ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી... કૅરૅક્ટર, ઍક્ટર અને સંબંધોનું સેક્ટર

01 August, 2019 12:55 PM IST  |  મુંબઈ | ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ - અપરા મહેતા

ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી... કૅરૅક્ટર, ઍક્ટર અને સંબંધોનું સેક્ટર

ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...

જ્યારથી ‘ક્યોંકિ... સાસ ભી કભી બહુ થી...’ની વાત કરી છે ત્યારથી અનેક લોકોના ફોન અને મેસેજ આવે છે કે એના વિશે વધારે વાત કરો. વિષય પણ એવો જ છે. અઢળક લોકચાહના આ સિરિયલને મળી હતી. મેં અગાઉ કહ્યું હતું એમ, બધા શુભ સ્ટાર્સના લોકો ભેગા થયા હતા જેને લીધે સિરિયલને પણ ખૂબ લાભ થયો હતો. આ સિરિયલને કારણે અનેક લોકોનાં લગ્ન થયાં, અનેક લોકોએ મુંબઈમાં પોતાનું ઘર લીધું તો અનેક લોકોને આ સિરિયલે ગાડીવાળા કર્યા. આ બધા ઉપરાંત ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’એ બધાને અઢળક લોકચાહના પણ આપી. એવું નથી કે માત્ર ઍક્ટરો જ પૉપ્યુલર થયા હોય, પણ આ સિરિયલ સાથે જોડાયેલો ટેક્નિકલ સ્ટાફ પણ ખૂબ નામના કમાયો અને એને પણ પુષ્કળ કામ મળ્યું. નૅચરલી, જો બધાને એનો લાભ મળ્યો હોય તો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની પ્રોડ્યુસર એકતા કપૂરને એનો લાભ શું કામ ન મળે, તેને પણ ખૂબ બેનિફિટ મળ્યો. તેણે મહેનત પણ એટલી જ કરી હતી. માત્ર ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’થી જ નહીં, એકતા તેના એકેક પ્રોજેક્ટ પર ખૂબ મહેનત કરે છે. એ સમયે જેટલી મહેનત કરતી હતી એટલી જ મહેનત તે આજે પણ કરે છે. આજે પણ રાતે બબ્બે વાગ્યા સુધી તે કામ કરે છે અને સવારે આઠ વાગ્યે પણ મીટિંગ માટે હાજર હોય છે.

સિરિયલના સ્ટાર્સની વાત કરું તો સૌથી પહેલાં મને સુધા શિવપુરી યાદ આવે. સુધા શિવપુરી એટલે બા. બાનું કૅરૅક્ટર એ સમયે ડેવલપ કરવું જોઈએ એવું કોઈને લાગતું નહોતું પણ આ સિરિયલનું તો ટાઇટલ જ એવું હતું જેમાં બે પેઢીની વાર્તા દેખાય છે અને રિયલમાં સિરિયલમાં ત્રણ પેઢી હતી. બા અત્યારે હયાત નથી. સુધા શિવપુરી નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાના સ્ટુડન્ટ એટલે ઍક્ટિંગમાં તેમને કોઈ પહોંચી ન શકે. બાની બીજી એક ઓળખાણ આપી દઉં. સુધા શિવપુરી જાણીતાં ઍક્ટર અને સ્વર્ગીય ઓમ શિવપુરીનાં વાઇફ. અમારા બધાની જે ઉંમર હતી એટલો તો બાનો એક્સ્પીરિયન્સ હતો, પણ જેટલાં તેઓ અનુભવી એના કરતાં વધારે પ્રેમાળ, બીજાની ભૂલોને હકારાત્મક સાથે સ્વીકારનાર વ્યક્તિ. બા ઉંમરમાં આખા સેટ પર બધાથી મોટાં પણ તોફાનમાં તેઓ બધાની આગળ હતાં. તેમની સેન્સ ઑફ હ્યુમરના દાખલા તો આજે પણ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ના ઍક્ટરો એકબીજાને આપતા હોય છે. હું કહીશ કે આખા સેટ પર સૌથી વધારે જો કોઈ લાડકાં હોય તો એ બા હતાં. ઓમ શિવપુરીના અવસાન પછી સિંગલ પેરન્ટ તરીકેના તેમના અનુભવો સાંભળીને અમને બધાને ખૂબ અચરજ થતું. અચરજ પણ થતું અને તેમને માટે માન પણ ખૂબ વધતું. તમે માનશો નહીં, એ ગાળામાં તેમની વાતો સાંભળીને અમે જેકંઈ શીખ્યાં છીએ એ આજે અમને બધાને ખૂબ કામ લાગી રહ્યું છે.

