એજ્યુકેશન ટિપ : સંતાનોને ગાડી નહીં, જ્ઞાન આપો; ચાવી નહીં, ચાલાકી આપો

15 January, 2020 04:40 PM IST  |  Mumbai | Manoj Joshi

એજ્યુકેશન ટિપ : સંતાનોને ગાડી નહીં, જ્ઞાન આપો; ચાવી નહીં, ચાલાકી આપો

બહુ જરૂરી છે આ વાત જીવનમાં ઉતારવી. મોટા ભાગના પેરન્ટ્સ બાળકોના હાથમાં ચાવી પકડાવી દે છે, પણ એ ચાવી આપ્યા પછી વાહન સાથે કેવી રીતે રહેવું અને વાહનને કેવી રીતે હૅન્ડલ કરવું એની સમજણ આપવાનું ચૂકી જાય છે. સંતાનોને ગાડી આપતાં પહેલાં તેમને જ્ઞાન આપવાની પ્રક્ર‌િયા કરો એ બહુ આવશ્યક છે. હમણાં બનેલી એક નાનકડી ઘટનાના આધારે કહું છું આ વાત તમને. આજે મોટા ભાગના યંગસ્ટર્સના હાથમાં વેહિકલની ચાવી છે, પણ એ વેહિકલ જ્યારે દગો આપે ત્યારે શું કરવું એના વિશે કોઈ જાતનું જ્ઞાન તેમની પાસે નથી. હાઇવે પર એક યુવતીની ગાડીમાં પંક્ચર પડ્યું અને એ ખસિયાણી થઈને ઊભી રહી ગઈ. ટાયર કઈ રીતે ચેન્જ થાય અને કઈ રીતે સ્પેર-વ્હીલ લગાડી શકાય એના વિશે તેને કોઈ સમજણ હતી નહીં. સ્વાભાવિક હતું કે પંક્ચર પડ્યા પછી અને પાસે સ્પેર-વ્હીલ હોવા છતાં તેની સામે મૂંઝવણનો પહાડ હતો. જો તમને મનમાં એવો વિચાર આવે કે આમાં કઈ મોટી વાત છે, એ તો કોઈને પણ કહીએ કે વાહન ઊભું રાખીએ એટલે હેલ્પ કરે જ, પણ એવી રીતે કોઈને ઊભા રાખવા પણ શું કામ પડવા જોઈએ?

યોગમાં એક શબ્દ આવે છે, કર્મયોગ. તમારું કર્મ તમે કરો, તમારું કામ તમે જાતે કરો અને એ જાતે કરવા માટે તમે સક્ષમ બનો. આ સિદ્ધાંતને જીવનમાં ઉતારવો આવશ્યક છે. ઘરના કામમાં તમે મા હેલ્પ કરશે અને બહારના કામમાં તમે અજાણ્યાની હેલ્પ લેવાના છો તો પછી તમે શું કરવાની લાયકાત ધરાવો છો એ સવાલ તમારે તમારી જાતને પૂછવાનો છે અને દરેક પેરન્ટ્સે પણ પોતાને પૂછવાનો છે. ગાડી આપી દેવાથી જવાબદારી પૂરી નથી થતી, ગાડીની સાથે એ ગાડી પૈકીનું જ્ઞાન આપવું પણ બહુ જરૂરી છે. આ વાત ખાસ કરીને દીકરીઓના પેરન્ટ્સને વધારે લાગુ પડે છે.

અહીં કોઈએ જેન્ડર-ડિફરન્સની ભાવનાને મનમાં લઈ નથી આવવાની. ના, એવા દૃષ્ટ‌િકોણથી આ વાત કહેવાઈ પણ નથી. વાત છે એ સ્ત્રીસહજ સ્વભાવની. આજે વેહિકલની બાબતમાં મહિલાઓ સૌથી વધારે નીરસ થઈને રહે છે. આ નીરસતાને હાંકી કાઢવાનું કામ કરવું પડશે. જો એ કામ ન કરી શક્યા તો કોઈ વખત હેરાનગતિની વાર્તા તમારે સાંભળવી પડશે. દીકરીને, બહેનને કે વાઇફને વેહિકલ હાથમાં આપો, પણ એ આપવાની સાથોસાથ એને લગતી બેઝિક કહેવાય એવી વાતો પણ તેને શીખવો અને તેને એને માટે તૈયાર કરો. જો તમે તેને તૈયાર ન કરી શકવાના હો તો એ કામ બીજા કોઈને સોંપો, પણ રસ્તા પર જઈ રહેલી કાર અચાનક બગડી જાય તો એવા સમયે કેવો રસ્તો કાઢવો એની સમજણ આપણા પરિવારની બહેન-દીકરીઓમાં હોય એ બહુ જરૂરી છે. જો એવી પરિસ્થિતિ ઊભી થાય તો એ સમયે ચહેરો સફેદ પૂણી જેવો ન થઈ જવો જોઈએ. એવા સમયે સંજોગો વણસવા ન જોઈએ.

પુરુષ વાહન મૂકીને હાઇવે પરના કોઈ પણ વેહિકલમાં ચડી જઈ શકશે, દીકરી એવું નહીં કરી શકે. નવેનવું વાહન હશે તો પણ એ બગડી શકે છે અને બગડી ગયેલા વાહન સાથે દીકરીના આત્મવિશ્વાસને પણ અસર થઈ શકે છે. બહેતર છે કે વાહન આપતાં પહેલાં સંતાનોને એ વાહનનું જ્ઞાન આપો, તેને એને માટે તૈયાર કરો.

columnists manoj joshi