ડાહ્યાનું ગાંડપણ અને ગાંડાનું ડહાપણ

24 September, 2022 05:32 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

ડાહ્યા અને ગાંડામાં શું ફેર છે એ ખાતરીપૂર્વક કહેવું ભારે મુશ્કેલ છે. ડાહ્યા માણસે પણ ક્યારેક ગાંડા થઈને આ સમજવા જેવું છે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

 કોલંબસ નામના એક માણસે પૃથ્વીનો સામો છેડો શોધવા માટે દરિયાઈ સફર ખેડવાનું કામ હાથમાં લીધું હતું. તત્કાલીન સમાજે તેને ગાંડો કહ્યો. આ ગાંડા માણસે જ રાતદિવસ જોયા વિના પોતાની વાત વિશેનું વળગણ ચાલુ જ રાખ્યું અને અંતે તેણે પોતાની વાત સિદ્ધ પણ કરી.

જગતનાં વાંચવા જેવાં પુસ્તકોની જો એક યાદી તૈયાર કરવામાં આવે તો એમાં ચાર્લી ચૅપ્લિનની આત્મકથાનો સમાવેશ કર્યા વિના ચાલે નહીં. ચાર્લી ચૅપ્લિનનું જીવન ભારે વિકટ સંજોગોમાંથી પસાર થયું હતું. એક સવારે બહારના એક ટોળાને બાળક ચાર્લીએ રસ્તા પરથી પસાર થતાં જોયું. આ ટોળામાં એક બકરું લંગડું હતું, એ ચાલી નહોતું શકતું. ટોળાની પાછળ કેટલાક છોકરાઓ આવતા હતા અને એ સહુ લંગડા બકરાની મજાક કરીને હસતા હતા. આ નાનકડા પ્રસંગને ચાર્લીએ આખી જિંદગી ભારે પ્રેરણાત્મક રીતે યાદ કર્યો છે. હાસ્યની ઉત્પત્તિ કોઈ શબ્દોથી થતી નથી, પણ બીજાની વેદનામાંથી પણ એ પેદા થાય છે. 

ચાર્લીએ જિંદગીભર લોકોને હસાવ્યા, તેણે પોતાની પીડા અને વેદના સંતાડ્યાં. ભાગ્યે જ હાસ્ય પેદા કરવા માટે તેણે શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેના અભિનયથી જ લોકો હસતા. ઓછામાં ઓછું બોલીને તેણે વધુમાં વધુ ચાહકો મેળવ્યા હતા (આપણા રાજ કપૂરે એ ચાર્લીના અભિનયની નકલ પોતાની ફિલ્મોમાં કરી હતી એ તો તમને યાદ જ હશે).

ચાર્લી અને આઇન્સ્ટાઇન
વાત સાચી હશે કે પછી માત્ર એક ટુચકો જ હશે. એ વિશે ખાતરીબંધ કહી શકાય એમ નથી. આમ છતાં ચાર્લી અને જગવિખ્યાત વૈજ્ઞાનિક તથા વિચારક આઇન્સ્ટાઇન બન્ને એક વાર મળી ગયા હતા એવી વાત જાણીતી છે. આ આઇન્સ્ટાઇન તેમના વિચારો તથા સંશોધન માટે જાણીતા હતા પણ તેમની વાત સહજ કે સરળ નહોતી. લોકો તેમને સમજી શકતા નહીં. પણ સમજી શકાતું નથી એટલે એમના વિષયને ભારે સન્માનપૂર્વક જોતા. 

હવે બન્યું એવું કે ચાર્લી અને આઇન્સ્ટાઇન જ્યારે પહેલી વાર મળ્યા ત્યારે આઇન્સ્ટાઇને ચાર્લીને કહ્યું કે તમે બહુ ઓછું બોલો છો. ભાગ્યે જ તમારા શબ્દોને કારણે તમારા ચાહકો વધતા હોય છે. તમે અશબ્દ હો છો છતાં લોકો તમને ચાહે છે. હું પણ તમારા આવા જ ચાહકોમાંનો એક છું.
આઇન્સ્ટાઇનની વાત સાંભળીને ચાર્લીએ એનો જવાબ વાળતાં કહ્યું, ‘તમારી વાત સાચી હોઈ શકે! તમે જે કહો છો એ વિચારોને પણ લોકો ભાગ્યે જ સમજતા હોય છે અને છતાં તમને તો એ લોકો સન્માન આપે જ છે. તમારા ચાહકોના આવા વર્ગમાં મારો પણ સમાવેશ થાય છે.’

