માતૃભાષામાં લાગણી ઝબોળાયેલી હોય છે

11 July, 2020 07:14 PM IST  |  Mumbai | Manoj Joshi

માતૃભાષામાં લાગણી ઝબોળાયેલી હોય છે

સૌથી પહેલાં તો હું કહીશ કે ભાષા અસ્તિત્વમાં તો જ રહે જો એ સંસ્કૃતિ માટેની લાગણી અકબંધ રહે. ગુજરાતી હોવાનો મને ગર્વ હોય તો એ ગર્વ ચોક્કસપણે મારી રહેણીકરણીથી માંડીને મારા આચારવિચારમાં ઝળકતો હોય. ગુજરાતી ભાષાનો જ્યાં પણ અને જે પ્રકારનો ઉપયોગ થઈ રહ્યો હોય એ કાર્ય કરવામાં મને નાનપ ન લાગતી હોય અને એ કાર્યમાં જોડાવાનું મને ગમતું હોય તો ચોક્કસપણે મારું એ પ્રકારનું વર્તન જ ગુજરાતી હોવાનું મને જે ગૌરવ છે એ ગૌરવ દર્શાવે છે. ગુજરાતી હોવાનું ગૌરવ છે કે નહીં એ પ્રશ્ન સૌથી પહેલાં તો જાતને પૂછવો જોઈએ અને એનો જવાબ શોધવાની કોશિશ કરવી જોઈએ, કારણ કે જો ગુજરાતી હોવાનો ગર્વ હશે તો ગુજરાતીત્વ લઈ આવવાનું કામ બહુ આસાન થઈ જશે અને એ કામ આસાન થશે તો ગુજરાતી ભાષાને બચાવવાનું જેકોઈ અભિયાન ચલાવવામાં આવે છે એ અભિયાન પણ સુસંગત થઈ જશે.

હવે પહેલો પ્રશ્ન એ છે કે ગુજરાતીત્વ આવે કઈ રીતે?

ગુજરાતીત્વનો અર્થ બહુ સરળ રીતે કાઢીને કહેવું હોય તો કહી શકાય કે ગુજરાતીપણું જેકોઈ કામમાંથી, જેકોઈ વાતમાંથી અને જેકોઈ રીતમાંથી ઝળકે છે એ ઝળકવા દેવાની જે પ્રક્રિયા છે એ ગુજરાતીત્વ છે. ભલે કૉન્વેન્ટમાં ભણીએ, ભલે આખો દિવસ અંગ્રેજી અખબારો વાંચીએ, પણ સવારે ઘરમાં તો ગુજરાતી અખબાર જ વાંચવા મળતું હોય અને એ જ વાંચવાની આદત હોય. અંગ્રેજીના મસમોટા લેક્ચર પછી પણ જ્યારે દીકરા-દીકરીઓને સલાહ આપવામાં આવતી હોય તો એ સલાહ પણ ગુજરાતીમાં જ હોય અને ગુજરાતી સાંભળીને જો તેમના ચહેરા પર સ્મિત આવતું હોય કે એને બેચાર શબ્દોની સમજ ન પડતી હોય તો પણ કોઈ જાતના ગભરાટ વિના કે અકળાયા વિના એ શબ્દો સમજાવીને પણ ખીજ ગુજરાતીમાં જ ઉતારવી જોઈએ. કવિ સુરેશ દલાલે એક વખત સરસ વાત કહી હતી. માતૃભાષા માટે કહેવાયેલી એ વાતને ફરીથી અહીં ટાંકવાનું મન થાય છે. તેમણે કહ્યું હતું કે ‘જે ભાષામાં સપનાં દેખાય એ મારી માતૃભાષા.’

સપનાં જ શું કામ, જે ભાષામાં મને ખીજ મળે, જે ભાષામાં મને સોનેરી સલાહ મળે અને જે ભાષામાં મને આપવાનું મન થાય એ મારી માતૃભાષા. મેં જે ભાષામાં હાલરડાં સાંભળ્યાં એ મારી માતૃભાષા અને જે ભાષામાં મારા પ્રેમની અભિવ્યક્તિ થઈ એ મારી માતૃભાષા. મારી માતૃભાષામાં વહાલ છે અને મારી માતૃભાષામાં વઢ પણ જડાયેલી છે. અંગ્રેજીમાં ઉતારવામાં આવેલો ગુસ્સો પણ ભાડૂતી લાગતો હોય છે. પ્રેમ વ્યક્ત કરવા માટે પણ જ્યારે પારકી ભાષાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એની તીવ્રતા ઘટી જાય છે. બહુ દૂર જવાની જરૂર નથી. જુઓ તમે અત્યારની વેબ-સિરીઝ. આજની વેબ-સિરીઝમાં આવતી અંગ્રેજી ગાળો બહુ સામાન્ય લાગે છે, પણ હિન્દીમાં બોલાતી ગાળો કાનમાં કીડા પડે એવી આકરી લાગતી હોય છે. ભાષા અને માતૃભાષા વચ્ચેનો આ તફાવત છે. માતૃભાષામાં લાગણી આપોઆપ ઉમેરાતી હોય છે, જ્યારે પારકી ભાષામાં આપવામાં આવેલી ગાળને પણ નહોર નથી હોતા. ભાડૂતી ગુસ્સા કરતાં આપણી પોતાની બોલીનો ગુસ્સો કેવો મીઠો છે. એયને જોરથી રાડ પાડીને દીકરાને કહી શકાય,

‘ગધેડા, કોના જેવો થયો છો તું...’

અને દીકરો પણ નજર નીચી કરીને સૌમ્ય શબ્દમાં જવાબ આપે...

‘બધા તો તમારા જેવો કહે છે...’

columnists manoj joshi