દીકરી ભણવા જાય છે કે પછી શૂટિંગ કરવા જાય છે?

21 September, 2021 04:23 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

સાતેક દિવસ બાદ ખુદ પોલીસ-ઇન્સ્પેક્ટર તેના ઘરે આવ્યા. બાપે તેમની ઉચિત સરભરા કરી અને પછી પૂછ્યું, ‘છોકરાઓ પકડાયા?’

પ્રતીકાત્મક તસવીર

‘સાહેબ! એક ફરિયાદ નોંધાવવા આવ્યો છું.’ ૪૫ વર્ષનો એક યુવક પોલીસ-સ્ટેશને પહેલી જ વાર આવ્યો છે. તેની સાથે તેનો એક પરિચિત મિત્ર પણ છે. પોલીસ-ઇન્સ્પેક્ટર પાસે જઈને તેણે ફરિયાદ નોંધી લેવાની વિનંતી કરી એટલે ઇન્સ્પેક્ટરે ફરિયાદ પૂછી એટલે યુવકે કહ્યું, ‘મારી યુવાન પુત્રી છેને...’ 
‘અપહરણ થઈ ગયું છે તેનું?’પોલીસે પૂછ્યું. યુવકે ના પાડી એટલે ફરી સવાલ આવ્યો, ‘ઘરેથી ભાગી ગઈ છે?’
‘ના.’ 
‘આપઘાત કર્યો તેણે?’ યુવકે ના પાડી એટલે ઇન્સ્પેક્ટર અકળાયો, ‘તો પછી?’
‘તે કૉલેજમાં જાય ત્યારે આવારા છોકરાઓ તેને ખૂબ હેરાન કરે છે.’ પેલાએ કહ્યું, ‘મશ્કરી કરે, ગંદા શબ્દો બોલે, સાથે ફરવા આવવાની ઑફર કરે... આવું રોજ બને છે.’
‘સારું, તમે બધી વિગત નોંધાવી દો. હેરાન કરનારા બધાની ડાગળી અમે ઠેકાણે લાવી દઈશું.’ 
યુવકે બધી વિગત વ્યવસ્થિત લખાવી દીધી. પોલીસ ફરિયાદ ગંભીરતાથી લે એવા વિચારે ઇન્સ્પેક્ટરના હાથમાં પ૦૦ રૂપિયાની નોટ પણ પકડાવી દીધી. બીજા જ દિવસથી પોલીસ-તપાસ ચાલુ થઈ ગઈ. બાપને ખ્યાલ આવી ગયો કે સાદા વેશમાં પોલીસો ગોઠવાઈ ગયા છે. તેને સંતોષ થયો અને ખાતરી થઈ ગઈ કે નોંધાવેલી ફરિયાદનું નિરાકરણ થશે. 
સાતેક દિવસ બાદ ખુદ પોલીસ-ઇન્સ્પેક્ટર તેના ઘરે આવ્યા. બાપે તેમની ઉચિત સરભરા કરી અને પછી પૂછ્યું, ‘છોકરાઓ પકડાયા?’
પેલાએ હા પાડી એટલે શું કાર્યવાહી કરવામાં આવી એવું પણ બાપે પૂછ્યું.
‘કંઈ નહીં, બધાને છોડી મૂક્યા.’ બાપના ચહેરા પર અચરજ આવ્યું એટલે ઇન્સ્પેક્ટરે કહ્યું, ‘ચોખવટ કરવા જ આવ્યો છું, દીકરીની મશ્કરી કરનારાઓને તો મેં પછી જોયા, પણ કૉલેજ જવા નીકળેલી તમારી દીકરીને મેં પહેલાં જોઈ. તેણે શરીર પર જેવાં વસ્ત્રો પહેરેલાં હતાં એ જોઈને તો તેની મશ્કરી કરવાનું મન મને થઈ ગયું! તમે તેના બાપ છોને? તે કેવાં વસ્ત્રો પહેરીને કૉલેજ જાય છે એ તમે જોયું જ હશેને? તમે કીધું તમારી દીકરીને ક્યારેય કે તું કૉલેજ જાય છે, શૂટિંગમાં નહીં!’
ઇન્સ્પેક્ટરે હાથ જોડ્યા અને કહ્યું, ‘તમને ખાસ કહેવા આવ્યો છું કે દીકરીને મર્યાદાસભર વસ્ત્રો પહેરીને કૉલેજમાં જવાની સૂચના નહીં આપો તો કાલે કાં તો તે પોતે કોઈકની સાથે ભાગી જશે અને કાં તો કોઈક તેનું અપહરણ કરી જશે! તમે ફરિયાદ કરવા પછી આવશો નહીં અને આવશો તોયે અમે ગંભીરતાથી મન પર લઈશું નહીં’ 
બાપને બોલવા જેવું કાંઈ રહ્યું જ નહીં. આપણી ભૂલને સાચી રીતે ઓળખે એનું નામ શિક્ષણ.

columnists