આ પહેલાં ક્યારેય ચૈત્રી નવ‌રા‌ત્રિમાં આવાં સૂનાં મંદિરો જોયા નહીં હોય

28 March, 2020 05:19 PM IST  |  Mumbai | Shailesh Nayak/Sejal Patel

આ પહેલાં ક્યારેય ચૈત્રી નવ‌રા‌ત્રિમાં આવાં સૂનાં મંદિરો જોયા નહીં હોય

ભક્તોવિહોણું વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિર.

સામાન્ય રીતે જ્યારે માતાજીનાં મંદિરોમાં દર્શન માટે ભાવિકોનું ઘોડાપૂર ઊમટે એ સમયે કોરોનાના કારણે ભક્તો નિજ મંદિર સુધી પહોંચી શક્યા નથી, જોકે ભક્તો વતી મંદિરોમાં પૂજાઅર્ચના-આરાધના થઈ રહી છે. ભલે ભક્તો વિના માતાજીના ચાચર ચોક કે ચુંવાળ ચોક સૂમસામ પડેલા હોય ,ઘરે બેઠાં કરોડો ભક્તો માતાજીની  ઑનલાઇન ઉપાસના અને શક્તિની ભક્તિ કરી રહ્યા છે

તું કાળી ને કલ્યાણી હો મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા,

તું ભક્તોનાં દુઃખ હરનારી હે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા...

અત્યારે ચૈત્રી નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. માતાજીની પૂજાઅર્ચના–આરાધનાનો આ અવસર આવ્યો છે ત્યારે માતાજીનાં મંદિરોમાં સૂનકાર છવાયેલો છે. મુંબઈ હોય કે ગુજરાત, લૉકડાઉનના પગલે ભક્તો માટે મંદિરોમાં જઈને માના આ પર્વની ઉજવણી કરવાનું સંભવ નથી બન્યું. જે સમયે અહીં માભક્તોની હકડેઠઠ ભીડ જામતી હોય એ સમયે અત્યારે લિટરલી કાગડા ઊડે છે. માતાજી હાજરાહજૂર હોવા છતાં ભક્તોનાં દર્શન માટે તેનાં કમાડ બંધ છે. મુંબઈનું મહાલક્ષ્મી મંદિર હોય કે બોરીવલીનું મોટાં માતાજીનું મંદિર, અહીં રોજેરોજ નવરાત્રિ દરમ્યાન થતા પૂજાપાઠ નિયમિતપણે ચાલે છે; પણ કમી માત્ર ભાવિકોની છે. ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં અંબે માતાજી, બહુચરાજીમાં બહુચર માતાજી, પાવાગઢમાં કાલિકા માતાજી, માતાના મઢમાં આશાપુરા માતાજી, ચોટીલામાં ચામુંડા માતાજી, રાજપીપળામાં હરસિદ્ધિ માતાજી, અમદાવાદમાં ભદ્રકાળી માતાજી અને માટેલમાં આવેલાં ખોડિયાર માતાજીના મંદિર સહિત ગુજરાતમાં આવેલાં સુપ્રસિદ્ધ મંદિરો માઈભક્તો માટે હાલપૂરતાં બંધ છે ત્યારે પહેલી વાર એવો માહોલ સર્જાયો છે કે ચૈત્રી નવરાત્રિમાં માઈ મંદિરો ભાવિકો વિના સૂનાં થયાં છે. સામાન્ય સંજોગોમાં ચૈત્રી નવરાત્રિમાં માતાજીનાં મંદિરોમાં દર્શન માટે ભાવિકોનું ઘોડાપૂર ઊમટે છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે ભક્તો નિજ મંદિર સુધી પહોંચી શક્યા નથી. જોકે આ યાત્રાધામોમાં પૂજારીઓ માતાજીની પૂજા અર્ચના–આરતી કરીને આવી પડેલી કોરોનાની વિપદામાંથી ભાવિકોની રક્ષા કરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ભક્તો વતી મંદિરોમાં પૂજાઅર્ચના અને આરાધના થઈ રહી છે.

