નીચેથી પહોળું અને ઉપરથી શૂન્યાકાર હોય એ નાગર શૈલી

21 April, 2024 02:14 PM IST  |  Mumbai | Chandrakant Sompura

દ્રવિડ શૈલીનું મંદિર ચોરસ હોય છે. એમાં ઉપરથી પણ મંદિરની પહોળાઈ સરખી જ રહે છે. આવું કરવા પાછળ બન્ને શૈલીના સિદ્ધાંતો મહત્ત્વના બન્યા છે

નાગર શૈલીનાં મંદિરો

મંદિરો બનાવવાની ઘણી શૈલી હોય છે, પણ મુખ્યત્વે આપણે ત્યાં બે શૈલીનાં મંદિરો બને છે. ઉત્તર ભારતમાં નાગર શૈલીનાં મંદિરો જોવા મળે છે તો દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીનાં મંદિરો બને છે. ઉત્તર ભારતની જેમ જ આપણે ત્યાં એટલે કે પશ્ચિમ ભારતમાં પણ નાગર શૈલીનાં જ મંદિરો બને છે. આપણું સોમનાથનું જે મંદિર છે એ નાગર શૈલીનું મંદિર છે અને હમણાં અયોધ્યામાં રામલલાનું જે મંદિર બન્યું છે એ પણ નાગર શૈલીનું જ મંદિર છે તો કોણાર્ક મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર પણ નાગર શૈલીનાં જ મંદિરો છે. પહેલું અક્ષરધામ જે ગાંધીનગરમાં બન્યું એ પણ અમે બનાવ્યું છે. એ મંદિર પણ નાગર શૈલીનું જ છે અને એ પછી બનેલાં તમામ અક્ષરધામ પણ નાગરશૈલીનાં જ મંદિરો છે. નાગર શૈલીની વિશેષતા કહું.

નાગર શૈલીનું મંદિર નીચેથી ઉપર તરફ એટલે કે કળશ પાસે જતાં ઝીરો એટલે કે શૂન્ય થઈ જાય છે. સાદી ભાષામાં તમે એમ કહી શકો કે નાગર શૈલીનાં મંદિરો પિરામિડ જેવાં હોય. નીચેથી પહોળાં અને ઉપર જતાં સુધીમાં સાંકડાં થઈને કળશ પાસેથી શૂન્યાકાર. દ્રવિડ શૈલીનાં જે મંદિરો હોય છે એમનો આકાર જુદો હોય છે.

દ્રવિડ શૈલીનાં મંદિરો ચોરસ આકારનાં હોય છે. એ મંદિરો ઉપરની તરફ પહોંચતાં સુધીમાં પણ પોતાનો આકાર બદલતાં નથી, શૂન્યાકાર નથી બનતાં પણ ચોરસ જ રહે છે. આવું શું કામ હોય છે એની પાછળ ઇતિહાસ અને શાસ્ત્રોની વાત છે જે આપણે વિસ્તારપૂર્વક પછી કરીશું કારણ કે એ જાણવાલાયક છે. જોકે વિષય નીકળ્યો છે તો નાગર અને દ્રવિડ શૈલી વિશે ટૂંકમાં કહું તો નાગર શૈલીમાં એવી માન્યતા છે કે આપણે શૂન્યાકાર થઈને ઈશ્વર તરફ ગતિ કરવાની છે. આ માન્યતાને કારણે નાગર શૈલીમાં મંદિરની ટોચને શૂન્ય એટલે કે ઝીરો કરવામાં આવે છે. નાગર શૈલીના મંદિરમાં માત્ર આ ટોચની જ વાત હોય એવું નથી. નાગર શૈલીમાં મંદિરને પ્રદક્ષિણા-પથ પણ આપવામાં આવે છે જે સોમનાથમાં પણ છે અને અક્ષરધામમાં પણ રાખવામાં આવ્યો છે.
દ્રવિડ શૈલીના મંદિરની વાત કરું તો એમાં એવું માનવામાં આવે છે કે ભગવાન પાસે પહોંચવા માટે એક પથની જરૂર હોય છે એટલે એ શૈલીમાં જેવડું મંદિર હોય એટલી જ એની ટોચ રાખવામાં આવે છે. કહ્યું એમ દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલી જ ચાલી રહી છે, પણ એનો અર્થ એવો નથી કે ત્યાં નાગર શૈલીનાં મંદિરો નથી બનતાં. બને જ છે, પણ એની સરખામણીએ પશ્ચિમ ભારતમાં દ્રવિડ શૈલીનાં મંદિરો પ્રમાણમાં ઓછાં જોવા મળે છે.

નાગર શૈલીનાં મંદિરોને મહામેરુ પ્રસાદ પણ કહેવાય. ભગવાનના નામ પરથી આ નામ પડ્યું છે. શિવનું જ એક નામ છે જેના પરથી આ મહામેરુ પ્રસાદ નામ છે. શિખરોની જે સંખ્યા હોય એના પરથી આ પ્રકાર નક્કી થાય. મહામેરુ પ્રસાદની રચના નીચેથી એટલે કે પાયામાંથી જ થાય. એ મહામેરુ પ્રસાદ ગણાય અને એ સભ્રમ પ્રસાદ તરીકે પણ ઓળખાય છે. સભ્રમ એટલે ભ્રમ સાથેનું, જેમાં પ્રદક્ષિણા અંદરની બાજુએ હોય છે. ગર્ભગૃહ પછી પ્રદક્ષિણા, એ પછી દીવાલ અને એ બધા ઉપર મંદિરનું શિખર હોય એને સભ્રમ કહેવાય. સભ્રમ પ્રથા મુજબના મંદિરની વાત કરું તો આપણે ત્યાં અંબાજીમાં જે મંદિર છે એ સભ્રમ પ્રસાદ મુજબનું છે. તારંગામાં જે જૂનું જૈન દેરાસર છે એ પણ સભ્રમ પ્રથા મુજબનું છે. આપણે ત્યાં સભ્રમ પ્રસાદ મુજબનાં બહુ ઓછાં મંદિરો બને છે. સોમનાથ પણ આ સભ્રમ મુજબનું મંદિર છે. તમે કહી શકો કે આઝાદી પછીનું આ પહેલું મંદિર છે જે સભ્રમ પ્રથા મુજબ તૈયાર કરવામાં આવ્યું છે.

સભ્રમની જો વાત કરું તો આ એક બહુ જૂની સંસ્કૃતિ ગણાય છે. તમે કહી શકો કે જ્યારથી મંદિરની રચનાઓ થઈ ત્યારથી એનું અસ્તિત્વ છે. સભ્રમ પ્રથાથી બનતા પ્રસાદ બહુ મોટા-મોટા હોય છે એટલા માટે આપણે ત્યાં એ બહુ બનતા નહીં.

પહેલાં ગર્ભગૃહ અને આગળ મંડપ અને આમ કરીને બધા બનાવીને એને મંદિર તરીકે મૂકી દેતા. બહુ મોટું મંદિર મહાપ્રસાદ બનાવવા હોય તો એ જ સભ્રમ પ્રસાદ બને. પહેલાંના જૂના સોમનાથ મંદિરની વાત કરું તો એ સભ્રમ જ હતું. એના પ્લાન પરથી જે અવશેષો હતા એ જોયા પછી સ્પષ્ટ દેખાતું હતું કે એ સભ્રમ છે એટલે જ એ સમયે મારા દાદા પ્રભાશંકર સોમપુરાએ સભ્રમ પ્રથા મુજબ જ સોમનાથ મંદિર બનાવ્યું. આ સોમનાથ મંદિર વિશે આપણે અગાઉ ઘણી વાત થઈ છે એમાં એક વાતનો ઉમેરો કરવાનો. પ્લીન્થ સુધી એ મંદિરનું કામ એ સમયની સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, પણ એ પછીની જવાબદારી અમને સોંપવામાં આવી અને દાદા તથા મારા પિતા બળવંતભાઈ સોમપુરાએ એ પૂરું કર્યું.

columnists gujarati mid-day