવતાં પહેલાં મારે કહેવું છે કે મને શરમ ત્યારે આવે જ્યારે આપણી ગૃહ‌િણીઓને પોતાના વિસ્તારના સંસદસભ્ય, વિધાનસભ્ય કે કૉર્પોરેટરનાં નામ સુધ્ધાં ખબર નથી હોતી. આવી નીરસ માનસિકતા જ દેશ માટે ભયજનક છે. આ નામો જાણવાં જરૂરી છે, નામો જાણવાં પણ અને નામોની સાથોસાથ આ જે પદાધિકારીઓ છે તેમનાં કાર્યો પણ. ગયું એ ગયું, પણ હવે એવી બેદરકારી નહીં દાખવતા એ હું બધાને કહીશ. ખાસ કરીને આપણા દેશની મહિલાઓને. રાજકારણ ખરાબ નથી અને એમાં રસ લેવો પણ ખોટો નથી. રાજકારણ તમારા દેશને એક દિશા તરફ વાળવાનું કામ કરે છે અને એ જે કામ કરે છે એ કામ ખરા અર્થમાં દેશનું ભવિષ્‍ય નક્કી કરે છે.

મૂળ વાત પર આવીએ.

લોકસભા ઇલેક્શનના રિઝલ્ટની હું બેચેનીપૂર્વક રાહ જોતી હતી. સાચું કહું તો હું જ નહીં, મારા ઘરમાં બધાં રિઝલ્ટની રાહ જોતાં હતાં. મારાં ૮૭ વર્ષના મમ્મી અને મારી દીકરી ખુશાલી પણ રિઝલ્ટની રાહ જોતાં હતાં. મારાં મમ્મીએ તો મને કહી પણ રાખ્યું હતું કે સવારના સાત વાગ્યે ટીવી ચાલુ કરીને હું તેમને જગાડી દઉં. સાચું કહું તો મારા કરતાં પણ તેમનો ઉચાટ વધારે આકરો હતો.

જેમ-જેમ રિઝલ્ટ આવવું શરૂ થયું એમ-એમ મનની બેચેની ઓછી થવા લાગી અને હૈયે ટાઢક વળવી શરૂ થઈ ગઈ. જોકે મારા માટે ખાસ રિઝલ્ટ તો અમેઠીનું હતું. કારણ હતું મારી બેસ્ટ ફ્રેન્ડ સ્મૃતિ ઈરાની. અમેઠીમાં ત રાહુલ ગાંધી સામે બીજી વખત ઊભી રહી હતી, પહેલી વખત તે હારી હતી જેની બધાને ખબર છે. સ્મૃતિ મારાં મમ્મીને પણ ખૂબ સારી રીતે ઓળખે છે અને મમ્મીએ તો સ્મૃતિની જીત માટે સાત વાટના દીવાની માનતા પણ રાખી હતી. આ હતું મારું પહેલું ટેન્શન, બીજું ટેન્શન હતું ગુજરાત. ગુજરાતમાં કુલ ૨૬ બેઠક છે. આ તમામ બેઠક અગાઉ તો બીજેપીને મળી હતી, પણ આ વખતે મળે છે કે નહીં એ મારે જોવું હતું. ગુજરાતમાં શું કામ હું આ ધ્યાન આપવાની હતી એનું કારણ પણ કહી દઉં. વ્યક્તિનું વર્ચસ્વ બહાર હોય એ ત્યારે જ સારું લાગે જ્યારે ઘરમાં પણ તેનું વર્ચસ્વ અકબંધ હોય અને સૌકોઈ તેને માન આપી રહ્યું હોય. બીજેપી કે પછી એનડીએની ગવર્નમેન્ટ આવી જાય, પણ જો ગુજરાતમાં બેઠકો ઓછી થઈ હોય તો પેલા જાણીતા વાક્ય જેવું થાટ : ગઢ આલા પણ સિંહ ગેલા.

