વિજયા દશમીમાં શુકનનું શૉપિંગ

24 October, 2020 06:41 PM IST  |  Mumbai | Bhakti D Desai

વિજયા દશમીમાં શુકનનું શૉપિંગ

પ્રતીકાત્મક તસવીર

વિજયાદશમીના દિવસે પહેલાં આયુધપૂજાનું મહત્ત્વ હતું. લોકો પોતાનાં શસ્ત્રો સાફ કરીને એની પૂજા કરતાં. હવેના જમાનામાં નવાં વાહનો ખરીદવાનું, જૂનાં વાહનોનું પૂજન કરવાનું, શુભતાના પ્રતીક રૂપે ટોકન સોના-ચાંદીની ખરીદી કરવાની પરંપરા ચાલી આવે છે. પૅન્ડેમિકને કારણે મંદ માર્કેટ હોવા છતાં કંઈક અંશે આ તહેવારોની ચમક પાછી આવી રહી છે. દશેરાના દિવસે વર્ષોથી કંઈક નવું ખરીદવાનો જે પરિવારમાં શિરસ્તો છે એ આજે એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ પણ જળવાશે. આજે મળીએ એવા કેટલાક એવા પરિવારોને જેઓ આ પરંપરાને જાળવી રાખવાના છે

મંદિરમાં આવનાર દરેક ભક્ત એક શુભકામના લઈને આવે છે અને તેથી જ મંદિરમાં પ્રવેશતાંની  સાથે જ હૃદયમાં એક સકારાત્મકતાની અનુભૂતિ થતી હોય છે એવી જ રીતે આસો સુદ દસમનો દિવસ શાસ્ત્રના ઇતિહાસમાં વિજય સાથે સંકળાયેલો છે. આખા ભારતવર્ષમાં લોકો આ દિવસને અસત્ય પર થયેલા સત્યની વિજય માટે મનાવે છે. દશેરાએ ભગવાન શ્રી રામે રાવણને માર્યો,  આ જ દિવસે  દેવી દુર્ગાએ મહિષાસુરનો પણ વધ કર્યો હતો અને મહાભારત પ્રમાણે હજી એક વિજય એટલે કે તેર વર્ષના વનવાસ પછી પાંડવો પોતાનું રાજ્ય પાછું મેળવવા હસ્તિનાપુર તરફ આવ્યા. આમ દશેરાનો દિવસ પોતે પોતાનામાં અનેક વિજય માટે ઘડાયો છે. આ એક શક્તિનું પર્વ છે, એક શસ્ત્રપૂજનની પણ તિથિ છે. વર્ષોથી આપણે ત્યાં આ દિવસે સોનું અથવા ચાંદી ખરીદવાની પણ પ્રથા છે અને જો વાહન લેવાની અનુકૂળતા હોય તો લોકો વાહન ખરીદવા માટે દશેરાના દિવસને વધુ પસંદ કરે છે. આ દશેરામાં ખરીદી કરનાર લોકોને મળીએ અને જાણીએ તેમનાં મનમાં આ દિવસનું મહત્ત્વ કેમ છે. આચાર્ય નિષ્ણાત પાસેથી આ પ્રથાઓની શરૂઆત કેમ અને કેવી રીતે થઈ અને શાસ્ત્રના દૃષ્ટિકોણથી આનું માહાત્મ્ય પણ જાણીએ.

હું દર વર્ષે દશેરાએ  સોનાની ખરીદી કરતી હોઉં છું, પણ આ વર્ષે ગાડીની ખરીદી કરવાની છું: કૃપા માણિક