વૉટ્સઍપ દ્વારા માતાજીનાં દર્શન

સામાન્ય રીતે નવરાત્રિ દરમ્યાન બોરીવલી-ઈસ્ટનું મોટાં માતાજી મંદિર જબરી ચહલપહલ ધરાવતું હોય, પરંતુ લૉકડાઉનના પગલે લોકોની સુરક્ષા કાજે મંદિર બંધ છે. મંદિરના ૭૦ વર્ષના ઇતિહાસમાં ક્યારેય આવું બન્યું નથી એમ જણાવતાં મહંત જનકભાઈ જાની કહે છે, ‘નવરાત્રિ જેવા તહેવારમાં ભક્તો વિનાનું મંદિર હોય એવું પહેલી વાર બન્યું છે. જોકે નવરાત્રિના નિયમ મુજબની માતાજીની પૂજાઅર્ચનામાં કશું જ બદલાયું નથી. સવારે ચાર વાગ્યે ઊઠીને અભિષેક થાય અને સાડાછ સુધીમાં શૃંગાર થાય. એ પછી ભોલેનાથની અને માતાજીની આરતી. નવ વાગ્યે જ્યાં ઘટસ્થાપન થયું છે ત્યાં ચંડીપાઠ ચાલુ થાય. બપોરે ભોગ ધરાય એ પછી થોડોક આરામ હોય. સાંજે આરતી પછી પૂજારી અને પરિવારના લગભગ આઠ-દસ જણ મળીને ગરબા ગાઈએ. ભક્તો માટે ભલે મંદિર બંધ હોય, પણ અમે વૉટ્સઍપ ગ્રુપ પર ભક્તોને રોજેરોજના શૃંગાર, મહાભોગ અને પાઠનાં દર્શન જરૂર કરાવીએ છીએ. પ્રત્યક્ષ દર્શન હોય કે પરોક્ષ, માતાજી માટે મનમાં ભાવ હોય એ જ મહત્ત્વનું છે.’

બોરીવલી મોટા અંબાજી મંદિર 

૩૬૫ દિવસ ગાજતું મહાલક્ષ્મી મંદિર સૂનું-સૂનું

નવરાત્રિ જ નહીં, વર્ષના ૩૬૫ દિવસ જ્યાં ભક્તોની લાઇન લાગેલી હોય છે એવું મુંબઈનું મહાલક્ષ્મી મંદિર અત્યારે ભેંકાર ભાસે છે. ત્રણેક પૂજારીના પરિવારો અહીં પાસેના ક્વૉર્ટર્સમાં જ રહે છે. તેઓ માતાજીની નવરાત્રિમાં પૂજા-સેવા અને પાઠ કરી રહ્યા છે. ભક્તો વિના સૂના મંદિરમાં જબરો ખાલીપો અનુભવતા પૂજારી કેતન સોહની કહે છે, ‘આવું દૃશ્ય ક્યારેય જોયું નહોતું. નવરાત્રિ જેવા મહાપર્વમાં ભક્તો વિનાનું આવું મંદિર જોવા મળશે એવી કલ્પના પણ કોઈએ નહીં કરી હોય. જોકે આ પણ એક કુદરતનું જ કહેણ છે એમ સમજીએ. ભક્તોની સેફ્ટી માટે મંદિરનાં કમાડ બંધ રાખ્યાં છે, પરંતુ સવારે સાડાપાંચ વાગ્યાથી મંદિરની આંતરિક પૂજાપાઠની વિધિ રાબેતા મુજબ ચાલે છે. પહેલી વાર મંદિરનું પ્રાંગણ કોઈ જ ચહલપહલ વિનાનું બોરિંગ ભાસે છે. અમે ત્રણેક પૂજારી પરિવારો અહીં જ રહીએ છીએ અને માતાજીની પૂજા-સેવા કરીને રોજ તેમને પ્રાર્થના કરીએ છીએ કે બહુ વહેલી તકે દુનિયાને આ કષ્ટમાંથી ઉગારી લો. ’

