Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ: શું સમાજમાં બધા જ માણસો ખરાબ છે?

કૉલમ: શું સમાજમાં બધા જ માણસો ખરાબ છે?

06 June, 2019 01:46 PM IST | મુંબઈ
સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

કૉલમ: શું સમાજમાં બધા જ માણસો ખરાબ છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સમાજમાં ખરાબ-નકારાત્મક ઘટનાઓ વધતી જાય છે, દુર્જનો વધતા જાય છે. આખો સમાજ જાણે બૂરાઈઓથી અને બૂરા માણસોથી ખદબદતો હોય એવો માહોલ વધતો જાય છે. શું ખરેખર બધા જ માણસો ખરાબ-દુર્જન છે? નહીં! તો પછી એમ કેમ લાગે છે? માણસોને માણસો પર વિશ્વાસ કેમ રહ્યો નથી? શા માટે માણસો પર શંકા વધતી જાય છે? દરેક માણસે અને સમગ્ર સમાજે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે

જગતમાં દુર્જન માણસોની સરખામણીએ સજ્જન માણસોની સંખ્યા ખૂબ વધુ હોય છે; પરંતુ દુર્જન માણસોની અસર એટલી વ્યાપક થાય છે કે બધાને માણસમાં ખરાબ તત્વ-લક્ષણ વધુ દેખાય છે, માણસ ખરાબ હોવાની શંકા વધુ થાય છે. સારા માણસો સામે પણ અવિશ્વાસ વધવા લાગે છે. તે ખરેખર સારો હશે? એવા સવાલ ઊભા થવા લાગે છે. સિમ્પલ ઉદાહરણ જોઈએ, બૉમ્બ-બ્લાસ્ટ  ચાર કે ચાલીસ જણ કરે છે; પરંતુ એને કારણે દરેક સ્થળે લાખો-કરોડો માણસો સામે શંકાની નજરે જોવાય છે, તેમનું દરેક જગ્યાએ ચેકિંગ થાય છે. ઍરપોર્ટ તો શું, નાનીસરખી હાઉસિંગ સોસાયટીમાં પણ કોઈ નવો માણસ પ્રવેશ કરે ત્યારે તેને પૂછવામાં આવે છે, કોને ત્યાં જવું છે?  અહીં રજિસ્ટરમાં નામ લખો. ક્યાંથી આવો છો એ લખો, તમારો ફોન-નંબર લખો. મોટી ઑફિસોમાં પણ કંઈક આવું જ અને આના કરતાં વધુ પણ પુછાય. મૉલમાં જાઓ કે થિયેટરમાં મૂવી જોવા જાઓ, બધે ચેકિંગમાંથી પસાર થવું ફરજિયાત થઈ ગયું છે જેમાં બાળકો પણ બાકાત રહેતાં નથી. કેમ કે કયો માણસ સારો કે ખરાબ છે એ સમજાતું જ નથી. કોણ ક્યારે પોતાના  ખોટા કામ માટે કોનો ઉપયોગ કરશે એ કળાતું નથી. કોના પર વિશ્વાસ અને કોના પર અવિશ્વાસ કરવો એ સૂઝતું નથી. આવાં અનેક પ્રકારનાં ઉદાહરણ છે.