બીજા નંબરે સૌથી લાડકી જો કોઈ હોય તો એ છે તુલસી એટલે કે સ્મૃતિ ઈરાની, મારી બેસ્ટ ફ્રેન્ડ. ઉંમરમાં મારાથી નાની, પણ દોસ્તીમાં ઉંમરનો આ તફાવત અમારી વચ્ચે ક્યારેય દેખાયો નથી કે આવ્યો નથી. સ્મૃતિ વિશે મેં પુષ્કળ લખ્યું છે અને ભવિષ્યમાં પણ જો તક મળશે તો ચોક્કસ લખીશ. એક વાત મને અત્યારે ખાસ કહેવી છે કે એ સમયે પણ અમને બધાને ખાતરી હતી કે સ્મૃતિ ખૂબ આગળ જશે. ફીલ્ડ કયું હશે કે પછી એ કયા ક્ષેત્રમાં વધારે રસ લેશે એનો અમને અણસાર નહોતો, પણ તે આગળ વધશે એવું તો તેની વાત પરથી સ્પષ્ટ થતું જ હતું. સ્મૃતિએ બીજેપી જૉઇન કર્યું એ સમયે પણ અમારી વચ્ચે લાંબી વાતો થઈ હતી. એ સમયે મને તો અણસાર આવી ગયો હતો કે હવે સ્મૃતિ પૉલિટિકલ કરીઅર બનાવી શકે છે, પણ એ સમયે બહાર એ વિશે વાત કરવી યોગ્ય નહોતી એટલે એ વાત માત્ર અમારા વચ્ચે જ રહી હતી. એ પછી જેકંઈ બન્યું છે એ એક ઇતિહાસ છે. રાહુલ ગાંધીને, ગાંધીવંશના ચિરંજીવને તેના જ ગઢમાં અમેઠીમાં હરાવવો એ જરા પણ નાની વાત નથી, પણ સ્મૃતિએ એ કર્યું અને તેણે નવો ઇતિહાસ રચ્યો.

સ્મૃતિ પછી આવે છે દક્ષા એટલે કે કેતકી દવે. એક વાત કહું કે મને દક્ષાનું પાત્ર ખૂબ ગમતું. મારી અને કેતકીની ઓળખાણ તો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની, પણ બહુ પહેલેથી, બન્ને ગુજરાતી નાટકો સાથે જોડાયેલાં એટલે અમારી વચ્ચે ઓળખાણ તો જૂની જ, પરંતુ દોસ્તી પણ જૂની. કેતકીએ દક્ષાના પાત્રને પોતાની રીતે ખૂબ સરસ રીતે ડેવલપ કર્યું હતું. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની સૌથી મોટી ખૂબી એ જ હતી. બધાં એકથી એક ચડિયાતું કામ કરતાં હતાં. મૂળ વાર્તા જે હોય એના પરથી સ્ક્રીનપ્લે ખૂબ સરસ બને, એનાથી વનઅપ કહીએ એવી રીતે ડાયલૉગ-રાઇટર્સ એ સ્ક્રીનપ્લેને નવી ઊંચાઈએ લઈ જાય. ઍક્ટરો એ ડાયલૉગ્સને પોતાના તરફથી વધારે ઉત્તમ બનાવે અને ડિરેક્ટર પણ એ બધાની સામે વધુ ચડિયાતું કામ કરી દેખાડે. તમને એમ થાય કે અહીં વાત પૂરી થાય તો ના, એવું નથી. ડિરેક્ટરે જે શૂટ કર્યું હોય એના પર એડિટર પણ પાછો કામ કરે અને એ જે ફાઇનલ એપિસોડ બનાવે એ તો બધાથી વનઅપ હોય. જ્યાં દરેક પોતાનું ઉત્તમ આપતા હોય ત્યાં કામ કરવાની તો મજા જ આવે, પણ સાથોસાથ તમારું કામ દીપી પણ ઊઠતું હોય છે. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ એનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. ઍનીવે, ફરીથી ઍક્ટરોની વાત પર આવીએ.

ચોથું કૅરૅક્ટર એટલે ગાયત્રી, જે કરતી હતી કોમોલિકા ગુહા-ઠાકુરતા. ગાયત્રીનું કૅરૅક્ટર તેણે જે રીતે નિભાવ્યું એવું કોઈએ વિચાર્યું પણ નહોતું. સાચું કહું તો અમને બધાને આ કૅરૅક્ટર સૌથી વધારે નિરસ લાગતું હતું, પણ તેણે એટલી સરસ રીતે આ કૅરૅક્ટરને પકડ્યું કે ન પૂછો વાત. ગાયત્રીના કૅરૅક્ટરમાં કોમોલિકાએ રામાયણના લક્ષ્મણની વાઇફ ઊર્મિલાના અંશ ઉમેરવાનું શરૂ કરી દીધું. કોઈએ એ દિશામાં તો વિચાર્યું સુધ્ધાં નહોતું, જેને લીધે તમામેતમામ લોકો હેબતાઈ ગયા અને બધાને સુખદ આંચકો લાગ્યો.