પાર્લામાં રહેતાં અને સાઉથ મુંબઈમાં પોતાનું સૅલોં ધરાવતાં કૃપા માણિક અહીં કહે છે, ‘હું સકારાત્મકતામાં ખૂબ વિશ્વાસ રાખું છું અને મારો દૃઢ વિશ્વાસ છે કે જીવનમાં કેટલી પણ વિકટ પરિસ્થિતિ આવે આપણે પોતાની અંદરની સકારાત્મકતાને બનાવી રાખવી જોઈએ અને આને જ કારણે મને દશેરાનો દિવસ ખૂબ ગમે છે. આ દિવસ સાથે વિજયના અને ઉત્સાહના લોકોના ભાવો વર્ષોથી સંકળાયેલા છે એ આને વધુ શુભ બનાવે છે. આમ તો હું દર વર્ષે આ દિવસે સોનાની ખરીદી કરતી હોઉં છું, પણ આ વર્ષે ગાડીની ખરીદી કરવાની છું. મારે માટે આ ગાડીનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે આ હું મારી મહેનતની કમાણીમાંથી ખરીદી રહી છું. મારી દીકરી દિયા ૧૮ વર્ષની છે અને તે પણ આ વાતને લઈને ખૂબ ખુશ છે અને સાથે જ તે ખૂબ ગર્વ અનુભવી રહી છે કે તેની મા પોતાની મહેનતમાંથી એક સુવિધાનું સાધન ખરીદી રહી છે. અનેક વર્ષોથી હું દશેરામાં સોનાની ખરીદી માટે પૈસા જમા કરું છું અને સોનું ખરીદીને એક બચત પણ કરી લઉં છું, પણ આ વર્ષે ઈશ્વરની કૃપાથી એક મોટી અને ઉપયોગી વસ્તુની ખરીદી કરી રહી છું એની અમને ખૂબ ખુશી છે.’

અમે નવી કારની ડિલિવરી દશેરાને દિવસે જ મળે એવો આગ્રહ કર્યો છે: ચેતન પાંધી

બોરીવલીમાં રહેતા વેપારી ચેતન પાંધી દશેરામાં શસ્ત્રની પૂજાને વિશેષ મહત્ત્વ આપે છે અને આ દિવસને વાહનની ખરીદી કરવાને ઉત્તમ માને છે. તેઓ કહે છે, ‘દશેરામાં વાહનની ખરીદીનો મહિમા ખૂબ છે અને આ વખતે અમે કિયાની સૉનેટ કાર બુક કરાવી છે અને ખાસ આગ્રહ કર્યો છે કે આની ડિલિવરી દશેરાને દિવસે જ મળે. આ અમારા ઘરમાં ત્રીજી ગાડી છે. મારો વેપાર છે અને દશેરાનો દિવસ અમારે માટે આમ પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે, કારણ અમે આ દિવસે ફૅક્ટરી પર જઈને મશીનરી અને શસ્ત્રોની પૂજા કરીએ છીએ અને પછી બધાં મળીને નાસ્તો કરી દશેરાની ઉજવણી કરીએ છીએ. ભગવાન શ્રી રામે આ દિવસે અસ્ત્રોની પૂજા કર્યા પછી જ રાવણનો વધ કર્યો હતો તેથી આપણે આખા વર્ષ દરમ્યાન જે કોઈ સાધન, મશીનનો ઉપયોગ કરતા હોઈએ એની આ દિવસે પૂજા કરવી જ જોઈએ.’

તેમનાં પત્ની બીના પરિવારની બમણી ખુશીની વાતને આગળ ધપાવતાં કહે છે, ‘આ વર્ષે  અમારે ત્યાં વાહન ખરીદીની બમણી ખુશી છે. મારા દીકરા માટે હું હૉન્ડા ઍક્ટિવા ૬ જી પણ લઈ રહી છું અને આની ડિલિવરી પણ અમે દશેરાને દિવસે જ લઈ રહ્યાં છીએ. નવરાત્રિના દરેક દિવસ શુભ જ હોય છે, પણ આખા વર્ષ દરમ્યાન દશેરા એક એવો દિવસ છે જે નવા વાહનની ખરીદી માટે ઉત્તમ ગણાય છે. તેથી જ અમે બન્ને માટે દશેરાની પસંદગી કરી છે.’ 