આ સિવાયનું એક મારું ટેન્શન હતું મેજોરિટીનું. એનું કારણ એ કે જો ટોટલ મેજોરિટી હોય તો જ કામ કરવામાં આસાની રહે અને ક્યારેક કડવાં પગલાં લેવાં હોય કે પછી દેશવાસીઓને કડવાણી પીવડાવી પડે એમ હોય તો પીવડાવી શકાય. નેવુંના દશક પછી બેથી ત્રણ વખત એવું બન્યું છે કે પાતળી બહુમતી સાથે સરકાર બની હોય અને એ પાતળી બહુમતીવાળી સરકારે માત્ર સમય પૂરો કર્યો હોય. આવું ન બને એ માટે પણ ક્લિયર મેજોરિટી સાથેની સરકાર આવશ્યક હતી.

હવે તો આ ત્રણેત્રણ ટેન્શન ક્લિયર થઈ ગયાં છે, પણ એમ છતાં મારે સ્મૃતિ ઈરાની વિશે વાત કરવી છે; કારણ કે એ જરૂરી છે.

સ્મૃતિ ઈરાનીની વાત કરું તો અમે ઘણાં વર્ષો સાથે કામ કર્યું અને સક્સેસ પણ લગભગ સાથે જ મેળવી. સક્સેસ કમાવવી કેટલી અઘરી છે એની સભાનતા પણ અમને બન્નેને સાથે જ આવી છે એવું કહું તો કશું ખોટું નથી. અમારા એ જૂના દિવસો આજે પણ જ્યારે યાદ આવે ત્યારે હું હસી પડું છું. એ સમયે તે ઇન્ડસ્ટ્રીમાં નવી હતી. પ્રમાણમાં વધારે સિરિયસ રહેતી. અમારા બન્નેની સમાન ક્વૉલિટીના કારણે અમે બન્ને એકબીજાની વધારે નજીક આવ્યાં એવું કહું તો પણ ચાલે. ટાઇમમાં એકદમ પંક્ચ્યુઅલ, સમયસર કામ કરવાની આદત પણ અમારા બન્નેમાં ખરી. કામની તૈયારી ઘરેથી કરીને આવવાની એ આદત તેણે મારામાં જોઈ અને તેણે એ તરત જ અપનાવી લીધી. આજે તો એક બાજુએ સિરિયલના સીન્સ લખાતા હોય અને બીજી બાજુએ શૂટિંગ થતું હોય. પણ પહેલાં એવું નહોતું. એક વીક પહેલાં કામ થતું. હવે એવું રહ્યું નથી, પણ જ્યારે એડ્વાન્સ સીન્સ મળતા ત્યારે હું ઘરેથી જ રિહર્સલ કરી, ડાયલૉગ મોઢે કરીને જતી. મારી આ આદતને સ્મૃતિએ પણ પકડી લીધી અને તેણે પણ એ જ કામ ચાલુ કરી દીધું, જેને લીધે બનતું એવું કે અમારા બેના સીન હોય ત્યારે એ સીન રિયલ ટાઇમમાં કોઈ જાતના રીટેક વિના પૂરા થઈ જતા. ડિરેક્ટરને પણ મજા આવી જતી અને પ્રોડ્યુસર એકતા કપૂરને મજા પડી જતી. સાથે કામ કરવાનું હોય ત્યારે આ અને આ પ્રકારની ક્વૉલિટી જરૂરી બની જાય છે. મેં અને સ્મૃતિએ નૉનસ્ટૉપ પચાસ કલાક સાથે કામ કર્યું છે. ટીવી-સિરિયલ, નાટક અને પૉલિટિક્સ આ કામો આઠ કલાકની ડ્યુટીનાં નથી હોતાં, એ ચોવીસ કલાકનાં કામ હોય છે. એમાં કોઈ રજા ન આવે. શો મસ્ટ ગો ઑન. આ એક જ સિદ્ધાંત કામ કરે છે.