સિરિયલમાં મારા હસબન્ડ મનસુખનું કૅરૅક્ટર શક્તિસિંહ કરતા હતા અને એ ઉપરાંત સિરિયલમાં અમારી સાથે જિતેન્દ્ર ત્રેહાન, મુનિ ઝા, મિહિરના અમર થઈ ગયેલા રોલમાં પહેલાં અમર ઉપાધ્યાય અને એ પછી રોનિત રૉય, શક્તિ આનંદ, હુસેન, પ્રાચી શાહ અને અનેક બીજા કલાકારો. પ્રાચી કથ્થકની ખૂબ સારી ડાન્સર. અમે બન્ને સેટ પર બેસીને એની જ વાતો કરતાં હોઈએ. મિહિરની લાઇફ ખરાબ કરવા આવનારી પાયલ એટલે કે જયા ભટ્ટાચાર્ય. ફ્રેન્ડ્સ જયા એટલી આખાબોલી હતી કે અમારે તેને કન્ટ્રોલ કરવો પડતો. ખૂબ તોફાની અને મોઢા પર ચોપડાવી દેનારી. કહે પણ ખરી, મને સારું બોલતાં નહીં આવડે, મને સાચું બોલતાં જ આવડે છે.

આ શરૂઆતના સમયનું કાસ્ટિંગ. એ પછી પણ જેકોઈ કાસ્ટ થયા એ બધા પણ ખૂબ સારા પર્ફોર્મર હતા એ તો કબૂલવું જ પડે. ફીમેલ ઍક્ટ્રેસ ઇન્ટેલિજન્ટ અને કલ્ચર્ડ ફૅમિલીમાંથી આવે એટલે સેટનું ઍટમૉસ્ફિયર એકદમ સંસ્કારી, હકારાત્મક અને હેલ્ધી રહેતું. હું એ જ અનુભવ પરથી કહું છું કે ઘર હોય કે સેટ હોય, વાતાવરણ કેવું રાખવું એ નક્કી કરવાનું કામ તો સ્ત્રીઓ જ કરતી હોય છે. જે ઑફિસ કે પ્રિમાઇસિસનું વાતાવરણ ખરાબ હોય કે જે જગ્યાએ ગાળાગાળ કે પછી છાનાખૂણે ખરાબ વાતો થતી હોય એવી જગ્યા માટે પહેલો વાંક હું મહિલાઓનો કાઢીશ. જો તે ધારે તો ખરાબ થઈ રહેલા વાતાવરણને સુધારી પણ શકે છે કે પછી ખરાબ થતા વાતાવરણને અટકાવી પણ શકે છે. આજે હું તમને એટલું કહીશ કે મારી આજુબાજુમાં કોઈ બૅડ વર્ડ્સ બોલવાની જરા પણ હિંમત ન કરે. તમને ખબર જ છે કે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ ત્યાં સમયની સામે રેસ હોય, અઢળક કામ હોય અને એ કામમાં ભૂલ થાય તો પુરુષો નૅચરલ-વે પર ગાળ બોલી નાખે. ઘણી મહિલાઓ એ ચલાવી લે છે, પણ હું એ બિલકુલ નથી ચલાવતી. આ‌ વિશે વધુ વાત કરવી છે પણ અત્યારે નહીં, અત્યારે વાત કરીએ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...’ની.

આ પણ વાંચો : ટ્રિપલ તલાકઃ જૂની વિચારધારાને છોડવાની વાત, નવી વિચારધારાને અપનાવવાની ક્ષમતા

મેં અઢળક સિરિયલો કરી છે, જેમાંથી અનેક ખૂબ પૉપ્યુલર થઈ છે, પણ મને આ સિરિયલના ઍક્ટર્સ જેવા વ્યક્તિત્વવાળા ઍક્ટરો ભાગ્યે જ મળ્યા છે. અનેકગણી મોટી સક્સેસ અને એ પછી પણ એને પચાવી લેવાની ક્ષમતા દરેકેદરેકમાં હતી એ ખૂબ સારી સાઇન કહેવાય. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ના સેટ પર થયેલી દોસ્તી લાઇફમાં ભાગ્યે જ થતી હોય છે અને આવી સક્સેસ પણ ભાગ્યે જ મળતી હોય છે. આ બન્નેને અમે બધાએ સાચવી રાખી છે અને જિંદગીભર સાચવી રાખીશું એ પણ નક્કી છે.

Apara Mehta columnists