૪૫ વર્ષ પહેલાં મમ્મીએ સોનું ખરીદવાની પ્રથા શરૂ કરેલી એ આજે પણ ચાલુ રાખીશું: તારાચંદ સાવલા

થાણેના માજીવાડામાં રહેતા વેપારી તારાચંદ સાવલા કહે છે, ‘દશેરા અત્યંત શુભ દિવસ છે. અમે આ દિવસે આશરે ૪૫ વર્ષોથી લાગલગાટ સોનું ખરીદીએ જ છીએ. આમ તો મારા પરિવારમાં આ પ્રથા મારા મમ્મીએ શરૂ કરી હતી અને તેઓ હંમેશાં આગ્રહ રાખતાં અને અમને સમજાવતાં કે આ દિવસે સોનાની ખરીદી કરવી ખૂબ જ શુકનવંતી ગણાય છે અને ખૂબ સારું ફળ આપે છે. તેથી કરવી જ જોઈએ. તેમના સમયથી અમે આ પરંપરા જાળવી રાખી છે. મેં મારાં બાના શબ્દોને ધ્યાનમાં રાખી સોનાના ભાવ કેટલાય આસમાને પહોંચે તોયે ઓછામાં ઓછું ૧ ગ્રામ અને વધુમાં વધુ ૨૫ ગ્રામ જેટલું સોનું દશેરાએ ખરીદ્યું છે અને વાસ્તવમાં હું મારા અનુભવ પરથી એક વાત કહી શકું કે દશેરામાં સોનું લેવાનાં પરિણામો ખૂબ સારાં છે. આનાથી ધીરે-ધીરે સમૃદ્ધિ વધી છે. એક સમય હતો જ્યારે અમે ખૂબ સીમિત કમાણીમાંથી ઘર ચલાવતાં હતાં, એમ કહું તો ચાલે કે માંડ-માંડ ઘર ચાલે એટલી જ આવક આવતી હતી. પણ હવે બધું વ્યવસ્થિત છે. પહેલાં તો સોનું પાંચસો રૂપિયા તોલો હતું અને આજે પચાસ હજાર પર પહોંચી ગયું છે. વર્ષાનુવર્ષ ધીરે-ધીરે અમારી પણ આવક વધતી ગઈ અને હવે તો ભાવનો વિચાર કર્યા વગર દશેરાએ અચૂક સોનું ખરીદીએ જ છીએ.’

આ વર્ષે બપોરે ૨.૦૫ વાગ્યાથી ૩ .૩૫ દરમ્યાન વિજય મુરત

બોરીવલીમાં રહેતા આચાર્ય મહારાજ હિતેશ દવેના ઘરમાં છેલ્લાં દોઢસો વર્ષોથી તેમના વડીલો વ્યાકરણાચાર્ય અને આચાર્યની પદવી અને જ્ઞાન ધરાવે છે. દશેરાનું માહાત્મ્ય વિવિધ સંદર્ભ સાથે સમજાવતાં તેઓ કહે છે, ‘દશેરા ખૂબ શુભ દિવસ છે. પણ આ દિવસ મૂળમાં શુભ છે અને આખા દિવસ દરમ્યાન એક વિજય મુરત હોય છે જ્યારે ખરીદી કરવાથી અધિક શુભ ફળ મળે છે. આ વર્ષે આ વિજય મુરત બપોરે ૨.૦૫ વાગ્યાથી બપોરે ૩ .૩૫ વાગ્યા સુધી છે. દશેરામાં સોનું લેવાનું કારણ એ હતું કે પહેલાંના જમાનામાં બચત કે રોકાણ માટે બૅન્ક નહોતી. આનું બીજું કારણ એ પણ છે કે પહેલાં પેઢી-દર પેઢી સાસુનાં સોનાનાં આભૂષણો જ નવી વહુને ચડાવવામાં આવતાં. એ સમયે મૂળ કામ ખેતી જ હતું અને જે વર્ષે એમાંથી લાભ ન મળે કે વરસાદ ઓછો-વત્તો પડે તો દશેરામાં લીધેલું સોનું ગિરવી મૂકી કે લે-વેચ માટે વાપરી આપણા વડવાઓ ખેતીપ્રધાન કામને આગળ વધારતા. એ સમયે બ્રાહ્મણોને દક્ષિણા પણ સોનામહોરથી જ અપાતી. આમ બચત થાય માટે સોનાની ખરીદી દશેરામાં કરતા. શાસ્ત્રમાં મૂળ તો જીવનાવશ્યક વસ્તુઓની ખરીદી કરવાની વાત છે એટલે જ દક્ષિણ ભારતમાં અમુક ઠેકાણે આ દિવસે ચોખાની પૂજા કરાય છે અને ખીર બનાવીને ખવાય છે. આનાથી ખેડૂતને પણ આજીવિકા મળે છે. આ આખી વાતમાં કારીગર અથવા શ્રમ કરનાર વર્ગને પૈસા મળે છે અને તેઓ પોતાનાં હથિયાર પણ ખરીદી શકે છે. બાકી તો દશેરા અને ખરીદીને લઈને અનેક લોકવાયકાઓ છે.’

