સમજવા જેવી એક આટલીક અમથી વાત

28 January, 2023 12:06 PM IST  |  Mumbai | Dinkar Jani

આજે અહીં જે વાત કહેવાની છે એ બ્રાહ્મણની વાત છે એટલે એ ગરીબ હતો એ સર્વ સામાન્ય સત્યનો સ્વીકાર.

ગુજરાતી મિડ-ડે લૉગો

 એક હતો બ્રાહ્મણ. વાતની શરૂઆતમાં જ જો આમ કહીએ તો વાચકને બીજું વાક્ય કહેવાની જરૂર જ ન પડે. વાચક આપોઆપ સમજી જ જાય કે બીજું વાક્ય આમ જ હોય - બ્રાહ્મણ બહુ ગરીબ હતો. બ્રાહ્મણ હંમેશાં ગરીબ જ હોય એ સર્વ સાધારણ વાક્ય. હવે જો એમ કહીએ કે એક હતો વાણિયો તો બીજું સર્વ સાધારણ વાક્ય આમ હોય - વાણિયો ભારે ચતુર હતો. આજે અહીં જે વાત કહેવાની છે એ બ્રાહ્મણની વાત છે એટલે એ ગરીબ હતો એ સર્વ સામાન્ય સત્યનો સ્વીકાર.

ગામ નાનું સરખું, પણ ગામને પાદર એક શિવમંદિર અને આ બ્રાહ્મણ શિવમંદિરના પૂજારી તરીકે વર્ષોથી પોતાની પત્ની અને એક છ-સાત વરસના પુત્ર સાથે રહેતો હતો. પૂજાપાઠ કરે, કથાવાર્તા કરે અને ગામલોકો તેને દાનદક્ષિણા આપે, સીધુંસામાન આપે અને આમ બ્રાહ્મણના કુટુંબનો નિર્વાહ થતો રહે.
હવે એક વાર એવું બન્યું કે સંધ્યા ટાણે શિવપાર્વતી આકાશમાં વિહાર કરી રહ્યાં હતાં. પાર્વતીજીએ નીચે જોયું. આ બ્રાહ્મણનો ગરીબ સંસાર તેમની નજરે પડ્યો. બ્રાહ્મણ પવિત્ર હતો, તપસ્વી હતો, શિવભક્ત હતો અને આમ છતાં આવો દરિદ્ર કેમ એવો પ્રશ્ન તેમના મનમાં ઊઠ્યો. તેમણે આ પ્રશ્ન શિવજી સમક્ષ મૂક્યો અને કહ્યું - ‘હે મહાદેવ, તમારો ભક્ત આવો ગરીબ ન હોવો જોઈએ. તમે તેને સંપત્તિ આપો.’ સતીની આ વાત સાંભળીને શિવજીએ એક ક્ષણ આંખ મીંચી દીધી અને પછી બોલ્યા - ‘હે દેવી, આ બ્રાહ્મણના પ્રારબ્ધમાં ગરીબી જ લખાયેલી છે. હું તેને કોઈ રીતે ધન આપી શકું નહીં અને છતાં તમારા આગ્રહથી તેને ધન આપું તો તે ભોગવી શકે નહીં.’

‘પ્રભુ, તમારી આ વાત મને ગમતી નથી. તમારા ભક્તોને શું તમે બે મુઠ્ઠી ધાન ન આપી શકો? મારો આગ્રહ છે કે તમે તેની ગરીબી દૂર કરી દો,’ પાર્વતીજીએ જાણે કે હઠ લીધી. શિવજીએ સતીની વાત સ્વીકારી લીધી અને કહ્યું - ‘દેવી, આપણે નીચે જઈએ અને આ બ્રાહ્મણના પરિવારના દરેક જણને તે જે માગે એ આપીએ.’
સંજોગોવશાત્ બ્રાહ્મણની પત્ની દરવાજા પાસે ઊભી હતી. ઘણા લાંબા સમયથી તે બીમાર હતી અને માંદગીથી તે કંટાળી ગઈ હતી. શિવજીનાં દર્શન કરીને તે પ્રસન્ન થઈ ગઈ. શિવજીએ તેને કહ્યું - ‘પુત્રી, માગ માગ, આજે તું માગે એ આપું.’ બ્રાહ્મણી માંદગીથી કંટાળી ગઈ હતી. તેણે માગ્યું - ‘હે ભગવાન, થોડાં વરસો પહેલાં હું જુવાન હતી, રૂપાળી હતી. મને ફરી એક વાર એવીને એવી જ જુવાન અને રૂપાળી બનાવી દો.’  શિવજીએ કહ્યું - ‘તથાસ્તુ.’