અંબાજીમાં ઘટસ્થાપનનું લાઇવ ટેલિકાસ્ટ

ચૈત્રી નવરાત્રિના આ નવ દિવસોમાં સામાન્ય સંજોગોમાં માતાજીનાં મંદિરો માઈભક્તોથી હકડેઠઠ ભરાયેલા હોય છે. ભાવિકો મંદિરોમાં જઈને માતાજીની આરાધના કરતા હોય છે, માતાજીના ગરબા ગાઈને હર્ષોલ્લાસ કરતા હોય છે, માતાજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આ ચૈત્રી નવરાત્રિમાં કોરોનાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં ઊભા થટેલા માહોલ વિશે શક્તિપીઠ અંબાજીમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરના પૂજારી તન્મય મહારાજ કહે છે કે ‘કોરોનાની મહામારીના કારણે વિશ્વ પીડાઈ રહ્યું છે. નવરાત્રિ આ પર્વમાં મંદિરમાં યાત્રાળુઓ એકઠા થાય તો ઇન્ફેક્શનનો ભય છે એટલે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખ્યું છે. આવી મહામારી પહેલી વાર આવી છે એટલે સમય સંજોગો એવા છે કે મંદિર ભાવિકો માટે બંધ કર્યું છે. ચાચર ચોક ભાવિકો વગર સૂનો છે. જોકે મંદિરમાં પૂજા, પાઠ, આરતી, રાજભોગનો નિત્યક્રમ જળવાઈ રહ્યો છે. માતાજીને અરજ કરી છે કે કોરોનાનું સંકટ દૂર કરે અને ભાવિકોનું સ્વાસ્થ્ય સારું રહે એવી લોકહિતાર્થની ભાવના સાથે માતાજીને પ્રાર્થના કરી છે. વર્ષમાં ચાર નવરાત્રિ હોય છે. આસો અને ચૈત્ર મહિનાની નવરાત્રિ હોય છે તેમ જ બે ગુપ્ત નવરાત્રિ હોય છે. આપણે ત્યાં આસો અને ચૈત્રી નવરાત્રિની ઉજવણી થાય છે.’

અંબાજી મંદિરના મીડિયા કો-ઑર્ડિનેટર આશિષ રાવલ કહે છે કે ‘અંબાજી મંદિરના ઇતિહાસમાં આ ચૈત્રી નવરાત્રિની શરૂઆતમાં ઐતિહાસિક મંગળ ઘટના પહેલી વાર બની. ઘટસ્થાપન અને મંદિરનાં દર્શનનું લાઇવ ટેલિકાસ્ટ સોશ્યલ મીડિયાના માધ્યમથી કરવામાં આવ્યું હતું. ભાવિકો માટે ક્યારેય મંદિર બંધ રહ્યું નથી, પરંતુ કોરોનાના કારણે મંદિર ભાવિકો માટે બંધ રાખવું પડ્યું છે. પરંતુ ભાવિકો ઑનલાઇન દર્શન કરી રહ્યા છે.’

મહાલક્ષ્મી મંદિર

બહુચરાજીમાં બાબરી ઉતરાવવાનું પણ બંધ

બહુચરાજીમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ બહુચરાજી માતાજીના મંદિરના પૂજારી તેજસ રાવલ કહે છે કે ‘આ ચૈત્રી નવરાત્રિમાં બહુચર માતાજીના મંદિરમાં આવો માહોલ આ પહેલાં જોયો નથી. બહુચરાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનું મહત્ત્વ વિશેષ છે. ઘટસ્થાપનમાં હજારોની મેદની હોય છે, આરતી–પૂજા–થાળ દરમ્યાન ભાવિકો એટલા હોય છે કે ઉત્સાહ, આનંદનું દિવ્ય વાતાવરણ હોય છે. પરંતુ હાલમાં કોરોનાની સ્થિતિના કારણે મંદિરમાં અમે બેત્રણ પૂજારીઓ માતાજીની સેવાપૂજા કરીએ છીએ. ઘટસ્થાપનના દિવસે અમે બહુચર માતાજીને પ્રાર્થના કરી છે કે કોરોનાની મહામારી ચાલી રહી છે એમાંથી બધાનું રક્ષણ કરજો, માતાજી બધાને સમર્થ બનાવે અને બધાનું રક્ષણ કરે.’