માણસો પર શંકા વધતી જાય છે


સવાલ માત્ર બૉમ્બ-બ્લાસ્ટ કે આતંકવાદનો રહ્યો નથી કે માત્ર ચેકિંગનો રહ્યો નથી. માનવ જગત સામે શંકાથી જોવું પડે એવી ઘટનાઓ વધી રહી છે જેને સમર્થન આપતા સમાચારો-અહેવાલો-ઘટનાઓ નેગેટિવ ન્યુઝથી ભરચક છે. અખબાર ઉઠાવો, ટીવી ચાલુ કરો, જ્યાં જુઓ ત્યાં સૌથી વધુ સમાચાર ક્રાઇમ, છેતરપિંડી, અપરાધોના વધુ છે અને એ પણ કેવા-કેવા? માણસનું મગજ ચકરાવે ચડી જાય એવા. ઘણી વાર માણસ ખોટું કરવા માગતો ન હોય તેમ છતાં તેની બેદરકારીથી  સમાજમાં એવું ખોટું કામ થઈ જાય કે દુર્ઘટના ઊભી થઈ જાય જે માણસાઈ માટે કલંક બની જાય. તાજેતરમાં સુરતમાં જે આગની ઘટના બની એમાં શું હતું? અથવા કહો કે કોઈ પણ આવી અકસ્માત ઘટના માટે શું કહીશું? ચોક્કસ માણસોની લાપરવાહી? બેદરકારી-બેજવાબદારી? બીજા માટેની અસંવેદનશીલતા? પોતાના લાભમાં અન્યના જાન જોખમમાં મૂકવાની ક્રૂરતા? પૈસા ખાતર અન્ય અનેક લોકો સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરવાની નીતિને શું કહીશું? નાની બાળકી કે કુમારિકા સાથે પણ થતા શારીરિક અત્યાચાર, બળાત્કાર, જાતીય શોષણ વગેરેને કેવી રીતે જોવા જોઈએ? તાજેતરમાં જ મુંબઈની એક મેડિકલ કૉલેજમાં ભણતી અને કામ કરતી યુવા ડૉક્ટરે અમુક સિનિયર ડૉક્ટરો દ્વારા તેનું રૅગિંગ થતાં તેણે આત્મહત્યા કરી એ માટે જવાબદાર-અપરાધી ડૉક્ટરને કેવા માણસ કહીશું? થોડા દિવસ પહેલાં નક્સલવાદીઓએ અમુક ભારતીય જવાનોને રહેંસી નાખ્યા તેમના માટે કયા શબ્દો વાપરીશું? સાવ જ નર્દિોષ લોકોના છાશવારે જીવ લઈ લેતી ઘટનાના પ્રત્યક્ષ કે પરોક્ષ સર્જકોને કેવા માણસ ગણીશું? તેમના માટે કઈ ઉપમા યોગ્ય રહેશે? આઘાતજનક બાબત તો એ છે કે કાનૂન પણ સજ્જનોને ન્યાય આપવામાં વરસો કાઢી નાખે છે અને દુર્જનોને સજા કરવામાં વરસો કાઢી નાખે છે. કડવી કરુણતા એ પણ ખરી કે ઘણી વાર તો દુર્જનો નર્દિોષ પણ નીકળી જાય છે અને સમાજમાં ખરા સજ્જનો કરતાં વધુ માન પણ મેળવતા રહે છે. આવા પોકળ સમાજ, ન્યાયતંત્ર અને સિસ્ટમને શું કહીશું? આમાં ક્યાંથી સાચા વિશ્વાસનું સર્જન થાય? મોદી સરકારે આ વખતે સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસનું વચન આપ્યું છે તો આ દિશામાં કંઈક નક્કર સુપરિણામ આવે એવી આશા રાખીએ.