શસ્ત્રોની પૂજા કેમ થાય છે અને શમીનાં પાન કેમ અપાય છે?

તેઓ આગળ સમજાવે છે, ‘દશેરામાં લોકો મશીનની અને શસ્ત્રોની પૂજા કરે છે એની પાછળનાં કારણ જોઈએ તો શાસ્ત્ર એમ કહે છે કે જેના દ્વારા તમે તમારી આજીવિકા મેળવો છો તેની પૂજા દશેરાને દિવસે કરવી જોઈએ. દ્વાપર યુગની વાત છે. ભગવાન પરશુરામે ૨૧ વખત ક્ષત્રિયોને મારી અને લોહીના કુંડ બનાવ્યા હતા. આનાથી બધા ક્ષત્રિયો ડરી ગયા અને તેઓ ક્ષત્રિય છે એ ખબર ન પડે તેથી રાજાઓએ પોતાનાં કીમતી આભૂષણો અને હથિયારો શમીના વૃક્ષમાં સંતાડી દીધાં. આ પછી જ્યારે ભગવાન શ્રી રામનો જન્મ થયો ત્યારે રાક્ષસો અને દૈત્ય જેવા માણસોને મારવા ભગવાન વિષ્ણુએ અવતાર લીધો છે એમ સમજાતાં પરશુરામ મન્દ્રાચલ પર્વતમાં તપ કરવા બેસી ગયા. પરશુરામના ભયમાંથી મુક્તિ મળતાં જ બધા રાજાઓ ખુશ થઈ ગયા અને તેઓએ શમીના વૃક્ષની પૂજા કરી. આમાં વૃક્ષનો આભાર માનવાનો એક ભાવ હતો કે આ વૃક્ષએ તેમનાં શસ્ત્રને સાચવ્યાં. તેઓએ તેમનાં હથિયારોની પણ દૂધ-જળથી સ્નાન કરાવી કંકુ અને ફૂલથી પૂજા કરી અને આ શમીના પાનને શુકનવંતું માની એકબીજાને આપવા લાગ્યા. ત્યારથી ખાસ કરીને મહારાષ્ટ્રમાં લોકો દશેરાને દિવસે શમીના પાનને સોના તરીકે આજેય આપે છે.’ 

હિતેશભાઈ કહે છે, ‘મલયાલમ ભાષાની એક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ ગોપાષ્ટમીને દિવસે ગાયો ચરાવવા ગયા. દશમને દિવસે તેમણે અઘાસૂરને માર્યો એટલે લોકો બધા ખુશ થઈ ગયા અને એ સમયના લોકો આજીવિકા કમાવવા માટે જે સાધન વાપરતા એ હતાં માટલાં, બળદગાડાં અને બળદ. તો ગોપ-ગોપીઓ મથુરા જઈને આ બધી વસ્તુઓની ખરીદી દશેરાને દિવસે કરવા લાગ્યાં એટલે દશેરાને દિવસે આ યુગની અંદર ગાડીઓ, લૅપટૉપ, મશીન્સ, સોનું, દુકાન, ફૅક્ટરીની ખરીદી કરવી, એનું ઉદ્ઘાટન કરવું આ બધી પ્રથા શરૂ થઈ ગઈ.’

columnists bhakti desai