પાણીની આ મટકી કોણે ફોડી?

18 March, 2023 12:24 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

હવે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો એમાં કયા શસ્ત્રો વપરાશે એવો પ્રશ્ન કોઈકે આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પૂછ્યો હતો. એના જવાબમાં આઇન્સ્ટાઇને કહ્યું કે વિજ્ઞાનની પ્રગતિ જોતાં ત્રીજું વિશ્વયુદ્ધ કયાં શસ્ત્રોથી લડાશે એ કહેવું મારા માટે મુશ્કેલ છે

પ્રતીકાત્મક તસવીર

બીજા વિશ્વયુદ્ધમાં અણુશસ્ત્રોનો ઉપયોગ થયો અને મહાસંહાર સર્જાયો. હવે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો એમાં કયા શસ્ત્રો વપરાશે એવો પ્રશ્ન કોઈકે આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પૂછ્યો હતો. એના જવાબમાં આઇન્સ્ટાઇને કહ્યું કે વિજ્ઞાનની પ્રગતિ જોતાં ત્રીજું વિશ્વયુદ્ધ કયાં શસ્ત્રોથી લડાશે એ કહેવું મારા માટે મુશ્કેલ છે પણ ચોથું વિશ્વયુદ્ધ કયાં અને કેવાં શસ્ત્રો વડે લડાશે એની આગાહી હું કરી શકું છું. ચોથા વિશ્વયુદ્ધમાં જે શસ્ત્રો ઉપયોગમાં લેવાશે એ શસ્ત્રો પથ્થર, લાકડી, કુહાડી જેવાં હશે. આઇન્સ્ટાઇનનો આ જવાબ માણસને ચોંકાવી મૂકે એવો છે. સંકેત એવો છે કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો માણસજાતનો સર્વનાશ થશે એટલે જો ચોથું વિશ્વયુદ્ધ થાય તો બચી ગયેલા માણસોને પરસ્પર લડવા માટે આદિમાનવની જેમ પથ્થરો અને કુહાડીઓ તથા લાકડીઓ સિવાય કંઈ બચ્યું નહીં હોય.

ત્રીજું વિશ્વયુદ્ધ થશે?

શસ્ત્રાસ્ત્રોની વર્તમાન વૈજ્ઞાનિક દોટ જોતાં એવું લાગે છે કે કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ કરવાની હિમ્મત કોઈ નહીં કરે. બધા શસ્ત્રધારી દેશોને એ વાતની ગળા સુધી ખાતરી થઈ ચૂકી છે કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો કોઈ દેશ વિજેતા નહીં હોય. બધા જ દેશો પરાજિત હશે. યુદ્ધમાં ભાગ લેનાર તો ઠીક પણ ભાગ નહીં લેનાર તટસ્થ દેશ સુધ્ધાં વિનાશમાંથી ઊગર્યો નહીં હોય. ક્યુબાથી માંડીને આજે યુક્રેન સુધીનાં યુદ્ધો સામે નજર નોંધીએ છીએ ત્યારે એવું લાગ્યા વિના રહેતું નથી કે ખરેખર તો ત્રીજું વિશ્વયુદ્ધ તો કોઈનેય જોઈતું નથી. સહુ જાણે છે કે જો ખરેખર ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો કોઈનાય માટે બચવું શક્ય નથી.

પ્રશ્ન એવો પેદા થાય છે કે શું ખરેખર ક્યારેય ત્રીજું વિશ્વયુદ્ધ થશે ખરું? માણસના ગાંડપણનું કંઈ કહેવાય નહીં. વિશ્વની તમામ પ્રજાતિઓ હજારો વર્ષોથી પ્રાકૃતિક ધોરણે જીવે છે. 
માણસે આમ નથી કર્યું. તેણે અપ્રાકૃતિક ધોરણે પ્રકૃતિ ઉપર અસવાર થવાના સતત પ્રયત્નો કર્યા છે. આના કારણે પ્રાકૃતિક ધોરણે એ પરાજિત થાય એવી સંભાવના ખરી.

પોકાર પાણી માટેનો

દુનિયા આખીના ભવિષ્યને જુદી-જુદી દૃષ્ટિથી જોઈ શકનારા વૈજ્ઞાનિકોનો એવો મત છે કે હવે પછી જો યુદ્ધ થશે તો એ સમૃદ્ધિ માટે, વિકાસ કે વિસ્તાર માટે અથવા સામ્રાજ્ય માટે તો નહીં જ હોય. એક બાજુ માનવ વસ્તી ખૂબ ઝડપથી વધતી જાય છે. આ વધારાને વસવાટ માટે જમીન તો જોઈએ જ. અને ખોરાક પણ જોઈએ. હવે પછીનો પ્રશ્ન જમીન કે ખોરાક માટે નહીં હોય પણ પાણીના ટીપા માટે હશે. મીઠું, વપરાશ માટેનું પાણી જે ઝડપથી ઘટતું જાય છે અને માણસજાત પાણી માટેનો વપરાશ જે ઝડપથી વધારતી જાય છે એની ત્રિરાશિ માંડતાં ભારે ભયજનક ચિત્ર પેદા થાય છે. આજે કેટલાય દેશો અને રાજ્યો વચ્ચે સમાંતર વહેતી નદીઓના પ્રશ્ને આંતરકલહ થઈ જ રહ્યો છે. હવા કે ભૂમિ ઉપર માણસ પોતાનું કોઈ નિયંત્રણ કરી શકે એમ નથી. પાણી વિના મુદ્દલ જીવી શકાય નહીં. એક બાજુ માનવ વસ્તી વધતી જાય છે અને બીજી બાજુ વપરાશ યોગ્ય પાણીનો જથ્થો ઘટતો જાય છે.