ચૈત્રી નવરાત્રિનું બહુચરાજીમાં વિશેષ મહત્ત્વ હોય છે એનું કારણ જણાવતાં તેઓ કહે છે કે ‘બહુચરાજી માતાજીનો પ્રાગટ્ય દિવસ ચૈત્રી પૂનમે આવે છે એટલે આ મહિનાનું મહત્ત્વ વિશેષ છે. આ ઉપરાંત ચૈત્ર સુદ એકમથી આખા મહિના દરમ્યાન વાલીઓ તેમનાં બાળકોની બાબરી ઉતરાવવા માટે બહુચરાજી આવે છે. સામાન્ય રીતે ચૈત્ર મહિનામાં રોજનાં ૨૦૦થી વધુ બાળકોની બાબરી ઊતરતી હોય છે. પણ અત્યારે કોરોનાના કારણે ભાવિકો માટે મંદિર પ્રવેશ બંધ છે એટલે આ વખતે કોઈ વાલી તેમના બાળકની બાબરી ઉતારવા આવ્યા નથી.’

પાવાગઢમાં પણ સન્નાટો

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આવેલા શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી રાજુભાઈ ભટ્ટ કહે છે કે ‘ચૈત્રી નવરાત્રિ દરમ્યાન અહીં કાલિકા માતાજીનાં દર્શન માટે લાખો ભક્તો આવતા હોય છે. પરંતુ હાલમાં કોરોનાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ એવી છે કે માતાજીના ભક્તોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને હાલમાં ભક્તો માટે મંદિરે ન આવે એ જરૂરી છે. અમે ભક્તોને કહીએ છીએ કે માતાજીની આરાધના ગમે ત્યાંથી કરી શકો છો. માતાજી નથી કહેતા કે મંદિરમાં આવીને આરાધના કરો. માતાજી સર્વવ્યાપી છે. ભારત પર આવી પડેલી આ મહામારી–મુશકેલીમાંથી બહાર નીકળવાનો આશરો માતાજી પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા છે. અમે કાલિકા માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે આ જગતને કોરોનાની મહામારીમાંથી બચાવવાની જવાબદારી તારી છે મા, બધા ભક્તોની રક્ષા કરજે. અમે અરજ કરીએ છીએ કે માતાજી, બધા ભાવિકોની મનોકામના પૂર્ણ કરજે. પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિમાં લાખો ભાવિકો દર્શન કરવા આવતા હોય પણ આજે ભાવિકો તેમના ઘરે બેસીને યથાશક્તિ ભક્તિ કરતા હશે તેમનું માતાજી ભલું કરે એવી પ્રાર્થના કરી છે.’

આશાપુરા માતાજી મંદિરના ગાદીપતિ રાજા બાવા યોગેન્દ્રસિંહજીએ રાખી ટેક, આખી જિંદગી એકટાણું કરીશ

કોરોનાનો કેર શાંત પડે એ માટે વિશ્વના કરોડો નાગરિકોના કલ્યાણ અર્થે કચ્છમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ આશાપુરા માતાજી મંદિર, માતાનો મઢ, જાગીર ટ્રસ્ટના અધ્યક્ષ ગાદીપતિ રાજા બાવા યોગેન્દ્રસિંહજીએ વિશ્વ શાંતિ માટે આખી જિંદગી એકટાણું કરવાની ટેક રાખી છે. માતાનો મઢ, જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા કહે છે કે ‘ગાદીપતિ રાજા બાવા યોગેન્દ્રસિંહજી પૂજામાં બેઠા હતા ત્યારે સંકલ્પ લીધો હતો કે આશાપુરા માતાજી કોરોનાથી બધાને બચાવો, કોરોના નીકળી જાય એ માટે વિશ્વ શાંતિ માટે જિંદગીભર એકટાણું જમીશ. અનુકૂળતા હશે ત્યારે લક્ષ્યચંડી યજ્ઞ કરાવીશ.’

આશાપુરા મંદિર, માતાના મઢમાં ગાદીપતિ રાજા બાવા યોગેન્દ્રસિંહજી ચૈત્રી નવરાત્રિના આ પર્વમાં અનુષ્ઠાન કરી રહ્યા છે. દર વર્ષે ચૈત્રી નવરાત્રિમાં આશાપુરા માતાજીના મંદિરમાં ભાવિકોનો ધમધમાટ રહેતો હોય છે. નવરાત્રિના આ પર્વમાં રોજના હજારોની સંખ્યામાં ભાવિકો માતાજીનાં દર્શન કરવા આવે છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે ચૈત્રી નવરાત્રિમાં મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવ્યું છે. 

shailesh nayak sejal patel weekend guide columnists