જુવાન અને રૂપાળી બની ગયેલી બ્રાહ્મણી શિવમંદિરમાં જતી રહી ત્યારે તેનો પતિ બ્રાહ્મણ બહાર આવ્યો. શિવજીનાં દર્શન કરીને એ પણ રાજી-રાજી થઈ ગયો. શિવજીએ તેને પણ વરદાન માગવાનું કહ્યું. પત્નીને અહીં ઊભેલી નહીં જોતાં બ્રાહ્મણે ત્યાં ઊભેલા પોતાના બાળક પુત્રને પત્ની વિશે પૂછ્યું. પુત્રે પિતાને માતા જે રીતે જુવાન અને રૂપાળી બની ગઈ હતી એની વાત કરી. બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયો. શિવજી પાસેથી આવું વરદાન માગનારી પત્ની ઉપર તેને રોષ ચડ્યો. તેણે શિવજીને કહ્યું - ‘હે પ્રભુ, મારી પત્નીને કાણી, કુબડી, કદરૂપી અને વૃદ્ધ બની જાય એવું વરદાન મને આપો.’ શિવજીએ તેને પણ તથાસ્તુ કહ્યું. બીજી જ ક્ષણે કદરૂપી અને વૃદ્ધ બની ગયેલી પેલી બ્રાહ્મણી બહાર આવી. માતાની આ હાલત જોઈને બાળક રડવા માંડ્યું. તેને રડતો જોઈને શિવજીએ તેને પણ કહ્યું - ‘પુત્ર, તું પણ તને જે જોઈતું હોય એવું એક વરદાન માગી લે.’ બાળકે માતા સામે જોઈને પ્રભુને કહ્યું - ‘પ્રભુ, મારી માતાને એ જેવી હતી તેવી જ કરી દો.’ શિવજીએ તેને પણ તથાસ્તુ કહ્યું. અને આમ શિવજીએ આપેલાં ત્રણ વરદાનો પછી પણ ગરીબ બ્રાહ્મણના પરિવારની હાલત તો એની એ જ રહી. શિવજીએ સતી પાર્વતીને કહ્યું - ‘હે દેવી, તેમના પ્રારબ્ધમાં જે લખાયું હતું એનું એ જ તેમની પાસે રહ્યું છે. ત્રણ વરદાનો મેળવ્યા છતાં તેમને કંઈ મળ્યું નથી.’

પ્રારબ્ધ અને પુરુષાર્થ | ભગવાન શ્રીકૃષ્ણે કુરક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો છે એમાં આખરે એમ પણ કહ્યું છે કે માણસ ગમે એવો કુશળ હોય, બધી વિદ્યાનો જાણકાર હોય અને પરિશ્રમ પણ પુષ્કળ કરે એને આમ છતાં પણ પ્રારબ્ધ વિના સિદ્ધિ મળતી નથી. શિવજી જેવા મહાદેવ પણ પેલા કંગાળ બ્રાહ્મણને સંપત્તિવાન બનાવી શક્યા નહીં. આનો અર્થ એવો નથી કે માણસે કશો પરિશ્રમ કરવો ન જોઈએ અને તેના પ્રારબ્ધમાં જે લખાયું હશે એ બધું તેને આપોઆપ મળી જ રહેશે. આનો સંકેત માત્ર એટલો જ છે કે નર્યો પરિશ્રમ ફળદાયી થતો નથી અને પરિશ્રમ વિના પ્રારબ્ધમાં જે લખાયું હોય એ બધું આપોઆપ પ્રાપ્ત પણ થતું નથી. પરિશ્રમ કરવાનો વિચાર પણ માણસને તેના પ્રારબ્ધમાં લખાયું હોય તો જ આવે છે. પ્રારબ્ધ એટલે કર્મ પ્રત્યેની શ્રદ્ધા અને પુરુષાર્થ એટલે કર્મ. આમ કર્મ અને શ્રદ્ધા સાથે સંકળાય છે ત્યારે જ માણસ કશુંક હાંસલ કરી શકે છે. દેખીતી રીતે આ એક સીધીસાદી સમજણ છે. આમ હોવા છતાં આના વિશે પુષ્કળ મતમતાંતરો થયા કરે છે. આટલીક અમથી વાતનો જો માણસ સ્વીકાર કરી લે તો તેની પાર વિનાની સમસ્યાઓ હળવી થઈ જાય છે.

columnists dinkar joshi gujarati mid-day