પ્રકૃતિ પાસે સંતુલન છે

હજારો વર્ષોથી લાખો પ્રજાતિઓ જન્મતી રહી છે અને જીવતી રહી છે. જે પ્રકૃતિ જન્મ આપે છે એ પ્રકૃતિ એના સંવર્ધનની ગોઠવણ કરતી જ હોય છે. ખાદ્ય પદાર્થો અને અન્ય વ્યવસ્થા આપોઆપ થતી જ હોય છે. આમાં શરત માત્ર એટલી જ હોય છે કે ઉપભોક્તાએ એનો વપરાશ પ્રાકૃતિક ધોરણે કરવો જોઈએ. જળના વપરાશમાં માણસે આમ નથી કર્યું. ગંગા, નાઇલ, મિસિસિપી કે વૉલ્ગા આ નદીઓ હજારો વર્ષોથી નદીકાંઠાના પ્રદેશોને પૂરતું પાણી આપી રહી છે. એ પાણીને હવે આજે વાપરી ન શકાય એવા સ્તરે આપણે જ મૂકી દીધું છે. આમ ખરું કહીએ તો પ્રશ્ન પાણીનો નથી પણ પાણીના બગાડનો છે. જમીનના તળમાં પણ પૂરતું પાણી પ્રકૃતિએ મૂક્યું જ છે. સપાટી ઉપર રહીને આપણે એ તળના પાણીને પણ વપરાશ યોગ્ય રહેવા દીધું નથી. વિકાસ અને પ્રગતિના નામે આપણે જે વૈજ્ઞાનિક સિદ્ધિ હાંસલ કરવા દોટ મૂકીએ છીએ એના પરિણામ વિશે થોડીક શાણી વિચારણા થવી જોઈએ.

મટકી ફોડી કોણે?

રાજા ભરથરીના નામે ઘણી લોકવાયકાઓ આપણે ત્યાં પ્રચલિત છે. એક લોકવાયકા એવી છે કે રાજા ભરથરી અને તેની રાણી વચ્ચે અત્યંત સ્નેહ હતો. એક વાર વાત-વાતમાં રાણીએ રાજાને કહ્યું કે તમારી ગેરહાજરીમાં હું એક ક્ષણ પણ જીવી શકું નહીં. રાજાને રાણીની આ વાત સાંભળીને એક કમત્ય સૂઝી. શિકાર કરવાના બહાને એક સાથીદારને લઈને તે જંગલમાં ગયો. જંગલમાંથી રાજાએ પેલા સાથીદાર સાથે રાણીને કહેવડાવ્યું કે જંગલનાં હિંસક પશુઓએ રાજાને ફાડી ખાધો. આમ શિકારી રાજા પોતે જ શિકાર બની ગયો છે.

રાજાના મૃત્યુની વાત રાણી માટે ભારે આઘાતજનક નીવડી. આ આઘાત એ જીરવી શકી નહીં અને તત્કાળ મૃત્યુ પામી. રાજા જ્યારે જંગલમાંથી પાછો આવ્યો ત્યારે રાણીના મૃત્યુની દુર્ઘટના જાણીને તેના હોશકોશ ઊડી ગયા. તેણે તો માત્ર ગમ્મત ખાતર શિકારની વાત ઉપજાવી કાઢી હતી. આક્રંદ કરતાં-કરતાં તેણે રાજ્ય છોડી દીધું અને સ્મશાનના ઘાટ પાસે જઈને વિસામો કર્યો. મધરાતે એક વૈરાગી સાધુ ત્યાં આવ્યો અને તેણે પોતાના હાથમાં રહેલી મટકીને રાજાના પગ પાસે જોરથી ફોડી નાખી. મટકી ફોડ્યા પછી એ રુદન કરવા માંડ્યો. રાજાએ આ જોઈને તેને પૂછ્યું, ‘હે મહારાજ, તમે શાના માટે રુદન કરો છો? મટકી તો તમે જ ફોડી છે. હવે એ તૂટેલી મટકી પર આંસુ સારવાનો શો અર્થ?’

‘તારી વાત સાચી છે રાજા,’ સાધુએ હળવાશથી કહ્યું, ‘જે રીતે મેં મારી મટકી ફોડી એ જ રીતે તેં પણ તારી મટકીને જાતે જ ફોડી નાખી છે. હવે આક્રંદ શા માટે કરે છે?’  
સાધુની વાત સાંભળીને રાજાએ શો જવાબ આપ્યો એ આપણે જાણતા નથી પણ પ્રકૃતિએ આપણને આપેલા અફાટ જળરાશિને બગાડી મૂક્યા પછી જો આપણે પાણી માટે રુદન કરીએ તો પેલો સાધુ આપણને શું કહેશે?

columnists dinkar joshi