સ્મૃતિએ ૨૦૦૩માં બીજેપી જૉઇન કર્યું અને મેં એક વર્ષ પછી એટલે કે ૨૦૦૪માં. આ જ વર્ષમાં ઇલેક્શન હતું અને અમે બન્નેએ એ ઇલેક્શનમાં આખા દેશમાં કૅમ્પેન કર્યું. આપણા દેશને અમે જયારે ઇન્ટીરિયર પાર્ટમાં જોયો ત્યારે અમને બન્નેને શૉક લાગ્યો હતો. આટલું મોટું પૉપ્યુલેશન અને આવી ગરીબી. પાછા આવ્યા પછી અમે કામે લાગી ગયાં હતાં પણ એ જ સમયથી મને સમજાઈ ગયું હતું કે સ્મૃતિ અટકશે નહીં અને તે આ દિશામાં આગળ વધી દેશ માટે મહેનત કરશે. હું પણ મારી વાતમાં સ્પષ્‍ટ હતી કે હું અૅક્ટિવ પૉલિટિક્સમાં નહીં દાખલ થાઉં. સ્મૃતિને એ પછી મહારાષ્ટ્રના મહિલા મોરચાની જવાબદારી સોંપવામાં આવી અને સ્મૃતિએ પંદર જ દિવસમાં મરાઠી લખતાં, વાંચતાં અને બોલતાં શીખી લીધું. સ્મૃતિ ખૂબ ફાસ્ટ લર્નર છે એવું મારા સિવાય બીજું કોઈ દાવા સાથે નહીં કહી શકે.

તે ખૂબ જ ફાસ્ટ લર્નર છે. ૨૦૦૪ના લોકસભા ઇલેક્શનમાં સ્મૃતિને ચાંદની ચોકથી કપિલ સિબલ સામે ટિકિટ મળી. એ ઇલેક્શનમાં તે સૌથી યુવા ઉમેદવાર હતી. અમારી સિરિયલ ‘ક્યોંકી... સાસ ભી કભી બહૂ થી’ની આખી ટીમ સ્મૃતિની તરફેણમાં દિલ્હી કૅમ્પેન કરવા પાંચ વાર ગઈ હતી. એ ઇલેક્શનમાં હાર પછી પણ તેણે સતત કામ ચાલુ રાખ્યું. એ પછી દસ વર્ષે ૨૦૧૪માં તે ફરી ઇલેક્શન લડી અને પહેલી વાર કૉન્ગ્રેસના ગઢ એવા અમેઠીથી લડી. એ સમયે લગભગ નક્કી હતું કે આ વખતે તો તે જીતશે જ. એક વાત તો નક્કી છે કે પૉલિટિક્સમાં ખૂબ કામ અને મહેનત કરવાં પડે છે. એક સમય એવો હતો કે લોકો માનતા કે પૉલિટિક્સ એટલે માત્ર પૈસા બનાવવા, પણ હવે એવું નથી. તમારે કામ કરવું પડે છે. પહેલાં સોશ્યલ મીડિયા નહોતું, બધો આધાર મીડિયા પર હતો. એ જે કહે એ સાચું. પણ સોશ્યલ મીડિયાના આ જમાનામાં માહિતી એક જ સેકન્ડમાં સેંકડો લોકો સુધી પહોંચી જાય છે, લોકોથી કંઈ છુપાવી શકાતું નથી. અમેઠીમાં સ્મૃતિ હારી, પણ એ હાર પછી પણ તેના જુસ્સામાં કોઈ ફરક પડ્યો નહીં અને તેણે એવી જ રીતે કામ કર્યું જાણે કે ભૂતકાળની હાર કોઈ રીતે તેના પર હાવી નથી થઈ. એ પછીનું તો બધાની સામે છે કે તેને પ્રધાનમંડળમાં લેવામાં આવી અને તેને મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી.

આ પણ વાંચો : કૉલમ: શું સમાજમાં બધા જ માણસો ખરાબ છે?

આવ્યું ૨૦૧૯. આ વખતે ફરીથી તે અમેઠીથી ઊભી રહી અને છેક સાંજે અમેઠીના સમાચાર આવ્યા કે સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા. જાયન્ટ કિલર. હા, આ  જ શબ્દ યોગ્ય છે સ્મૃતિ માટે. સ્મૃતિ ઈરાની સાચા અર્થમાં જાયન્ટ કિલર પુરવાર થઈ છે અને તેણે જે પ્રકારે માતને પણ સહન કરી છે અને એ સહન કરીને જે રીતે તેણે નવેસરથી એ માતમાંથી ઊભા થવાની તૈયારી દેખાડી છે એ જ કહે છે કે સ્મૃતિ સિવાય આ કામ બીજું કોઈ કરી ન શકે. હૅટ્સ ઑફ સ્મૃતિ.

smriti irani Apara Mehta columnists