દુર્જનો વચ્ચે એકતા અને સજ્જનો એકલા


સમાજમાં સતત ડગલે ને પગલે થતી ગેરરીતિ, ગરબડ, વિવિધ ચાલાકીથી થતી લૂંટ, ચોરી વગેરેને શું કહીશું? કોણ કરે છે આ બધું? નૅચરલી આપણી વચ્ચે  રહેતા માણસો જ. આ લોકો જ માણસો-માણસો વચ્ચે ભેદ પાડે છે, સજજન અને દુર્જનના. જોકે આટલીબધી ઘટનાઓ છતાં માનવું પડે કે  સજજન-સારા માણસોની સંખ્યા એકંદરે મોટી છે; પરંતુ કરુણતા એ છે કે ખરાબ માણસોની અસર વ્યાપક છે, ગંભીર છે અને ગહન છે. તેમ જ એ સતત સમાચારોમાં, ચર્ચામાં વહેતી રહે છે. સારા માણસો પોતે કંઈ કહેતા નથી, તેમને કોઈ ઓળખતું નથી, તેમના વિશે કોઈ ખાસ ચર્ચા થતી નથી. સારા માણસ હોવું, સારી ઘટના બનવી, સારી વાતો થવી એ ન્યુઝ નથી. મોટા ભાગે સજજનોની નિãષ્ક્રયતાને કારણે પણ દુર્જનો ફાવતા જાય છે. સજ્જનોનાં સંગઠન તો શું, નાનાં ગ્રુપ પણ હોતાં નથી. હોય તો એમાંય મતભેદ થયા કરે. જ્યારે દુર્જનો વચ્ચે એકતા હોય છે, તેમની ડેડિકેટેડ ગૅન્ગ હોય છે. પરિણામે ખરેખર સારા-સજ્જન માણસો વધુ હોવા છતાં જાણે આખી દુનિયા-સમગ્ર સમાજ ખરાબ અને દુર્જનોના હોય એવું લાગ્યા કરે છે. એવી માનસિકતા-માન્યતા સતત વધતી રહે છે. પરિણામે સમાજ ખરાબ છે, બધા જ ખોટા અને ખરાબ લોકો છે, કોઈના પર વિશ્વાસ રાખી શકાય એવું નથી એ મતલબની લાગણી વધતી જાય છે.

 દુર્જનોના સમાચાર વધુ વેચાય

આ બધી સ્થિતિનું એક મુખ્ય કારણ એ પણ છે કે ખરાબ-દુર્જન માણસોની પ્રવૃત્તિનો જેટલો પ્રચાર-પ્રસાર થાય છે એના ૨૫ ટકા ભાગનો પ્રચાર પણ સારા-સજજન માણસોની બાબતો-પ્રવૃત્તિઓ વિશે થતો નથી. એને કારણે સમાજ સામે ખરાબ માણસોની ઘટના એકધારી અને વધુ આવે છે, કારણ કે એ જ તો ન્યુઝ છે. બાય ધ વે, નેગેટિવ ન્યુઝ ઇઝ ધ રિયલ ન્યુઝ. વાંચનારાઓમાં સૌથી ચર્ચાસ્પદ એ જ બને છે. ટીઆરપી એને જ વધુ મળે છે. બાકી સારી ઘટનાની તો નોંધ લેવાય કે ન લેવાય, બહુ લોકો ફિકર કરતા નથી. લોકોને એમાં બહુ રસ પણ પડતો નથી. અર્થાત્ લોકોની સામે માત્ર ખરાબી-દુર્જનતા મહત્તમ પ્રમાણમાં આવ્યા કરે છે, જેને જોઈ-સાંભળી આખરે સારા માણસોને પણ વિચાર આવતા રહે છે કે આટલા બૂરા-બદમાશ-બેઈમાન લોકો છે અને તેમને કંઈ થતું નથી તો આપણે ઈમાનદાર રહેવાની શું જરૂર છે? શું મળે છે આપણી ઈમાનદારીથી? એટલે જ તો વરસો પછી પણ આ ગીત ચાલતું રહે છે. દેખ તેરે સંસાર કી હાલત કયા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન... અને હજી કેટલાં વરસ સુધી ચાલતું રહેશે કહેવાય નહીં. દરેક માણસે - સજજન અને સજજન રહેવા માગતા માણસ ઉપરાંત દુર્જને પણ તેમ જ સમગ્ર સમાજે પણ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

આ પણ વાંચો : કૉલમ: મહિલાઓને સરકારી સુવિધા મફત મળવી જોઈએ?

બાકી વર્તમાન પોકળ અને દંભી સમાજ, નબળું ન્યાયતંત્ર અને સાચી શિસ્ત વિનાની સિસ્ટમને જોઈ એક જ સવાલ થાય  કે  આમાં ક્યાંથી સાચા વિશ્વાસનું સર્જન થાય? મોદી સરકારે આ વખતે સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસનું વચન આપ્યું છે તો આ દિશામાં કંઈક નક્કર સુપરિણામ આવે એવી આશા રાખીએ.        

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2019 01:46 PM IST | મુંબઈ | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK