સાચું શિક્ષણ

02 December, 2022 04:38 PM IST  |  Mumbai | Dr. Gyanvatsal Swami

માર્ટિન લ્યુથર કિંગ પણ કહે છે કે બુદ્ધિમત્તા અને ચારિત્ર એ સાચા શિક્ષણનું લક્ષ્ય છે. ભલે બાળકે અભ્યાસમાં સારામાં સારી ડિગ્રીઓ પ્રાપ્ત કરી હોય, પણ તે જો ચારિત્રના પાઠ નહીં શીખ્યું હોય તો તે પોતે તો સુખી નહીં જ થાય, પણ માતાપિતાને પણ સુખ નહીં આપી શકે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આજે એજ્યુકેશન એટલે કે કેળવણી શબ્દ આપણે ભણતર પૂરતો મર્યાદિત કરી દીધો છે. બાળક થોડું મોટું થાય, એટલે તેને પ્રાથમિક શિક્ષણ આપવું અને ત્યાર બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપવું અને ત્યાર બાદ કૉલેજમાં ભણાવી સ્નાતક બનાવવો એટલે માબાપ પોતાની એક જવાબદારી પૂર્ણ થયાનો સંતોષ માને છે, પરંતુ ભણતર તો આ કેળવણીનો એક ભાગ છે. એથીયે મહત્ત્વનો ભાગ તો તેના ચારિત્ર્યનું ઘડતર છે. ભલે બાળક અભ્યાસમાં ગમે તેટલું તેજસ્વી હોય, સારામાં સારી ડિગ્રીઓ પ્રાપ્ત કરી હોય, પણ તે જો ચારિત્ર્યના પાઠ નહીં શીખ્યું હોય, તો તે પોતે તો સુખી નહીં જ થાય, પણ માતાપિતાને પણ સુખ નહીં આપી શકે. અરે, કદાચ સમાજને પણ ભારરૂપ બની શકે. માર્ટિન લ્યુથર કિંગ પણ કહે છેઃ  બુદ્ધિમત્તા અને ચારિત્ર્ય એ સાચા શિક્ષણનું લક્ષ છે.

પ્રમુખસ્વામી મહારાજ ઇંગ્લૅન્ડના લેસ્ટર શહેરમાં વિરાજતા હતા. તેઓ રોજ સવારે ભગવાનની પૂજા કરે, ત્યારે પુષ્પોની જરૂર પડે. એ માટે બાળકોએ શેરીઓમાં ઘૂમી સ્થાનિક રહેવાસીઓની અનુમતિથી તેમના આંગણમાં ઊગેલાં પુષ્પોમાંથી એક કે બે લાવવાં એવું આયોજન થયું હતું. સ્થાનિક અંગ્રેજ રહેવાસીઓને પોતાના આંગણમાં પુષ્પો ઓછાં થાય એ ન ગમે, એટલે એક કે બેથી વધુ પુષ્પો લેવા અનુમતિ ન આપે. તેમાં એક બાળક સવારે વહેલાં ૫.૩૦ વાગ્યે પહોંચી જેટલાં પુષ્પો ચૂંટવાની અનુમતિ હોય, તેથી પણ થોડાં વિશેષ લઈ લે. જોકે એવા વિચાર સાથે કે સાંજે આપણે તેમના માલિકોને જણાવી દઈશું. કોઈક રીતે આ વાત સ્વામીજીની જાણમાં આવી. તેથી એક સંતને તેમણે પૂછ્યું કે આ પુષ્પો જે લાવે છે, તે બાળકને બોલાવો. ત્યારે પેલા સંત આ બાળકને લઈ આવ્યા. સ્વામીજી તે વખતે ભગવાન સ્વામીનારાયણનો આચાર-સંહિતાનો ગ્રંથ શિક્ષાપત્રી વાંચતા હતા. એમાંથી શ્લોક બતાવીને સ્વામીજીએ તે બાળકને સમજાવ્યું, ‘જો, ભગવાને કહ્યું છે કે ધણીને પૂછ્યા વગર એક પુષ્પ પણ ન ચૂંટાય. એ ચોરી કહેવાય. મારી પૂજામાં પુષ્પ નહીં હોય તો ચાલશે, પણ આવાં પુષ્પો જોઈતાં નથી. સત્સંગીથી ચોરી થાય જ નહીં.’

માલિકની પરવાનગી હોવા છતાં એકને બદલે બે પુષ્પ ચૂંટે એ પણ સ્વામીજીને મન ચોરી જ હતી. તેમણે કરેલી આ ટકોર તે બાળકના જીવનમાં ઊતરી ગઈ.

બે વર્ષ પછી એક વાર તે બાળક બીજાં બાળકો સાથે મંદિરમાં ટેબલટેનિસ રમતો હતો. અડધી રમતે બૉલ પર કોઈનો પગ પડતાં ચગદાઈ ગયો. તે બાળક તરત જ બાજુમાં આવેલા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગયો. માણસોની ભીડમાં ટેબલટેનિસના છ બૉલનું એક પૅકેટ લીધું. પૈસા તો હતા જ નહીં, પણ રમત પૂરી કરવી હતી, તેથી એક બૉલ ખિસ્સામાં સરકાવી દીધો, પણ જ્યારે તે મંદિરના પગથિયે આવ્યો ત્યારે અચાનક સ્વામીજીએ પૂજામાં આપેલો ઉપદેશ યાદ આવ્યો. તે તરત જ પાછો વળ્યો અને જે સ્ટોરમાં જ્યાંથી બૉલ લીધો હતો, ત્યાં પાછો મૂકી આવ્યો.
ગઈ કાલે ૧ ડિસેમ્બર, ૨૦૨૨ના દિવસે જ જેમને ૧૦૧ વર્ષ પૂર્ણ થયાં તે પ્રમુખસ્વામી મહારાજ કેવળ બોલતા નહોતા, ‘ચારિત્ર્ય દૃઢ કરો અને ચારિત્ર્યવાન સમાજ તૈયાર કરો.’ પણ આવાં તો કેટલાંય સંસ્કારી બાળકો અને યુવાનોને ઘડીને એવો ઊજળો સંસ્કારી સમાજ તૈયાર કર્યો છે. જે બાળકની વાત કરી તે જ બાળક પ્રમુખસ્વામી મહારાજના હસ્તે સંત બની આજે પ્રમુખસ્વામી મહારાજનો નૈતિકતાનો સંદેશ વિશ્વને આપી રહ્યો છે.

લેખક બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત અને મૉટિવેશનલ સ્પીકર છે. તેમનો સંપર્ક કરી શકાય feedback@mid-day.com પર

columnists