બન્ને મુઠ્ઠી ઊંચેરા માણસોએ પરસ્પરને થોડાક જ શબ્દોમાં ઘણુંબધું કહી દીધું,

ગાંડો કોને કહેવાય? 
તમે ક્યારેય કોઈ માનસિક અસ્વસ્થ એટલે કે ગાંડાઓની સારવાર ચાલતી હોય એવી હૉસ્પિટલમાં ગયા છો? સારવાર લઈ રહેલો પ્રત્યેક ગાંડો દરદી ચોક્કસ ખાત્રીપૂર્વક એવું માનતો હોય છે કે તે પોતે તો સાવ ડાહ્યો છે અને તેની સારવાર કરી રહેલા તથા તેની મુલાકાતે આવેલા સહુ કોઈ ગાંડા માણસો છે. તમે પોતે તમારી જાતને ડાહ્યા માણસોમાં માનો છો પણ જરીક પાછું વળીને તમારા કેટલાક વતી મથેલા પ્રસંગોને સંભારશો તો શું એમ નથી લાગતું કે ક્યારેક તમે ડાહ્યા હોવા કરતાં ગાંડા હોવાનો થપ્પો વધુ સરળતાથી મેળવી શકાય છે. 
માણસ જ્યારે કોઈક વાતમાં ડાહ્યો મટીને ગાંડો થઈ જાય છે ત્યારે એ વાત બની જતી હોય એવું લાગે છે. લગભગ પાંચ શતાબ્દી પહેલાં યુરોપના લોકો જ્યારે એવું માનતા કે પૃથ્વી સાવ સપાટ છે ત્યારે કોલંબસ નામના એક માણસે પૃથ્વીનો સામો છેડો શોધવા માટે દરિયાઈ સફર ખેડવાનું કામ હાથમાં લીધું હતું. તત્કાલીન સમાજે તેને ગાંડો કહ્યો. આ ગાંડા માણસે જ રાતદિવસ જોયા વિના પોતાની વાત વિશેનું વળગણ ચાલુ જ રાખ્યું અને અંતે તેણે પોતાની વાત સિદ્ધ પણ કરી. સામે છેડે હિન્દુસ્તાન છે એવી તેણે ગણતરી માંડી. સામેનો છેડો તેને મળ્યો તો ખરો પણ એ હિન્દુસ્તાન નહોતું, અમેરિકા હતું. એ વાતની તેને છેક સુધી પ્રતીતિ થઈ નહીં.

આર્કિમિડીઝ અને યુરેકા યુરેકા
આજે સેંકડો વર્ષો પછી પણ જે માણસનું નામ ભુલાયું નથી અને વૈજ્ઞાનિક ક્ષેત્રે ભારે સન્માનપૂર્વક જેને યાદ કરવામાં આવે છે તે આર્કિમિડીઝ એ જમાનાનો સૌથી ડાહ્યો માણસ ગણાતો હતો. આ એ જ આર્કિમિડીઝ છે કે જેણે નાહવાના પાણીના ટબમાંથી નિર્વસ્ત્ર અવસ્થામાં જ કૂદકો મારીને બહાર ચાલવા માંડ્યું હતું અને જોર-જોરથી બૂમો પાડી હતી - યુરેકા યુરેકા! આ યુરેકા એટલે જડી ગયું-જડી ગયું. પદાર્થની ઘનતા વિશે તે કેટલાય દિવસથી વિચારી રહ્યો હતો પણ એનો કોઈ ઉકેલ તેને સૂઝતો નહોતો. આજે પાણીના ટબમાં સ્નાન કરતી વખતે પાણીની સપાટીને તેની આગળ-પાછળ થતી જોઈ ત્યારે તેને ઉકેલ મળી ગયો. એક ક્ષણનોય વિલંબ કર્યા વિના તે બહાર આવ્યો અને બધું જ ભૂલી ગયો. પોતાની નિર્વસ્ત્ર અવસ્થાની સુધ્ધાં તેને જાણ ન થઈ અને એ ડાહ્યો માણસ ગાંડા માણસની જેમ નિર્વસ્ત્ર અવસ્થામાં જ બહાર રસ્તા પર આવી ગયો. 

ડાહ્યા અને ગાંડામાં શું ફેર છે એ ખાતરીપૂર્વક કહેવું ભારે મુશ્કેલ છે. ડાહ્યા માણસે પણ ક્યારેક ગાંડા થઈને આ સમજવા જેવું છે.

columnists dinkar joshi